આજકાલની નવી જનરેશન બહુ ચકોર થઈ ગઈ છે. નાના બાળકોનું ઓબ્ઝર્વેશન અને તેમના પ્રશ્નો મૂંઝવણમાં મૂકી દે છે. બાળકોના અમુક પ્રશ્નો ખૂબ ટેકનિકલ હોય છે. જેમ કે ઈન્વર્ટરની જાહેરાત આવે તો કેવી રીતે સમજવું કે આ વસ્તુ કેવી રીતે કામ કરે છે! બીઈંગ અ ગુજરાતી આપણે તો કયારેય ઈન્વર્ટરનો ઉપયોગ જ નથી કર્યો. કેમ કે આપણે ત્યાં શહેરોમાં વીજ કંપની સમસ્યા જોવા મળતી જ નથી. દિલ્હી તરફ તેમજ ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારમાં આ સમસ્યા સામાન્ય છે. આવી જ એક જાહેરાત આજકાલ આવે છે જેમાં હેમામાલિની હવા શુદ્ધ કરવાનું મશીન વેચે છે. અહીં પણ આપણને એવો પ્રશ્ન થાય કે હવા શુદ્ધ કરવાનું મશીન? અગેઈન, એનું કારણ એ છે કે આપણે હજી એનો વપરાશ કરવાનો આવ્યો નથી. બાકી ઉત્તર ભારતમાં હવા શુદ્ધ કરવાના મશીન(એર પ્યુરિફાયર) મોટા પાયે વેચાઈ રહ્યા છે. સર્જનહારે મફ્તમાં આપેલા એર પ્યુરિફયર એટલે વૃક્ષોને નષ્ટ કરી દીધા પછી હવે પૈસા ખર્ચીને એર પ્યુરિફયર ખરીદવાના દિવસો આવી ગયા છે. આપણી મૂળભૂત જરૂરિયાતોમાં હવા મુખ્ય છે અને આપણી શહેરીકરણ તેમજ ઓદ્યોગિકરણની આંધળી દોટમાં તેને જોખમી હદ સુધી બગાડી છે, હજી બગાડી રહ્યા છીએ. માણસ ખાધા વગર ૭ અઠવાડિયા રહી શકે છે, પાણી વગર ૭ દિવસ રહી શકે, પણ હવા વગર ૭ મિનિટ પણ રહી શકતો નથી. આ આપણી બેઝિક જરૂરિયાત છે જેનો કોઈ વિકલ્પ નથી. આ વાત ગુજરાત અને તેથી નીચેના રાજ્યોને હવે પછી આવનારા સમયમાં સમજાશે. આ સંકટનો ઘંટ દિલ્હીના AQI એર ક્વોલિટી ઈન્ડેક્સે વગાડી દીધો છે. સરકાર દ્વારા હવાની શુદ્ધતાના સ્તરને દર્શાવતો માપદંડ એટલે એર ક્વોલિટી ઈન્ડેક્સ. વાયુ તેમજ પ્રદૂષણ કરતાં પરિબળોનો સમન્વય આ ઈન્ડેક્સમાં કરવામાં આવ્યો છે. PM2.5, CO, So 2, O3, No2 આ પાંચ પ્રદૂષિત તત્ત્વો અલગ-અલગ પ્રમાણમાં હવામાં મિશ્રિત હોય એમનું વધતું ઓછું પ્રમાણ એર ક્વોલિટી દર્શાવે છે. પીએમ૨.૫ એટલે કે પર્ટિક્યુલેટ મેટર જે ૨.૫ માઈક્રોન અથવા એથીય સૂક્ષ્મ હોય. એક ઈંચના ૨૫,૦૦૦ માઈક્રોન ગણાય છે એમાંથી ૨.૫ માઈક્રોન એટલે કેટલા સૂક્ષ્મ કણ હોય! આ કણ શ્વાસમાં ફેફસાંમાં ગયા પછી કોઈપણ રીતે પાછા બહાર નીકળતા નથી. ફેફસાંને કાયમી નુકસાન કરે છે.
CO એટલે કાર્બન મોનોક્સાઈડ, તે લોહીમાં પ્રાણવાયુ જતો રોકે છે એટલે તરત માણસ બેભાન બનીને મૃત્યુ પામવા લાગે છે. તે ખાસ કરીને કોલસો બળવાથી હવામાં ભળે છે. આ વાયુ સદભાગ્યે હવામાં લાંબો સમય ટકતો નથી. ભાંગીને ઓઝોન વાયુ બનાવે છે. O3 ઓઝોન વાયુ દર્શાવે છે. તે સૂર્યના ઘાતક કિરણોથી બચાવનાર વાયુ છે, પરંતુ આપણા શ્વાસમાં આવે તો નુકસાન કરે છે. SO2 સલ્ફર ડાયોક્સાઈડ છે. આ ગંધાતો ઝેરી વાયુ છે. NO2 એટલે કે નાઈટ્રોજન ડાયોક્સાઈડ શ્વાસનળી અને ફેફસાંમાં એસિડીક અસર કરી બળતરા, અસ્થમા, કફ, ખાંસી લાવે છે.
એર ક્વોલિટી ઈન્ડેક્સમાં બધાના મિશ્રણનું જ પ્રમાણ દર્શાવાય છે. મિશ્રણનું પ્રમાણ ૦-૫૦ હોય તો તેને ગુડ કેટેગરીમાં મુકાય છે, ૫૦-૧૦૦ હોય તો મોડરેટ(ઠીક ઠીક), ૧૦૦-૧૫૦ હોય તો સેન્સિટીવ ગ્રૂપ માટે અનહેલ્ધી(સંવેદનશીલ લોકો માટે બિનસ્વાસ્થ્યપ્રદ), ૧૫૦-૨૦૦ હોય તો અનહેલ્ધી(બધા માટે બિનસ્વાસ્થ્યપ્રદ), ૨૦૧-૩૦૦ વેરી અનહેલ્ધી અને ૩૦૧-૫૦૦ હોય તો હેઝાર્ડસ એટલે કે જોખમનું લાલ સિગ્નલ ગણાય છે. દિલ્હીના અનેક વિસ્તારોનો એરક્વોલિટી ઈન્ડેક્સ ૪૨૩ સુધી પહોંચી ગયો છે. તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ છે. અમદાવાદનું AQI સરેરાશ ૧૭૩ નોંધાય છે. પિક અવર્સમાં તે ૨૦૦ સુધી પહોંચે છે.
અમદાવાદ અને ગુજરાતના નાગરિકોએ હવાની શુદ્ધતાની કિંમત સમજવાનો સમય પાકી ગયો છે. કુદરતે સર્જેલા મફતના એર પ્યુરિફાયર એવા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. હવાને પ્રદૂષિત કરનાર, ધુમાડાઓ છોડનાર વાહનો, ઉદ્યોગોનું પ્રમાણ દિવસ રાત વધી રહ્યું છે. હવે હવાની કિંમત સમજી તેને કોઈ બીજા માટે નહીં, પણ આપણા માટે આપણી આવનાર પેઢીઓ માટે હવા શુદ્ધ રાખવી અનિવાર્ય છે. નહિતર આવનારી પેઢીએ ફોનની જેમ એર પ્યુરિફાયર સાથે લઈને ફરવું પડશે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuFnv8MSSkdYTimijXrKPAZi0azM5CXaQ880yXHxBQDzA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment