Tuesday, 12 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બ્રહ્મચર્ય વિશે બોલવું સહેલું,પણ પાળવું અઘરુ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બ્રહ્મચર્ય વિશે બોલવું સહેલું,પણ પાળવું અઘરુ!
સમજણ-મુકેશ પંડ્યા

 

 

 

 

આપણે ત્યાં બ્રહ્મચર્ય વિશે ઘણી જ ગેરસમજ પ્રવર્તે છે. વિજાતીય પાત્ર જોડે રતિક્રિડા ન કરવી એટલે બ્રહ્મચર્ય એવું વર્ષોથી દરેકના મનમાં ઠસાવાઇ રહ્યું છે. પણ બ્રહ્મચર્યનો આ એકમાત્ર મતલબ નથી. હકીકતમાં બ્રહ્મચર્ય એટલે પરમાત્માની નિકટ જવા માટેનાં કાર્યો. આ કાર્યોમાં શરીરની પાંચેય ઇન્દ્રિયો લાલચને વશ થઇને બાધારૂપ બનતી હોય છે. માટે સ્વેચ્છાએ તમે સંયમ રાખીને શરીર એ ભગવાનને પામવાનું સાધન છે, એમ માનીને કર્મો કરશો તો જરૂર આ જગતના સર્જકની એપોઇન્ટમેન્ટ મળી જશે. આપણા શરીરમાં પાંચ ઇન્દ્રિય-આંખ, કાન, નાક, જીભ, ત્વચા છે. આ પાંચ ઇન્દ્રિયોના વમળમાં આપણે જીવનભર એવા ખૂંપી જઇએ છીએ કે ઇશ્ર્વરને સુધ્ધાં ભુલી જઇએ છીએ. ટી.વી., રેડિયો કે મોબાઇલને આપણે વળગી રહીએ છીએ. પણ તેના ઉત્પાદકો કેટલા બુદ્ધિશાળી હશે જેમણે આવાં અદ્ભુત સાધનો બનાવ્યાં, એને વિસરી જઇએ છીએ. આ સાધનો બનાવનારા વૈજ્ઞાનિકોને મળવાનો સોમાંથી નવ્વાણું લોકોને ઉમળકો હોતો જ નથી. આ લોકો તો પોતાનાં સાધનોમાં જ મસ્ત હોય છે. આ જ રીતે મોટા ભાગના લોકો પ્રભુએ બનાવેલા શરીર અને તેનાં સાધનો (ઇન્દ્રિયો) માં જ રમમાણ હોય છે. પ્રભુને જાણવાને કે માણવાનો ઉમળકો હોતો નથી. બાકી જેમને પરમાત્માને પામવાની ઉત્કંઠા છે, તેમણે માત્ર ત્વચાસુખથી જ નહીં શ્રવણ, સુગંધ, સ્વાદ અને અશ્ર્લીલ દર્શનથી ક્રમશ: સ્વેચ્છાએ દૂર રહી પરમાત્માદર્શનનો લહાવો લેવાનો પ્રયત્નો કરવો જોઇએ.


અમદાવાદથી નીકળીને તમારે સમયસર મુંબઇ પહોંચવું હોય તો તમે વચ્ચેનાં સ્ટેશનો પર ઊતરી જઇને સમય બરબાદ કરતાં નથી. એ જ રીતે તમારા શહેર (આત્મા) અને પરમાત્મા વચ્ચે ઇન્દ્રિયો રૂપી શહેરો 'નાક'પુર,'નયન' નગરી, 'જીભ' નગર અને 'ત્વચા' પુરી આવેલાં છે. આ શહેરમાં જઇને આનંદ મેળવવો એ કુદરતી છે, પણ એમાંજ રચ્યાપચ્યા રહીએ તો પછી છેલ્લું સ્ટેશન પરમાત્મા નગર ક્યારેય જીવનમાં આવશે નહીં.


બ્રહ્મચર્ય એટલે સ્પર્શસુખનો નિષેધ એટલો જ અર્થ નથી, પરંતુ વિચાર, વાણી અને વર્તનથી મનથી પાંચેપાંચ ઇન્દ્રિયોની જંજાળમાંથી મુક્ત થવું અને બ્રહ્મનાં દર્શન કરવા તે બ્રહ્મચર્ય. ઘણી વાર વિજાતીય પાત્રના સ્પર્શથી તમે દૂર રહેવાનો પ્રયત્ન કરો, પરંતુ મનથી તેના જ વિચારો કરો કે સપના જુઓ કે પછી પ્રત્યક્ષ દૂરથી તેને જ જોયા કરો તો પણ વચ્ચે આડશ આવી જાય છે અને પ્રભુ દેખાતા નથી. એટલે તે નથી એવા પ્રકારના બૂમબરાડા ચાલુ થઇ જાય છે.


અમદાવાદથી નીકળેલા તમે વચ્ચે વડોદરા, સુરત કે વલસાડમાં ફસાઇ જાવ અને મુંબઇ ન પહોંચી શકો તો એ તમારી સમસ્યા છે. બાકી મુંબઇ તો જ્યાં છે ત્યાં જ છે ઇન્દ્રિયોને સંયમમાં રાખો એ કહેવું જેટલું સહેલું છે એટલું જ પાળવું અઘરું છે માટે જ ભારતીય સંસ્કૃતિમાં કેટલાય રીતરિવાજો અને તહેવારો છે જે તમને સ્વેચ્છાએ આ બધું પાળવા માટે માનસિક રીતે તૈયાર કરે છે. તમે ક્યારેય વિચાર્યું છે કે ભાઇ-બહેનના સંબંધને ઉજાગર કરતા રક્ષાબંધન જેવા તહેવારને સામાજિક સ્વરૂપ કોણે આપ્યું હશે? તે તહેવારના રૂપમાં કેમ ઊજવાતો હશે? તેનું કારણ ફક્ત એ જ છે કે રક્ષાબંધન, ભાઇબીજ, દિવાળી જેવા કૌટુંબિક તહેવારો ઊજવવાને કારણે તમે તમારામાં રહેલી વિકૃતિને દૂર રાખી શકો છો. જેટલી વાર તમે તમારાં ભાઇ-બહેન કે માતા પિતા સાથે હો તેટલા તમે વિજાતીય પાત્રના ક્ષુલ્લક આકર્ષણથી બચો છો. બહેન, અને માતા ને જોઇ સ્ત્રીમાં અલગ જ રૂપનાં દર્શન કરો છો ત્યાં વાસનાનો જન્મ જ નથી થતો. એ જ રીતે સ્ત્રીઓ પણ ભાઇ અને પિતા ને મળીને પુરુષ ને અલગ રૂપમાં જુએ છે. કામવાસનાનો અહીં આપોઆપ લોપ થાય છે. આવા તહેવારો જાહેરમાં ઊજવીને આપણે પરમાત્માની વધુ નજીક જઇ શકીએ છીએ. વિદેશોમાં આવા તહેવારો નથી એટલે તેઓ હવે ફાધર્સ ડે, મધર્સ ડે, બ્રધર્સ ડે અને સિસ્ટર્સ ડે જેવાં ડે શોધે છે. આપણે ત્યાં આવા દિવસો સામાજિક તહેવારો ને નામે પહેલેથી જ મોજૂદ છે, પરંતુ આપણને તેની કદર નથી. વિદેશથી આયાત કરેલા ડે પર આપણને વધારે ભરોસો છે. ટૂંકમાં, બ્રહ્મને પામવા બ્રહ્મચર્ય પાળવું હોય તો સમૂહમાં રહો, સમાજમાં રહો તો એ પાળવું થોડુંક સહેલું બનશે. ઠંડા પાણીના માથાબોળ સ્નાનથી શરીર તો સારું અને સ્વચ્છ રહે જ છે, પરંતુ ઇચ્છા વાસના પર ઠંડું પાણી ફરી વળે છે અને બ્રહ્મચર્ય પાળવાની તમારી ઇચ્છા હોય તો માથાબોળ શીતળ સ્નાનથી તમને સહાયતા મળે છે ચાતુર્માસ એ ખાસ કરીને શ્રાવણ મહિનામાં વિવિધ તહેવારોનું જે સંયોજન છે તે પણ આપણને પરમાત્માની નજીક લઇ જવામાં ઘણું જ ઉપયોગી થાય છે. આટલું કર્યા પછી પણ વિજાતીય પાત્રનું રૂપ જોઇને મોહ ઉત્પન્ન થયો હોય તો ઘણા ધર્મગુરુઓ કહે છે એમ વિચારજો કે સ્ત્રી કે પુરુષ આટલાં સુંદર રૂપાળા હોય છે તો સ્ત્રી-પુરુષને જેમણે બનાવ્યા એ સર્જક પરમાત્મા કેટલા સુંદર અને બુદ્ધિશાળી હશે. ક્ષણિક આનંદ માટે વિજાતીય પાત્રના રૂપને હાંસલ કરવા માટે જે સમય અને શક્તિ વેડફીએ છીએ એટલો સમય અને શક્તિ પ્રભુને પ્રાપ્ત કરવા પાછળ ખર્ચીએ તો સચ્ચિદાનંદ કેમ ન મળે?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ovu3ca0%3DS2E608nADM7mCXJyyXyvRHDeGF3DNHMAab%3DBQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment