આજનો માણસ જાગતા પથારી પલાળે છે. મફાકાકાનો મનસુખ અમારો મિત્ર છે. એનું નામ મનસુખ, પરંતુ તનસુખ વધારે છે. મનસુખનું વજન ૧૦૮ કિલો છે. એક ૧૦૮ બીમારને સાજા કરે છે અને વજન ૧૦૮ મનસુખને બીમાર કરે છે. ગઈ ૩૧ માર્ચ પહેલાં યમરાજાએ પોતાના દૂતોને ઑફિસમાં બોલાવી ખખડાવી નાખ્યા. ગમે તેવા બુટલેગરોનો પણ જીવ લેતા જરા પણ ડરે નહીં એવા દૂત બોસ સામે થરથર ધ્રુજવા લાગ્યા. યમરાજાનો ગુસ્સો વાાજબી હતો. ૩૧ માર્ચ નજીક આવી છતાં ટાર્ગેટ પૂરો થાય તેમ નહોતું. શિંગડાના ટોપાવાળા દૂતોએ થોડા મોટા અકસ્માતો સર્જી હોલસેલમાં આવક ઊભી કરી છતાં ટાર્ગેટ સુધી પહોંચવું અશક્ય હતું.
બોસ વધુ પડતું બોલવા લાગ્યા એટલે એક દૂતે ઠોસ જવાબ દીધો. એણે કહ્યું કે અત્યારે આખું જગત સુધરી ગયું છે. જે નેતાઓ એમ્બેસેડરમાં ફરતા હતા એ અત્યારે મર્સિડીઝમાં ફરે છે. દૂધવાળા રાજદૂત ઉપર બેસીને દૂધ આપવા આવતા હતા એ અત્યારે હીરો હોન્ડા પર સવાર થઈને આવે છે. લોકો જીવ લેવા પણ બીએમડબ્લ્યુ અને ચાર બંગડીવાળી ગાડીમાં આવે છે અને તમે ર૦૧૮માં પણ અમને પાડા પર મોકલો છો. અમે ટાર્ગેટ પૂરો કરવા પાડાને ટોપ ગિયરમાં દોડાવીને હાઈવે પર ફરીએ છીએ, પરંતુ અમારો પાડો પહોંચે તે પહેલાં ૧૦૮ પહોંચી જાય છે.
અત્યારે બે આંકડાની બોલબાલા છે ઃ ૧૦૮ અને ૧૦૦૮. આ બંને નંબર રોડ પર બહુ જોવા મળે. ૧૦૮ એટલે એમ્બ્યુલન્સ અને ૧૦૦૮ એટલે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર. ૧૦૦૮ પણ બીમારને સ્વસ્થ કરવા માટે છે, પરંતુ ઘણીવાર એ પણ સ્વસ્થને બીમાર કરતા જોવા મળે છે. જેટલા મનોરોગીઓ ધર્મક્ષેત્રમાં છે તેટલા બીજા કોઈ ક્ષેત્રમાં નથી. મફાકાકાનો મનસુખ ૧૦૮ અને ૧૦૦૮ બંનેનો ભોગ બન્યો છે. ૧૦૮ કિલો વજન છે અને ૧૦૦૮નું તેના જીવનમાં ખૂબ વજન છે. આ બંને આંકડાનો બોજ ન ઉપડવાથી મનસુખ ગાંડો થઈ ગયો. આમ જુઓ તો ખબર પણ ન પડે કે બીમાર છે, પરંતુ બોલે એટલે પોલ ખૂલી જાય. મનસુખ આખો દિવસ એક જ વાક્ય બોલે છે ઃ મોટો થઈશ, ગિલોલ બનાવીશ, ચકલાં મારીશ…
એક દિવસ સવારના પહોરમાં મફાકાકા મારા ઘેર આવ્યા.
'એ આવો કાકા… આવો…' મેં આવકારો આપ્યો. હોંકારો, પડકારો, આવકારો, દેકારો, ખોંખારો, ખમકારો વગેરે સૌરાષ્ટ્રના માણસોની આગવી પહેચાન છે.
'શું આવે? હવે ક્યાંય ચેન પડતું નથી.' કાકાએ સોફામાં બેસતાની સાથે નિસાસો નાખ્યો. હું જાણતો હતો કે મનસુખના પાગલપનથી મફાકાકા ચિંતિત છે. છતાં મેં અજાણ્યા થઈને પૂછ્યુંઃ કેમ શું વાત છે કાકા?
આજનો માણસ જાગતા પથારી પલાળે છે. એને અજાણ્યા થવામાં ખૂબ આનંદ આવે છે. જોકે મનસુખ પાગલ છે એ મારા માટે આનંદની વાત નથી, પરંતુ આઘાતની વાત છે.
'તને બધી ખબર છે છતાં અજાણ્યો બને છે? મનસુખની હાલતમાં કોઈ સુધારો નથી…' કાકાએ મને પકડી પાડ્યો.
'હા… થોડા દિવસો પહેલાં જ અમે પથુભાના ગલ્લે ઊભા હતા ત્યારે મનસુખ આવ્યો હતો. અમે આઈપીએલની મેચ જોતા હતા. પથુભાએ પૂછ્યું કે મનસુખ, કેમ લાગે છે? કોણ જીતશે? ત્યારે પણ એનો જવાબ તો એ જ હતો કે મોટો થઈશ, ગિલોલ બનાવીશ, ચકલાં મારીશ…' મેં કહ્યું.
'મનસુખે ક્યારેય ગિલોલ જોઈ નથી, એણે એક પણ ચકલું માર્યું નથી છતાં આ એક જ વાક્ય બોલે છે.'
'મોટો થઈશ, બંદૂક ફોડીશ, હરણ મારીશ એમ બોલે તો સાંભળનારને લાગે કે મનસુખ હિન્દી ફિલ્મનો હીરો હશે…' મેં કહ્યું.
'અથવા મોટો થઈશ, નેતા બનીશ, ગાયનો ઘાસચારો ખાઈશ એવું બોલે તો યાદવકુળનો કોઈ નેતા હશે એવું લાગે.' મફાકાકાએ સેન્સ ઓફ હ્યુમરનો સુંદર પરિચય કરાવ્યો.
ત્યાં મારી પત્ની પાણી લઈને આવ્યાં. એમણે પરાણે હસતું મોઢું રાખીને ચા પીશો કે કૉફી એવો સવાલ કર્યો. મફાકાકાએ ચા પીવાની ઇચ્છા બતાવી. મફાકાકાનો જવાબ મારા પત્નીની અપેક્ષા મુજબ નહોતો એટલે એ અનિચ્છાએ ચા બનાવવા રસોડામાં ગયાં.
'બોલો… કાકા… શું કરીશું?' હું મુદ્દા પર આવ્યો.
'જો જગદીશ… તું ફરેલ માણસ કહેવાય…' મફાકાકાએ નવો શબ્દપ્રયોગ કર્યો. મફાકાકાનો પરિવાર એબ્સર્ડ પરિવાર છે. એબ્સર્ડ એટલે ન સમજી શકાય તેવો પરિવાર. આ પરિવારે અનેક મૌલિક શબ્દોને જન્મ આપી આપણી માતૃભાષા તથા અંગ્રેજી ભાષાને પણ સમૃદ્ધ કરી છે. હું દેશ-વિદેશ ફરતો રહું છું તેથી મફાકાકા મને 'ફરેલ' માણસ કહે છે. એમણે મને ઠરેલ કહ્યો હોત તો હું અવશ્ય રાજી થયો હોત.
આ મફાકાકા અગવડને ડિફિકલ્ટી કહે એનો વાંધો નથી, પરંતુ સગવડને 'સોફિકલ્ટી' કહે ત્યારે મારી છાતીમાં દુઃખાવો ઉપડે છે. એ મિનિમમ બદલે મિનિયમ બોલે છે.
'મનસુખની આ પરિસ્થિતિ મિનિયમ બાર વરસથી છે.'
'બાર વરસનો ગાળો એટલે એક તપ થયું કાકા…'
'અમારું તપ પૂરું થયું, પણ લપ પૂરી થતી નથી. મનસુખ ગાંડા કાઢે છે એટલી ડિફિકલ્ટી છે બાકી બધી બાબતે સોફિકલ્ટી છે.' કાકાએ કહ્યું.
'કાકા… આપની ડિફિકલ્ટીને સોફિકલ્ટીમાં બદલી શકાય તેમ છે.'
'કઈ રીતે?'
'જામનગરમાં ગાંડાની હૉસ્પિટલ ખૂબ જ મશહૂર છે. આપણે મનસુખને ત્યાં લઈ જઈએ.' મેં આઇડિયા બતાવ્યો.
'હું એટલા માટે જ તારી પાસે આવ્યો છું. તું ફરેલ માણસ કહેવાય. એકવાર તારા મિત્રને જામનગર લઈ જા અને રિપેર કરાવી આવ…' મફાકાકાને ગેરેજ હોવાથી એ માણસની સારવાર માટે પણ રિપેરિંગ શબ્દ જ પ્રયોજે છે.
'તારી સાથે બેરો પણ આવશે…'
આ બેરો એટલે મનસુખના નટુકાકા.. આ નટિયો અમારા ગામની મહાઉપાધિ છે. એ બંને કાને બહેરો છે. નટુકાકો છૂટક ડ્રાઇવિંગ કરે છે. મેં એકવાર નટુકાકાને બુક કરવાની ભૂલ કરી હતી. મારી ગાડીમાં કોઈ કારણથી રેડિયેટરમાંથી પાણી નીકળી ગયું. ગરમીનો કાંટો ઊંચો થઈ ગયો. અચાનક મારું ધ્યાન ગયું એટલે મેં નટુકાકાને કહ્યું કે કાકા… ગાડી ગરમ થઈ ગઈ લાગે છે. આ સાંભળી બેરો બોલ્યો કે અમારે પણ ત્રણ દિવસે જ નળ આવે છે.
કાકાનો જવાબ સાંભળીને મારી આંખમાં નળ વગર પાણી આવી ગયું. મેં એમને હાથનો ઇશારો કરીને મીટર બતાવતાં કહ્યું કે આ કાંટો ઊંચે ચડી ગયો છે તે જુઓ.. ત્યાર બાદ એમનું પણ ધ્યાન ગયું. એમણે ગાડી ઊભી રાખી. બોનેટ ખોલીને કોઈ સર્જન બીમારી જાહેર કરે તેમ ધીરજથી કહ્યું કે રેડિયેટરમાંથી પાણી નીકળી ગયું છે, નક્કી રેડિયેટર લીક લાગે છે. મફાકાકા નટુકાકાને 'બેરો' કહે છે.
'નટુકાકાની જરૃર નથી..' મેં હૈયું બાળવું એના કરતાં હાથ બાળવા સારા એવા આશયથી ના પાડી..
'ના.. બેરો તો આવશે જ, કારણ એના સાઢુભાઈનું ઘર ગાંડાની હૉસ્પિટલ પાસે જ છે એટલે તમારે રહેવા-જમવાનો ખર્ચ નહીં..' મફાકાકાએ કારણ જણાવ્યું.
'ભોગીલાલને પણ ખાખી વર્દીમાં સાથે લઈ જશું એટલે પ્રવાસખર્ચ પણ નહીં.' મેં વધુ એક ખર્ચ ઘટાડી નાખ્યો.
મારા પત્નીએ કાન ડ્રોઇંગરૃમની દિશામાં રાખ્યા હતા. એ ચા લઈને આવ્યાં અને બોલ્યાં, ત્યાં હૉસ્પિટલમાં એક ડૉ.મહેતા સાહેબ છે એ મારા પપ્પાના મિત્ર છે.'
'તો..? તારા પપ્પાના મિત્ર છે તો શું થયું?' મેં પૂછ્યું.
'કાકાએ તમારો રહેવા-જમવાનો ખર્ચ બચાવી દીધો. તમે ભોગીલાલભાઈને સાથે લઈ જવાનો નિર્ણય કરીને પ્રવાસખર્ચ બચાવી લીધો. મને થયું કે ડૉ.મહેતા સાહેબ ઉપર મારા પપ્પા પાસે ફોન કરાવી દઈએ એટલે ટ્રીટમેન્ટનો પણ ખર્ચ બચી જશે..' પત્નીએ અમારા બંનેના હાથમાં ચાના કપ આપતાં ચોખવટ કરી.
'ક્યારેક ક્યારેક એ ફાયદાની વાત પણ કરી જાણે છે.' મેં પત્નીનાં વખાણ કરતાં કહ્યું.
'ચામાં ખાંડ ન નાખીને ફાયદો જ કરી લીધો લાગે છે.' કાકાએ ચા ચાખીને ચોખવટ કરી. ત્યાર બાદ મેં મારો કપ મોઢે માંડ્યો તો વાત સાચી નીકળી.
'હાય રામ… છોકરાના વિચારમાં ખાંડ સાવ ભૂલી ગઈ કે શું?' પત્નીને પણ ફાળ પડી.
'હા.. એવું જ થયું છે. જા ખાંડ લઈ આવ..' મેં આજ્ઞા કરી. પત્ની ખાંડ લેવા રસોડા તરફ ગઈ. મને થોડો સંકોચ થયો.
'સોરી કાકા..'
'ચિંતા કરીશ નહીં.. તારા ઘરમાં તારું ચલણ ઘણુ છે. તારા કાકી જો ખાંડ ભૂલી ગયા હોય તો ખાંડ લેવા રસોડામાં મારે જવું પડે છે. તારા પત્ની ખાંડ લેવા ગયાં એ તો ગૌરવની વાત કહેવાય.' મફાકાકાએ મને આશ્વાસન આપ્યું.
મફાકાકાનાં પત્ની એટલે મનસુખનાં મમ્મીને વચ્ચે હૉસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. અમે ચારે મિત્રો તબિયત પૂછવા ગયા ત્યારે મફાકાકાએ કહ્યું કે એટલું સારું કે તમારા કાકીને 'એક્સીલેટર' ઉપર ન રાખવા પડ્યાં. એ 'વૅન્ટિલેટર' બદલે 'એક્સીલેટર' બોલે છે. આખું ખાનદાન રિપેરિંગ માગે છે.
મારા પત્ની ખાંડ લઈને આવે ત્યાં સુધી રજા આપશો. આવતાં અઠવાડિયે ફરી મળીશું. હજુ તો મનસુખને રિપેરિંગ માટે જામનગર લઈ જવાનો છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OszVGphCUk9twU9CCP2aQYtCk13Lcgr%3DwXi-jEt3YD%3D%3Dg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment