Saturday, 5 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ દેશી ઘી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દેશી ઘી!
મુકેશ સોજીત્રા

 

 

 

શેતલ પંથકમાં વસ્તા પુંજાનું દેશી ઘી વખણાય. લોકો સારા કામે કે સુવાવડમાં વસ્તા પુંજાનું ઘી જ વાપરે. ઘરે જ ૨૦૦ જેટલી ભગરી ભેંશુ રાખે અને ચોખ્ખું ઘી જ આપે. જાણકારો કહે વસ્તા પુંજા લાખનો માણસ! એનાં જેવું સહન કરવાવાળા  માણસ હવે લગભગ પાકતા જ બંધ થઇ ગયાં છે  અથવા ભગવાન પાસે આવા માણસોનો જથ્થો પૂરો થઇ ગયો છે. વસ્તાના બાપ પુંજા લખમણ પાસે આટલી જાહોજલાલી નહોતી પણ દિલનો તો એ ય ચોખ્ખો માણસ ખરો હો! વસ્તા પાસે તો સંપતિ અને સદગુણો બંને સરખા ઉતરેલા જાણે કે સોનામાં સુગંધ ભળી ના હોય! વસ્તા પુંજાનું ઘી હવે તો ઠેઠ  સુરત લગણ  પહોંચ્યું. ઘીમાં પણ તમને એક જાતની ખાનદાની અને ખમીરાઈની સુગંધ આવે. વસ્તા પુંજાએ કપરા દિવસો પણ જોયેલાં પણ ભાગે એ ભડ નહિ એ કહેવત વસ્તા પુંજાએ  બરાબર ખરી ઠેરવેલી.જીવનમાં ખુબ મુશ્કેલી આવેલી પણ ભડના દીકરાના મોઢાં  પર ક્યારેય કોઈ રેખા બદલાયેલી નહિ એમ ગામનાં ભાભલા કહેતાં. વસ્તા પુંજાની ઉમર હશે સાઈઠ ઉપરની તોય હજુ કડેધડે! મહેનત તો એટલી જ કરવાની એનાં બે દીકરા અને બેય વહુ ઓ થાકી જાય કામમાં પણ આ વસ્તો ભાભો નો થાકે! દેશી ઘી એટલે દેશી ઘી! એમાં કાઈ નો ઘટે! જુવાનીમાં આ વસ્તો ભાભો દોડતાં દોડતાં બે ભેલી ગોળની ખાઈ જાતો, અને હુતાસાણી પર ઠળિયા સાથેનો કિલો ખજૂર પણ ખાઈ જાતો, બે ઘાએ ગમે એવું નાળીયેર દીવાલ સાથે ભટકાડીને ફોડી નાંખે એવી લોકવાયકા ગામમાં આજે પણ પ્રચલિત! વસ્તા પુંજાને બે દીકરા!  નંદો મોટો અને કાનો નાનો, દીકરી ત્રીજા ખોળાની, મંજુ એનું નામ,! એનેય સાસરું સારું મળેલું તે એય વારતહેવારે આવે ને ઘી ની બરણી ભરતી જાય. મોટા બેય છોકરાં ઘરે બારે! અને બેય એકબીજાના ડાબીયાળ જમણીયાલ જૂતે એવા. બાપની ખાનદાનીના સીધા વારસદાર! હવે તમને એમ થશે કે વસ્તા પુંજા એ એવું તે શું કરેલું કે આજુબાજુના ગામમાં એની આટલી બધી નામના! તો એ માટે આજથી બરાબર પીસ્તાલીશ વરસ પહેલાં આપણે પાછું જાવું પડે એમ છેક.


વસ્તા પુંજાનું આ મૂળ ગામ નહિ, એતો બારખલા કહેવાય. મૂળ ગામ તો એનું પાલીતાણા પાસે આવેલું અને પાલીતાણા નો ડેમ બંધાણો ને એનું આખું ગામ ડૂબમાં ગયેલું તે અમુકને સરકારે વળતર આપ્યું ને અમુકને આપી જમીન.. વસ્તા ના બાપા પુંજા લખમણે વળતર ના લીધેલું અને જમીન લીધેલી તે એને ઠેઠ અહી સરકારી પડતર જમીન ફાળવી દીધેલી. પુંજા લખમણ આ ગામમાં આવ્યાં ત્યારે વસ્તો સોળેક વરસનો ખરો., એનો નાનો ભાઈ જીવણ ૮ વરસનો માં રળિયાત અને બાપા પુજાભાઈ આમ ચાર જણાનું કુટુંબ ગામમાં આવ્યું.સાથે હતી આઠ ભેંસો  જમીન શેત્રુજી કાંઠે આવેલી એટલે ભેંસો ચર્યા કરે ને દૂધ આપ્યા કરે! પેલાં તો શેત્રુંજી  કાંઠે  ઝુંપડું બાંધી ને રહ્યા. જમીનેય એવી ફળદ્રુપને કે બાવળીયા સિવાય કાઈ નો ઉગે! બે વરસ સુધી તો ઘરના રોટલાં ખાઈને જમીન સરખી કરવામાં ગયાં. પણ પછી કુદરતે મેર કરીને તે પાંચ જ વરસમાં ગામમાં એક મકાન કરી નાંખ્યું ત્યારે વસ્તો લગભગ વીસેક વરસનો ખરો! નાનો જીવણ શાળામાં ભણતો હતો. જીવણ ભણવામાં હોંશિયાર! પૂંજો પણ મનમાં હરખાય કે મારી સાત પેઢીમાં કોઈને ભણતર નથી ચડ્યું એટલું આ જીવણને ચડ્યું છે! બાવીસ વરસનો થયો વસ્તો એટલે એને દૂર એક ગામમાં પરણાવ્યો.. વસ્તાની વહુનું નામ ઉજી! કામમાં તો ઉજી વસ્તાને પણ ચડી જાય એવી લોંઠકી! જીવણ ભણતો ગયો! પૂંજો ,વસ્તો અને વસ્તાની વહુ ઉજી કામ કરતાં ગયાં! રળિયાત ડોશી ઘર સાચવે! ભેંસો વધતી ગઈ ને ઘરે માખણ ઘીની રેલમછેલ! એવામાં કુદરતને કરવુંને કે  બે વરસમાં  પુંજા આતા અને રળીયાત માં બેય સ્વધામ જતાં રહ્યા. અને બધી જવાબદારી આવી વસ્તા અને ઉજી ઉપર! જીવણ તો હવે શહેરમાં ભણતો! ઉજી ને સારા દિવસો આવ્યાં વસ્તાને ત્યાં છોકરાનો જન્મ થયો નામ પાડ્યું નંદો!  બે વરસ પછી કાનો જન્મ્યો .. નંદો અને કાનો  વસ્તાને બે છોકરા જીવણને પણ ધામધૂમ પૂર્વક  પરણાવ્યો. જીવણ ની વહુ લતા કામચોર અને અદેખી નીકળી..સમય વીતતો ચાલ્યો.જીવણને સુરતમાં એક આછી પાતળી નોકરી મળી ગઈ. વસ્તાએ તો કીધેલું.


"નાના એમ કર્ય આહી રોકાઈ જા, ન્યા શેરમાં કાઈ દાટી નથી,થાય એટલું કામ કરો ના થાય તો ઘરે બેહીને મોજ કરો. તમ તમારે હું બેઠો છુને આપણને દીનાનાથે ઘણું આપ્યું છે"


"નારે ના અમને તો અહી ફાવે જ નહિ, અહી અમારું અને અમારા બાળકોના  ફ્યુચરનું શું" જીવણ બોલે એ પહેલાં તો લતા એ જ જવાબ આપી દીધેલો. લતા પણ ભણેલી જ હતી પણ એને ભણતર થોડું અવળું ચડી ગયેલું.. ભણતરનું તો એવું છે કે એ સવળું ચડે તો જ કામનું! વસ્તાને નવાઈ લાગી, કારણકે ગામડામાં કોઈ દી બાયું તો બોલતી જ નહિ ઈ વખતે.. ગામમાં આ બોલનારી પેલી બાઈ આવી.. વસ્તાને મનમાં એવુય થયુંય ખરું કે મારું બેટું આ "ફ્યુચર" એવું તો કયું પ્રાણી હશે કે જે ફક્ત શહેરમાં જ જોવા મળે?


લતા અને જીવણ સુરત ગયાં! વસ્તો અહીંથી અનાજના દાણા મોકલે, છાશની બરણી પણ મોકલે અને સાથે પેલું દેશી ઘી પણ મોકલે! ચોમાસામાં ડોડા અને ચીભડા મોકલે! ખેતીની ઊપજ પણ મોકલે! જીવણ ગમે ત્યારે ફોન કરે.


"મોટા પૈસાની જરૂર છે, જો થોડો વેંત થાય તો એક પ્લોટ લેવો છે ચીકુવાડીમાં"


"નાના તારે કેટલાં જોઈએ છે? વસ્તો બોલે.


"એંશી હજાર હોય તોય હાલશે." નાનો જવાબ આપે અને મોટો પછી ખબર અંતર પૂછે,  અને પછી એંશી હજાર અને ઘીના મોટા મોટા બરણા લઈને ઉપડે તે વેલુ આવે સુરત..જીવણને આપે પૈસા અને વળતી બસમાં રવાના!પાછો બે મહીને ફોન આવે કે "મોટા પૈસા જોઈએ છે" અને વળી પાછી એજ રામાયણ  પૈસા ને ઘી બેય વસ્તો સુરત દઈ આવે.વરસ દિવસ પછી જીવણને ત્યાં છોકરાનો જન્મ થયો તે ઉજી ઘી અને પૈસા લઈને ગઈ દેરાણી ની સેવા ચાકરી કરવા.  અને પછી તો  જીવણે નોકરી મેલ પડતી ને જમીનમાં ઝંપલાવ્યું. એક પોપડો રાખ્યો. રકમ થઇ મોટી. વગર જાણ કર્યે લતા અને જીવન આવ્યાં ગામડે. ઉજી અને વસ્તો અને એનાં છોકરા તો હરખ ઘેલા થઇ ગયેલાં કે કાકા આવ્યાં કાકી આવ્યાં! વાળું પાણી કરીને બીજી રાતે જીવણ બોલ્યો.


"મોટા પૈસાની જરૂર છે, એક પોપડો રાખવો છે  મોટા વરાછામાં. હવે જમીનમાં જુકાવવું છે હાથ નાંખો ત્યાં પૈસા છે સુરતમાં"


"કેટલા જોઈ છે?" વસ્તો બોલ્યો.


"વીસેક લાખ હશે તો ચાલશે" જીવણ બોલ્યો કે વસ્તાની આંખો પહોળી થઇ ગઈ.


"એટલાં બધાં તો ક્યાંથી હોય?" તારી ભાભીના ઘરેણાં વેચું તોય માંડ માંડ બે લાખનો જોગ થાય"


"તે અમારા ભાગની જમીનનું અત્યાર સુધી ઉભા ગળે ગળચ્યુ ત્યાં લગણ સારું લાગ્યું અને હવે દેતા બળ પડે છે?. તમે ને મારા જેઠાણી અહી બેઠા તનકારા કરો છો અને અમે સુરતમાં હેરાન થાઈ એનું કાઈ નહિ?." લતા બોલી જીવણ કાઈ ના બોલ્યો. વસ્તો તો મૂંગો મંતર થઇ ગયો. સાવ ચુપ..!


"હજુ તો ઉગીને ઉભી થઇ છોને તને તારા જેઠ સામું બોલતાં શરમ નથી આવતી?" ઉજીથી ના રહેવાણું એ બોલી કે વસ્તા એ એક અડબોથ મૂકી ઉજીને.


"આપણા ગામમાં કોઈ બાયું બોલતી નથી. તું શું કામ બોલશો?, અમે ભાયું ભાયું વહેંચી લેશું.,તું જાવા દે સુઈ જા" ઉજી રોતી રોતી ગઈ.


"એય ને બધાં નાટક રેવા દે જો.. મને બધીજ ખબર પડે છે એ તો આ અમારા આ જીવણ છેને એ તો સાવ ભોળા એટલે અત્યાર સુધી તમે બધાયે ઠોલી ખાધા છે , પણ આ વખતે તો હું હિસાબ કિતાબ કરીને જ જઈશ. એટલે તો હું ભેગી આવી છું."


લતા હવે બરાબરની ખીજાણી હતી. અને અમુક માણસ દુનિયામાં એટલાં માટેજ અવતરે કે બીજા કોઈ દિવસ સુખથી ના રહી શકે..!


"નાના બોલ તું કે એમ કરવું છે તું મુંજાતો નહિ" વસ્તો બોલ્યો.


"એ શું બોલે અત્યાર સુધીમાં બાપ દીકરા એ તમે એને બોલવા જ દીધો નથી. ભણવાને બહાને કાઢી મુક્યો અને અહી તમે જલસા જ કર્યા છે" લતા જ બોલતી હતી.જીવણ તો ખાલી સાંભળે અને જ્યાં બાયું વહેવાર કરે ત્યાં પછી ભાયું તો મીણના પુતળા જ થઇ જાય..


"હે મારી માં હવે તમે બંધ થશો આમાં આપણા કુટુંબની આબરૂ જાય છે, ખાસ તો મારા બાપા પુંજા લખમણનું નાક જાય છે! આ ઘર ગામના કંકાસ મટાડે અને આ ઘરમાં કંકાસ કોઈ દી ના હોય, તમે જેમ કયો એમ પણ હવે બોલવાનું બંધ કરો." વસ્તો જીંદગીમાં બે વાર જ રડ્યો હતો એક તો એનાં માં બાપ અવસાન પામ્યાં ત્યારે અને બીજીવાર આજે.


"એ અમને આ મકાનમાં ભાગ આપી દો રોકડો.અને અડધો અડધ જમીન એટલે અમે અમારા રસ્તે અને તમે તમારાં રસ્તે! અમે જમીન વેચી નાંખીશું અને પૈસા લઈને જતાં રહીશું" લતા એ છેલ્લી ચોકઠી મારી.


"બરાબર છે લતાની વાત બરાબર છે" જીવણ પણ છેલ્લે માંડ માંડ બળ કરીને આટલું જ બોલી શક્યો. અને ગમ ખાઈ ગયો વસ્તો.. ! જે જમીન માટે એનાં બાપે ગામ છોડ્યું. સરકારી વળતર એ વખતે મળતું હતું એ પણ ના લીધેલું.. અને અહી જમીન લીધી સરકાર પાસેથી એનાં ટુકડા થશે..!?  ના એવું તો ના થાય ને ક્યારેય.. વસ્તાએ હાથ જોડીને છેલ્લે કીધું.


"નાના ભાગ શું પાડવાના કહેતો હો તો આખી જમીન તારે ખાતે કરી દઉં બોલ, મને ફારમે આપી દે વાવવા , બધી ઊપજ તારી બોલ, તારે પૈસા જોઈએ એ ગામમાંથી વ્યાજે ગોતીયે. તારી ભાભીના ઘરેણાં વેંચીને પણ મેળ કરીએ થોડો ! પણ ભાગ ના પાડે તો સારું.જમીન આપણી મા ગણાય નાના મા ! એનાં ભાગ ના હોય એની તો જાળવણી કરવાની હોય જાળવણી!


"મેં એક વાર કીધુને તે તમને ગામડિયાને સમજાતું નથી. તે મોટા મોટા આંબા આંબલી બતાવો છો?. અમને મકાનનો ભાગ અને અડધો અડધ જમીનનો  ભાગ આપી દો, ગુજરાતીમાં આટલુંય સમજાતું નથી.અને તમેય શું બબુચકની જેમ બેઠા છો કાંઇક તો બોલો મોઢાંમાંથી! મોઢામાં મગ ભર્યા છે?" લતા બોલી. અને ખભ્ભો પકડીને જીવણને રીતસરનો હલબલાવ્યો.


"કાલે બધું થઇ રહેશે" એમ કહીને વસ્તો ઉભો થયો ઓશરીને કોરે માથે ફાળિયું બાંધીને સુઈ ગયો. વસ્તાના છોકરા અને જીવણના છોકરા કોરે બેઠા બેઠા સાંભળતાં હતાં. પછી તો બધાય સુઈ ગયાં.. ના સુતા એક જીવણ અને એની વહુ! રેણ ઘરમાં આખી રાત ગુચ પૂછ કરતાં રહ્યા..!


સવારે ગામમાં વાત ફેલાણી અને ગામ અચંબામાં પડી ગયું! અને વધારે અચંબામાં તો ત્યારે પડી ગયું કે વસ્તાએ જમીનના ભાગ ના પાડ્યા અને આખે આખી જમીન જ જીવણને આપી દીધી.!અને ઉપરાંત ઉજીના ઘરેણાં પણ આપ્યા મકાન ના ભાગ તરીકે..! ઘણાં એ એને વાર્યો આવું ગાંડપણ ના કરાય તારા છોકરાનો તો વિચાર કર્ય! પણ વસ્તો એકનો બે ના થયો.. વસ્તા પાસે હવે ખાલી ભેંશું વધી હતી. મોઢા પર દુઃખની એક પણ લકીર ફરકી નહિ, એની ઘરવાળી પણ જાણે કશુય ના બન્યું હોય એમ છેલ્લી વાર ખેતરે ગઈ! આખી વાડીની ફરતે આંટો માર્યો! આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેતો હતો!  જીવણે આખી વાડી બાજુના ગામવાળાને આપીને પૈસાનો થેલો ભરીને  ત્રણ દિવસમાં રવાના થયો સુરત! એ જયારે સુરત જતો હતો ત્યારે પાછળ વસ્તો ગયો અને કીધું કે


"નાના મુંજાતો નહિ, કામ હોય તો કેજે અડધી રાતે અને આ લે આ ઘી, તને મારા સોગંદ છે કે તું શહેરમાં ઘી ક્યારેય વેચાતું લે તો, હું મારી મેળે ઘી મોકલી દઈશ." અને વસ્તો ઘરે આવ્યો.ગામ આખા માં જીવણ પર ફિટકાર વરસ્યો. સાંજે ગામનાં માણસો આવ્યાં વસ્તાએ  બધાને ચા પાણી પાયા અને કહ્યું "ભાયું તો નોખા જ હોય ને આ તો કુદરતની કૃપા કહેવાય કે અત્યાર સુધી ભેગું હાલ્યું.સમય વીતતો ચાલ્યો. શેત્રુંજી કાંઠે જે વગડો હતો ન્યા હવે ભેંશુ ચરવા માંડીને વસ્તાનું ગાડું ધમધોકાર ચાલવા લાગ્યું. એ ધીમે ધીમે ભેંશુ ની સંખ્યા વધવા માંડી આઠેક વરસમાં તો બસો જેટલી ભેંશ થઇ ગઈ.. પણ દર પંદર દિવસે એક ઘી ની બરણી તો સુરત જીવણને ત્યાં જાય જ પછી તો વસ્તાના છોકરા પરણ્યા જીવણ ના આવ્યો. અને એક દિવસ સમાચાર આવ્યાં કે જીવણ બીમાર છે એટેક આવ્યો છે, કોઈ મોટી પાર્ટી ઉઠી ગઈ છે..એની ભેળો ભેળો જીવણ પર સારી પેઠે સલવાઈ ગયો છે.. ખુબ જ ખોટ ગઈ છે..અને વસ્તો ઉપડ્યો સુરત .. ઘર ગોત્યું પણ ના મળ્યું ,, છેવટે બે દિવસે ઘનશ્યામનગરની એક ગંધાતા ગાળામાં જીવણ મળ્યો.. જીવણ ના છોકરા બેઠા હતાં .. અને ખાટલામાં નંખાઈ ગયેલો જીવણ હાડ પિંજર જેવો દેખાતો હતો.. વસ્તો જીંદગીમાં ત્રીજી વાર રોયો. બધી વિગતો પૂછી અને લતા સામે હાથ જોડીને બોલ્યો.


"તમે માઈ સાહેબ સમજો, આને લઈને ગામડે મારી સાથે ચાલો, ત્યાં સારું વાતાવરણ હોય! ઘી દૂધ ચોખ્ખા મળે સારું થઇ જાય પછી તમે પાછા આવતાં રહેજો તમને અને તમારાં છોકરાને જીવની જેમ સાચવશું એક વાર મારા ભાઈને લઈને ગામડે આવો" લતા જીંદગીમાં પહેલી વાર રોઈ અને એ પણ સાચા દિલથી.


વસ્તો જીવણને ગામડે લાવ્યો. દવા શરુ કરી. ઘરમાં એક અલગ ઓરડો ખાલી કર્યો લતાને ત્યાજ બેસવાનું જીવણ પાસે. ઉજી અને વસ્તાના દીકરાની વહુઓએ ઘરનું કામ કરે. કોઈ વાતે જીવણને કે જીવણના છોકરાને ઓછું ના આવે એ વાત નું ધ્યાન રાખવામાં આવ્યું.. ગામ આખું આભું જ બની ગયું.!


બે વરસ ની ચાકરી પછી જીવણ નો મંદવાડ નો મટ્યો પણ જીવણ જ મટી ગયો.! વસ્તો આ વખતે પોક મુકીને રોયો..જીવનમાં એ ચોથી વાર રોયો! જીવણનું  ક્રિયા કરમ પતાવ્યું ને છ મહિના થયાં કે ઉજી ગુજરી ગઈ.. સમયની થાપટો ખાઈ ખાઈને આ વસ્તો ભાભો ઘી નો ધંધો કરતો ગયો.લતા હવે ઉમર થઇ તોય કામ કરતી હતી. ઘરનું કામ લતાએ હવે ઉપાડી લીધું..! એનાં છોકરા અને વહુઓ પણ સંપીને રહેતાં હતાં! અસલ દેશી ઘી હો!


એક વખત નંદો બોલ્યો જીવણનો મોટો છોકરો.


"આતા તમારી જેવું કોઈ ના કરે આખા મલકમાં હો! તમારી તો આખા મલકમાં કીર્તિ ફેલાઈ ગઈ છે"!


"આજે સાંજે તમે બેય દીકરા અને વહુઓ શેત્રુંજી એ આવજોને ત્યાં હું તમને એક વાત કહેવાનો છું. પણ જીવણ કાકાના છોકરાને કે કાકી ને ખબર ના પડવી જોઈએ હો, એને ખબર પડવા નથી દેવાની"


આમ કહીને વસ્તો ભાભો શેત્રુંજી એ ચાલ્યો ગયો. સાંજ ટાણે શેત્રુંજી કિનારે વસ્તો ભાભો અને એનાં દીકરા અને દીકરાની વહુઓ ઉભી છે. સુરજનારાયણ આથમવાની તૈયારીમાં છે અને વસ્તા ભાભા એ વાત શરુ કરી! દેશી ઘી ની વાત!


"આ માં શેતલની સાક્ષીએ  અને આ સુરજનારાયણ ની સાક્ષીએ તમને હું આ વાત કહું છુ. આ વાત તમે તમારા છોકરા ને કહેજો જયારે એ તમારા જેવડા થાય. ગામમાં પણ કોઈને ખબર નથી આ વાત ની કારણ કે આપણું આ ગામ નથી. હું પાંચ વરસનો હતો ત્યારે મારા બા ગુજરી ગયેલાં.મારી બાનું નામ જમના હતું.  ને પૂજા આતા એ બીજા લગ્ન કરેલાં રળિયાતમાં સાથે!  હું જૂની નો છોકરો અને જીવણ રળિયાતમાનો સગો દીકરો.એટલે હું અને જીવણ નવા જૂનીના કહેવાઈ પણ જીવણ કે એની વહુ લતાને આ ખબર જ નથી ! અને ખબર પણ કેમ પડે કે  રળીયાતમાં એ મને સગા દીકરા કરતાં વિશેષ રાખ્યો છે. ખાવામાં પણ મને એ માખણનો મોટો લોંદો આપતા. કોઈને ખબરજ ના પડી કે હું જૂની નો છોકરો છું.હા એવું ઘણીવાર બન્યું છે કે એણે જીવણને ટાપલી મારી હોય પણ મને તો ખોળામાં જ બેસાડ્યો છે.. વાડીમાં ચીભડું જડ્યું હોયને તો એ મને પહેલાં આપે અને પછી એનાં દીકરાને આપતા ! આવી માં કોને મળે સગી માં ના સાચવે એનાં કરતાં વિશેષ મને રળિયાત માં એ સાચવ્યો છે. જેમ મોટો થતો ગયો એમ મને સવારમાં ઘી અને ગોળનું છાલિયું ભરી દે.. અને હું તમને બધાને કહું છું કે તમે પણ કાકાના છોકરાને કહી પણ કેતા  નહિ. એનું ક્યારેય ખોટું ના લગાડવું! જે રળીયાતમાં એ કર્યું એવું કોઈ ના કરી શકે ! તમારા છોકરાને પણ આ વાત કહેજો.. મારા મર્યા પછી તમે તર્પણ કે પાણીઢોળ ના કરો તો ચાલશે પણ આ દેશી ઘી નો વારસો પેઢી દર પેઢી ચાલે એવું કરજો ને તો મારો આત્મા સીધો જ સરગે જાશે! તમારા જીવણ કાકા માટે મેં કશું જ નથી કર્યું! મારી સગી માં કરતા વિશેષ મને રળિયાતમાં એ સાચવ્યો એ ઋણ અનેક ભવમાં પણ હું ચૂકવી ના શકું! તમે પણ કાકાના છોકરા ગમે તે કરે સાચવી લેજો"! બધાં સ્તબ્ધ થઇ ગયાં! વાતાવરણમાં અંધકારના ઓળા ઉતરી આવ્યા!


એટલે જ કહેવાયું છે ને કે "દેશી ઘી એટલે દેશી ઘી એમાં કાઈ નો ઘટે કાઈ"!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvAGok9TQUQ%2BVVc6OdXfhx8p%3Dm6fqfoFdvnVCb7ayLz1Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment