Saturday, 26 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મલ્ટિ ડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબીનો દેશ પર તોળાઈ રહેલો ખતરો ભવિષ્યમાં વધુ ગહેરો બનશે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મલ્ટિ ડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબીનો દેશ પર તોળાઈ રહેલો ખતરો ભવિષ્યમાં વધુ ગહેરો બનશે!
જિગીષા જૈન

 

 


મલ્ટિડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબી એટલે ઍડ્વાન્સ લેવલનો રોગ જેમાં દરદી પર ટીબીની અમુક ખાસ દવાઓ અસર કરતી નથી. આ રોગનો ઇલાજ સામાન્ય ટીબી કરતાં અઘરો બની જતો હોય છે અને એના ઘાતક નીવડવાની શક્યતા ઘણી વધારે રહે છે. હાલમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર ભારતમાં અત્યારે દર એક લાખ લોકોએ ૩.૯ કેસ મલ્ટિડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબીના જોવા મળે છે. જો પરિસ્થિતિ આમ જ રહી તો આ આંકડો વધીને ૧૪.૧ થઈ જશે. એ સમયે આ રોગનો ચેપ લાગવાનું પ્રમાણ જે અત્યારે ૧૫ ટકા છે એ વધીને ૮૫ ટકા સુધી પહોંચશે.


ભારત જેવા દેશમાં અમુક રોગો એવા છે જે એટલી હદે ફેલાયેલા છે કે એનાથી છુટકારો પામવો ઘણો જ મુશ્કેલ છે. એવા રોગોમાં એક રોગ છે ટીબી. ભારતના દરેક નાગરિકના શરીરમાં ટીબીના જંતુ અસ્તિત્વ ધરાવે જ છે, પરંતુ એ નિãષ્ક્રય રહે છે. જ્યારે એને બળ મળે કે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે એ ઊથલો મારે છે. આ રોગ ખૂબ જ સામાન્ય છે અને ખૂબ સરળતાથી ફેલાય છે. એનો ઇલાજ પણ શક્ય છે અને વ્યક્તિ સંપૂર્ણ રીતે ટીબીથી મુક્ત થઈ શકે છે. એમ છતાં ભારતને ટીબીથી મુક્ત કરવું જાણે કે શક્ય બની જ નથી રહ્યું. એટલું ઓછું હોય એમ ટીબીમાં પણ હવે જેને ઘાતક ટીબી


કહી શકાય એવા ઍડ્વાન્સ લેવલના મલ્ટિડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબીનું પ્રમાણ પણ આપણે ત્યાં વધતું જોવા મળી રહ્યું છે. દુનિયાભરમાં મલ્ટિડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબીના ૪,૮૦,૦૦૦ કેસ દર વર્ષે જોવા મળી રહ્યા છે. ટીબીની દવાઓની કોઈ અસર થતી નથી એટલે દરદી માટે ઇલાજ માટેનો કોઈ ઉપાય જ બચતો નથી. આ પ્રકારના ટીબીના દરદીઓનો ઇલાજ કરવો અઘરો બનતો હોય છે. જો સારવારમાં ચૂક થઈ તો આ રોગ દરદીને મૃત્યુ સુધી લઈ જઈ શકે છે. આ પ્રકારના ટીબીમાં જેમ-જેમ આ કેસ વધતા જાય છે એમ એક ચિંતા એ ફેલાતી જાય છે કે જો આમ જ રહ્યું તો ટીબીનો ઇલાજ કરવો અઘરો બનતો જશે અને ત્યારે આ રોગ સામે લડવા માટે આપણી પાસે કોઈ દવા જ નહીં હોય તો પછી ઇલાજ કઈ રીતે કરી શકાશે?


રિસર્ચ
ડિસેમ્બર-૨૦૧૬ના જર્નલ લાન્સેટમાં છપાયેલા કૅનેડાની મૅક્ગિલ યુનિવર્સિટીના રિસર્ચ મુજબ હાલમાં ભારતમાં જે પરિસ્થિતિ છે એ એમ જ રહી અને કોઈ સુધાર કરવામાં ન આવ્યો તો આજથી ૨૦ વર્ષ પછી ભારતમાં આ મલ્ટિડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબીના કેસમાં ૧૫૨ ટકાનો વધારો જોવા મળશે. હાલમાં દર એક લાખ લોકોએ ૩.૯ કેસ મલ્ટિડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબીના જોવા મળે છે. જો પરિસ્થિતિ આમ જ રહી તો આ આંકડો વધીને ૧૪.૧ થઈ જશે. એટલે કે લગભગ ૨૦૩૨ સુધીમાં દર લાખ વ્યક્તિએ મલ્ટિડ્રગ-રેઝિસ્ટન્ટ ધરાવતા ૧૪.૧ કેસ જોવા મળશે અને એ સમયે આ રોગનો ચેપ લાગવાનું પ્રમાણ જે અત્યારે ૧૫ ટકા છે એ વધીને ૮૫ ટકા સુધી પહોંચશે. આમ એને અટકાવવો ખૂબ જ મુશ્કેલ બની જશે. ટીબી એક સમયે મહામારી ગણાતી અને આ રોગે લાખો લોકોનો ભોગ લીધો હતો, પરંતુ ત્યાર બાદ એની ઍડ્વાન્સ દવાઓ આવી જેને કારણે આજે ટીબીનો ઇલાજ એકદમ સરળ બન્યો છે. જોકે ધીમે-ધીમે આપણે ફરી એ દિશામાં જઈ રહ્યા છીએ જ્યાં આપણી પાસે આ રોગનો ઇલાજ બચશે નહીં. એટલે આ બાબતમાં સાવચેત થવાની જરૂર ચોક્કસ છે. આજે જાણીએ ડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબી શું છે, એ કઈ રીતે જન્મે છે અને એને ફેલાતો કઈ રીતે અટકાવી શકાય.


રોગ પાછળનાં મુખ્ય કારણો
આપના દેશમાં આજે ઇલાજ તો લગભગ બધે જ ઉપલબ્ધ છે, પરંતુ ઇલાજ પ્રત્યેની ગંભીરતા દરદીઓમાં જોવા મળતી નથી. નાની-નાની ભૂલો કેવાં ગંભીર પરિણામો લાવી શકે છે એનો અંદાજ લોકોને હોતો નથી. ટીબીના ઇલાજમાં એક પરિબળ એ છે કે ઇલાજ શરૂ થતાં એકાદ મહિનામાં જ દરદીને લક્ષણોમાં રાહત મળી જાય છે. જેવી રાહત મળે કે દરદી દવાઓ લેવાનું બંધ કરી દે છે જે એક મોટી ભૂલ છે. ટીબીની દવાઓનો ર્કોસ અધવચ્ચે છોડવાથી શું પરિણામ આવે એ વિશે વાત કરતાં દહિસરના ફૅમિલી-ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, 'જ્યારે વ્યક્તિ દવાનો ર્કોસ અધવચ્ચે છોડી દે અથવા તેને જેટલી માત્રામાં જરૂર હોય એના કરતાં ઓછા પાવરની દવા લે ત્યારે સમજવાની વાત એ છે કે આ ડોઝ એટલો નથી કે એ ટીબીના જંતુનો નાશ કરી શકે, પરંતુ જે પણ થોડી દવા વ્યક્તિના પેટમાં ગઈ છે એ દવા સામે લડવાના ચક્કરમાં ટીબીના બૅક્ટેરિયા વધુ સશક્ત થઈ જાય છે અને એ દવાઓથી સશક્ત થયેલા બૅક્ટેરિયા પર ફરી એ જ દવાઓ ચાલુ કરીએ ત્યારે એ કામ કરતી નથી. આ પરિસ્થિતિને કારણે જે રોગ થાય એને ડ્રગ-રેઝિસ્ટન્સ ટીબી કહે છે. આમ જે ટીબીના દરદીઓએ પોતાનો ડોઝ પૂરો કર્યો નથી તેમને થોડા સમય પછી પાછો ટીબી આવે છે જે સામાન્ય નથી હોતો, ડ્રગ-રેઝિસ્ટન્સ ટીબી હોય છે. આવા દરદીઓના સંપર્કમાં રહેવાથી જેમને રોગ થાય છે તેમને સીધો ડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબીનો રોગ જ લાગુ પડે છે, કારણ કે આ વ્યક્તિએ જે ચેપ ફેલાવ્યો છે એ આ રોગનો જ છે. આમ આ રોગનો વ્યાપ વધતો જાય છે.'


પ્રકાર
ડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબીના પણ નિશ્ચિત પ્રકારો હોય છે. એ વિશે સમજાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, 'આ રોગનાં અલગ-અલગ લેવલ છે જેમાં મલ્ટિડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબી (MDR-TB), એક્સ્ટેન્સિવલી ડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબી (XDR-TB), ટોટલ ડ્રગ-રેસિસ્ટન્ટ ટીબી (TDR-TB) મુખ્ય છે. એટલે કે અમુક દવાઓ ન લાગુ પડે તો MDR-TB ગણાય, એનાથી થોડી વધુ દવાઓ લાગુ ન પડે તો XDR-TB ગણાય અને ટીબીની ૧૨ દવાઓમાંથી એક પણ દવાઓ લાગુ ન પડે તો TDR-TB ગણાય. MDR-TB અને XDR-TBમાં ઘણી શક્યતા છે કે વ્યક્તિનો ઇલાજ ચાલુ રહે, પરંતુ TDR-TBમાં વ્યક્તિનો કોઈ ઇલાજ મુશ્કેલ છે. આમ મોટા ભાગે આ કેસમાં મૃત્યુ જ પરિણામરૂપે પ્રાપ્ત થાય છે.'


રસીકરણની ઉપયોગિતા પર પ્રશ્ન
કોઈ પણ બાળક જન્મે છે ત્યારે હૉસ્પિટલમાં તેના હાથ પર BCGની રસી આપવામાં આવે છે. આ રસી આપવાની શરૂઆત દુનિયામાં ૧૯૨૧માં થઈ હતી. આ રસીકરણ ભારતમાં ફરજિયાત છે. કોઈ પણ બાળક જન્મે તેણે BCGની રસી આપવી એ નિયમ છે. ફક્ત જે બાળકોની ડિલિવરી ઘરમાં આયા પાસે થઈ હોય તેમના સિવાય લગભગ બધાં જ બાળકોને વર્ષોથી ભારતમાં આ રસી આપવામાં આવે છે. એમ છતાં બાળકોને કે વયસ્ક લોકોને આપણે ટીબીથી કેમ બચાવી શકતાં નથી? રસી આપવા છતાં ભારતમાંથી ટીબી નાબૂદ કેમ થતો નથી? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. સુશીલ શાહ કહે છે, 'BCG વૅક્સિન ખૂબ જ જૂની છે. આટલાં વર્ષોમાં ટીબીના બૅક્ટેરિયા ઘણા બદલાઈ ગયા છે. આજે તો જે ટીબી આપણા પર ભારે પડી રહ્યો છે એ છે ડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબી. એટલે કે દવાઓ સામે પ્રતિકાર કરનારા સશક્ત બૅક્ટેરિયાના પણ ત્રણ પ્રકાર આપણી સામે આવીને ઉભા છે. BCG વૅક્સિન જે પ્રકારના બૅક્ટેરિયા માટે બની હતી એ હવે રહ્યા જ નથી એમ કહીએ તો પણ કંઈ ખોટું નથી. બ્રિટન અને અમેરિકામાં આ વૅક્સિન બંધ કરી દીધી છે, પરંતુ આપણે ત્યાં હજી એ ચાલુ છે. આ હાલતમાં BCG વૅક્સિન આપણા માટે કેટલી ઉપયોગી છે એ પણ એક પ્રશ્ન છે. હાલમાં એનું વધુ ઍડ્વાન્સ રૂપ પણ શોધાઈ રહ્યું છે, પરંતુ એ ક્યારે આવે એ વિશે ચોક્કસ કંઈ કહી શકાય નહીં.'


ટીબી સામે લડત
સમગ્ર ભારતમાં ટીબીના વધતા પ્રમાણને રોકવામાં આપણે પણ સહભાગી થઈ શકીએ છીએ.
૧. ટીબી હંમેશાં ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને જ થાય છે. પોષણયુક્ત ખોરાક અને સ્વસ્થ જીવન સાથે આપણે એક સ્ટ્રૉન્ગ ઇમ્યુનિટી બનાવી શકીએ છીએ.


૨. જેમને ટીબી, ખાસ કરીને રેઝિસ્ટન્ટ ટીબી થયો છે તેમનો ચેપ ફેલાય નહીં એની તકેદારી રાખવી જરૂરી છે. દરદીનાં મળ-મૂત્ર અને કફના ગળફા થકી આ ચેપ ફેલાઈ શકે છે.


૩. જેમને ટીબી થયો છે તેમને સમયસર ઇલાજ મળે અને તે પોતાનો ડોઝ પૂરો કરે એ અનિવાર્ય છે. આ બાબતે જાગૃતિ ફેલાવવી પણ જરૂરી છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtPMS47GYqCgMp3TLzrU9dnayzDS%3DrW-NdbW2WZm3Sijg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment