'ભારે થઈ ગઈ! પાંચ નંબરના ફ્લેટમાં પેલા વિનુકાકા અને લાભુકાકી રહેતાં'તાં ને? એ બંનેની કોઈએ હત્યા કરી નાખી.' એક જણાએ બીજાને વાત કરી. બીજાએ ત્રીજાને અને દસેક મિનિટ્સમાં તો આ 'બ્રેકિંગ ન્યૂઝ' આસપાસની દસેક સોસાયટીઓમાં ફેલાઈ ગયા. જે ઘરમાં આ બેવડી કતલની વારદાત ઘટી હતી એની બહાર ચારસો-પાંચસો માણસોની ભીડ જમા થઈ ગઈ.
ટોળાને ઉદ્દેશીને એક મહિલા ઉત્તેજિત સ્વરમાં રિપોર્ટિંગ કરી રહી હતી, 'અમે સામે બારણે જ રહીએ છીએ, પણ અમને ગંધ સરખીયે ન આવી કે બિચારાં કાકા-કાકીને કોઈકે..! આ તો હું દહીંનું મેળવણ લેવા માટે ગઈ, ડોરબેલ વગાડી, કોઈએ બારણું ન ઉઘાડ્યું, એટલે મેં સહેજ ધક્કો માર્યો ત્યાં તો બારણું ખૂલી ગયું. ડ્રોઇંગ રૂમમાં લાઇટ ચાલુ હતી. ટીવી પણ ચાલુ હતું. મેં બૂમ પાડી, 'લાભુકાકી..!' કોઈ જવાબ ન મળ્યો. એટલે હું બે ડગલાં ચાલીને અંદર ગઈ. અમારે તો એમની સાથે ઘરવટ. એટલે જાણવું તો પડે ને કે શું થયું? જ્યાં અંદર જઈને જોયું તો...' પછીનું વર્ણન એ મહિલાએ એનાં સ્ટેટમેન્ટમાં પોલીસની સમક્ષ પણ એ જ શબ્દોમાં રજૂ કરી દીધું, 'અલગ-અલગ સોફામાં બંનેની લાશો પડેલી હતી. ફર્શ પર, સોફાની ગાદી પર, સામેની દીવાલ પર જ્યાં જુઓ ત્યાં લોહી જ લોહી હતું. હત્યારાએ હત્યા કરી દીધા પછી શું કર્યું હશે એ વિશે મને કંઈ ખબર નથી, પણ એટલું કહી શકું કે મરનાર વિનુકાકા અને લાભુકાકી ખૂબ ભલા, પ્રેમાળ અને મળતાવડાં માણસો હતાં. આખી સોસાયટીમાં કોઈની સાથે એમને દુશ્મનાવટ ન હતી. બંને આ ફ્લેટમાં એકલાં જ રહેતાં હતાં. એમને કોઈ સંતાન ન હતું. એમનાં દૂરનાં સગાંઓમાંથી ક્યારેક કોઈ આવીને એમનાં ખબરઅંતર પૂછી જતું હતું. અમે તો વિચારી પણ શકતાં નથી કે આવાં ઘરડાં પતિ-પત્નીનું કોઈ ખૂન કરી શકે!'
પોલીસ ઇન્સ્પેક્ટર પ્રભાકર મનોમન બબડી ઊઠ્યા, 'વિચારી શકો કે ન શકો, પણ બેવડી હત્યા થઈ છે એ હકીકત છે. પડોશીઓની જેમ અમારાથી અદાલતમાં આવું નહીં કહી શકાય કે આવાં ઘરડાં પતિ-પત્નીનું ખૂન કોણે કર્યું હોઈ શકે એની અમને ખબર નથી.' લગભગ પંદરેક વર્ષ પહેલાંની ઘટના. અમદાવાદનો આ બેવડો હત્યાકાંડ પોલીસ ડિપાર્ટમેન્ટ માટે મોટો માથાનો દુખાવો બની ગયો હતો. હત્યારાએ કોઈ પુરાવાઓ છોડ્યા ન હતા. શું એ કોઈ પ્રોફેશનલ ગુનેગાર હતો? ફ્લેટમાં આ વૃદ્ધ દંપતી એકલું રહેતું હતું એની એણે જાણ હતી? આવી લોહિયાળ કતલ કરવા પાછળ એનો મોટિવ શો હતો? ફ્લેટમાં હત્યારાની ફિંગરપ્રિન્ટ, ફૂટપ્રિન્ટ, હત્યાનું ઓજાર, લોહીના ડાઘાવાળું કપડું કે એવું કશું જ મળ્યું ન હતું. તો શું ખૂની હત્યા કર્યા પછી હથિયાર પણ એની સાથે લઈ ગયો હશે?
પોલીસે તો પંચનામું કરીને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. બીજા દિવસની સવારના અખબારોએ આ ઘટનાને મોટા મથાળા આપીને ચમકાવી દીધી: અમદાવાદના શાંત ગણાતા વિસ્તારમાં બેવડી હત્યાની કરપીણ ઘટના. શહેરભરમાં ચકચાર. જનતામાં દહેશત. પોલીસતંત્ર અંધારામાં ફાંફાં મારે છે. સરકાર કુંભકર્ણની જેમ ઘોરે છે... વગેરે... વગેરે...
પોલીસતંત્ર એની રીતે ચીવટપૂર્વક છાનબીન કરી રહ્યું હતું, પણ કોઈ 'ક્લૂ' એમને જડતું ન હતું. સામેના ફ્લેટમાં રહેતા પરિવારમાંથી એટલું જાણવા મળ્યું કે વિનુકાકા સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઈને આરામની જિંદગી વિતાવતા હતા. પતિ-પત્ની વચ્ચે કોઈ જ વિવાદ કે વિખવાદ ન હતો. કરકસરિયો જીવ એટલે ચાળીસેક તોલાના સોનાનાં ઘરેણાં હતાં, દસેક લાખનાં શેર સર્ટિફિકેટ્સ હતાં. આ બધું બેન્કના લોકરમાં સલામતીપૂર્વક મૂકેલું હતું. મોટાભાગની બચત ફિક્સ્ડ ડિપોઝિટ રૂપે 'સેવ' કરેલી હતી. ઘરમાં તો માંડ પાંચેક હજાર જેટલી રોકડ રાખતા હતા.
ઇન્સ્પેક્ટર પ્રભાકર વિચારમાં પડી ગયા. પાંચેક હજાર રૂપિયા માટે કોઈ હત્યારો આવો ગંભીર અપરાધ ન જ કરે. તો શું હત્યારો અજાણ્યો હતો? ઘરની અંદરની વાત જાણ્યા વગર કોઈ ગુનેગાર સાંજના સમયે ઘરમાં ઘૂસીને બબ્બે વૃદ્ધ માણસોની કરપીણ હત્યા?
ઈ. પ્રભાકર વિચારી રહ્યા, 'કંઈ પકડાતું નથી. બધો આધાર હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર છે. જોઈએ ડૉક્ટર શું કહે છે? બાપડા ડૉક્ટરો પણ શું કહી શકે? વધુમાં વધુ એટલું કહી શકે કે બંનેનાં મોત શરીરમાંથી વધારે પડતું લોહી વહી જવાથી નિપજ્યાં છે. હત્યારાએ ઉપયોગમાં લીધેલું હથિયાર..! એમાં પણ ડૉક્ટર શક્યતા જ જણાવશે. કાં બોથડ હથિયારથી ખૂન કરવામાં આવ્યું છે એવું કહેશે, કાં એવું કહેશે કે હત્યામાં વપરાયેલું હથિયાર ધારદાર હતું. હવે એ શું હતું એના વિશે માત્ર કલ્પનાઓ જ કર્યે રાખવાની.
ઇન્સ્પેક્ટરને ખબર ન પડી કે તબીબ જગતમાં ફોરેન્સિક સાયન્સ નામના વિભાગે કેટલી પ્રગતિ કરી લીધી છે! જો કોઈ નિષ્ણાત તબીબ એમાં મહારત મેળવી લે અને પોતાના જ્ઞાનનો સો ટકા ઉપયોગ કરી બતાવે તો કોઈ પણ અપરાધી છટકી ન શકે. ડૉ. પ્રતીક પટેલ આવા જ એક કુશળ ફોરેન્સિક એક્સપર્ટ છે. હાલમાં તેઓ એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં ફોરેન્સિક મેડિસિન વિભાગના અધ્યક્ષ પદે કાર્યરત છે. આજથી પંદર વર્ષ પહેલાં તેઓ આજના કરતાં ઘણાં યુવાન વયના હતા, પણ ત્યારેય એમના ક્ષેત્રમાં તેઓ કુશળ હતા. અમદાવાદમાં ચકચાર મચાવી દેનારા આ બેવડા ખૂન કેસમાં મૃતદેહોના પોસ્ટમોર્ટમની જવાબદારી ડૉ. પટેલને સોંપવામાં આવી.
ઈ. પ્રભાકરે એમને પૂછ્યું પણ ખરું, 'ડૉક્ટર, તમે મોતનું કારણ તો બતાવી આપશો, હું એ જાણું છું, પણ તમે કાતિલ કોણ છે એ અંગે કંઈ કહી શકશો?'
'ઇન્સ્પેક્ટર, કાતિલને કોઈએ જોયો નથી. જે બે જણાએ એનો ચહેરો જોયો છે એ તો અત્યારે લાશ બનીને પોઢી ગયાં છે, પણ હું કોશિશ કરીશ, આ લાશોને જો બોલતી કરી શકું તો...' ડૉ. પ્રતીક પટેલ પોસ્ટમોર્ટમના કાર્યમાં ખોવાઈ ગયા. સૌથી પહેલું કામ તેમણે મૃતદેહો પર થયેલા ઘા તપાસવાનું કર્યું. એમની આંખોમાં ન સમજી શકાય તેવી એક ચમક આવી ગઈ. એમનો આસિસ્ટન્ટ સમજી ગયો, 'સર, તમે કશુંક પકડી પાડ્યું લાગે છે.'
'હા, ઘણું બધું.' ડૉ. પટેલ ગંભીરતાપૂર્વક બોલ્યા, 'કાતિલ વિશેની એંશી ટકા માહિતી તો માત્ર આ ઈજાઓને જોવા પરથી જ મળી ગઈ છે, ઇન્સ્પેક્ટરે હવે ફક્ત એને શોધવાનું જ કામ કરવાનું છે.'
એ પછી બંને મૃતદેહોની ચીરફાડ શરૂ થઈ. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા એવી ક્રૂર હોય છે, જેને જોઈને ભલભલા કઠણ દિલના માનવીઓ પણ કંપી ઊઠે. ડૉ. પટેલ એક-એક વિગત રિપોર્ટમાં ટપકાવતા ગયા. બંને મૃતદેહોમાંથી કેટલાંક અંગો લેબોરેટરી તપાસ માટે લઈ લીધાં. ક્યાંક એવું ન બન્યું હોય કે હત્યારાએ કોઈ નશીલો કે ઝેરી પદાર્થ કે પીણું વિનુભાઈ અને લાભુબહેનને આપીને પછી હથિયારના ઘા ઝીંક્યા હોય! ત્યારે એ શક્યતા પણ ચકાસવી પડે કે મૃત્યુ પેલા ઝેરથી તો નથી થયું ને? હોજરીમાં પડેલા અન્ન પરથી એ પણ જાણી શકાય કે હત્યા કેટલા વાગ્યે થઈ હોવી જોઈએ. ભોજન લીધા પછી કે પહેલાં? જો ખાધેલું અન્ન હોજરીને બદલે નાનાં આંતરાડામાંથી મળે તો ભોજનના સમય પછી થોડાક કલાકો બાદ હત્યા કરવામાં આવી હશે, એવું તારણ કાઢી શકાય.
'હં...મ..! આ બંનેની હત્યા થઈ ત્યારે એમણે ડિનર લીધું નહીં હોય. બંનેની હોજરીઓ ખાલી છે. નાનાં આંતરડાંમાં અડધોપડધો પચેલો ખોરાક કહે છે કે મરણ પામતાં પહેલાં આ વૃદ્ધ દંપતીએ છ-સાત કલાક પહેલાં ભોજન કર્યું હોવું જોઈએ. જો કોઈ એમના લંચનો સમય જણાવી શકે તો હું હત્યાનો ચોક્કસ સમય કહી આપું.'
સંપૂર્ણ રિપોર્ટ તૈયાર થઈ ગયા પછી વિસેરાનો લેબોરેટરી રિપોર્ટ આવી જાય તે પહેલાં ડૉ. પ્રતીક પટેલે ઈ. પ્રભાકરને કાચી-પાકી મહત્ત્વની જાણકારી તો આપી જ દીધી, 'હત્યારાએ હત્યા માટે મોટાં પાનાંવાળી કાતર વાપરી છે. શરીર પરનાં ઘાનાં નિશાન છરી કે અન્ય કોઈ તીક્ષ્ણ હથિયારનાં નથી જ નથી. કાતર પણ માળીની નથી. ઘરવપરાશમાં લેવાતી કાતર જ હોવી જોઈએ. સાવ નાની પણ નહીં. કાતરના બંને ફણા જોડાયેલા રાખીને ઘા મારવામાં આવ્યા છે.' 'મને એકાદ સીધું સૂચન કરો, ડૉક્ટર.'
'એક શા માટે? બે સૂચનો કરું છું.' ડૉ. પટેલના અવાજમાં આત્મવિશ્વાસ છલકાતો હતો, 'એક, કાતિલ પરિવારમાંથી જ કોઈક છે. એટલે જ ધોળે દિવસે એના આવવા-જવાની કોઈએ નોંધ લીધી નથી. બીજું, લૂંટફાટનું દૃશ્ય ફક્ત નાટક છે. ઊભું કરવામાં આવેલું છે. હત્યા પાછળનો મૂળ મકસદ કશોક બીજો જ છે. ત્રીજું સૂચન કર્યું? ઘરની અંદર જેટલી કાતરો મળી આવે તે બધીને કોરેન્સિક લેબમાં મોકલી આપો, ભલે પાણી વડે ધોઈ નાખેલી હશે તો પણ કોઈ એક કાતરના સાંધામાં કે ક્યાંક બ્લડના કણો પકડાઈ જશે.'
'થેંક્યૂ ડૉક્ટર. આટલું તો પૂરતું છે. બાકીનું કામ અમે પોલીસવાળા પૂરું કરી નાખીશું.' ઈ. પ્રભાકરે કહ્યું અને તરત જ એમણે શોધખોળ ચાલુ કરી દીધી. ચોવીસ કલાકમાં કાતિલ ઝડપાઈ ગયો. મૃતકોનો સગો ભત્રીજો વિકાસ હતો. ચોક્કસ જગ્યા પર ચાર-પાંચ દંડા પડ્યા એટલે વિકાસને વાણી ફૂટી, 'મારો નહીં, સાહેબ. હું બધું જ કહી દઉં છું. કાકા-કાકીને મેં જ માર્યાં...'
સમય સાંજે સાત વાગ્યાનો. વૃદ્ધ પતિ-પત્ની ટીવી જોતાં હતાં. ભત્રીજો આવ્યો. જીદ પકડી, 'વસિયતનામું બનાવી દો. આમ પણ તમારા ગયા પછી બધી સંપત્તિનો વારસદાર હું જ છું. તો અત્યારે જ બધું આપી દો. મને શેરબજારમાં મોટી ખોટ ગઈ છે.' એમાંથી આનાકાની, વિવાદ, ઉગ્ર બોલાચાલી, પછી આવેશમાં આવીને વિકાસે રસોડામાં જઈને કાતર..!
પોલીસે તો કેસ ઉકેલી દીધો, પણ અદાલતમાં વિકાસના વકીલે તર્ક રજૂ કર્યો, 'પોલીસનો આરોપ વાહિયાત છે. મારા અસીલે ખૂન કર્યાં જ નથી. ડૉ. પટેલે જે સમય જણાવ્યો છે, જો ત્યારે જ મર્ડર થયું હોય તો મૃતકોની ચીસો કેમ કોઈએ સાંભળી નહીં?' જજસાહેબે સરકારી વકીલ સામે જોયું. વકીલે જવાબ આપવા માટે સમય માગ્યો. અહીં પણ ડૉ. પ્રતીક પટેલની બુદ્ધિ કામમાં આવી. બીજા દિવસે સરકારી વકીલે જવાબ રજૂ કર્યો, 'જે સમયે હત્યા થઈ બરાબ તે જ સમયે સોસાયટીની બાજુમાં આવેલી રેલવે ટ્રેક પરથી ટ્રેન પસાર થાય છે. આ રોજિંદી ઘટના છે. ત્યાં ક્રોસિંગ હોવાથી ટ્રેનનો ડ્રાઇવર સતત વ્હિસલ વગાડતો રહે છે. એના અવાજમાં મૃતકોની ચીસો દબાઈ ગઈ એટલે...'
વિકાસ ચૌદ વર્ષ માટે જેલના સળિયા પાછળ જતો રહ્યો. ક્યારેક પોલીસ ફાઇલમાંથી મળતા ક્રાઇમ કેસ કરતાં ડૉક્ટરની ફાઇલમાંથી જડતા ક્રાઇમ કેસો વધારે રોમાંચક હોય છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtUp%2BER7asAWH0tzCEA57xeN-KqWbiRJgUn%2B-ugJf%2B6HQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment