Sunday, 27 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જિંદગી ઔર સિર્ફ જીને કે લિયે? જિંદગી ઈતની બેમકસદ હો નહીં સકતી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જિંદગી ઔર સિર્ફ જીને કે લિયે? જિંદગી ઈતની બેમકસદ હો નહીં સકતી!
ડૉ. શરદ ઠાકર

 

 


તારીખ 6 જાન્યુઆરી, 2019. અમેરિકાથી ઊડેલું વિમાન અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું અને અંદરથી ગોરા, અર્ધ ગોરા અને ઘઉંવર્ણા પ્રવાસીઓ બહાર ઠલવાયા. ડિસેમ્બર-જાન્યુઆરીનો સમય એ સામાન્ય રીતે એન.આર.આઇ.ના આગમનનો સમય ગણાય છે. ઇંગ્લેન્ડ-અમેરિકામાં અગિયાર મહિના પરસેવો પાડીને થાક ઉતારવા માટે આપણા ગુજરાતીઓ વતનમાં પધારે છે. છઠ્ઠી તારીખે વિમાનમાંથી ઊતરેલા પ્રવાસીઓમાં પાંચ પ્રવાસીઓ એવા હતા જે પોતાનો થાક ઉતારવા માટે નહીં, પરંતુ થાક વધારવા માટે પધાર્યા હતા.


એમાં એક આપણા ગુજ્જુ ડૉક્ટર હતા. ડૉ. શીતલ પરીખ. ડૉ. શીતલભાઈ અમદાવાદમાંથી ડૉક્ટરીનો અભ્યાસ પૂરો કરીને ઘણાં વર્ષોથી અમેરિકાના ઓહાયો સ્ટેટમાં સિનસિનાટી ખાતે આવેલી બાળકો માટેની હોસ્પિટલમાં હાડકાંના વિભાગમાં નિષ્ણાત તરીકે સેવા આપી રહ્યા છે. ખૂબ સારું કમાયા છે. વિશાળ બંગલામાં રહે છે, ડોલરની દીવાલો છે અને ઐશ્વર્યની છત છે. સુખી થવા માટે હવે એમણે વધારે કશું જ કરવાની જરૂર નથી, પણ આજથી છ વર્ષ પહેલાં એમના દિમાગમાં અજંપાનો કીડો સળવળ્યો. જે દેશે મને ડિગ્રી આપી, ભણાવી ગણાવીને હોશિયાર બનાવ્યો, પરદેશમાં જઈને પૈસા કમાવાની આવડત આપી એ દેશ માટે મેં શું કર્યું?


આ અજંપો એમની છાતીમાં શારડીની જેમ ઘૂમરાતો હતો ત્યાં જ અનાયાસે જવાબ જડી ગયો. અમદાવાદ ખાતે આવેલી હેલ્થ એન્ડ કેર સંસ્થાના મોભી ડૉ. ભગતસાહેબનો સંપર્ક થયો. ડૉ. ભગત ભારે જાલિમ માણસ છે. જાતે તો જિંદગી સેવામાં ખર્ચી નાખી, પણ જે એમના સંપર્કમાં આવ્યા તેમને પણ સેવામાં જોતરી દીધા. એમાં આ ડૉક્ટર શીતલ પણ ઉમેરાઈ ગયા.


'આપણા ગુજરાત રાજ્યમાં હાથ-પગનાં વાંકા વળેલાં હાડકાંની જન્મજાત ખોડ ધરાવતાં અસંખ્ય બાળ વિકલાંગો છે. એ બધાં અત્યંત ગરીબ પરિવારોમાં જન્મ્યાં છે. કોઈના હાથ વળેલા છે તો કોઈના પગ વળેલા છે. આ બાળકોનું જીવન નર્કસમાન બની ગયું છે. તમે એમના માટે કંઈ કરી શકશો?' ભગતસાહેબે પૂછ્યું.


ડૉ. શીતલે જવાબ આપ્યો, 'હું એકલો તો કંઈ ન કરી શકું, પણ જો મારી સાથે કામ કરતા નિષ્ણાત ડૉક્ટરો સહકાર આપે તો ઘણું બધું કરી શકાય.'


ડાૅ. શીતલે એમનું કામ શરૂ કર્યું. એમની સાથે કામ કરતા બધા ડૉક્ટરો અલગ અલગ દેશોમાંથી આવેલા હતા. એક પણ ડૉક્ટર ભારતીય ન હતો. એમને મનાવવાનું કામ અઘરું હતું. ભારતની ગરીબી, ગંદકી, કોલાહલભર્યું વાતાવરણ, બેફામ ટ્રાફિક અને માણસોનાં ટોળેટોળાં! અમેરિકાની શ્રેષ્ઠ હોસ્પિટલમાં બેક્ટેરિયારહિત વાતાવરણમાં સાફસૂથરા દર્દીઓ ઉપર ઓપરેશન કરવા ટેવાયેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ડૉક્ટરો ગુજરાતના ગરીબ, ગંદા, અશિક્ષિત અને અભાગી દર્દીઓને સાજા કરવા માટે હજ્જારો માઇલનો પ્રવાસ કરીને અમદાવાદ આવવા તૈયાર થાય ખરા? અને જો થાય તો એમની ફી કેટલી માગે?


ડૉ. શીતલને એમનું કામ કરવા દઈને થોડી વાર આપણે ભગતસાહેબની ગતિવિધિ તરફ ધ્યાન આપીએ. ભગતસાહેબે સૌથી પહેલાં એમની સાથે જોડાયેલા ઓર્થોપેડિક સર્જનોને ભેગા કર્યા. ડૉ. કેતન દેસાઈ, ડૉ. દેવમુરારિ, ડૉ. મૌલિન શાહની સાથે મંત્રણા કરી. એક્શન પ્લાન તૈયાર કર્યો. શક્ય તેટલા દર્દીઓ સુધી વાત પહોંચાડી. ઝૂંપડાંઓમાં આશાનો સૂરજ ઝળહળવા મંડ્યો. મગન, વિઠ્ઠલ, રઘુ, ચીમન, બબલી, મંગુ, ચંપા આ બધાં અભાગી બાળકોનાં માવતરોની આંખો ચમકી ઊઠી. બધે વાત ફેલાઈ ગઈ. અમેરિકાથી મોટા ડૉક્ટરો આવશે અને આપણાં છોકરાઓ અને છોકરીઓનાં ઓપરેશનો કરીને એમને સાજાં-સારાં કરી આપશે. પછી એ બાળકો પોતાના પગ પર ટટ્ટાર ઊભાં રહીને ચાલી શકશે. લોકો તેની હાંસી કરે છે તે બંધ થઈ જશે. આ કૂબડાંઓને કન્યાઓ મળશે અને કુબજાઓને વર મળી જશે. વાતાવરણ બંધાઈ ગયું.


અમેરિકાથી ડૉ. શીતલના ફોન ઉપર ફોન આવવા લાગ્યા. ત્યાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે? અહીંથી જે નિષ્ણાત સર્જનોને લઈને આવું, તેમના ઉતારાની સગવડ કેવી છે? ભોજનનો પ્રબંધ કેવો હશે? તમારા ઓપરેશન થિયેટરનું અંદરનું વાતાવરણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું હશે કે નહીં? ઓપરેશન માટે વપરાતાં સાધનો, દવાઓ તથા ઇમ્પ્લાન્ટનો ખર્ચો કોણ ભોગવશે? દર્દીઓનું શારીરિક આરોગ્ય કેવું હશે? એમનું શૈક્ષણિક સ્તર અને સમજદારીની કક્ષા કેવી હશે?


ડૉ. ભગતસાહેબ તરફથી સાંપડતા જવાબો મૂંઝવી નાખે તેવા હતા. દર્દીનાં મા-બાપ તદ્દન ગરીબ હશે. દર્દીઓ (બાળકો) મહિનાઓથી નહાયા ન હોય તેવાં ગંદાં હશે. પોષણનો અભાવ. ભાષાનું અજ્ઞાન. વાણી-વર્તનની શુદ્રતા. પણ અમારા તરફથી તમને પૂરો સહકાર મળી રહેશે. ઉતારાની વ્યવસ્થા, ભોજનપ્રબંધ, ઓપરેશન થિયેટરનું સ્તર શ્રેષ્ઠ કક્ષાનું આપીશું. અમારા ડૉક્ટરો, નર્સ બહેનો તથા અન્ય કર્મચારીઓ ખડેપગે સેવામાં હાજર રહેશે, પણ એક વાતની ચોખવટ કરી લઉં. તમને કે તમારા ડૉક્ટર મિત્રને ફી પેટે એક પૈસો પણ નહીં આપી શકું. જો સેવા કરવાનો સંતોષ લેવો હોય તો આવજો; તો જ આવજો અને હું વિશ્વાસ અપાવું છું કે એમાં કચાશ નહીં રહે.


ડૉ. શીતલનો જવાબ આવી ગયો, 'અમે આવીએ છીએ.' આ ઘટના 2013ની. એ પછી સતત પાંચ વર્ષથી ડૉક્ટર શીતલ પરીખ અમેરિકાથી ઊડીને, એમના નિષ્ણાત સર્જનમિત્રોને લઈને અમદાવાદ આવતા રહ્યા છે અને સેવાઓ આપતા રહ્યા છે. આ છઠ્ઠી જાન્યુઆરીએ વધુ એક વાર તેઓ આવી ગયા. એમની સાથે આવેલા ડૉક્ટરો કોઈ રેંજીપેંજી ન હતા. ડૉક્ટર મિસિસ વેન્ડી, ડાૅ. એન્ડ્રિયા ચાન, ડૉ. ડોમિનિક લેરોન, ડૉ. મિકાહ શિન્કલેર, આ બધાં એવાં નામો છે, જેમનું અમેરિકામાં માત્ર મુખદર્શન કરવું હોય તો પણ તગડી ફી ચૂકવવી પડે અને તે પણ ડોલરની કરન્સીમાં.


કોઈ અમેરિકામાં જન્મેલું હતું તો કોઈ કેનેડામાં. ડો. એન્ડ્રિયા ચાઇનીઝ મૂળની હતી. તો ડૉ. મિકાહ ફિલિપાઇન્સથી અમેરિકા ગયેલા હતા. આ બધાં ડૉ. શીતલ પરીખના પ્રેમના તાંતણે બંધાઈને અમદાવાદ આવી પહોંચ્યાં. આવતાં પહેલાં જ સ્પષ્ટતા કરી દીધી હતી, 'વિમાનની આવવા-જવાની મુસાફરીનો ખર્ચો અમે જાતે ભોગવીશું.' ડૉ. શીતલે કહ્યું.


'રહેવાનું કોઈ મધ્યમ કક્ષાની હોટલમાં રાખીએ તો ફાવશે? કે કોઈ ડૉક્ટરના બંગલામાં ગોઠવીએ?'
સામૂહિક ઉત્તર મળ્યો, 'રહેવાનું મોંઘામાં મોંઘી હોટલમાં રાખીશું. એનું બિલ જાતે ભોગવીશું.'
એમ જ થયું. મહેમાનોને રિસીવ કરવા ગયેલા ભગતસાહેબે પૂછ્યું, 'લંચ, ડિનર અને બ્રેકફાસ્ટનું શું કરીશું?'


ફરીથી કોરસ ગુંજી ઊઠ્યું, 'સવારનો બ્રેકફાસ્ટ અને સાંજનું જમણ સ્વખર્ચે હોટલમાં જ કરી લઈશું. આખો દિવસ તો ઓપરેશનો ચાલતાં હશે એટલે લંચ માટે બહાર જવા જેટલો સમય નહીં રહે.'


એનો તોડ ભગતસાહેબ પાસે હતો. બપોરે દોઢ વાગ્યે, બે વાગ્યે કે અઢી વાગ્યે જ્યારે ઓપરેશનોમાં ઇન્ટરવલ પડે ત્યારે બધા મહેમાનોને સંસ્થાના જ એક રૂમમાં શુદ્ધ ભારતીય ભોજન જમાડવાનું ગોઠવી દીધું.


તારીખ 7મી જાન્યુઆરીની સવારે ચા-નાસ્તો પતાવીને ડૉક્ટરો કામ પર ચડી ગયાં. કુલ 155 દર્દીઓને તપાસ્યા. એમાંથી 45 બાળકોને ઓપરેશન માટે અલગ તારવ્યાં. આ એવાં બાળકો હતાં જેમની ડિફરમિટી ખૂબ વધારે હતી. એ પછી ઓપરેશનોનો સિલસિલો શરૂ થયો. એક એક ઓપરેશન કલાકો સુધી ચાલનારું અને થકવી નાખનારું હતું. ભગતસાહેબે સંસ્થાના ઓપરેશન થિયેટરને વર્લ્ડ ક્લાસનું બનાવી દીધું હતું.

ડૉ. પ્રકાશ ભટ્ટ બધી વ્યવસ્થા પર નજર રાખી રહ્યા હતા. સ્થાનિક સર્જનોની ટીમ અમેરિકાથી આવેલાં સર્જનોને મદદ કરી રહી હતી. સતત 10થી 12 કલાક સુધી ઓપરેશનો ચાલતાં રહ્યાં. દૂર દૂરનાં ગામડાંઓમાંથી આવેલાં સાવ ચીંથરેહાલ માવતરો પોતાનાં ખોડખાંપણવાળાં બાળકોને અજાણ્યાં ડૉક્ટરોના હાથમાં સોંપીને થિયેટરની બહાર બેસીને ભીની આંખે ઈશ્વરને પૂછી રહ્યા હતા, 'હે ભગવાન! આ સપનું છે કે સાચું? અમારાં સંતાનોને જોઈને અમારા જ ગામના લોકો હાંસી ઉડાવતા હતા ત્યારે આ દેવતાઈ લોકો કોના મોકલ્યા અહીં આવી પહોંચ્યાં છે?'


આ ગરીબ બાળ વિકલાંગોની સારવાર માટે જેટલો ખર્ચ કરવો પડ્યો એ તમામ ખર્ચ સંસ્થાએ જાતે જ ભોગવ્યો. મોંઘી-મોંઘી દવાઓ, ઇમ્પ્લાન્ટ્સ, રહેવાનો તથા ભોજનનો ખર્ચ ઉપરાંત 8 લાખ રૂપિયાની કિંમતનું ડ્રિલ મશીન આ બધું દાતાઓનાં ખિસ્સાંમાંથી આવી ગયું.


હું જ્યારે આ પરદેશી પંખીડાંઓને મળ્યો ત્યારે તેઓ થાકીપાકીને પછી પણ પ્રસન્ન જણાતાં હતાં. મેં પૂછ્યું, 'તમે આ અભણ બાળકો અને એમનાં મા-બાપો સાથે વાતચીત કેવી રીતે કરી શક્યાં? એમને તો ગુજરાતી પણ શુદ્ધ બોલતા આવડતું નથી?'


ડૉ. વેન્ડીએ જવાબ આપ્યો, 'જગતમાં સૌથી અસરકારક ભાષા ઇશારાઓની જ હોય છે અને જે વાત વાણીથી નથી બોલી શકાતી તે આંખો બોલી નાખે છે.'


જ્યારે મેં મહેમાનોનો આભાર માનતા કહ્યું, 'તમારો ખૂબ ખૂબ આભાર! મારા ગરીબ દેશનાં અત્યંત ગરીબ બાળકો માટે તમે ઈશ્વર બનીને આવ્યાં છો. એમની પાસે આભાર માનવા જેટલા શબ્દો નથી. એ બધાં વતી હું તમારો આભાર માનું છું.'


ડૉ. મિકાહ ભીના અવાજમાં બોલી ઊઠ્યા, 'મિત્ર, જે વાત તમે શબ્દોમાં કહી એ જ વાત એ બાળકોની આંખોમાં ઊભરાયેલાં આંસુઓએ અમને જણાવી દીધી છે.' (આવતા વર્ષે પણ ડૉ. શીતલ પરીખ ફરીથી આવવાના છે. ખોડખાંપણવાળાં બાળકોનાં મા-બાપ સંપર્ક સાધી શકે છે.)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot5Z_73eF-pez7MfOucUC_4S7dzJigpXhzhjDy-YTj9xQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment