પિરોલી એ નિરક્ષરોનું નાણું છે! કચ્છી ચોવક - કિશોર વ્યાસ
|
|
| |
| | કચ્છી ભાષામાં ચોવક, રૂઢિપ્રયોગ ઉપરાંત પિરોલી (ઉખાણા)નું પણ મહત્ત્વનું સ્થાન છે, પરંતુ ફરક ત્યાં પડે છે કે, પિરોલી એ સાક્ષરોની સંપત્તિ નહીં, પણ નિરક્ષરોનું નાણું છે. કચ્છમાં એક સમય એવો હતો કે, વ્યાપક નિરક્ષરતા હતી અને એટલે જ પિરોલી જેવા સાહિત્ય પ્રકારનો વિકાસ થયો હતો. સાક્ષરોના મત મુજબ પિરોલી અને કહેવતો (ચોવક) એ જ કચ્છની મૂળભૂત સાહિત્ય સંપત્તિ છે. માણવી છે કેટલીક રસપ્રદ પિરોલી? વાતાવરણ ઊભું કરવું પડે. કાં તો પાદરે ભરબપોરે વડલાની છાંય હોય અને કાં તો રાત્રિના જમણ પછી, આંગણે ખાટલા ઢાળેલા હોય, આભમાં તારા ટમટમતા હોય, સમોવડિયાનો મેળાવો ચાલુ હોય અને એક જણ ટહૂકી ઊઠે: "હી પિરોલી ફોડ ત હા (આ ઉખાણું ઉકેલતો તું ખરો!) સામેથી હોંકારો મળે એટલે પિરોલી રજૂ થાય: "નીચે પાણી, મથે થંભ, નિંઢો ખેતર, વડી રંભ. (નીચે પાણી, ઉપર થાંભલી, નાનું ખેતર, મોટી રાંપડી) કોઈ ચતુર તરત જ પિરોલી ફોડે અને બોલી પડે: "હોકો. હવે પિરોલી રજૂ કરવાનો તેનો વારો આવે. બધા ઉત્સુકતાથી તેને જોઈ રહ્યા હોય અને પેલો પૂછે: "અવરે સવરે વટકે, અછો મખણ લટકે ઘણી વાર બધા એક સાથે પણ બોલી ઊઠે: "કાલે જો કપા (કાલામાંનું કપાસ)! બધા એક સાથે જવાબ બોલ્યા તેનો અવાજ તમને સંભળાયો? હવે કોણ પિરોલી પૂછે તેના માટે પાછી બીજી રમત રમાય અને જે જીતે એ પિરોલી પૂછે: "સુકે લક઼ડે હોલો બોલે (સૂકે લાકડે હોલો બોલે) યાદદાસ્તને ટકોરા મારતી આંગળીઓ લમણે મુકાય. નજર ચકળ વકળ થાય... હૈયે હોય અને જવાબ હોઠ પર ન આવે તેવી દશા થાય, ત્યાં કોઈ એક જણ પિરોલી ફોડતાં બોલી ઊઠે: "લાકડાં કાપતો કુહાડો. રાત આગળ વધતી જાય અને પિરોલીની રમઝટ જામતી જાય! સાચું કહું! એ બેઠા બેઠા રમાતી બુદ્ધિકૌશલ્યની રમત આગળ 'આઈ.પી.એલ.' અને 'ટ્વેન્ટી ટ્વેન્ટી' તો પાણી ભરે! એકાદી પિરોલી જરા અઘરી લાગે તો 'ઓઠાં' પૂછવામાં આવે, જેથી ઉકેલવી સરળ પડે, જેમ કે એક જણે પિરોલી પૂછી: "ધોરી ધરતી, કારો બિજ, હથ સેં પોંખીયું અખ સેં વઢીયું કોઈ અર્થ ઉકેલ માટે સંકેત માગે અને પૂછનાર આવો સંકેત આપે: "ધોળી ધરતી, કાળું બીજ હાથથી વાવીએ, આંખથી વાઢીએ ફરી પાછા બધા વિચારે ચઢે, હજી અર્થસંકેત પિરોલી ઉકેલવામાં ઓછો ઊતરે... બહુ વાર લાગી જાય તો રમતની મજા મરી જાય એટલે પૂછનાર જ સામેથી કહે: "હાથ વડે લખાય આંખ વડે વંચાય હવે તો જવાબ બોલો! ફટ દઈને એક જણ પિરોલી ફોડતાં બોલી ઊઠે "કાગળ અને અક્ષર! કાંડે ઘડિયાળ તો હોય નહીં. ધ્રુવનો તારો કે સપ્તર્ષિના ઝુંડનાં ઓઠાં હોય અને અંદાજ હોય કે, કેટલા વાગી ગયા હશે! એ જ વાતાવરણમાં વિખૂટા પડે...!!! ક્યાં ગયાં એ દૃશ્યો? વળી, રૂઢિપ્રયોગ તો સહજ અને અસ્પષ્ટ અર્થવાળા ઉદ્ગારોમાંથી પણ જન્મેલા જોવા મળે છે. જેમ કે કોઈ વ્યક્તિ દુ:ખ કે પીડાની સ્થિતિમાં જે ઉદ્ગાર કાઢે 'ઉંહ... ઉંહ', આ કોઈ શબ્દ નથી, ભાવ છે, પણ શબ્દ બન્યો 'ઉંહકાર'. કચ્છીમાં 'ઉંકાટ' અને રૂઢિપ્રયોગ બન્યો 'ઉંકાટ કેણું'! રૂઢિપ્રયોગ તો માણસના હાવભાવ અને શારીરિક ચેષ્ટાઓમાંથી પણ પેદા થાય છે. ગુસ્સો વ્યક્ત કરવા સ્ફોટક શબ્દોના બદલે ઘણી વાર દાંત કચકચાવે છે! અને વળી તેનો પણ અવાજ આવે! રૂઢિપ્રયોગ બન્યો "ડંધ કિકડાઈણાં આમ ચોવકની માફક રૂઢિપ્રયોગ પણ અભિવ્યક્તિનું અનોખું રૂપ પ્રગટ કરે છે. પણ, જે મજા અને તાકાત કચ્છી ચોવકમાં છે, તે અન્ય પ્રકારમાં નથી. કચ્છી ભાષામાં ચોવકોનો વિપુલ જથ્થો છે, પણ બેદરકારીના કારણે એ સાચવી નથી શકાયો. ઠીક છે, તેમ છતાં ઘણું કામ થયું છે એ દિશામાં. બધા પોતાની ખાનદાનીની જેમ થોડી ચોવકો સાચવે તો? ચોવક છે: "અચીંધલ સવાડ નગુરે, વેંધલ સત ન છ઼઼ડે સૌએ પોતપોતાની ખાનદાની સાચવવી, એવા અર્થની આ ચોવક છે! | |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuKi7Rye0ZgJwqQEhF8gQjm0SLBr_wLmUFSMKJ0CGseJg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment