જ્યારે ક્રોધ આવે ત્યારે ધર્મ નથી સચવાતો અને બોધ પણ નથી રહેતો! માનસ મંથન - મોરારિબાપુ 'રામચરિતમાનસ'ના કિષ્ક્ધિધાકાંડમાં ભગવાન રામજી લક્ષ્મણ પાસે વર્ષાઋતુનું વર્ણન કરે છે તેમાં આ પંક્તિ આવે છે. ખૂબ ગહન રીતે ગોસ્વામીજીએ વર્ષા અને શરદઋતુનું વર્ણન કર્યું છે. પ્રસંગ કિષ્ક્ધિધાકાંડનો છે. આપણી ભારતીય પરંપરામાં એક નિયમ છે કે કુરાજા હોય તો એ રાજ્યમાં માગ્યા મેહ ન થાય અને સારો રાજા હોય તો વરસાદ સારો આવે. એટલો સારો આવે કે ક્યાંય ધૂળ જોવા ન મળે ! અહીં આ વાત છે. ભગવાન કહે છે કે હે લક્ષ્મણ,એટલો વરસાદ પડ્યો છે ક્યાંય ધૂળ નથી દેખાતી,ક્યાંય એક રજકણ નથી દેખાતી. આ માટે ભગવાન દ્રષ્ટાંત આપે છે કે એટલો વરસાદ પડ્યો છે કે જેમ માણસ ક્રોધ કરે અને ધર્મ ન દેખાય તેમ ક્યાંય એક રજ નથી દેખાતી ! વરસાદ પડે પછી ધૂળ-રજકણ મળે નહિ એમ તમારામાં ક્રોધ આવે ત્યારે તમે અસૂર છો,તમારામાં ધર્મ ખલાસ થઇ જાય. ક્રોધ આવે એટલે ધર્મ ટકે નહિ અને ધર્મ ટકે નહીં એટલે માણસનો નાશ થઈ જાય. ભગવાનને રાવણ યાદ આવે છે. કઈ રીતે મરશે? કેમ મરશે? એક જ રીતે મરે. એને ક્રોધ આવે ને એનો ધર્મ જાય. ધર્મ જાય તો એ અપરાધ કરે,અપરાધ કરે તો આયુષ્યહીન થાય અને આયુષ્યહીન થાય તો મરણ નજીક આવે. ધૂળ અને ધર્મનું દ્રષ્ટાંત આપ્યું છે ! લંકા યાદ આવ્યા કરે છે. હજી લંકામાં વર્ષાઋતુ નથી મંડાણી. હજી ધૂળ ઉડ્યા કરે છે,બીજાની આંખોમાં પડે,મુકુટ પર પડે. લંકામાં રાક્ષસોના પાપ હજી એમ ને એમ ઉછાળા મારે છે. અને એથી જ્યારે તેને ક્રોધ આવશે, એનો ધર્મ જ્યારે ઘટી જશે ત્યારે આયુષ્યહીન બનશે અને એનું મૃત્યુ નિકટ આવશે. એક વાત યાદ આવે છે.
એક રાજ્ય હતું અને તેનો રાજા ગો-બ્રાહ્મણ પ્રતિપાલક હતો. ધાર્મિક સ્વભાવનો હતો. બને છે એવું કે રાજ્યમાં એક બ્રાહ્મણ દેવતા હતા તેમનાથી કોઈ નિર્દોષ ભૂલ થઈ ગઈ. અજાણતામાં એમનાથી રાજના કોઈ કાનૂનનો ભંગ થયો હશે. દરબાર ભરાયો છે,રાજાએ તે બ્રાહ્મણની ભૂલ બદલ તેને દંડ આપ્યો. કોઈ એવું કામ તેનાથી થઇ ગયું હશે. ભૂલ તો કદાચ કોઈ નાની-મોટી અને નિર્દોષ હશે, પરંતુ રાજા ખૂબ ગુસ્સામાં હતો એથી તેને દંડ આપ્યો. બહુ ગુસ્સામાં હતો તેથી તેણે બ્રાહ્મણને ખૂબ ઠપકો આપ્યો અને કહ્યું કે 'હું ચાહું તો તમને મૃત્યુદંડ આપું, પરંતુ હવે તમે મને તમારું મોં નહીં બતાવતા. ચાલ્યા જાઓ મારા રાજ્યમાંથી.'
બીજા દિવસે સવારનો સમય હતો અને આ નિર્દોષ બ્રાહ્મણ આંખમાં આંસુ લઈ રાજ્યની બહાર જવાના દરવાજા તરફ ચાલવા લાગે છે. બ્રાહ્મણ દેવતા ખૂબ દુ:ખ સાથે નીકળ્યા છે. મને નિર્દોષને દંડ આપ્યો છે પણ એ રાજાને તો કોણ સમજાવે? આમ વિચારતા જતા હતા એટલામાં રાજનો એક સફાઈ કામદાર,રસ્તો વાળતો હતો તેનું ધ્યાન પડી ગયું. અરે,ગોરબાપા,આપ? કેમ ઉદાસ છો? ગોરબાપાએ કહ્યું કે હું નિર્દોષ છું પણ રાજાએ ક્રોધ કરી મને દેશનિકાલ કર્યો છે,ખોટો દંડ આપ્યો છે. ઓહ, તો વાત એમ છે...ગોરબાપા એક કામ કરશો? તમે અર્ધો કલાક અહીં પાદરમાં ઊભા રહો,મારાથી બનશે તો તમને કોઈ મદદ કરું. ગોરબાપા એ કહ્યું કે પણ તું શું મદદ કરી શકીશ? કહે તમે ઊભા તો રહો,હું કોશિશ કરું છું.
એ સફાઈવાળો રસ્તો વાળતો વાળતો રાજાના મહેલ સુધી પહોંચી જાય છે. સવારનો સમય છે અને રાજા નિત્યકર્મ કરી પરવાર્યા હતા. એટલામાં તો પેલો સફાઈવાળો એ મહારાજ,મહારાજા હો,એ અન્નદાતા,એ મહારાજ...આવી બૂમો પાડવા લાગ્યો. રાજને થયું કે સવાર સવારના આવી બૂમો કોણ પાડે છે? બહાર બારીમાંથી ડોકિયું કર્યું કે કોણ આવી પુકાર કરે છે? જોયું તો ગામનો એક સફાઈવાળો ! એલા આવી રીતે રાડો પડાય? આમ બોલાય? શું છે તારે? પેલો કહે બાપજી,માફ કરજો પણ તમારા ઘરમાં મારો એક ભાઈ ઘૂસી ગયો છે,મહેરબાની કરી તેને બહાર કાઢો ને. તેને કાઢી મૂકો. તમે તેને જલ્દી કાઢી મૂકો નહિ તો મુશ્કેલી ઊભી કરશે. રાજાને નવાઈ લાગી. મારા ઘરમાં તારો ભાઈ? કોણ છે તારો ભાઈ? કહે તેનું નામ ક્રોધ છે. એ ચાંડાલ જેવો છે અને તેને કારણે તમે નિર્દોષ બ્રાહ્મણનો અપરાધ કરી રહ્યા છો,એથી જલ્દી તેને કાઢી મૂકો. ઓહ, તરત રાજાની સાન ઠેકાણે આવી ગઈ કે આ તો પેલી બ્રાહ્મણવાળી ઘટનાની વાત કરે છે અને બિન જરૂરી ક્રોધને કારણે હું મારો ધર્મ ચૂકી ગયો છું.
મારાં શ્રાવકો,ક્રોધ પાપનું મૂળ છે. ગીતામાં ભગવાન કૃષ્ણને અર્જુને પૂછ્યું છે કે ઈચ્છા ન હોય તો પણ આ જીવ કોની પ્રેરણાથી પાપ કરે છે? કોને લીધે આ પાપ કરે છે? કોણ એવાં શસ્ત્રો છે? ત્યારે ભગવાન કહે છે કે કામએષ:ક્રોધ એષ: રજોગુણ સમુદ્ભવ...બહુ ભૂખ્યાં,ખાઉધરા અને મહાપાપી આ તત્ત્વો છે. કામ અને ક્રોધ એ જ પાપ કરાવે છે. ક્રોધ કરવાથી ધર્મ રહેતો નથી. ધર્મની એક રજકણ પણ નહીં મળે જ્યારે માણસ ક્રોધ કરશે.
મારાં ભાઈ-બહેનો,મારે ને તમારે આ શીખવા જેવું છે. ક્રોધ આવે ત્યારે ધર્મ સચવાતો નથી અને બોધ પણ નથી રહેતો. માણસને ક્રોધ આવે ત્યારે ધર્મ ચુકાઈ જાય છે. માણસ જ્યારે ક્રોધ કરે છે ત્યારે તેની પાસે ધર્મ નથી રહેતો. એટલો સમય ધર્મ ત્યાંથી ચાલી જાય છે. ક્રોધ આવે એટલે ધર્મ જાય અને ધર્મ જાય એટલે માણસ અપરાધ કરે. અપરાધ કરે એટલે આયુષ્યહીન થાય. આયુષ્યહીન થાય એટલે મરણ નજીક આવે. અતિ ક્રોધીનો પરિવાર અને ઘર પણ સંપન્ન નથી રહેતા.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os5mzGToBtcRoOS7QSB%2BkOqyMuAoEnfmb8zgiZAD3qbyw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment