Saturday, 5 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પેઈન્ટના બિઝનેસે જીવનનો રંગ બદલી નાખ્યો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પેઈન્ટના બિઝનેસે જીવનનો રંગ બદલી નાખ્યો!
સંઘર્ષથી સફળતા-ધનંજય દેસાઈ

 


 

થોડાં વર્ષ અગાઉ રહેવાના અને ખાવાના વાંધા હતા તેવા ગોહ ચેંગ લિયાંગે પેઈન્ટના બિઝનેસમાં મોટું સામ્રાજ્ય ઊભું કર્યું. અનેક લોકો માટે રહેઠાણ, હોટેલ અને હૉસ્પિટલ ઊભી કરી


સિંગાપોરના ગરીબ પરિવારમાં જન્મેલ ગોહ ચેંગ લિયાંગે આર્થિક મુશ્કેલીના કારણે ભણવાનું બાજુ પર મૂકી કુટુંબને મદદરૂપ થવા બાળમજૂરી કરી. માછલાં પકડવાની જાળ વેચવાથી લઈને પાણી અને હાર્ડવેરના માલ વેંચ્યા.


બ્રિટિશ શાસન હસ્તકના સિંગાપોરમાં આર્મીએ કરેલા લિલામમાં તેમણે રોટન પેઈન્ટનો મોટો સ્ટોક ખરીદી લીધો તેમાં અન્ય કલર ઉમેરીને પીજન બ્રાન્ડ નામથી પેઈન્ટનો ધંધો શરૂ કર્યો ત્યારે તેમની ઉંમર હતી માત્ર ૨૧ વર્ષ. કોરિયાના યુદ્ધ વખતે સિંગાપોરે આયાત પર પ્રતિબંધ મૂકતા તેનો લાભ ગોહ ચેંગને મળ્યો. દેશમાં પેઈન્ટની માંગ વધી ગઈ અને તેમના જીવનનો રંગ બદલાય ગયો.

ડેન્માર્ક-જાપાન જઈને પેઈન્ટ વિશે જાણકારી મેળવી તેમાં વિશ્ર્વવિખ્યાત નિપ્પોન પેઈન્ટના પ્રારંભમાં વિતરક અને બાદમાં પાર્ટનર બન્યા. એશિયાની સૌથી મોટી પેઈન્ટ કંપની અને વિશ્ર્વની ટોપ પાંચ પેઈન્ટ કંપનીમાં સ્થાન મેળવ્યું.

પેઈન્ટની કમાણીમાંથી રિયલ એસ્ટેટ, હોટેલ, રિસોર્ટ, ઈલેક્ટ્રોનિક ક્ષેત્રમાં ઝંપલાવ્યું. મોલ-હૉસ્પિટલ ઊભી કરી. પોતે ભણી શક્યા નહીં, પરંતુ પુત્રનો અનુભવનો પાઠ શીખવવાની સાથે ટોકિયો, કેલિફોર્નિયા મોકલીને ઘણું ભણાવ્યો જે હાલ નિપ્પોન પેઈન્ટ કંપનીમાં ચેરમેન છે. તેમનું ગોહ ફાઉન્ડેશન અનેક ચેરિટેબલ કામ કરી રહ્યું છે.

ગોહ ચેંગ લિયાંગનો જન્મ ૧૯૨૮માં સિંગાપોરના એક ગરીબ પરિવારમાં થયો હતો. પ્રારંભના ૧૨ વર્ષ કારમી ગરીબીમાં ગયા. ત્રણ ડૉલરના ભાડાંની જગ્યામાં છ વ્યક્તિ રહેતા હતા. ગોહ ચેંગ સાથે ત્રણ ભાઈ-બહેન અને માતા-પિતા સાંકડી રૂમમાં મુશ્કેલીથી દિવસો પસાર કરતા હતા.

બીજું વિશ્ર્વયુદ્ધ ચાલતું હતું તે સમયે ગોહની ઉંમર ૧૧-૧૨ વર્ષની હતી. માતાએ તેમને મલાયા મોકલી આપ્યા. ત્યાં બનેવીને ફિશિંગનેટ (માછલા પકડવાની જાળ) વેચવામાં મદદ કરવા લાગ્યા. ભણવાની ઉંમરે બાળમજૂરી કરતા હતા.

ચારેક વર્ષ બાદ તેઓ સિંગાપોર પરત આવ્યા હતા. આર્થિક સ્થિતિ તો નબળી જ હતી. પિતાને કોઈ કામ ધંધો હતો નહીં. મોટા ભાગે તે બેકાર જ રહ્યા. માતા લોન્ડ્રીમાં કપડાં ધોવાનું અને ઈસ્ત્રીનું કામ કરતી હતી. બહેનનો રસ્તા પર ખાદ્યચીજોનો સ્ટોલ હતો. પરિવારને મદદરૂપ થવા તેમણે એેરેટેડ પાણી (હવા-વાયુયુક્ત) વેચવાનું શરૂ કર્યું. જો કે તેમાં નિષ્ફળતા મળી. સંઘર્ષ અને પુરુષાર્થ ચાલુ જ હતા. શિક્ષણ લેવાનું તો વિચારી શકાય એમ જ નહોતું.

હાર્ડવેર સ્ટોરમાં પહેલા એપ્રેન્ટિશ તરીકે કામ કર્યું. બાદમાં સેલ્સમેન બન્યા. તેમાં આર્થિક સ્થિતિ થોડી સુધરી હતી. બીજું વિશ્ર્વયુદ્ધ પૂર્ણ થયા બાદ બ્રિટિશ આર્મીએ અનેક આઈટમનું લિલામ કર્યું. તેમાં રોટન પેઈન્ટનો સમાવેશ હતો. ગોહ ચેંગે સસ્તા ભાવે પેઈન્ટનો સ્ટોક ખરીદી લીધો. તેમાં સોલ્વન્ટ અને અન્ય કલરનું મિશ્રણ કરીને પેઈન્ટ બનાવવાનું શરૂ કર્યું તે સમયે તેની ઉંમર ફક્ત ૨૧-૨૨ વર્ષ હતી. નાનું યુનિટ ખરીદીને પીજન બ્રાન્ડનું પેઈન્ટ ઉત્પાદન શરૂ કર્યું.

૧૯૫૦-૫૧માં કોરિયન યુદ્ધ ફાટી નીકળ્યું. સિંગાપોરે અનેક આઈટમની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો. બહારથી આવતાં પેઈન્ટ બંધ થઈ ગયા તેથી ગોહ ચેંગનું નસીબ ખુલી ગયું. પેઈન્ટના બિઝનેસે તેમના જીવનનો રંગ બદલી નાખ્યો. પેઈન્ટ ઉદ્યોગમાં તેજી આવી ગઈ.

પેઈન્ટના ધંધાને આગળ વધારવા તેઓ ડેન્માર્ક જઈ પેઈન્ટ ઉત્પાદનની અદ્યતન ટૅક્નોલૉજી શીખ્યા. ત્યારબાદ જાપાનના પેઈન્ટ અગ્રણીની સલાહ લીધી. સિંગાપોરમાં પેઈન્ટ વેચાણ વધારવાની ચર્ચા કરતાં તેમની વિશ્ર્વ વિખ્યાત કંપની નિપ્પોન પેઈન્ટ સાથે મિત્રતા થઈ ગઈ. તેમણે સિંગાપોરમાં પેઈન્ટનો બિઝનેસ શરૂ કર્યો ત્યારે તે બ્રિટન હસ્તક હતું. બાદમાં સ્વતંત્ર થયા પછી સિંગાપોરે અદ્ભુત વિકાસ કરીને વિશ્ર્વભરનું ધ્યાન ખેંચ્યું.

૩૩-૩૪માં વર્ષે ગોહ ચેંગ વિશ્ર્વ વિખ્યાત નિપ્પોન પેઈન્ટ કંપનીના સિંગાપોર ખાતેના મુખ્ય ડિસ્ટ્રિબ્યુટર બની ગયા. તેમણે દેશભરમાં પેઈન્ટનું સારું વેચાણ કર્યું. થોડા વર્ષ બાદ તેઓ નિપ્પોન પેઈન્ટમાં ભાગીદાર બન્યા જે ૫૦ વર્ષથી વધુથી ચાલુ છે.

ગોહ ચેંગ નિપ્પોન પેઈન્ટ સાઉથ ઈસ્ટ એશિયા ગ્રુપની (નીપસી) સ્થાપના કરી. સંયુક્ત સાહસમાં ૬૦:૪૦ની ભાગીદારી હતી. બે વર્ષ બાદ જાપાનની નિપ્પોન કંપનીએ સિંગાપોરમાં પ્રથમ પેઈન્ટ પ્લાન્ટ સ્થાપ્યો. આમ તો નિપ્પોન ૧૩૭ વર્ષ જૂની છે. જેની સ્થાપના જુજીરો મોતેકીએ કરી હતી. પ્રારંભનાં વર્ષોમાં બી. કેમિકલ સાથે સંયુક્ત સાહસ કર્યું હતું. છેલ્લાં ૫૦ વર્ષથી સિંગાપોર ગોહ લિયાંગની કંપની સાથે સંયુક્ત સાહસ ચાલુ છે.

નિપ્પોન પેઈન્ટ જાપાન-સિંગાપોર જ નહીં અનેક દેશમાં ઘર-ઘરમાં જાણીતું નામ થઈ ગયું છે. નિપ્પોન પેઈન્ટ કંપની ૧૬ દેશમાં સક્રિય છે. ૨૧૦૦૦ જેટલા કર્મચારી છે. એશિયાની સૌથી મોટી પેઈન્ટ કંપની ગણાય છે. વૈશ્ર્વિક સ્તરે ચોથા નંબરની મોટી પેઈન્ટ કંપની બની છે. કંપની પેઈન્ટ ઉપરાંત કેમિકલ બનાવે છે. હાઉસિંગ માટેના પેઈન્ટ ઉપરાંત ઓટોમોટિવ (ઓટોમોબાઈલ માટે) ડેકોરેટિવ પેઈન્ટ પણ બનાવે છે.

ગોહ ચેંગે ૧૯૭૪માં કોટિંગ પેઈન્ટ ઉત્પાદન માટે વુધ્રેલમ હોલ્ડિંગની સ્થાપના કરી હતી. પેઈન્ટ ઉદ્યોગમાં જે કમાયા તેમાંથી અન્ય ક્ષેત્રે તેમણે રોકાણ કર્યું. રિયલ એસ્ટેટ, રિસોર્ટ, રેસ્ટોરન્ટ, ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે ઝંપલાવ્યું.

સિંગાપોરના આઈકોનિક કહેવાય તેવા બિલ્ડિંગોના બાંધ્યા જેમાં લિયાંગ કોર્ટનો સમાવેશ છે. મોલ, શોપિંગ સેન્ટર, હૉસ્પિટલ પણ બનાવી. થોડા વર્ષ અગાઉ જેમને રહેવાના અને ખાવાના ફાંફાં હતા તેમણે પેઈન્ટના બિઝનેસ દ્વારા મોટું સામ્રાજ્ય ઊભું કર્યું અને અનેક લોકો માટે રહેઠાણ અને હોટેલ - હૉસ્પિટલ ઊભી કરી. સિંગાપોરમાં એવો નિયમ છે કે દર પાંચ વર્ષે બિલ્ડિંગનું રંગરોગાન કરવું જોઈએ. તેના લીધે પેઈન્ટમાં સતત માગ રહી. નિપ્પોન પેઈન્ટ કંપની ક્વોલિટી માટે સખત આગ્રહી છે.

નિપ્પોન પેઈન્ટ ઈન્ડિયાને પર્યાવરણ, હેલ્થ/ સેફ્ટી માટે ઉત્કૃષ્ઠ કામગીરી માટે વિશેષ એવૉર્ડ મળ્યો છે. સિંગાપોરના વતની છતાં જાપાનની ભાષા પર સારું પ્રભુત્વ રહ્યું છે. જાપાની ભાષામાં વકતવ્ય પણ આપ્યા છે.

ગોહ ચેંગ સારી વાત/ કામને આગોતરી જાણી લેતા એવા પારખું છે, એમ તેમના બિઝનેસ સહયોગી માને છે. તેમની ઉંમર ૯૦ વર્ષ થઈ છે. ૭૦માં વર્ષે તેમણે ૭૫ ટકા નિવૃત્તિ લઈ લીધી હતી. કામ કરેલો જીવ એટલે સંપૂર્ણ નિવૃત્ત થયા નહોતા.

ગોહ ચેંગના ક્વોટ કે બિઝનેસ શીખ ઘણા ઉપયોગી અને હિંમત આપે એવા છે તે પૈકી અમુક અહીં પ્રસ્તુત છે.

નિષ્ફળતાથી નિરુત્સાહી નહીં થાઓ. સંકટ કે પ્રતિકૂળ પરિસ્થિતિથી ડરો નહીં પણ તેનો સામનો કરો. તેઓ ખાસ કોઈ શિક્ષણ પરિસ્થિતિના કારણે મેળવી શક્યા નહીં, પરંતુ અનુભવમાંથી ઘણું શીખ્યા.

પુરુષાર્થ - સંઘર્ષ કરતાં રહો, પ્રારબ્ધ તેની પાછળ આવશે એવું તેઓ માને છે. સફળતા માટે કોઈ શોર્ટકર્ટ નથી તેમ ઝડપી માર્ગ પણ નથી. બિઝનેસ સામ્રાજ્ય ઊભું કરવા સંઘર્ષની સાથે અવરોધ પણ પાર કરવા પડે છે તેઓ અમુક બાબતમાં નિષ્ફળ ગયા છે. એક કંપની ધારણા પ્રમાણે નહીં ચાલતા વેચી નાખવી પડી હતી. તેમની વ્યક્તિગત ફિલોસોફી એવી છે કે પબ્લિક કંપની કરતાં ખાનગી કંપની ચલાવવી સારી/યોગ્ય છે. તેથી પબ્લિક કંપની બનાવવા પ્રયત્ન કર્યો નહીં. તેમને સિનેમા/ મુવી કે ગીત/ સંગીતનો શોખ નથી. બારમાં જવું પણ પસંદ કરતા નથી. ગરીબીમાં ઉછેર અને ધ્યાન આપનાર, કોઈ નહીં હોવાથી બાળપણમાં તોફાની હતા. પિતાને દારૂની લત હતી.

સિંગાપોરની સૌથી અમીર વ્યક્તિ બન્યા બાદ તેમણેે સુપર યાટ-વેસલ્સ અને ખાનગી જેટ ખરીદ્યા. બોટિંગનો શોખ વધ્યો. તેમના પુત્ર ગેહ હુપ જીનનો જન્મ ૧૯૫૩માં થયો હતો. તેમને પિતા જેટલો સંઘર્ષ કરવો પડ્યો નથી. અભણ પિતાએ તેમને વધુ ભણાવ્યા. પુત્રે ટોકિયો યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવ્યા બાદ કેલિફોર્નિયામાં એેમબીએની ડિગ્રી મેળવી હતી. પેઈન્ટનો બિઝનેસ પિતાએ ઊભા કરેલા પાયા પર મજબૂત કર્યો છે. ૨૦૧૩માં નિપ્પોન પેઈન્ટમાં ટેકઓવર બીડનો પ્રયાસ કરાયા બાદ બે માસ પછી બીડ પાછી ખેંચી લીધી હતી અને વ્યૂહાત્મક મજબૂત જોડાણ માટે બંને પક્ષ સહમત થયા હતા.

ગોહ હુપ જીને નિપ્પોન પેઈન્ટમાં હિસ્સો વધારીને ૩૯ ટકા કર્યો હતો. માર્ચ-૨૦૧૮માં તેઓ કંપનીમાં ચેરમેન બન્યા છે. પિતા એક તબક્કે પ્રથમ નંબરના શ્રીમંત વ્યક્તિ બન્યા હતા. પુત્ર બીજા નંબરની અમીર વ્યક્તિ બની છે.

ગોહ ચેંગ દ્વારા ગોહ ફાઉન્ડેશન સ્થાપ્યું હતું જે અનેક ચેરિટેબલ પ્રવૃત્તિ ચલાવે છે. સિંગાપોરની નેશનલ કૅન્સર સેન્ટરને ૭૨૦ લાખ ડૉલરનું દાન આપ્યું છે. વિદ્યાર્થીઓને વધુ ભણવા માટે સ્કોલરશિપ આપે છે. મેડિકલ રિસર્ચ માટે પણ મદદ કરે છે. ગોહ લિયાંગની સંપત્તિ ૮૯૦ કરોડ ડૉલરની છે. તેમના ભૂતપૂર્વ બિઝનેસ સહયોગીને લિવર કૅન્સર થયું ત્યારે તેઓ પોતાના પેન્ટહાઉસમાં લઈ આવ્યા હતા અને અમેરિકાની ટોપ હૉસ્પિટલમાં સારવાર કરાવી હતી. તેમનો સ્વભાવ માનવતાવાદી છે. બિઝનેસ સ્ટાર્ટઅપ કરનારાઓને મદદ પણ કરે છે.

મોટા ભાગની સફળ વ્યક્તિ કોઈને કોઈ વિવાદમાં આવી જતી હોય છે. તેમાં ગોહ ચેંગ પણ બાકાત નથી.

સિંગાપોરની એક ઈન્વેસ્ટમેન્ટ સ્કીમના કૌભાંડમાં તેમના નામનો ઉલ્લેખ થતાં વિવાદ ઊભો થયો હતો તેમણે કોઈ કડીનો ઈન્કાર કરવાની સાથે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. તેમના નામ અને ઈમેજનો ઉપયોગ તેમની મંજૂરી વિના કરાતા તેમાં પણ વિવાદ થયો હતો.

એક ઓનલાઈનમાં તેમના મરણના ખોટા અહેવાલ પણ અપાયા હતા. ઈશ્ર્વરકૃપાથી તેઓ હાલ ૯૦ વર્ષે આરામ ફરમાવી રહ્યા છે. ગેરકાયદે કરન્સી બિટકોઈનમાં તેમણે મોટું રોકાણ કર્યાના અહેવાલ પણ છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsDzVJf9zm3C%2B1_R6vAysxW2gWXj29Abu-hWi2ufQhb7A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment