ફરી એકવાર મીડિયા દ્વારા આમજનતાને ભરમાવવાનું કામ શરૂ થઈ ગયું છે. વાતને સફેદફે કરી નાખો, દલીલને આડે પાટે લઈ જાઓ, ઍનાર્કિ ફેલાવો, અંધાધૂંધી ફેલાવો અને સામેવાળાનું માઈન્ડ ક્લુષિત કરી નાખો, એને ક્ધફયુઝ કરી નાખો. એ હદ સુધી કે છેવટે એ થાકીને-હારીને તમારી હામાં હા પુરાવતો થઈ જાય. આ દેશના સેક્યુલરો, વામપંથીઓ, સામ્યવાદીઓ દ્વારા ચાલતા પ્રિન્ટ મીડિયામાં, ઈલેક્ટ્રોનિક મીડિયામાં ડિજિટલ મીડિયામાં તેમ જ સોશ્યલ મીડિયામાં પુલવામા હુમલા પછી આ જ કામ શરૂ થઈ ગયું છે. રોજેરોજ છાપાવાળાઓ આ લેફ્ટિસ્ટોની ઉશ્કેરણીથી પૂછતા રહે છે કે મોદીએ શું કર્યું, મોદી કેમ કંઈ કરતા નથી, મોદીની 56ની છાતી ક્યાં ગઈ?
2001માં અમેરિકા પર નાઈન ઈલેવનનો હુમલો કરાવીને ન્યૂ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બે ટાવર્સને ધ્વસ્ત કરીને કુલ 2,977 વ્યક્તિઓનો જીવ લેવાનું કાવતરું કરનાર ઓસામા બિન લાદેનને ઠાર કરતાં અમેરિકાને પૂરાં દસ વર્ષ લાગ્યાં. 2011ની બીજી મેએ એને એના અબોતાબાદ (પાકિસ્તાન)ના ઘરમાં ઘૂસીને મારી નાખવામાં આવ્યો.
લેફ્ટિસ્ટ મીડિયાની ઉશ્કેરણીથી લોકો પણ પૂછતા થઈ ગયા છે કે ઈન્ડિયા કેમ ઈઝરાયલ જેવી હિંમત દેખાડતું નથી. પેલું તો કેવું ટચૂકડું રાષ્ટ્ર છે, ભારત તો કેવડો મોટો વિશાળ દેશ છે. ઈઝરાયલમાં કોઈ એક હેન્ડ ગ્રેનેડ ફેંકે તો ફેંકનારને ખબર છે કે પોતાનું દસગણું નુકસાન થવાનું છે.
ભારત રાતોરાત ઈઝરાયલ ન બની શકે. ઈઝરાયલ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું ત્યારે એને ડિપ્લોમેટિક માન્યતા આપીને એના અસ્તિત્વનો સ્વીકાર કરનારા સૌથી છેલ્લા દેશોમાં ભારત હતું. ભારતની સરકારો છેલ્લાં 70 વર્ષથી ભારતને ઈઝરાયલ નહીં પણ બંગલાદેશ જેવું ભિખારી રાષ્ટ્ર બનાવવાના પ્રયત્નોમાં લાગી પડેલા. હવે પરિસ્થિતિ બદલાઈ છે. 70 નહીં તો કમસેે કમ 7 વર્ષ સુધી તો રાહ જુઓ. અને ઈઝરાયલની જેમ 18 વર્ષની ઉપરના દરેક યુવાન માટે બે વર્ષ લશ્કરમાં સેવા આપવાનું ફરજિયાત બનાવવામાં આવશે ત્યારે કકળાટ નહીં કરતા. જોકે, આ લેફ્ટિસ્ટો પાછા કકળાટ કરવાના જ છે કે આવું કંઈ કમ્પલસરી થોડું હોય, આ તો તાનાશાહી થઈ કહેવાય.
લેફ્ટિસ્ટો મીડિયામાં સ્ટોરી પ્લાન્ટ કરે છે કે કાશ્મીર માટે અગાઉની સરકારોએ શું કર્યું ને શું નહીં તે વાત ભૂલી જઈને અત્યારે અવસર છે કે પક્ષાપક્ષીથી પર થઈને આર્ટિકલ 370 દૂર કરવાનો. અચ્છા? આવી સલાહ તમે કૉંગ્રેસના શાસન વખતે મુંબઈમાં તાજ-સી.એસ.ટી. પર 26/11નો હુમલો થયો અને 200થી વધુ લોકોનાં મોત થયા ત્યારે આપી હતી? શું કામ અત્યારે આપી રહ્યા છો? આ તબક્કે 370 હટાવાય તો કાશ્મીરમાં સિવિલ વૉર કરતાં પણ અનેકગણી સ્ફોટક પરિસ્થિતિ સર્જાય અને તે વખતે નાક કોનું કપાય? મોદીનું.
પુલવામા કરતાં અનેકગણી ગંભીર અને કપરી પરિસ્થિતિઓ કૉંગ્રેસ શાસન દરમિયાન સર્જાઈ. કોઈ મીડિયા મનમોહન સિંહ, સોનિયા કે રાહુલની પાછળ પડી ગયું નહોતું કે તમે સર્જિકલ સ્ટ્રાઈક કરો, પાકિસ્તાનને તબાહ કરી નાખો. તે વખતે તો આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે પણ મીડિયા પાકિસ્તાન સાથેના સંબંધો 'સુધારવાની' વાત કરતું, બે દેશોની પ્રજા 'દિલથી એક છે' એવી એવી વાતો કરતું. પાકિસ્તાની કળાકારોને ભારતમાં આવવા માટે લાલ જાજમ બિછાવવામાં આવતી.
ભારતની ક્રિકેટ ટીમમાં સલીમ દુર્રાની કરીને એક ક્રિકેટર હતો. એના માટે કહેવાતું કે સ્ટેડિયમમાંથી ફરમાઈશ આવે કે 'સિક્સર, સિક્સર, સિક્સર' એટલે એ બેટની વિવિધ દિશામાં ચીંધીને પૂછતો કે આ તરફ સિક્સર લગાવું કે પેલી તરફ. પછી લોકોની ફરમાઈશ મુજબ સિક્સર મારતો.
અત્યારની પરિસ્થિતિ કંઈ ક્રિકેટના ખેલ જેવું મનોરંજન નથી કે તમે 'સર્જિકલ સ્ટ્રાઈક, સર્જિકલ સ્ટ્રાઈક'ના પોકારો કરો એટલે મોદી તમારી ફરમાઈશ પૂરી કરવા તમને પૂછે કે ઉડી તરફથી કરું કે પૂંછ તરફથી?
મીડિયાએ જાણીજોઈને એની રેકૉર્ડ પરની સોય પુલવામા પર અટકાવી દીધી છે. મીડિયા મોદી માટે એવી પરિસ્થિતિ ઊભી કરી રહ્યું છે કે ઉતાવળે પગલું લઈને દેશને નુકસાન કરે એવું કંઈ બને તો મોદીને ચૂંથી નાખવાની તક મળે અને ધીરજપૂર્વક રાહ જોઈને લાગ મળે ત્યારનું પ્લાનિંગ કરે તો પણ મોદી માથે માછલાં ધોઈ શકાય. છપ્પનની છાતીવાળો તમારો પીએમ હાથમાં બંગડી પહેરીને બેસી રહ્યો છે. ઝીણું દળું તો ઉડી ઉડી જાય, જાડું દળું તો કોઈ ના ખાય. મોદી માટે એવી સિચ્યુએશન ઊભી કરવાની બાબતમાં મીડિયાએ હવે બદમાશીની પીએચ.ડી હાંસિલ કરી લીધી છે.
ઈલેક્શન માથે છે. રાફેલ સહિતના મોદી વિરુદ્ધના તમામ ઉધામાઓને સરિયામ નિષ્ફળતા મળી છે. મોદીની વિજયકૂચ નિશ્ર્ચિત છે. આવા સંજોગોમાં મોદીના અશ્ર્વમેધ યજ્ઞના હવનમાં હાડકાં નાખવા માટેનો પતાસા જેવો મુદ્દો લેફ્ટિસ્ટ મીડિયા અને સેક્યુલર વિપક્ષોના મોઢામાં બગાસું ખાતાં ખાતાં આવી પડ્યો છે.
એમને એમનું પતાસું ચગળવા દઈએ. અને આપણે કામે લાગીએ. મીડિયાથી દોરવાયા વિના, શહીદોને શ્રદ્ધાંજલિ આપીને, આગામી ચૂંટણીમાં એવી થમ્પિંગ મેજોરિટી સાથેની સરકાર ચૂંટીએ કે ભવિષ્યમાં પુલવામા જેવા હુમલા કરવાનું કોઈ વિચારે નહીં અને રક્ષા નીતિની બાબતમાં દેશને ઈઝરાયલનો પણ બાપ બનાવી શકે એવા નેતાના હાથમાં સુરક્ષિત રાખીએ કે એક પુલવામાના જવાબમાં 100 પુલવામા જેટલું નુકસાન થશે એવી દહેશતમાં પાકિસ્તાન સતત ફફડતું રહે. રાતોરાત આકામ નથી થવાનું. હજુ બીજાં પાંચ વર્ષ જોઈશે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ovzc0-2GdWcKR8ReNyvLX2nrxXgV73BHYXUn7m_z-59Ww%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment