ઉત્તરાયણનો આગળનો દિવસ, પ્રિતીના ઘરના ધાબે આજે સૂનકાર હતો. જ્યાં પાંચ દિવસનો ઉત્સવ રહેતો ત્યાં ખુશીઓનો કરફ્યુ લાગી ગયો હતો. ભારે હૃદયે બે વાર પ્રિતી ધાબા પર ગયેલી પણ પ્રિતેશની યાદોમાં તે ધ્રુસકે ધ્રુસકે રડીને પાછી આવી જતી. ઘરની બહાર થોડીવાર ઉભી રહી ત્યાં એક કપાયેલો પતંગ હવામાં લહેરાતો, ગુલાંટો ખાતો પ્રિતીની છાતી સરસો ચોટીં ગયો. તેને હાથમાં લેતા જ જુની યાદો જે પતંગ પર સચવાયેલી હતી તે તાજી થઇ.
તે કપાયેલા પતંગ પર પ્રિતેશની રક્તદાન મહાદાનની જાહેરાત હતી. 'જો પ્રિતી મારે મન તો રક્તદાન અને ઉત્તરાયણ બે જ તહેવાર છે અને આ બન્ને તહેવારો ઉજવવાની જ મને મજા આવે છે.' તે કપાયેલા પતંગમાંથી પ્રિતેશનાં શબ્દો નિકળી રહ્યાં હતા.
પ્રિતેશનું બ્લડગ્રુપ "O Negative". જરુર પડે કે કોઇ ઇમરજન્સી કોલ આવે તો અચૂક રક્તદાન કરે અને ઉત્તરાયણ આવે એટલે રક્તદાનની જાહેરાતનાં પતંગ છપાવી સૌને વહેંચે.
ઉત્તરાયણ તો પ્રિતેશ અંકલનાં ઘરે જ ! સોસાયટીથી લઇને દરેક સગાવ્હાલાઓના છોકરાઓ અને તેમના ગ્રુપનો કાફલો પ્રિતેશના ધાબા પર જ જામેલો રહે.
'તું પણ તારુ લોહીનું ગ્રુપ ચેક કરાવી રાખ. જરુર પડ્યે આપણે બન્ને સાથે રક્તદાન કરીશું.' પ્રિતેશે અવારનવાર પ્રિતીને ટકોર કરી હતી. પણ પ્રિતીએ તે તરફ કોઇ લક્ષ્ય આપ્યું નહોતું.
પ્રિતીની નજર હજુ કપાયેલા પતંગમાં સ્થિર હતી.
'આંટી, પ્રિતેશ અંકલની બહુ યાદ આવે છે.' પડોશીની નાનકડી પરીનાં શબ્દોથી પ્રિતીનો ફરી આંસુઓનો ધોધ શરુ થયો અને તેને વળગી પડી
'હા, બેટા....!!'
'અંકલ હોત તો ઉત્તરાયણની મજા જ કંઇક ઓર હોય...!!' નાનકડી પરી કાલીઘેલી ભાષામાં બોલી રહી હતી.
'લે બેટા, આ પતંગ તુ ઘાબે જા, પતંગ ચગાવ, બધાને હું અહીં બોલાવું છું' પરીને કપાયેલી પતંગ આપતા કહ્યું.
'આંટી, મેં પણ મારા બધા ફ્રેન્ડસને કહ્યું. જો આ વખતે આંટી એકલા છે. આપણે તેમની સાથે રહેવું જોઇએ. પણ કોઇ આવતું જ નથી.' પરીના શબ્દો સહજ અને નિર્દોષ હતા
'હું કહીશ એટલે બધા આવશે.' પ્રિતીએ પતંગ તેના હાથમાં આપી દીધી.
'પણ આંટી, ભગવાનના ઘરે ઉત્તરાયણ હશે ?? પ્રિતેશ અંકલ ત્યાંથી પતંગ ચગાવતા હશે....??!!' પરીના છેલ્લા વાક્યથી પ્રિતી રહી ન શકી અને પોતાનું મોઢું સંતાડીને રુમમાં ચાલી ગઇ.
'પ્રિતેશ, ગઇ ઉત્તરાયણે જ....!! હોસ્પિટલથી કોલ આવેલો...!! પતંગની દોરીની ઇજાથી કોઇનો બ્લ્ડ લોસ થયો છે. ઓ નેગેટીવ બ્લડની તાત્કાલિક જરુર છે..!! ઉત્તરાયણના દિવસોમાં ક્યારેય ધાબા પરથી નીચે ન ઉતરનાર પ્રિતેશ બ્લડ ડોનેશન માટે નીચે ગયો...!! હું ઝડપથી આવું છું...!! જો જો મારી પતંગ કપાવી ન જોઇએ...!! દોર પ્રિતીની હાથમાં આપી..!! અને પ્રિતેશ દોડ્યો હતો.
'નહી જાય તો નહી ચાલે..?!!' પ્રિતીએ પતંગની દોરીને ઠુમકાં મારતા કહ્યું.
'જો પ્રિતી મારે મન તો બે જ તહેવાર છે એક ઉત્તરાયણ અને બીજો રક્તદાન..! અને આજે તો બન્ને એક દિવસે સાથે જ છે..! હું જલ્દી પાછો આવીશ...!' પ્રિતેશ તેનો બીજો તહેવાર ઉજવવા ભાગ્યો
'સાચવીને.....!!' પ્રિતીનાં શબ્દો ઉત્તરાયણના કોલાહાલમાં ઓગળી ગયાં.
અને... પાંચમી મિનીટે જ ફોન આવ્યો. પ્રિતેશના ગળામાં દોરી વાગવાથી ભયંકર ઇજા થઇ છે. તાત્કાલિક હોસ્પિટલે આવો.....!! પ્રિતેશનાં એ છેલ્લા શ્વાસ....!! તેને લોહીની જરુર હતી...!! પણ, આજે તહેવારના દિવસે શહેરમાં મિનિટોમાં જ ઓ નેગેટીવ બ્લડગ્રુપ મળે ક્યાંથી ??...!!! અને પ્રિતીની નજર સામે જ પ્રિતેશની જિંદગીનો પતંગ કપાઇ ગયો
પ્રિતેશના બન્ને તહેવાર એક દિવસે જ પુરા થઇ ગયાં.
એક વર્ષ વીતી ગયું તે ઘટનાને છતાં આજે પણ પ્રિતીની આંસુની ધાર રોકાતી નહોતી. લગ્ન પછીની આ પહેલી ઉત્તરાયણ પ્રિતેશ વિનાની હપ્રિતે
બારણે ડોરબેલ સંભળાઇ.
પ્રિતી એ દરવાજો ખોલ્યો. બહાર પ્રિતેશનાં તમામ મિત્રો આવ્યાં હતા. તેમનાં હાથમાં પ્રિતેશની રક્તદાનની જાહેરાતવાળાં નવા પતંગો હતા.. .'ભાભી..! પ્રિતેશની રક્તદાનની પતંગો અમે આ વખતે છપાઇને આખા શહેરમાં વહેંચી છે. થોડી અમે આ ધાબા પર જ મુકવા આવ્યા છીએ...!! અમે બધાંએ આજે જ બ્લડડોનરનું ગ્રુપ બનાવી બ્લડ બેંકમા નામ નોંધાવી દીધું છે ' સૌ કોઇની આંખમાં આંસુ હતાં.
હવે પ્રિતી મક્કમ બની સમયને સમજી ચુકી હતી. તેને પોતાનું દુ:ખ છુપાવી દીધું અને કહ્યું. ' તમારા વિના એકલા પતંગો ધાબા પર શું કરશે ? પ્રિતેશનો તહેવાર છે રડતાં-રડતાં કોઇએ પતંગ ચગાવવાનો નથી. હું થોડીવારમાં આવું છું. બધા ધાબા પર જ રહેજો..!'
પ્રિતી હવે પ્રિતેશની યાદોમાં રડવા નહી પણ તેના મનગમતા તહેવારને ઉજવવા સૌને તૈયાર કરી રહી હતી.
સૌ કોઇ ધાબા પર ગયા.
પ્રિતી હવે પ્રિતેશની છેલ્લી ઇચ્છા પૂર્ણ કરવા અને ઇમરજન્સી બ્લડ ડોનરમા નામ નોંધાવવા બ્લડ બેંક પહોંચી અને તેનું બ્લડગ્રુપ ચેક કરાવ્યું.
રીપોર્ટ હતો.
'ઓ નેગેટીવ'
પ્રિતી સ્તબ્ધ બની ગઈ.
લાગ્યું કે હવે પ્રિતેશનાં બન્ને તહેવાર તેને જ સાચવવાના હતા.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvkNP9%2BdiuuL5hfbZ%2BhdRdm95dDG5i_DBXbf5OtBxu0_A%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment