માતા-પિતા આઈએએસ બનાવવાનું સપનું જોઈ રહ્યાં હતાં, પણ મહાલક્ષ્મીને આટર્સમાં રસ હતો. આજે તેઓ ભારતના આ આર્ટના જૂજ કલાકારોમાંના એક આર્ટિસ્ટ છે જે ટાયની કટિંગ પેપર આટર્સ પર કામ કરી રહ્યાં છે
કોરા ફાજલ પેપરમાંથી તમે શું-શું કરી શકો? બહુ બહુ તો તેમાંથી પેપર બૅગ બનાવી શકો કે પછી કોલાજ કામ કરીને કોઈ વૉલપીસ તૈયાર કરી શકો. પણ ક્યારેય વિચાર્યું છે કે આ જ પેપરનો ઉપયોગ કરીને તમે થ્રી-ડી પેપર આર્ટ વર્ક કરી શકો? કદાચ આ પ્રશ્ર્નનો ઉત્તર નામાં જ હશે, પણ જ્યારે તમે કાંદિવલીના મહાલક્ષ્મી વાનખેડકરને મળો એટલે તમને થ્રી-ડી પેપર આર્ટવર્ક શું છે અને તે કઈ રીતે થાય છે તેની પૂરેપૂરી માહિતી મળી જશે, તો ચાલો રાહ કોની જોવાઈ રહી છે, મળીએ મહાલક્ષ્મી વાનખેડકરને.
મહાલક્ષ્મી વાનખેડકરે પેપરમાંથી બનાવેલા ગરુડની નોંધ લેવાની ફરજ લિમ્કા બુક ઓફ રેકૉડર્સને પણ પડી હતી અને 2016-17માં તેમને 'ટાયની પેપર આટર્સ ક્વીન'નો ખિતાબ આપવામાં આવ્યો હતો. માતા-પિતાની ઈચ્છા તો તેમને આઈએએસ ઓફિસર બનાવવાની હતી, પણ દીકરીની કળા પ્રત્યેની રુચિને ધ્યાનમાં લઈને તેને આટર્સમાં જ આગળ વધવા દીધી અને જેનું પરિણામ આજે આપણી સામે છે.
કાંદિવલીમાં રહેનારા મહાલક્ષ્મી છેલ્લાં દોઢ-બે દાયકાથી આ થ્રી-ડી પેપર આર્ટવર્ક કરે છે અને એ વિશે તેમણે 'મુંબઈ સમાચાર' સાથે વાત કરતાં જણાવ્યું હતું કે 'પહેલી વખત 2005માં મેં મુંબઈના જ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ઈન્ડિયન આર્ટ કે જેમાં મધુબની પેઈન્ટિંગ, વારલી સહિત વિવિધ પ્રકારના પચ્ચીસ જેટલાં પેઈન્ટિંગ રજૂ કર્યા હતાં અને ત્યાંથી જ મને ઍર ઈન્ડિયાએ સ્પૉન્સર કરીને ચીન મોકલી. ચીનમાં 2007માં શાંઘાઈમાં ફરી એક વખત મારું કામ ઍક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યું. આ પ્રદર્શન જોવા માટે મોરિશિયસની તત્કાલીન રાજકારણમાં પ્રધાનપદું ભોગવી રહેલી મોટી હસ્તીએ મારા કામથી પ્રભાવિત થઈને મોરિશિયસ આવીને અમારા કલાકારોને આ આર્ટ શિખવાડો અને અમે તમને મોરિશિયસની કાયમી સિટીઝનશીપ આપીશું એવી ઑફર પણ આપી. આ ઑફર જ મારો પુરસ્કાર હતો.'
દિલ્હી અને વિદેશોમાં થતાં ઍક્ઝિબિશનમાં ભાગ લેવાનું હવે મહાલક્ષ્મીએ બંધ કર્યું છે, કારણ કે તેમને કંઈક અલગ કરવું હતું અને એ પણ અત્યાર સુધી કોઈએ ના કર્યું હોય એવું કામ કરવું હતું. બસ, પછી તો ઈન્ટરનેટ પર આ વિશે ખાંખાખોળા કરવાનું શરૂ કર્યું અને તે વખતે તેમને ટાયની કટિંગ પેપર આર્ટ વર્કની માહિતી મળી. આખરે આ જ દિશામાં આગળ વધવાનું તેમણે નક્કી કર્યું. ઍક્ઝેક્ટલી આમાં કાગળના નાના નાના એટલે કે 0.1 સેં.મી.ની કાપલીઓ કાપવામાં આવે છે અને તેમાંથી અલગ અલગ કૃતિઓ તૈયાર કરવામાં આવે છે.
'આ આર્ટવર્કમાં સફેદ પેપર પર આશરે 22 પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે અને મેં આ કળાની મદદથી પક્ષીઓ તૈયાર કરવાનું નક્કી કર્યું. ઈન્ટરનેટ પર પક્ષીઓની વિવિધ હિલચાલ અને મૂવમેન્ટ પસંદ કરીને થ્રી-ડી ઈફ્કેટવાળી એનેટૉમી તૈયાર કરીને પછી વિવિધ ઈફૅક્ટવાળા કલર કરેલાં પેપરના નાના નાના ટુકડાઓ આ મૉલ્ડ પર ચિપકાવતા જવાનું. 2008થી 2016 સુધી મેં ટાયની કટિંગ પેપર આર્ટનો ઉપયોગ કરીને 10 સેં.મી.થી લઈને પાંચ ફૂટ સુધીના 25 જેટલા પેઈન્ટિંગ્સ તૈયાર કર્યા છે. આ પ્રકારની આર્ટનો ઉપયોગ કરીને કૃતિ તૈયાર કરવા માટે એક મહિનાથી લઈને એક વર્ષ સુધીનો સમય લાગે છે' એમ જણાવે છે તેઓ.
મહાલક્ષ્મીનું નાનામાં નાનું આર્ટવર્ક 8 સેેં.મી. 10 સેં.મી.નું છે, જ્યારે મોટામાં મોટું આર્ટવર્ક 70 સેં.મી. 12 સેં.મી.નું છે. તેમણે અત્યાર સુધી ફલેમિંગો, પેરેડાઈઝ, હમિંગ કિંગફિશર, હિમાલયન મોનાલ, ગ્રે પિકૉક, નિકોબાર પિજન, ફ્રૂટ ડવ, મોર, મંડેરિયન બતક અને અન્ય વિવિધ પક્ષીઓની કૃતિઓ તૈયાર કરી છે.
માત્ર પક્ષીઓના જ થી્ર-ડી પેઈન્ટિંગ બનાવવા પાછળનું કારણ જણાવતાં તેઓ કહે છે કે 'ભગવાને આટલી સુંદર દુનિયા બનાવી છે, પણ માણસે વિકાસના નામે તેનો દાટ વાળી દીધો છે. છેલ્લે તમે તમારા આંગણામાં ચકલી ક્યારે જોઈ હતી એ યાદ છે? નહીં જ યાદ હોય કારણ કે નાનકડી ચકલી તરફ આપણું ધ્યાન ક્યારેય ગયું જ નથી અને આપણને તેની જરૂર પણ લાગતી નથી. આખી દુનિયામાં તમારા જીવનમાં રહેલાં સ્ટ્રેસને દૂર કરવાની ક્ષમતા પક્ષીઓના કલરવમાં જ છે. પણ વિકાસના નામે આડેધડ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવાના કારણે પક્ષીઓનો કલરવ કાન પર પડે એવા આપણા નસીબ ક્યાં?'
જે. જે. સ્કૂલ ઑફ આટર્સમાંથી પોતાનો અભ્યાસ પૂરો કરનારી મહાલક્ષ્મી પહેલાં તો બોરીવલીની એક શાળામાં બાળકોને ચિત્રકામ શિખવાડતાં હતાં અને એ વખતે તેમને અભ્યાસક્રમમાં ઘણી બધી ખામીઓ દેખાઈ અને તેમણે શાળાના આચાર્યને વિશ્ર્વાસમાં લઈને બાળકોને ત્રીજા ધોરણથી જ ગ્રેડ ચિત્રકળાનો અભ્યાસ કરાવવાની શરૂઆત કરી દીધી. પહેલાં તો બાળકોનાં માતા-પિતાએ ગ્રેડ પરીક્ષાની મોંઘી મોંઘી પુસ્તકો ખરીદવાનો ઈન્કાર કરી દીધો, પણ બાદમાં આ જ પુસ્તકો બાળકોને 10મા ધોરણ સુધી કામ આવશે એવું સમજાવતા આખરે તેઓ તૈયાર થઈ ગયા. આનું પરિણામ એ આવ્યું કે બાળકો જ્યારે સાતમા-આઠમા ધોરણમાં આવતા ત્યારે ગ્રેડની પરીક્ષા આપતા અને સારા ગ્રેડ મેળવીને પરીક્ષામાં ઉત્તીર્ણ પણ થતાં.
બાળકોને ચિત્રકામ શીખવાડવાની તેમની રીત કેટલી સહેલી હશે તેનો અંદાજો તો એ પરથી જ લગાવી શકાય છે કે જે બાળકોને પહેલાં પેઈન્ટિંગ કરવાનું ગમતું નહોતું એ બાળકો હોંશે હોંશે પેઈન્ટિંગ શીખવા લાગ્યાં. 'હું જ્યારે શાળામાં બાળકોને ડ્રૉઈંગ શિખવાડતી ત્યારે શિખવાડવાની ટૅક્નિક જોઈને ધીરે ધીરે વિદ્યાર્થીઓને ડ્રૉઈંગમાં રસ પડવા લાગ્યો અને એટલું જ નહીં તેમાંના ઘણા બધા વિદ્યાર્થીઓ આજે ખૂબ સુંદર પેઈન્ટિંગ કરે છે. આ ઉપરાંત એ સમયગાળા દરમિયાન શાળાના અન્ય શિક્ષકો મારી ફરિયાદ કરતાં કે વર્ગમાં વિદ્યાર્થીઓ ડ્રૉઈંગ સિવાય બીજું કશું કરતાં જ નથી', એવું હાસ્ય વેરતા કહે છે મહાલક્ષ્મી.
કળાને ભારતમાં જોઈએ એટલું મહત્ત્વ નથી આપવામાં આવતું એ વાતનું દુ:ખ થાય છે એવું પૂછવામાં આવતા મહાલક્ષ્મી જણાવે છે કે 'એક કલાકાર તરીકે દુ:ખ થાય એ તો સ્વાભાવિક જ છે, પણ એક માણસ તરીકે પણ મને પારાવાર દુ:ખ થાય છે. આપણે ત્યાં કળાને માત્ર ટાઈમપાસ પ્રવૃત્તિ તરીકે જ જોવામાં આવે છે. આજે પણ જો કોઈ સંતાન અને તેમાં પણ ખાસ કરીને જો એ દીકરો હોય અને પેઈન્ટિંગ કે આટર્સ ક્ષેત્રમાં જવાની વાત કરે એટલે તો જાણે ઘરમાં આભ તૂટી પડ્યું હોય એવી પરિસ્થિતિ સર્જાય. હવે આ સિનારિયો બદલાવવો જ જોઈએ અને કળાને પણ આપણે પ્રોત્સાહન આપવું જોઈએ.'
કળા ઉપરાંત મહાલક્ષ્મીને આયુર્વેદમાં પણ રસ છે અને તેમની પાસે રિસર્ચ કરીને આયુર્વેદિક મચ્છરને ભગાવતી કૉઈલ અને સ્પ્રે તૈયાર કરી છે, જેની પૅટન્ટ પણ તેમના નામે રજિસ્ટર્ડ છે. તેમની આ બંને પ્રવૃત્તિઓ એક જ રેખાના વિપરીત અંંતિમ બિંદુ જેવી છે. પણ તેમ છતાં પારિવારિક જવાબદારીઓ સંભાળીને દુનિયાથી નોખું કંઈક કરવાની તેમની મહેચ્છાને સલામ!
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtOR8UcsTtrZ21BcLAA0gGpaVLq2N4nHdPzOMSd8H-BCg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment