ગાંધીજીને વાંધો ટેકનોલોજીના વિકાસની ગતિ સામે નહિ પણ તેના રખેવાળોની મતિ સામે હતો
દેશ અને વિશ્વમાં અબજોપતિની સંખ્યા વધે ત્યારે નહીં, હરખનો અવસર તો બાકીના અબજો નાગરિકો હજારોપતિ બનશે ત્યારે આવશે
''યાંત્રિક સંશોધનો અને વિજ્ઞાાન એ લોભના સાધનો મટી જવા જોઈએ. આજે તો થોડા માણસોને કરોડોની કાંધ ઉપર ચડી બેસાડવામાં યંત્રો મદદરૂપ થાય છે.''
- ગાંધીજી (હિન્દ સ્વરાજ - ૧૯૦૮)
વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક મીટિંગ પૂર્વે 'ઓક્સફામ' એજન્સીએ ભારતમાં સંપત્તિની વહેંચણી કઇ હદે અસમાન છે તેના ચોંકાવનારા આંકડા બહાર પાડયા છે. 'ઓક્સફામ' જણાવે છે કે ભારતની કુલ સંપત્તિના ૫૮ ટકા તો માત્ર ભારતની વસ્તીના એક ટકા પાસે છે. અમેરિકા અને યુરોપના વિકસીત દેશોમાં પણ આવી જ સ્થિતિ પ્રવર્તે છે. પણ ત્યાં સરેરાશ એક ટકા નાગરિકો જે તે દેશની ૫૦ ટકા સંપત્તિના માલિક છે તે રીતે જોતા ભારત શ્રીમંતો અને ગરીબો વચ્ચેની સૌથી લાંબી અને ઉંડી ખાઈ ધરાવે છે.
ભારતની વસ્તી પણ અન્ય દેશોની તુલનામાં વિરાટ છે તે જોતા વિશ્વની અંદાજે ૨૦ ટકા વસ્તી ધરાવતું ભારત વિશ્વના ગરીબોનું જાણે આશ્રય સ્થળ કહી શકાય. 'ઓક્સફામ'એ જે તારણ નીકાળ્યું છે તેમાં એક નિષ્કર્ષ એ પણ છે કે ભારતના ૫૭ અબજોપતિ પાસે ૨૧૬ અબજ ડોલરની (રૂ. ૧૫૧૨૦૦૦ કરોડ) સંપત્તિ છે અને આટલી જ રકમ તળિયાના ૭૦ ટકા નાગરિકો પાસે છે.
એટલે કે ૫૭ અબજોપતિ પાસે બાકીના ૭૦ કરોડ નાગરિકો જેટલી સંપત્તિ છે ! વિશ્વનું ચિત્ર જોઇએ તો વિશ્વના આઠ અબજોપતિ પાસે વિશ્વના ૫૦ ટકા વસ્તીની માથાદીઠ જેટલી સંપત્તિ છે. વધુ ચિંતાની બાબત એ છે કે આવી સ્થિતિ વચ્ચે પણ ગરીબોની આવક ૧૫ ટકા ઘટી છે જે ગ્રાફ હજુ નીચે તરફ જવાનો છે જ્યારે અમીરોની આવકમાં એ હદે વધારો થતાં જાય છે કે ભારત અને વિશ્વમાં અબજોપતિ વધતા જાય છે. ૨૦૦૮માં ભારતમાં ૨૭ અબજોપતિ હતા.
૨૦૦૯માં આ આંક બાવન અને ૨૦૧૦માં ૬૯ને આંબી ગયો. આજે ૨૦૧૮માં ભારતમાં ૮૭ અબજોપતિઓ છે. જો અબજોપતિઓના ઉદ્યોગો અને સંપત્તિઓનો વ્યાપ આ હદે વધતો હોય તો દેશમાંથી ગરીબોની, ખેડૂતોની, કારીગરોની આર્થિક પ્રગતિ કેમ નથી થતી ? જુદા જુદા વિષયોના માસ્ટર ડીગ્રીધારીઓ બેકાર કેમ છે ?
ભારતમાં જ નહીં વિશ્વભરમાં કોઇપણ સરકાર હોય પણ એક વાત સ્પષ્ટ બને છે કે દેશના નાગરિકો અને તેમના થકી થતી આવકને આબાદ રીતે દોહન કરી, યંત્રો (ટેકનોલોજી) ખરીદી તેમાંથી નાગરિકોને ઠેંગો બતાવવાનું સુઆયોજિત વૈશ્વિક ષડયંત્ર પ્રવર્તે છે. આપણે દેશના અબજોપતિના માથા વધે તેમાં ગૌરવ લેવા કરતા કરોડો નાગરિકો હજારોપતિ બને તે લક્ષ્ય રાખવાનું છે.
ટેકનોલોજી હવે આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટ યુગમાં પ્રવેશી ચૂકી છે. બધુ જ ઓનલાઈન ઉપલબ્ધ બનતું જાય છે તે પરિસ્થિતિએ રોજગારીના પડકારો સર્જયા છે ત્યારે આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ, રોબોટ, ડિજિટલ, ડ્રાઈવરલેસ, કર્મચારીઓ વગરની ઓફિસ અને બજાર બનવા માંડશે ત્યારે ભારત સહિત વિશ્વમાં ભયાનક અંધાધૂંધી સર્જાઈ શકે તેમ છે.
આ કોઈ એનડીએ કે યુપીએની કે ડેમોક્રેટેસ વિરૂધ્ધ રિપબ્લિક પક્ષની નીતિની તુલનાત્મક ચર્ચાનો મુદ્દો નથી પણ જે માનવતાના મૂલ્યો વિહિન વિજ્ઞાાન, ટેકનોલોજી અને ઉદ્યોગને વિકાસ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે તેની સામે લાલબત્તી ધરવાનો પ્રયત્ન છે.
ફ્રાંસ જેવા વિકસિત દેશના લાખો નાગરિકો કોઈ પછાત આફ્રીકન દેશની જેમ મોંઘવારી અને અસમાન આવક, શોષણને વશ જાહેરમાર્ગો પર રેલી પ્રદર્શીત કરે તેવી કલ્પના હજુ ગયા વર્ષે પણ કોઈ કરી શક્તું હતું ? જો આમ જ ચાલતુ રહેશે તો વિશ્વના શ્રીમંતો અને નેતાઓને હતાશ અને રોષે ભરાયેલા ટોળાં તેઓ તેમની પાગાની, હુયારા, બુગાટી, એસ્ટન માર્ટિન, લેમ્બોરઘિની, પોર્શા અને બેન્ટલી જેવી કારમાં બેસીને પસાર થતા હશે ત્યારે ઉભા રાખીને તોડફોડ અને મારઝૂડ કરતા હોય તેવા દ્રશ્યો સર્જાશે.
ગત ૨૪ જાન્યુઆરીએ સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં સમાપ્ત થયેલી 'વર્લ્ડ ઇકોનોમિક ફોરમ'ની મીટિંગમાં વિશ્વની ચિંતાજનક અને અંધાધૂંધી સર્જી શકે તેવી આર્થિક અસમાનતા પર જ ચર્ચા થાય તેવો આગ્રહ 'ઓક્સફામ' એ ઉપરોક્ત રીપોર્ટ આપીને કર્યો હતો. આ રીપોર્ટનું શિર્ષક જ 'An Economy for the 99 Percent' - વિશ્વના ૯૯ ટકા નાગરિકોનું અર્થતંત્ર' હતું.
અર્થતંત્ર અને સમાજશાસ્ત્રના વિશ્વના શ્રેષ્ઠ દ્રષ્ટાઓએ એવું સૂચન કર્યું હતું કે વિશ્વના ટેકનાક્રેટ્સ, ઉદ્યોગપતિઓ વિજ્ઞાાનીઓ, સંશોધકો, નેતાઓ અને નીતિવિષયક નિષ્ણાતોએ 'હ્યુમન ઇકોનોમી' એટલે કે માનવીય અભિગમને નજરમાં રાખી તેમના ક્ષેત્રને વિકસાવવાની જરૂર છે. નેતાઓ અને શ્રીમંતોની મતિ અને યંત્રની ટેકનોલોજીની ગતિ પર વિવેકની લગામ ખેંચવાની જરૂર છે.
ગાંધીજીને આપણે જન્મજયંતિ અને પૂણ્યતિથિએ યાદ કરતા હોઈએ છીએ. તેમના વિચારોની વર્તમાનમાં પ્રસ્તૂતિ પર તો થીસીસ લખાતા રહે છે. પ્રવચનો, સેમિનારોની તો હારમાળા યોજાય છે પણ તેમાં વક્તા અને શ્રોતાઓ બાપડા ૭૦ ટકામાં આવતા નાગરિકો જ હોય છે.
જે અબજોપતિઓ અને ઉદ્યોગપતિઓ છે તે તો આવા મહોત્સવના પ્રાયોજક તરીકેના બેનરના રૂપિયા આપી દે છે. આયોજક, વક્તા અને નિષ્ણાતોને ઉજવણી પાર પાડવામાં જે વક્તવ્ય અને લેખનનું પ્રદાન આપ્યું તે બદલ ગાંધીજીનાફોટાવાળી કડકડતી રંગીન નોટથી ભરેલ અપાતા કવરમાં રસ હોય છે. ગાંધીજી પુસ્તકો, સંગ્રહાલયો અને પીએચડીનો 'સબ્જેક્ટ' અને 'ઓબ્જેક્ટ' છે.
ગાંધી વિચારના અમલની જરૂર ૧.૩૫ અબજની વસ્તીમાંથી દેશના ૨૦૦ ઉદ્યોગપતિઓ અને ૫૦૦૦ નેતાઓને છે. વિશ્વમાં પણ ગાંધીજીની વિશેષ કરીને સમાનતા, અહિંસા અને સત્યના પૂજારી તરીકે જ ઓળખ છે. જેમ ભગવદ્ ગીતા માટે કહેવાયું છે કે માનવ જગતની તમામ સમસ્યાઓનો ઉકેલ તેમાંથી મળી રહે તેમ છે તે રીતે ગાંધીજીના વિચારોનો અભ્યાસ કરો તો પણ વર્તમાન વિશ્વને વ્યવહારૂ અભિગમ સાથે જીવવા લાયક બનાવવાનું તત્વદર્શન પ્રાપ્ત થઇ શકશે.
ધનસુરાની ધી ડી.પી.સી.બી.એલ. આર્ટસ અને કોમર્સ કોલેજના ઉપક્રમે ગાંધીજી પરનો પરિસંવાદ યોજાયેલો જેમાં રજૂ થયેલા લેખોનું સંપાદન પુસ્તક પ્રિન્સિપાલ ડૉ. પ્રફુલ્લા બ્રહ્મભટ્ટે તૈયાર કર્યું છે. તેમાં મિતેશકુમાર દેસાઈએ હિન્દ સ્વરાજમાં યંત્રો વિશેના ગાંધીજીના વિચારોનો વિષય રજૂ કર્યો હતો.
ગાંધીજીને યંત્રો વિશે જ્યારે પુછવામાં આવ્યું કે, આપ યંત્ર (મશીન-ટેકનોલોજી)ની વિરૂધ્ધમાં છો? આ પ્રશ્ન પર સ્મિત કરતા ગાંધીજીએ જવાબ આપ્યો હતો કે ''હું કેમ યંત્રનો વિરોધી હોઈ શકું? જ્યારે હું જાણું છું કે આ શરીર પણ યંત્ર જ છે, રેડિયો પણ યંત્ર છે અને નાની દાંત ખોતરણી પણ યંત્ર છે. મારો વાંધો યંત્રો સામે નહીં પણ યંત્રોની ઘેલછા સામે છે. શ્રમનો બચાવ થાય છે ખરો પણ લાખો લોકો કામ વિનાના થઈ ભૂખે મરતા રસ્તા પર ભટકે છે.
સમય અને શ્રમનો બચાવ હું પણ ઈચ્છું છું પરંતુ તે અમુક વર્ગનો નહિ, આખી માનવજાતિનો થવો જોઈએ. થોડા ગણ્યા ગાંઠયા પાસે સંપત્તિનો સંચય થાય એમ નહિ, પણ સહુની પાસે થાય એવું હું ઈચ્છું છું. આજે તો થોડા માણસોને કરોડોની કાંધ ઉપર ચડી બેસાડવામાં યંત્રો મદદગાર થઈ રહ્યા છે. યંત્રોના ઉપયોગની પાછળ પ્રેરક કારણ શ્રમના બચાવનું નથી પણ ધનના લોભનું છે... અત્યારની આવી અર્થવ્યવસ્થા સામે મારી તમામ શક્તિ ખર્ચીને હું લડી રહ્યો છું.''
ગાંધીજી તે પછી ઉમેરે છે કે તેમનો વિરોધ યંત્રો સામે નહિ પણ અત્યારે ચાલી રહેલ યંત્રોના દુરુપયોગ સામે છે. યાંત્રિક સંશોધનો અને વિજ્ઞાાન એ લોભના સાધનો મટી જવા જોઈએ. જો આમ થશે તો શ્રમિકો, કામદારો પાસેથી ગજા ઉપરાંતનું કામ કરાવવામાં નહિ આવે અને યંત્રો નડતરરૂપ થવાને બદલે સહાયતારૂપ થઈ પડશે. મારો ઉદ્દેશ્ય યંત્ર માત્રનો વિનાશ કરવાનો નથી પણ યંત્રોની મર્યાદા આંકવાનો છે.
ગાંધીજીએ એક વખત યંત્ર બાબત એમ પણ કહેલું કે આપણે જે કાંઈ કરીએ છીએ તેમાં પ્રધાન વિચાર માનવહિતનો હોવો જોઈએ. માણસના અંગોને કામના અભાવે જડ અને નિરૂપયોગી કરી નાંખવા તરફ યંત્રોની શોધ-સંશોધનની વૃત્તિ કે પ્રવૃત્તિના ના હોવી જોઈએ. સમાજ હિતના મોટા કારખાના રાષ્ટ્રની માલિકીના હોય અથવા પ્રજાકિય સહકાર તરફથી ચાલતા હોય તેમ કરવું જોઈએ. (આઝાદ ભારતમાં તો જાહેર સાહસો, બેંકો અને સેવા ક્રમશઃ સુઆયોજીત ષડયંત્ર હોય તેમ ખતમ થઈ રહ્યાં છે.)
ગાંધીજીએ ૧૯૦૮માં એટલે કે ૧૧૧ વર્ષ પહેલા યંત્રો વિશે લખ્યું હતું તેનાથી સદંતર વિપરીત દિશામાં ભારત સહિત વિશ્વએ વાટ પકડી. ગાંધીજી કહેતા કે જ્યાં સંચા ત્યા મોટા શહેર એટલે કે ગામડા અને દેશને તોડવાનું પણ તે કામ કરે છે.
તેઓ જમણેરી કે ડાબેરી નહીં પણ વ્યવહારૂ અને મધ્યમ માર્ગી દ્રષ્ટા હતા. તેમનો કહેવાનો એક માત્ર મર્મ એ જ છે કે તમે કંઈપણ કરો પણ તેના કેન્દ્રસ્થાને બહુજન હિત હોવું આવશ્યક છે.
આજે તબીબી વિજ્ઞાાન, ઓટો ઈન્ડસ્ટ્રી, બેંકિંગ, કમ્યુનિકેશન, રિફાઈનરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સંરક્ષણ, ફાર્મા અને શોધ-સંશોધનોએ માનવ જગતને અચંબામાં પાડી દીધું છે. પણ આ વિકાસે માનવ જગતને જ રોજગારી અને આર્થિક રીતે ખંખેરી લેવાનો ધ્યેય રાખ્યો છે.
આનું કારણ જેમના હાથમાં જે તે ઉદ્યોગ કે સેવાનું આર્થિક રીતે એકમ છે તેમનું એકમાત્ર લક્ષ્ય માનવજગતને ચીરવાનું જ છે. ટેકનોલોજીનો આ માટે ઘાતક શસ્ત્રની જેમ ઉપયોગ કરાય છે. આપણે ચીજ-વસ્તુ-સેવા અને ટેકનોલોજીનો લાભ લેવા આકરી રકમ ચૂકવવી પડે છે. રોજી જાય છે તે તેના કરતા પણ ચિંતાજનક બાબત છે.
અગાઉ ટેકનોલોજીનો જે વિકાસ થતા ૫૦ વર્ષો લાગતા હતા તે હવે પાંચ વર્ષમાં શક્ય બને છે. દર બે-ત્રણ વર્ષે ટેકનોલોજીની જનરેશન બદલાય છે.
વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગ પતિઓ, ટેકનોક્રેટ્સ, રાજકારણીઓએ અને સમાજશાસ્ત્રી તેમજ ચિંતકોએ એક જ પ્લેટફોર્મ પર આવી સામાન્ય નાગરિક બંડખોર ના બની જાય તે માટેની સમતુલા કેળવતી વૈશ્વિક દિશા કેમ પ્રાપ્ત થાય તેનું ચિંતન કરવું જ પડે તેમ છે. સ્વયં શિસ્તની જેમ સ્વયં સંયમનો ગુણ નહીં કેળવાય તો વિશ્વભરના સામાન્ય નાગરિકો આંદોલન કરતા રસ્તા પર આવી જશે. અને... આ આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગનું નહિ હોય!
''કાયદાના નથી તેટલા સદાચારના સૂત્રો છે.'' ''તારા પડોશીની મિલકતને હાનિ ન પહોંચે તે રીતે તારી મિલકતને ભોગવ.'' - ગાંધીજી
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou4ojRZPVbUfu6kkX-DQXn%2B4%3DerMSJTyw0UBAq%3DOTuCTg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment