| 
હાલમાં જ પૂરી દુનિયાએ વેલેન્ટાઇન દિવસ ઉજવ્યો. વિશુદ્ધ પ્રેમના સંદેશને પ્રસરાવતો આ દિવસ પશ્ર્ચિમના દેશોની દેણ છે. જોકે, આ જ અરસામાં દર વર્ષે ભારતમાં તો વસંતઋતુનું આગમન થયેલું જ હોય છે. ઋતુઓની રાણી તરીકે ઓળખાતી વસંતઋતુને તમે પ્રેમઋતુ પણ કહી શકો. આ દિવસોમાં ભારતમાં લગ્નસરાની મોસમ પૂર બહારમાં ખીલેલી હોય છે. સ્નેહના આ બંધનો થકી તમારા હૃદયની લાગણીઓ ઝણઝણી ઊઠે છે મતલબ કે લાગણીનું સુખ જેને અંગ્રેજીમાં ઇમોશનલ હેલ્થ કહેવાય તે સુધરે છે. જોકે, આજનું સંશોધન તો કહે છે કે પ્રેમ હકીકતમાં આપણા તન-મનના સ્વાસ્થ્ય પર પણ લાભદાયી અસર કરે છે.
પ્રેમની કેમેસ્ટ્રી અને બાયોલોજીને સારી પેઠે સમજીને હવે વિજ્ઞાને પણ એ વાત કબૂલી છે કે પ્રેમને તંદુરસ્તી-મનદુરસ્તી સાથે સીધો સંબંધ છે. તો ચાલો આપણે જાણીએ પ્રેમ તમારી શારીરિક કે માનસિક સ્વસ્થતામાં કેવી રીતે વધારો કરી શકે છે.
તમને ખૂબ સારું લાગે છે
એક સંશોધન પ્રમાણે તમે પ્રેમની અનુભૂતિ કરતા હોવ એ ક્ષણ સુખનો બોધ આપે છે. ક્ષેમકુશળની ભાવના જન્મે છે. એટલું જ નહીં પણ એની સાથે ડોપામાઇન અને ઓક્સિટોસિન નામના અંત:સ્રાવ પણ ઝરવા માંડે છે. ડોપામાઇનના ઝરવાથી શરીર શક્તિ, સ્ફૂર્તિ અને ઉત્સાહનો અનુભવ કરે છે. ઓક્સિટોસિન તો પ્રેમના હોર્મોન તરીકે જ ઓળખાય છે. આ અંત:સ્રાવના ઝરવાથી સુખની લાગણી તો અનુભવાય છે, સાથે મૂડ પણ સૂધરે છે.
બ્લડ પ્રેશર ઓછું થાય છે
ડૉ.ક્રિસ્ટોફર સુહર નામના એમ.ડી., કાર્ડિયોલોજિસ્ટ તો ત્યાં સુધી જણાવે છે કે પ્રેમ માણસના તનમનમાં શાંતિનો અનુભવ કરાવે છે. શાંત મન અને મગજ આપણા બ્લડ પ્રેશરને નીચું રાખવામાં મદદ કરે છે. આથી ઊલટું ક્રોધ, ઇર્ષ્યા અને તિરસ્કારવૃત્તિથી મન અશાંત થાય છે. બ્લડ પ્રેશર વધે છે અને સાથે હૃદયની બીમારીની શક્યતાઓ પણ વધે છે.
તીવ્ર દુખાવામાં રાહત મળે છે
સાલ 2010માં સ્ટેનફોર્ડ યુનિવસિર્ંટી સ્કૂલ ઓફ મેડિસિનમાં થયેલા સંશોધન અનુસાર શરીરના તીવ્ર દુખાવામાં રાહત આપે છે. પ્રેમ અને હૂંફ ભર્યા સંબંધો મગજના એ જ વિસ્તારને અસર કરે છે જે વિસ્તાર પર દર્દનાશક દવા ( પેઇન કિલર) અસર કરે છે. તેનો મતલબ એ થયો કે મગજ પર પેઇન કિલર જેવી અસર પ્રેમભાવની પણ થાય છે.
હતાશા અને માનસિક તાણ ઘટે છે
જ્યારે વ્યક્તિ કોઇની સાથે તંદુરસ્ત પ્રેમસંબંધમાં હોય ત્યારે તેનો આત્મવિશ્ર્વાસ બુલંદ હોય છે. મારા પક્ષમાં કોઇક એવું છે જે મારા વિશે વિચારે છે, મારું ધ્યાન રાખે છે. મારી સારસંભાળ લે છે. મારા સુખ કે દુ:ખમાં ભાગીદાર બને છે. આ વિચાર જ તમને હતાશ થવા દેતો નથી.
આયુષ્ય વધે છે
ઘણાં સંશોધનોથી જાણવા મળ્યું છે કે જે લોકો પરણેલા હોય કે કોઇકના ગળાબૂડ પ્રેમમાં હોય, કે પછી જેમની પાસે નજદિકી મિત્રોનું સારુ એવું ગ્રુપ હોય તે લોકો કોઇ એકલી (સિંગલ) વ્યક્તિ કરતાં વધુ જીવે છે. આ લોકો એકબીજા સાથે પોતાના દુ:ખ અને આઘાતની લાગણી વહેંચી શકે છે. પોતાના મનનો ભાર હળવો કરી શકે છે. જીવનસાથી, સમાજ કે મિત્રોનો સહકાર મળે તો ચિંતા સતાવતી નથી. ડિપ્રેશનથી દૂર રહી શકાય છે જેનાથી આવરદા વધે છે.
તો હવે એટલું તો નક્કી જ છે કે તમે પરિણીત હો કે કોઇની સાથે સમર્પિત ભાવથી પ્રેમસંબંધમાં હોવ કે પછી હમણાં જ પ્રેમયાત્રા શરૂ કરી હોય, તમારા એ પ્રેમી પાત્રનો આભાર માનો. કારણ કે એ માત્ર જોડીદાર જ નહીં, તમને તંદુરસ્ત રાખતું પરિબળ પણ છે.
અન્ય પ્રકારનાં સ્વાસ્થ્ય સુખ
બૌદ્ધિક સુખ
અત્યાર સુધી આપણે જોયું કે પ્રેમથી લાગણીનું સુખ, માનસિક સુખ અને શારીરિક સુખ પ્રાપ્ત થાય છે. આ સુખ તમને કે તમારા જીવનસાથીને મળે છે. પણ આ પ્રેમચિકિત્સા થકી જો લાગણીનો વ્યાપ વધારી શકાય તો આપણું બૌદ્ધિક,વ્યવસાયિક, પર્યાવરણીય અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય પણ વધે છે.
ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે ક્રોધ કરવાથી માણસ સંમોહિત થાય છે. આ અવસ્થામાં તે સ્મૃતિ ગુમાવે છે. તેને સારા-નરસાનું કંઇ ભાન નથી રહેતું, તે વિવેક અને બુદ્ધિ ખોઇ બેસે છે. મનુષ્ય બીજા બધાં પ્રાણીઓથી આ બુદ્ધિ વડે જ તો અલગ તરી આવે છે. જે મનુષ્ય બુદ્ધિ ગુમાવે છે તે જીવતો છતાં મુએલા જેવો છે. બીજી બાજી પ્રેમપૂર્વક જીવે છે તેનું દિમાગ હંમેશા શાંત રહે છે. તેની યાદશક્તિ અને બૌદ્ધિક ક્ષમતા ખીલી ઊઠે છે. મતલબ કે તે જે નિર્ણય લે છે તે બુદ્ધિપૂર્વક લેવાયેલા નિર્ણય હોય છે.
અમેરિકા અને કેનેડા પડોશી દેશ છે પણ બેઉ દેશો પ્રેમ અને ભાઇચારાથી રહે છે તો તેમની બૌદ્ધિક શક્તિ સંરક્ષણમાં ન ખર્ચાતાં નવા નવા સંશોધનો હાથ ધરવામાં વપરાય છે. યુરોપના દેશો પણ પ્રેમપૂર્વક અને શાંતિથી રહે છેે. આવું જ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનું છે. આ દેશોમાં એક એકથી ચઢિયાતા બુદ્ધિવાન વૈજ્ઞાનિકો પાકે છે, જ્યારે ભારત અને પાકિસ્તાન બે પડોશી દુશ્મન પ્રેમની બદલે નફરતથી વર્તે છે. બેઉનો મોટા ભાગનો પૈસો અને શક્તિ એકમેક સાથે લડવામાં જ વપરાય છે, પછી મોટી સંખ્યામાં વૈજ્ઞાનિકો ક્યાંથી ઉદ્ભવે?
પ્રેમથી જ બુદ્ધિનું સ્તર વિકસાવી શકાય છે.
વ્યાવસાયિક સુખ
તમે નોકરી કરતા હોવ કે ધંધો, બોસ હોવ કે ઘરાક, ઓફિસમાં તમારા હાથ નીચે કામ કરતાં આસિસ્ટન્ટ હોય કે પછી તમારા ખુદના વ્યવ્સાયમાં તમારે ત્યાં નોકરી કરતાં માણસો હોય, બધ્ધે એક જ વાક્ય લાગું પડે છે સબસે ઊંચી પ્રેમ સગાઇ.
તમે ભણેલા હોવ કે અભણ પ્રેમની તાકાતથી કોઇ પણ કામ કરો કે કરાવી શકો છો. સંત તુલસીદાસની પેલી બે પંક્તિઓ તો તમને યાદ જ હશે કે,
'પોથી પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોઇ,
ઢાઇ અક્ષર પ્રેમ કા પઢે સૌ પંડિત હોય.'
જે કામ તમે તમારા માણસો પર રોફ ઝાડીને કરાવી શકો એનાથી બમણુ કામ તમે તેમની સાથે પ્રેમપૂર્વક કઢાવી શકો છે. ધંધામા પણ ઉતાર ચઢાવ આવતા રહેતા હોય છે. ગુસ્સો કરવાથી વ્યવસાયનું ભવિષ્ય બગડે છે જ્યારે પ્રેમપૂર્વકના વર્તનથી ધંધાનું ભવિષ્ય સુધરે છે.
પર્યાવરણીય સુખ
જાપાનના એક ડૉક્ટરે કહ્યું છે કે પ્રેમપૂર્વક ઉચ્ચારાયેલા શબ્દો વાયુમંડળ અને પાણી ઉપર સારી અસર ઊભી કરે છે, જ્યારે ક્રોધ કે તિરસ્કાર યુક્ત વાક્યોથી કે ગાળાગાળી કરવાથી વાતાવરણ કલૂષિત થાય છે.
માત્ર વાયુ કે જ્ળ જ નહીં, પ્રેમથી પ્રાણી કે વનસ્પતિનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. પ્રાણી કે વનસ્પતિનું બૌદ્ધિક તંત્ર નબળું હોય છે, પણ લાગણીતંત્ર અત્યંત સબળ હોય છે. પેલાં સિદ્ધાર્થ અને દેવદત્તની વાર્તા તો તમે નાનપણમાં વાંચી કે સાંભળી જ હશે. દેવદત્ત એક આકાશમાં ઊડતા પંખીને તીરથી ઘાયલ કરે છે, આ પક્ષી દર્દથી પીડાઇને જમીન પર પટકાય છે. નજીકમાં ઊભેલો સિદ્ધાર્થ દોડતો આવે છે. તેના શરીરમાં ખૂંપેલું તીર બહાર કાઢીને પ્રેમપૂર્વક સારવાર કરીને બચાવી લે છે. એટલી વારમાં દેવદત્ત દોડતો આવે છે અને કહે છે કે આ પંખીને મેં માર્યું છે એટલે એ મારું છે. બીજી બાજુ સિદ્ધાર્થ કહે છે આ પંખીને મેં બચાવ્યું એટલે એ મારું છે. ઝઘડો પતતો નથી એટલે બેઉ જણ રાજા પાસે જાય છે. રાજા કહે છે કે એમાં શું થયું પક્ષીને સ્વતંત્ર કરો અને બેઉ જણ વારાફરતી બોલાવો. પક્ષી જેની પાસે જાય, પક્ષી એનું. પક્ષીએ સિદ્ધાર્થમાં પ્રેમ અને કરુણા ભાળી. પક્ષી સિદ્ધાર્થ પાસે જાય છે.
અરે, માત્ર સજીવો જ શું કામ તમારી આસપાસ કોઇ નિર્જીવ વસ્તુઓને પણ જેમ તેમ ન ફંગોળતા વ્યવસ્થિત રાખશો તો ફાયદામાં જ રહેશો.તેમનું પણ પેમપૂર્વક હેન્ડલિંગ કરશો તો એ વધુ ટકશે. ધડાધડ કરવાથી કે ગુસ્સાથી તેમની સાથે કામ લેવાથી તેમનું આયુષ્ય પણ ઘટશે.
આધ્યાત્મિક સુખ
તમારામાંથી ઘણા લોકોને ખબર ન હોય તો કહી દઇએ કે સ્વામી વિવેકાનંદે પ્રેમયોગ પર આખું પુસ્તક લખ્યું છે. કર્મયોગ કે જ્ઞાનયોગ દ્વારા જ ઇશ્ર્વર પ્રાપ્તિ થાય એ જરૂરી નથી. પ્રેમયોગથી પણ પરમાત્માને પામી શકે છે, ભગવાન મહાવીર અને બુદ્ધનો પ્રેમ કરુણારૂપે વહે છે તો નરસિંહ અને મીરાનો પ્રેમ ભક્તિરૂપે વહે છે. વળી રાધા અને સુદામાનો પ્રેમ સખા રૂપે વહે છે. આ દરેકને ભગવદ્ પ્રાપ્તિ થઇ જ છે. ભગવાનને આપણે રોજ થાળ ધરાવીએ છીએ, પણ એ ભાવતાં ભોજનનાં નહીં, પ્રેમભાવના ભૂખ્યા છે. જ્ઞાની કે કર્મયોગી શંકા-કુશંકા કે ભાતભાતની દલીલો કરતો હોઇ શકે. વ્હેમીલો હોઇ શકે, જ્યારે પ્રેમથી ઇશ્ર્વરને સમર્પિત થયેલો માનવી વ્હેમ અને શંકા કુશંકાથી પર હોય છે.
પ્રેમ જેવી કોઇ દવા નથી,
જ્યારે વહેમની કોઇ દવા નથી
અઢી અક્ષર પ્રેમના છે, તો વ્હેમમાં પણ અઢી અક્ષર જ છે. પણ પ્રેમ માણસને તારે છે, જયારે વ્હેમ માણસને ડુબાડે છે. પ્રેમ સમર્પણ ભાવને જન્મ આપે છે તો વ્હેમ શંકા-કુશંકા ઉત્પન્ન કરે છે. પ્રેમ હૃદયને સ્વસ્થ રાખે છે તો વ્હેમ હૃદયને ખિન્ન બનાવી દે છે.
પ્રેમથી બગડેલા સંબંધો સુધરે છે, જ્યારે વ્હેમથી સુધરેલા સંબંધો બગડે છે. મનમાં એક વાર વ્હેમ ઘર કરી જાય તો કોઇ દવા પણ કારગર નીવડતી નથી. જ્યારે પ્રેમ તો ખુદ દવા જેવું કામ કરે છે. કોઇ પણ પ્રકારની દવા, પછી એ સિરપ હોય કે ટેબ્લેટ એ કડવી હોય છે. અથવા તો એ સુગર કોટેડ હોય છે. જ્યારે પ્રેમ એ નખશીખ મીઠી દવા છે.
આપણને ઇંજેક્શન આપવામાં આવે ત્યારે એ શરીરને વેદના આપે છે પછી શક્તિ આપે છે. પ્રેમ તો નિરંતર શક્તિ પ્રદાન કરે છે. પ્રેમ અને નર્યો પ્રેમ શાંતિ ઉત્પન્ન કરે છે જ્યારે અશાંતિનું બીજું નામ એટલે વ્હેમ. |
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtwL22DKznkaXcURX%2BREcOQL2u43Ozkxv3xKkbCOu%2BfAg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment