Friday, 15 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ તમે કહો છો એવો કોઈ દાઉદ-ફાઉદ અમારે ત્યાં નથી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તમે કહો છો એવો કોઈ દાઉદ-ફાઉદ અમારે ત્યાં નથી...
વિનોદ ભટ્ટ

 

 

 

 

તમે કહો છો એવો કોઈ દાઉદ-ફાઉદ અમારે ત્યાં નથી...


થોડા દિવસ પહેલાં ઉત્તરપ્રદેશ સરકારના એક માથાભારે ગણાતા મંત્રી આઝમ ખાને છાતી ઠોકીને એવો દાવો કર્યો છે કે વચ્ચે-એટલે કે થોડા દિવસ પહેલાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી છાનામાના પાકિસ્તાન ગયા ત્યારે વડાપ્રધાન નવાઝ શરીફની જોડાજોડ માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમને પણ મળ્યા હતા. આઝમ ખાને ઇચ્છ્યું હોત તો એવું પણ કહી શક્યા હોત કે શરીફ તો (કાગળ પર) પાકિસ્તાનના વડા ગણાય એટલે એમને મળવાનું તો બહાનું હતું, પણ ખરેખર તો ન.મો. સાચા શરીફ એવા દાઉદને મળવા ખાસ પાકિસ્તાન ગયા હતા.


- 'હું શરણે આવ્યો છું એ ગપ છે, ખરેખર તો રાજકારણીઓ મારા શરણે આવ્યા છે. એ લોકો ઘરવાપસી માટે મને કરગરે છે કે જીદ છોડીને હવે પાછો આવી જા'


ખુદ નવાઝ શરીફે જ આ બંનેની મુલાકાત ગોઠવી આપી હતી. મારી (અર્થાત્ આઝમ ખાનની) પાસે એના પુરાવા છે ને એ બે જણ વચ્ચે થયેલ વાતચીતની સીડી પણ છે, જે હું ઉત્તરપ્રદેશની ચૂંટણીઓ વખતે પ્રજા આગળ મૂકીશ. જોકે આઝમ ખાનના દાવાને કોઇએ પડકાર્યો નહોતો, એક મજાની રમૂજ ગણીને બધાએ હસી કાઢ્યો હતો, એમના મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ! અલબત્ત પાકિસ્તાનથી ન.મો. ખાલી હાથે પાછા આવ્યા એ મારા ગીધુકાકાને નથી ગમ્યું.


કોઇ માણસ મુંબઇથી આવે ને પતરીવાળો હલવો લાવ્યા વગર પાછો ફરે, સુરતથી આવે ને એના હાથમાં ત્યાંની પિસ્તાવાળી ઘારીનું બોક્સ ન હોય ને ખંભાતથી આવનારના હાથમાં સૂતરફેણી ન હોય તો એમ જ લાગે કે એ ખંભાત ગયો જ નથી. આવી બધી ચીજો જે તે નગરની ઓળખ છે. એ રીતે દાઉદ ઇબ્રાહિમ પણ પાકિસ્તાનની ઓળખ છે, તે વૉન્ટેડ સ્પેશિયાલિટી છે. આપણે વર્ષોથી જેની રાહ જોઇ રહ્યા છીએ એ ડોન દાઉદ ઇબ્રાહિમ ન.મો. જોડે લેતા આવશે એવું અમે માનેલું.


ભલું હશે તો શરીફ નામના નવાઝ સરપ્રાઇઝ ગિફ્ટ તરીકે દાઉદને પ્રધાનમંત્રી સંગાથે મોકલી આપશે, કિન્તુ તેમ ન થઇ શક્યું. બધાને એક જ પ્રશ્ન થાય છે કે દાઉદ ક્યારે પકડાશે? આપણા પૂર્વગૃહમંત્રી સુશીલકુમાર શિંદે જ્યારે મંત્રીપદે હતા, તેમણે ભારતની પ્રજાને હૈયાધારણ આપી હતી કે દાઉદ રસ્તામાં જ છે, બસ, તમારા બંને હાથ લાંબા કરીને બેસો, બહુ જ જલદી તેને ભેટી શકશો. અમેરિકાની મદદથી આપણે તેને ચપટી વગાડતામાં ભારતની જેલમાં ખોસી ઘાલીશું.


પછી ભલે તે આપણા મહેમાન તરીકે ચિકન, શાહી કબાબ અને બિરિયાની, સવાર-બપોર ને સાંજ ઝાપટ્યા કરે. આમ પણ આપણે મહેમાનનવાઝી માટે જગતભરમાં પંકાયેલા છીએ. પછી એ ગમે તે હોય કસાબ હોય કે કનૈયો, મહેમાન કોના બારણે છે! ભૂખ્યા રહીને પણ મહેમાનનું પેટ ફાટી જાય ત્યાં સુધી તેને જમાડવામાં પાછી પાની કરીએ તેમ નથી. આ પેલો કસાબ, જે મર્યો ત્યાં સુધી એક ટંક પણ આપણે તેને ભૂખ્યો રાખેલો? આપણું ચાલ્યું હોત તો તેને ફાંસી આપવાને બદલે તેને ભાવતાં ભોજન ખવડાવી ખવડાવીને ઉપર મોકલી આપ્યો હોત.


અને દાઉદ ઇબ્રાહિમ. એ તો અમારી ધરતીની ઓલાદ છે. અમે જ તેને દાઉદમાંથી ડોન દાઉદ ઇબ્રાહિમ બનાવ્યો છે, તે અમારી સરજત છે. દાઉદ તો એક સાધારણ પોલીસ કોન્સ્ટેબલ ઇબ્રાહિમનો દીકરો હતો. અત્યારે ભલે તે ધનના ડુંગર પર લાંબો થઇને આળોટે છે, પણ એ દિવસોમાં બાપડાની દયનીય સ્થિતિ હતી. બાપનો ટૂંકો પગાર. એ જમાનામાં તો લાંચની લંબાઇ પણ પગાર જેટલી જ ટૂંકી, સાવ મામૂલી હતી. ઘરમાં એક કમાનાર ને 14 જણા ખાનાર. એકાદ ટંક માંડ ભરપેટ ખાવા મળતું.


છોકરાં ધરાઇને ખાતાં એ ટંકે મા-બાપ બંનેને ભૂખ્યા સૂવું પડતું હશે. આ કારણે સ્વાભાવિક છે કે દાઉદને અન્નની ભૂખ કરતાં ધનની ભૂખ કાયમ રહેતી હશે. અકરાંતિયાની પેઠે તે પૈસા ખાતો હશે. તેની પૈસાની ભૂખ ક્યારેય ઓલવાઇ નહીં. મુંબઇમાં એક ટપોરી કરતાં વધારે તેની હેસિયત નહોતી, બસ 'ટપોરી'એ જ તેનું 'સ્ટેટસ' હતું. ધંધાના તેમજ પોતાના વિકાસાર્થે થઇને તે દુબઇ ગયો. દુબઇને દાઉદ ખાસ પસંદ ન પડ્યો, એટલે તે પાકિસ્તાનના કરાચીમાં ગયો. ઠરીઠામ થયો.


આપણે ત્યાં વરસાદ માફકસર પડે કે ઓછો-વત્તો વરસે, તેલ તો આપણને મળે છે એટલું જ મોંઘું આ વર્ષે પણ મળશે કે કેમ? જેવા જીવન જરૂરિયાતના પ્રશ્નોને બદલે છાપામાં દાઉદનું નામ વાંચીને ગુજરાતીઓ એકબીજાને પૂછ્યા કરે છે કે આ દાઉદ ક્યારે પકડાશે? પ્રજાને દાઉદખાની ઘઉં કરતાંય એકલા દાઉદમાં વધારે રસ છે એવું દિલ્હી નરેશ પણ માની રહ્યા છે. તેમને શ્રદ્ધા છે કે એકવાર જો માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમ હાથમાં આવી જાય તો આપણો બેડો પાર પડી જાય.


ઘણા પ્રશ્નો ઊકલી જાય. પ્રજા મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર, આતંકી હુમલા, કાળુંનાણું, કટ્ટરવાદ અને અસહિષ્ણુતા-જેવી પરચૂરણ અને મામૂલી બાબતો અંગેનો કકળાટ નહીં કરે-આપણી આંખ સામે જ અમેરિકાનો પ્રમુખ ઓબામા છે. તેની સામે પ્રજાને કેટલા બધા વાંધા હતા, પ્રશ્નો હતા, પણ એક ઓસામા બિન લાદેનને પકડીને ફૂંકી માર્યો એમાં તો ઓબામા હીરો બની ગયા. (જોકે તાજી અફવા પ્રમાણે લાદેન જીવે છે). બસ, એ જ લાઇન પર દાઉદ હાથમાં આવી જાય તો પછી છપ્પન ઇંચની છાતીની મજાક કરનારાઓનાં મોં સવાઇ જાય.


કિન્તુ પાયાની વાત એક જ છે કે દાઉદ ઇબ્રાહિમ ક્યારે પકડાશે? શું ઇન્ટરપોલ પણ એટલું પોલું છે કે તે ડોન દાઉદના સગડ મેળવી શકતું નથી? ધરતી એને ગળી ગઇ છે? જોકે દિલ્હીથી આવેલા એક લેખકે તો અમને (અને ત્યારબાદ ટી.વી.ની ચેનલોને) ખાનગીમાં, કોઇને નહીં કહેવાની શરતે, એવી માહિતી આપી હતી કે તેણે પોલિટિશિયનો સાથે એક 'બાર'માં દાઉદને દારૂ પીતો જોયો હતો. એનો ફોટોય પાડેલો, પરંતુ એમાં પંચાત એ થઇ કે સાત-આઠ પોલિટિશિયનોની વચ્ચે બેઠેલો માણસ દાઉદ જ છે એવું છાતી ઠોકીને કહી શકાય તેમ નથી, કારણ કે એ ફોટોગ્રાફમાં દેખાતા તમામનો ચહેરો દાઉદ જેવો જ લાગતો હતો. આ બધામાંથી દાઉદને અલગ તારવવો અઘરો પડે.


અને દાઉદની એકેએક હરકત પર નજર રાખી રહેલા પત્રકારોમાંનો એક મલયાલમ છાપાનો ચીફ રિપોર્ટર જણાવે છે કે તને સામેથી ફોન પર ઇન્ટરવ્યૂ આપતાં દાઉદે ખુદે જણાવ્યું છે કે, 'હું પકડાઇ ગયો છું એવી અફવા વચ્ચે મેં જ ફેલાવેલી. હું શરણે આવ્યો છું એ ગપ છે, ખરેખર તો રાજકારણીઓ મારા શરણે આવ્યા છે. એ લોકો ઘરવાપસી માટે મને કરગરે છે કે બોસ, બહુ થયું. જીદ છોડીને હવે પાછો આવી જા, કોઇ તારો વાળ પણ વાંકો નહીં કરે, અમે બાર વરસના બેઠા છીએ. (ખરી વાત છે, જુઓને ફિલ્મસ્ટાર સલમાન ખાનને કશું થયું?) તું પકડાઇશ તો અમે હવે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે એ ચૂંટણી પ્રચારમાં અમે ખાંેખારીને કહી શકીશું કે બોલો, અમે દાઉદ ઇબ્રાહિમ જેવા ખૂંખાર, બદમાશને કેવો પકડ્યો? એટલે હે પ્રજાજનો, તમારે તમારી સલામતી જોઇતી હોય, નિરાંતે ઊંઘી જવું હોય તો બીજા કોઇ ફાલતુ પક્ષને મત આપવાને બદલે, તમારો અમૂલ્ય મત અમને જ આપજો.


તમારા મતને તમે જો કીમતી માનતા હો તો એની વાજબી કિંમત આપવા પણ (અમે રાજી નથી છતાં) તૈયાર છીએ. તમારા મતથી અમારા પક્ષ સિવાયના કોઇપણ ગુંડા-બદમાશને ધૂળ ચાટતો કરી દેવાનું અમારું તમને વચન છે, જાવ!' એવું કહેવાય છે કે દાઉદ ઇબ્રાહિમ તેની શરણાગતિની આકરી કિંમત વસૂલવા માગે છે. અલબત્ત તે પોતાના માટે કાણી કોડીય નથી માગતા. તેના દેશ માટે એ તો સરળતાથી એટલું જ કહે છે કે કાશ્મીરને સોંપી દો, પછી કોઇ ઝંઝટ જ નહીં રહે.


અમને તેનું કહેવું જરા પણ ખોટું નથી એવું આજે, અત્યારે તો ખાસ લાગી રહ્યું છે. આપણા માટે તે માથાનો દુખાવો છે.  સ્વ. મુફ્તિમોહમ્મદને તો આખે આખું કાશ્મીર મુફ્ત મેં એટલે કે મફતમાં, સાવ મફતમાં મળી ગયું હતું. પણ ફોગટમાં મળેલ કાશ્મીરનું રાજ્ય તે વધારે સમય પચાવી ન શક્યા-ખુદાને પ્યારા થઇ ગયા. તેમનું સિંહાસન તેમની દીકરી મહેબૂબાને શોભાવવાનું છે પણ એમાં કોઇ ભાગિયો તેમને ખપતો નથી, ભાજપ તો નહીં જ.


કોકડું આજની તારીખ 8 ફેબ્રુઆરી સુધી તો ગૂંચવાયેલું છે, કલ કી કિસ કો ખબર! સાલું મફતમાં મળેલું અડધું રાજ્ય પણ ગમતું નથી. પાંડવોએ તો અડધું રાજ્ય નહીં ફક્ત પાંચ ગામ માગેલાં. આખું રાજ્ય જોઇએ છે. ન.મો.ને તો કેટલું બધું ગળું ફાડ્યા પછી માંડ અડધું પડધું કાશ્મીર મળ્યું છે ને દાઉદ કહે છે કે આખું કાશ્મીર પાકિસ્તાનને આપી દો. તમારા માથાનો દુખાવો પાક.ને ટ્રાન્સફર કરી દો.


જોકે, એમાં પાકિસ્તાનને ખાસ ફાયદો નહીં થાય. ધારો કે ભારત તેને કાશ્મીર આપી દે તો પછી એની પાસે ભારત સામે લડવા માટે બીજો એક પણ મુદ્દો રહેશે નહીં. ત્યાંની પ્રજાને ઉશ્કેરવા પાકિસ્તાન નવો મુદ્દો શોધવા ક્યાં જશે? દિલ્હી? હા, પાકિસ્તાન માટે કાશ્મીર પછીનો નવો ને સારો મુદ્દો દિલ્હી રહી શકે. પાક. કહી શકે કે દિલ્હીની ગાદી પર અમારા વડવાઓ રાજ કરતા હતા એટલે (કાશ્મીરની પેઠે) દિલ્હી પણ અમારું છે. નહીં આપો તો લડકે રહેંગે દિલ્લીસ્તાન, સમજે? હા, સમજ્યા.


કકળાટનું મોં કાળું. જાવ, દિલ્હી પણ લઇ જાવ. પણ અમારે તો અમારો દાઉદ વન પીસમાં જોઇએ છે, કોઇ પણ કિંમતે દાઉદ આપો. તો સામેથી પૂછવામાં આવશે કે કયા દાઉદની તમે વાત કરો છો? અમારે ત્યાં તમે કહો છો એવો કોઇ દાઉદ-ફાઉદ નથી. હોય તો એના અમારા ગળે ઊતરે એવા પાકા પુરાવા આપો પછી વાત. બોલો, હવે શું કરીશું આનું?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuBaWUXfH%2Bnj0MGGCnSyj7a%2BfmrNNt9WVoGviKCTOVcfg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment