Tuesday, 19 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ અખરોટ-બખરોટ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અખરોટ-બખરોટ!
અશોક દવે

 

 

 


જીવનમાં કે દુકાનમાં, આજ સુધી મને એક સિગારેટ સિવાય બીજું કાંઇ ખરીદતા આવડ્યું નથી. સિગારેટ લીધા પછી એને લોખંડના દસ્તા વડે તોડવાની હોતી નથી, માટે મને અખરોટ કરતા સિગારેટ વઘુ પૌષ્ટિક અને ગુણકારી લાગે છે. ઘર માટે તેમ જ સંબંધીઓને દેવા માટે હું વૈષ્ણોદેવીથી ત્રણ થેલાં ભરીને અખરોટ લઇ આવ્યો, એમાં તો રામ જાણે હું દધિચી ૠષિના હાડકા ઉપાડી લાવ્યો હોઉં, એમ ઘરનાઓને ઝાટકા વાગ્યા. બહારથી હું ટૅન્શનો સિવાય પણ ઘરમાં કશું લાવી શકું છું, એ વાત માનવામાં ન આવતી હોય તેમ, હકીએ એક અખરોટ હાથમાં ઉપાડીને ગોળગોળ ફેરવીને પહેલો સવાલ પૂછ્‌યો, ''આ સુઉં છે, અસોક...?''


''એ કીડની છે... બજારમાં મળતી'તી તે લઇ આયો !''


આપણને ગુસ્સો ન આવે કે, એક તો જીવનમાં પહેલી વાર કોક ચીજ હોંશે હોંશે ખરીદી લાયા હોઇએ, એમાં ય વાઇફો ડાઉટો પાડે ? (અહીં Doubt નું બહુવચન ભૂલમાં ખોટું લખાયું છે, તે સુધારીને 'ડાઉટોઝ' વાંચવું !.... 'વાઇફ'ના બહુવચનને જેમનું તેમ રહેવા દેવું !)


''બવ હારૂં... હવે અમને કિયો કે, એને ભાંઇગવાની કઇ રીતે ?''


એ ભૂલ મારી હતી કે, ત્રણ મોટા થેલાં ભરીને વૈષ્ણોદેવીથી અખરોટો લેતો આવ્યો, ત્યારે દુકાનવાળાને પૂછવાનું ભૂલી ગયો હતો કે, આને કોરીધાડોક ચાવી જવાની કે, એનું બહારનું પડ તોડીને મહીંથી માણસના બે ફેફસાં જેવું જે નીકળે, એને કચડ-કચડ ચાવી જવાનું ? ઓકે. ઘરમાં કોક તો બુદ્ધિશાળી નીકળે ને ? હકીને જાણકારી હતી કે, અખરોટને તોડીને ખાવાની હોય. નૉર્મલી, જે નજરથી એ મને જોતી હોય છે, એવી એક નજર એણે અખરોટ ઉપર ફેંકી... પણ અખરોટ એ અખરોટ હતી... કોઇ અશોક દવે નહોતી, તે જોતા વ્હેંત તૂટી જાય ! એ ૠષિમુની જેવી નિશ્ચલ હતી. એને કાંઇ ન થયું. ઝનૂનમાં હકી લોખંડનો દસ્તો ઉપાડી લાવી ને મારો બરડો સમજીને એક ઘા ને બે કટકાવાળી કરી....! અંગૂઠા અને આંગળી વચ્ચે અખરોટ દબાવીને એની ઉપર દસ્તો ઝીંકવો, એમાં જોખમ ઘણું છે. ન કરે નારાયણ ને દસ્તો અખરોટને બદલે હકીના અંગૂઠા ઉપર વાગે, તો મોંઘા ભાવનો દસ્તો વળી જાય ! અત્યારે દસ્તા કાંઇ રસ્તામાં પડ્યા છે ? (... કોઇ પંખો ચાલુ કરો !) દસ્તાના ફૌલાદી પ્રહાર છતાં અખરોટના અમે કાંઇ તોડીને ભડાકા કરી ન શક્યા. એ ન તૂટી... તો ય જો કે, હકીએ હ્યૂમર સારી કરી કે, ''અસોક... દસ્તો વરી ગીયો છે, તો એને શીધો કરવા એના માથે આ અખરોટ ઠોકો !'' સદરહૂ અખરોટ એની માં પર ગઇ હોવી જોઇએ. ગમે તેટલી પછાડી, તોડી કે ઘાઓ માર્યા, એ તૂટી નહિ. બારણાંના મીજાગરાં વચ્ચે અખરોટ મૂકીને અમે બે-ચારજણાએ ખભાના ધક્કા હળીમળીને માર્યા... તો આમે ય, અમારે બારણું તો બદલાવવાનું જ હતું ! (જાણતલ વડિલોએ બારણાને બદલે મકાન બદલાવવાની સલાહ આપી હતી ને આપણને એમ કે ધીરજના ફળ મીઠા હોય છે... કોક દિ' મકાનને બદલે ઘર બદલાવી શકાશે !) એક તબક્કે તો, આખું ફૅમિલી જીવ પર આવી ગયું. અખરોટ ઉપર લાકડાનું પાટીયું મૂકી, વારાફરતી બધા પાટીયાં ઉપર ઊભા રહ્યા અને એક સાથે 'વન-ટુ-થ્રી' બોલીને એની ઉપર કૂદ્યા. પણ રામ રાખે, તેને કોણ ચાખે ? (...ને આવી અખરોટ તો રામે ય ન ચાખે !) પાટીયું એક બાજુ જરી વઘુ ઊંચું થઇ ગયું હશે, તે મહીંથી અખરોટ છટકીને માઇક્રોવૅવ-ઑવન પર અથડાઇ...ઑવનની આરપાર કાણું....!


અખરોટને ડાયનિંગ-ટૅબલ પર મૂકીને હું જોતો હતો, ત્યાં કોક બોલ્યું ય ખરૂં કે, ''પપ્પા, સૉરી તમને ખ્યાલ ન પણ હોય, પણ માણસોને ખાવાની અખરોટો ય આવે છે... એ લેતા આવવી'તી ને....?'' સાલું, હું ગામ આખાની ફિલમ ઉતારતો હોઉં ને ઘરમાં છોકરાઓ મારી ઉતારે છે... ભલાઇનો જમાનો જ નથી રહ્યો ! પહેલી તૂટતી નહોતી ને હજી ત્રણ થેલાં ભરેલા હતા. ઘૂમકેતુની વાર્તામાં આવે છે તેમ, 'પડે છે, ત્યારે સઘળું પડે છે... વિનિપાત થઇ જાય છે.' સૂકા મેવાની દુનિયામાં કહે છે કે, બદામ ખાવાથી બુદ્ધિ આવે છે, પણ અખરોટ ખાવાથી બ'ઇની ઝાલરે ય આવતી નથી, એ સમજાઇ ગયું.


મારા જન્માક્ષરમાં લખ્યું છે કે, શનિ-રવિમાં મારામાં બુદ્ધિ વધે છે. મને વિચાર આવ્યો કે, આમે ય ત્રણ કોથળાં ભરીને તો અમે કાંઇ અખરોટો ખાવાના નથી. રોજ દાળ-શાકમાં નાંખી નાંખીને ખઇએ, સાબુના લાટાને બદલે કપડાં ધોવામાં વાપરી નાંખીએ તો ય તત્તણ થેલાં ક્યાંથી ખૂટે ? દસ-બાર સારી જોઇને કાઢીને છોકરાઓને રમવા આપી કે, મોટા થઇને છોકરાઓ સચિન તેન્ડુલકર બને.


એમ પાછી હકી દાન-ધરમમાં બહુ માને. એણે જ અખરોટનો વહિવટ કરવા માંડ્યો. મુઠ્‌ઠા-મુઠ્‌ઠા ભરીને થોડી આજુબાજુમાં આલવી, થોડી સગાં-સંબંધીઓમાં આલવી ને બાકી વધે એ ગુજરાત રાજ્યના હોમગાડ્‌ર્સને આપી દેવી, જેથી કરફયૂ-બરફ્‌યૂ વખતે પથ્થરબાજી સામે એ લોકો અખરોટબાજીથી આત્મ-રક્ષણ કરી શકે.


પણ મારા મનમાં એક દુષ્ટ વિચાર ઝબકી રહ્યો હતો. આમ તો અખરોટ રઇસોની શાન-ઓ-શૌકત કહેવાય છે. ગેંગેં-પેંપેંનું એમાં કામ નહિ. આવી ચીજો કોઈને ગિફટ આપીએ, તો અખરોટ-સમાજમાં આપણું ય નામ થાય. ૧૯૫૨-ની સાલથી જે જે લોકો મારૂં લોહી પી ગયા છે, તે બધાને પ્લાસ્ટિકના ગોલ્ડન-પૅપરમાં દસ-દસ નંગ વીંટાળીને એમનો હોય કે ન હોય, ''હૅપી-બર્થ-ડે'' બોલીને ગિફટ તરીકે આપવી. જીવનભર જેમણે મારા દાંત ખાટા કર્યા છે, એ બધાના હવે તો તોડીને બતાવું. ભલે મારી ત્રણ કોથળા ભરેલી મોંઘી અખરોટો વપરાય, પણ વાત ધીંગાણાની આવે, ત્યારે આપણે પૈસા સામે નથી જોતા ! લોહીઓના લોહીઓ વહેવડાવી દઈએ... બીજાના ! અહીં મારૂં ગણિત 'વકરો એટલો નફો' વાળું નહિ, પણ 'ખર્ચો એટલી ખોટ'નું હતું. (કોઇ મારા વખાણ કરો... હું જરા ઢીલો પડી રહ્યો છું !) વળી આપણા દેશમાં એટલું સારૂં છે કે, લીધેલી ગિફટો કોઇ પાછી નથી આલતું.


મારા લિસ્ટ મુજબ, આઠેક ફૅમિલીઓ મરવાના થયા હતા. સ્વાભાવિક છે, એમાંથી અડધા તો મારા સસરાના પરિવારજનો હોય. એમાંથી સસુરજી વગર અખરોટ ખાધે પંચમહાભૂતોમાં વિલીન થઇ ગયા હતા. સાસુજીને દાંતનું ચોકઠું હતું. બન્ને સાળાઓ સાલા લંડન, એટલે આપણે તો અખરોટ મોકલવાના ખર્ચામાં તૂટી જઈએ. વળી, વર્ષો પહેલા મેં એક સાથે એ બન્નેની 'બૉ'ન પૈણી નાંખી હતી, એટલે વળતા હૂમલા તરીકે એ લોકો મને ''આવા'' અંજીર-ફંજીર કે લોખંડી ખારેકના કોથળા મોકલાવે તો હું હલવઇ જઉં કે નહિ ? (એ તો જેવા જેના લખ્ખણ, દવે સાહેબ....! જવાબ પૂરો)


પણ શાસ્ત્રોમાં કીઘું છે ને કે, ઉપર સ્વર્ગ-નર્ક જેવું કાંઇ જ નથી... બઘું અહીં જ ભોગવવાનું છે. જેને જેને ઘેર અમારી અખરોટો પહોંચી, એ લોકોએ પણ સામું સૌજન્ય બતાવ્યું.


પહેલા ગીફ્‌ટ-પૅકેટમાં 'અશોકને સપ્રેમ' લૅબલ મારીને કોઇકે મારા માટે, લાળીયાવાળો બાબા-શૂટ મોકલાવ્યો. બીજાએ ગયા જન્મનો બદલો લેવા કલ્યાણજી-આણંદજીના ગીતોની સીડી મોકલી. છેલ્લા ૨૩-વર્ષથી મરવા પડેલા સીઘુ કાકાએ 'શિવામ્બૂની ચમત્કારિક અસરો' નામનું રંગીન ફોટાવાળું પુસ્તક મોકલી આપ્યું. એક ટીફીનમાંથી થીજી ગયેલી રબડી નીકળી... છેલ્લાએ કાંઈ મોકલાવ્યું નહોતું... એક કવરમાં સંદેશો હતો, ''કૃપા કરી અમારા માટે આવી જ અખરોટના ૨૦-થેલા મંગાવી આપશો... અમારે પણ અમારા સગાંઓને સીધા કરવાના છે !''

 


સિક્સર
–જ્યાં પબ્લિસિટી મળે એમ હોય, ત્યાં સ્ત્રી–સ્વાતંત્ર્યના ઝંડા લઇને નીકળી પડતા મહિલા સંગઠનો, ટીવી પ્રોગ્રામોમાં શાહરૂખ ખાનની નાલાયક હરકતો અને ગંદી ભાષાનો કેમ વિરોધ કરતા નથી ? આવા બેશરમોની તો ફિલ્મોનો ય બહિષ્કાર કરવો જોઈએ....!


– કાકા, એમ બગડો એ ન ચાલે. વ્યક્તિપૂજાના દેશમાં શાહરૂખ પૂરા કપડાં કાઢીને ટીવી પર આવશે, તો ય '' હે હે હે...'' કરતા હસી કાઢવાનું હોય ! કમ સે કમ શાહરૂખ, ટીવી જોનારાઓ કરતા તો વધુ મરદ નીકળ્યો!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvBRPb-AUQxkPFZtHNJb4SDG35py_P6PKXPTr9Hnvt%3DFA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment