ગુજરાતમાં માધવપુર ઘેડ વિસ્તાર ત્રણ વિશેષતાઓ માટે ખ્યાત છે. તેનો અદ્્ભુત દરિયાકાંઠો+ઓશો આશ્રમ+મોચા હનુમાનની જગ્યા. દરિયો અને ઓશો આશ્રમ તો અન્યત્ર પણ મળે, પણ આ મોચા હનુમાનનું સ્થાનક નોખું-અનોખું છે અને તે પણ ત્યાંના હનુમાનજી માટે થઈને નહીં, પરંતુ એ હનુમાનજીનાં પૂજારી યુરોપિયન સાધ્વી સંતોષગીરી માતાજીને લઈને! પ્રશ્ન થશે કે હનુમાનજી ફક્કડ ગિરધારી હતા એટલે એમની પૂજા તો સ્ત્રીઓથી ન થઈ શકે અને આ તો સાધ્વીજી-એક નારી-તે પણ પાછાં વિદેશી, યુરોપિયન!
એ તો વળી હનુમાનજીનાં પૂજારી કેમ હોઈ શકે? આજથી લગભગ ચાલીસેક વર્ષ પહેલાં આવો પ્રશ્ન થયો હતો ઘણાને. અરે! વાંધો પણ ઊઠેલો કે, 'સ્ત્રી ને વળી હનુમાનભક્ત? નારી હનુમાનજીનું મંદિર બાંધે ને તેની પૂજા-આરતી કરે તે કેમ ચલાવી લેવાય?' થાય, શરૂ શરૂમાં બદલાવનો વિરોધ કરવાની ટેવ છે આ દેશના લોકોને, પણ એક વખત કંઈક બીજું લેબલ લાગે એટલે તરત સ્વીકાર થવા લાગે અને જો બદલાવ લાવનાર ટકી રહે તો તો એ સ્વીકાર આવકાર બને ને આવકાર ઝડપથી ભક્તિમાં પટલાઈ જાય!
નારીનો કેવળ નારી તરીકે સ્વીકાર કરવામાં આપણને કેમ તકલીફ પડતી હશે? સ્ત્રી અને પુરુષ બંને જીવ છે અને જીવ માત્રનો આદરથી સ્વીકાર છે, કોઈ લેબલ વગર
આ સત્ય કેટલું વ્યાપક છે તે અનુભવવું હોય તો મોચા હનુમાન સ્થાનકની ને તેનાં પૂજારી સાધ્વી સંતોષગીરીજીની એક મુલાકાત લેવી રહી. છ મહિના યુરોપ રહી નાણાં કમાઈને છ મહિના મોચા ખાતે ગરીબ બાળકોને ભણાવવામાં-દર્દીઓની દવા કરવામાં ને હનુમાનજીની ભક્તિ કરવામાં તે રકમ ખર્ચી નાખતાં આ સાધ્વીજી જે તળપદી વાણીમાં વંચિતો સાથે નાતો બાંધી બેઠા છે તે અદ્્ભુત છે. માથા પર ત્રણ હાથ લાંબી જટા ધરાવતી આ સાધ્વી સ્ત્રી અહીં એક પૂજારીન તરીકે સૌનાં દિલમાં વસી ગયેલ છે!
નારીનો નારી તરીકે અને તે પણ કેવળ નારી તરીકે સ્વીકાર કરવામાં આપણને કેમ તકલીફ પડતી હશે? સ્ત્રીનો મા તરીકે, બહેન તરીકે, પત્ની તરીકે, દીકરી તરીકે, અભિનેત્રી તરીકે, દેવી તરીકે, સાધ્વી તરીકે સ્વીકાર પણ 'સ્ત્રીનો કેવળ સ્ત્રી તરીકે' સ્વીકાર કેમ નહીં? જે છે તેનો નહીં, પણ અમે મારીએ તે લેબલ સાથે સ્વીકાર. આ રોગી માનસિકતા છે સમાજની.
અમારે જે સ્વરૂપમાં જોવાં છે તે રૂપમાં આવો તો હા, નહીં તો Go Back. મોચાનાં સાધ્વીજી કે ગોરજ મુનિ સેવાઆશ્રમના બ્રહ્મલીન અનુબહેનને જે તે સ્થાને બેસવામાં કેટલો સંઘર્ષ કરવો પડ્યો તે જાણો તો શબરીમાલાનો વિવાદ ઝાંખો પડે! સ્ત્રી મંદિરમાં ન જઈ શકે ને જાય તો ગર્ભગૃહમાં ન પ્રવેશી શકે! આ જીવસૃષ્ટિ માદાના ગર્ભગૃહમાંથી જ વિશ્વમાં અવતરે તેનો હરખ, પણ એ જ માદાને મંદિર કે ધર્મસ્થાનના ગર્ભગૃહમાં જવા પર નિષેધ! સ્ત્રી હનુમાનજીની પૂજા કે દર્શન હાથ જોડીને ન કરી શકે!
મુસ્લિમ સ્ત્રી મસ્જિદમાં આત્મસ્થ ન થઈ શકે! અરે! અહીં જ પ્રવેશવા મનાઈ કરો છો તો સ્ત્રી સ્વર્ગમાં પ્રવેશશે તે કેમ સ્વીકારી શકશો? હા, કહે છે, 'સ્ત્રીને મોક્ષ ન હોય, પહેલાં પુરુષ તરીકે જન્મે તો જ મોક્ષપાત્ર બને.' આ વળી કેવું ગતકડું! મલ્લીબાઈનું મલ્લીનાથ કર્યું પછી જ તેને તીર્થંકર બનાવ્યાં! તો વળી એક 'મંદિરો જ બાંધ્યા કરતો સંપ્રદાય' તો એવું ઠસાવે કે 'નારીને છોડો પછી જ મોક્ષ મળશે.' જન્મ લેવાનો એ જ નારીકુખે ને પછી તેને છોડો તો જ મોક્ષ મળે?! અહીં વિચિત્રમ્! કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના! લેબલ કે સ્ટિકર લાગે તો જ સ્વીકાર?
હિમાચલમાં 1950માં નીલ ગાય પાકને નુકસાન કરે છે તેનો ઊહાપોહ વધેલો. પાક બચાવવા નીલ ગાયને હણી ન શકાય તેથી કાયદાથી તેનું લેબલ બદલીને 'નીલઘોડા' કર્યું ને પછી તેને મારવાની છૂટ મળી ગઈ! એલા, પ્રાણીમાં માદા ને નરનું લેબલ લગાવ્યું ને
હત્યા કરી અને માનવજીવમાં એ જ નારીને હડધૂત કરવાની? બેવડાં ધોરણની પણ કોઈ હદ હોય કે નહીં?! સ્ત્રી ત્યાજ્ય છે, સ્ત્રી ભોગ્ય છે, પણ સ્ત્રી સહજ સ્વીકાર્ય નથી! નારીને પૂજ્ય ગણવાનો શ્લોક બોલવાનો ને નારીને પૂજા કરવાનો વિરોધ કરવાનો? સ્ત્રી અને પુરુષ બંને જીવ છે અને જીવ માત્રનો આદરથી સ્વીકાર છે, કોઈ લેબલ વગર.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsTVEMLJ3ZJ3W8aVvBAAsDBB0j8N785CCdfxpdZXtgH5g%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment