'ભાભીને ડાયેટિંગ કરવું હોય તો દોરડા કૂદવા જોઈએ.'
'ઉપવાસ' શબ્દનો સીધો અર્થ એવો થાય કે, 'ઉપ' એટલે નજીક અને 'વાસ' એટલે રહેવું. જે કાર્યમાં ઈશ્વર અથવા સત્યની નજીક રહેવામાં આવે તે ઉપવાસ છે. વર્ષો પહેલાં મહાત્મા ગાંધીજીએ ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું હતું. જોકે ગાંધીજી માટે ઉપવાસ એક શાસ્ત્ર હતું એ શસ્ત્ર ક્યારેય નહોતું. અત્યારે ઉપવાસનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવાનો કુરિવાજ શરૃ થયો છે. અમે ચારે મિત્રો ચંદુભાની ચાની હોટેલ ઉપર બેઠા હતા. જેમ ભૂતનું રહેઠાણ પીપળો અથવા આંબલી એમ અમારી બેઠક મોટા ભાગે પથુભાની પાનની દુકાન અથવા ચંદુભાની ચાની હોટેલ ઉપર હોય છે. 'આ વેઇટરે આજના છાપા ઉપર કપ-રકાબી મૂકીને ડાઘ પાડ્યા.' મેં કહ્યું, 'એટલે તો એ વેઇટર છે નહીંતર એક્ટર ન હોય.' ચંદુભાએ ચોખવટ કરી. મને થયું બાપુ અનુભવવાણી બોલી ગયા. એમની વાત વિચારવા જેવી તો ખરી. 'આપણા લોકલાડીલા વડાપ્રધાનના ફોટા ઉપર ચાના ડાઘ પડ્યા એ મને ના ગમ્યું એટલે મેં ટકોર કરી.' મેં મારી દલીલને ધાર કાઢી. 'એ એમને ન ગમ્યું, પરંતુ વડાપ્રધાનને ખબર પડે તો જરૃર ગમે.' ચંદુભાએ અમારું આશ્ચર્ય વધાર્યું. 'તેમના ફોટા ઉપર ચાના ડાઘ પડ્યા છે જે જાણે છતાં ગમે?' ભોગીલાલ પણ અમારી ચર્ચામાં કૂદી પડ્યો. 'હા, જરૃર ગમે.' બાપુ મક્કમ હતા. 'એ તમે શા પરથી કહો છો એ મને કહો જોઉં.' મેં કહ્યું. 'આપણા વડાપ્રધાનને પોતાના ફોટા ઉપર ચાના ડાઘ પડે એ ગમે, કારણ પોતે એક જમાનામાં ચા વેચતા હતા. જે માણસ જે ધંધો કરી ચૂક્યો હોય એના પ્રત્યે એનો અણગમો ક્યારેય ન હોય.' ચંદુભાએ ભીંગડું ઉખાડ્યું. 'આજના છાપામાં સમાચાર છે કે, કોંગ્રેસના ઉપવાસ પૂરા થયા અને હવે ભાજપના ઉપવાસ શરૃ થવાના છે.' ચુનીલાલે વિષયાંતર કર્યું. 'થોડા દિવસ પહેલાં ફોટો હતો તેમાં કોંગ્રેસના આગેવાનો ઉપવાસ ઉપર બેસતા પહેલાં પેટ ભરીને છોલે-ભટુરે ઝાપટતાં હતાં.' ભોગીલાલ ઉવાચ. 'જૂના જમાનામાં લોકો ઉપવાસ કરતા ત્યારે સાચા અર્થમાં ઉપવાસી રહેતા હતા. બાકી હવે તો આ બધું નાટક લાગે છે.' અંબાલાલે મૌન તોડ્યું. 'જો અંબાલાલ, આપણા શહેરમાં ભોગીલાલથી વધુ ઉપવાસ આંદોલનનો અનુભવી મળવો મુશ્કેલ છે.' મેં ભોગીલાલની સંડોવણી કરી. 'એણે પોતાના બાપ સામે ઉપવાસ ઉપર ઊતરીને ઉપવાસ આંદોલનના શ્રીગણેશ કર્યા હતા…' ચુનીલાલે ઘા માર્યો. 'મને વારસામાં અન્યાય થતો હતો એટલે ન્યાય માટે ઊતરવું પડ્યું હતું.' 'તેમાં જડીભાભીને પણ સાથે જોડવાની શું જરૃર હતી?' ચુનીલાલે ચોળીને ચીકણું કર્યું. 'તમે તો જાણો છો કે મારા બાપની મિલકતનો ભોગવટો મારાથી વધુ તમારી ભાભી કરવાની છે. બીજું એને ડાયેટિંગની જરૃર હતી.' ભોગીલાલે પેટછૂટી વાત કરી. 'ડાયેટિંગની જરૃર હોય અને ઉપવાસ આંદોલનમાં બેસી જનારાએ ગાંધીજીનું નામ બગાડ્યું ગણાય. અત્યારે લોકો ઉપવાસ માટે 'ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ' એવો વાક્યપ્રયોગ કરે છે. ગાંધીજીએ ચીંધેલો માર્ગ સત્યનો હતો, અહિંસાનો હતો, અપરિગ્રહનો હતો, અચૌર્યનો હતો, અસ્પૃશ્યતા નિવારણનો હતો. અત્યારે જે લોકો પોતાની જાતને ગાંધી ચીંધ્યા માર્ગે ચાલનારા તરીકે પ્રસ્થાપિત કરે છે એમને આ પાંચ મહાવ્રતની ખબર જ નથી.' મેં ભાષણ ઝીંકી દીધું. 'ભાભીને ડાયેટિંગ કરવું હોય તો દોરડા કૂદવા જોઈએ.' અંબાલાલે મખરાબ દીધો. 'એ પણ કરી જોયું… એમાં ઓસરીની બે લાદી ભાંગી ગઈ.' ભોગીલાલ સાવ સાચું બોલી ગયો. 'તો પછી ઘોડેસવારી કરવી જોઈએ.' ચુનીલાલે વિચાર આપ્યો. 'એ પણ કરી જોયું, પરંતુ તમારા ભાભીનું વજન ઊતરવાને બદલે ઘોડાનું વજન ઊતરવા માંડ્યંુ હતું.' ભોગીલાલે ખાનગી વાત પણ જાહેર કરી દીધી. 'અત્યારે અમુક લોકો જાહેરાત કરે કે તમારે વજન વધારવું હશે તો વધશે અને ઘટાડવું હશે તો ઘટશે… એ કેવી રીતે શક્ય બને?' અંબાલાલે કહ્યું. 'એક જ દવાથી વજન વધે પણ ખરું અને ઘટે પણ ખરું એ કેવી રીતે બને? ચુનીલાલે પણ અચરજ પ્રગટ કર્યું. 'જુઓ એ લોકો એમ કહેવા માગે છે કે, અમારી દવાથી તમારા ખિસ્સાનું વજન ઘટશે અને અમારા ખિસ્સાનું વજન વધશે. એક જ દવાથી વજનમાં વધારો અને ઘટાડો બંને થયા કે નહીં?' મે રમૂજ ખાતર કહ્યું. 'જૂના જમાનામાં બહેનો ગામને પાદર પાણી ભરવા જતાં હતાં, તળાવના કાંઠે કપડાં ધોવા જતાં હતાં. આટલું ઓછું હોય તેમ ઘેર ઢોર રાખતાં અને છાણ-વાસીદા પણ કરતા હતા. ઘરનું તમામ કામ જેવું કે રસોઈ, વાસણ, સાફસફાઈ વગેરે જાતે કરતાં હતાં તેથી શરીર વધતાં નહીં.' ચંદુભાએ જૂના જમાનાનું ચિત્ર રજૂ કર્યું. 'અત્યારે તો એક બહેને કસ્ટમર કૅરમાં ફોન કર્યો કે મારું ઇન્ટરનેટ એક કલાકથી બંધ છે. હું શું કરું? આ સાંભળી કસ્ટમર કૅરવાળાએ કાળો કેર કર્યો.' 'શું કર્યું?' અંબાલાલ બોલ્યો. 'પેલા બહેને કહ્યું કે ઇન્ટરનેટ બંધ છે હું શું કરું? તો કસ્ટમર કૅરમાંથી જવાબ મળ્યો કે એટલી વાર થોડું ઘરકામ કરો…' ચુનીલાલે ચોખવટ કરી. ચુનીલાલની વાત સાંભળી ચંદુભા પણ હસી પડ્યા નહીંતર બાપુ ભાગ્યે જ હસે છે. એ ફોટો પડાવવા જાય ત્યારે ફોટોગ્રાફર 'સ્માઈલ પ્લીઝ… સ્માઈલ પ્લીઝ… બોલે છતાં બાપુ ક્યારેય હસતાં નથી. કારણ બાપુને આજ દિવસ સુધી ખબર જ નથી કે 'સ્માઈલ પ્લીઝ…'નો અર્થ 'દાંત કાઢો' થાય છે. ચંદુભા સાથે અમે ચાર મિત્રો પણ હસી પડ્યા. 'જૂના જમાનામાં આટલાં સિઝેરિયન થતાં હતાં?' મેં પૂછ્યું. 'ના' ભોગીલાલે મક્કમતાથી જવાબ આપ્યો. 'જૂના જમાનામાં આટલા બાયપાસ કે એન્જિયોપ્લાસ્ટી થતાં હતાં?' મારો બીજો પ્રશ્ન. 'ના, અત્યારે તો જે ક્યારેય બલૂનમાં બેઠો ન હોય એ પણ બલૂન મુકાવીને ફરે છે.' અંબાલાલે કહ્યંુ. 'જૂના જમાનામાં આટલી ની-રીપ્લેસમેન્ટ થતાં હતાં?' ત્રીજો પ્રશ્ન. 'ના. ઢીંચણને અંગ્રેજીમાં 'ની' કહેવાય, પરંતુ ઢીંચણ ઉપર ખીલ થાય તો એને નિખિલ ન કહેવાય, બહેનો ફેસ ધોવે એને 'ફેસિયલ' કહેવાય, પરંતુ પુરુષો કમર ધોવે છતાં 'કમરસિયલ' ન કહેવાય…' ચુની બોલ્યો. 'આ બધંુ થવાનું કારણ બેઠાડું જિંદગી છે, જંકફૂડ છે, ટેન્શન ભરેલી લાઈફ છે, પરંતુ સાથે-સાથે ડૉક્ટરોની લુચ્ચાઈ પણ છે,' મેં કડવું સત્ય ઓકી નાખ્યું.' 'બધા સિઝેરિયન, બધા બાયપાસ, બધાં ઑપરેશન જરૃરી હોતાં નથી.' ભોગીલાલે મને ટેકો આપ્યો. 'દાક્તર બિચારો લાખો રૃપિયા ખર્ચીને દાક્તર થયા હોય, ત્યાર બાદ બીજા લાખો રૃપિયા ખર્ચીને દવાખાનું બનાવે… પછી ખાટલો ખાલી રહે તે કેવી રીતે પરવડે?' ચંદુભાએ ચા બનાવતાં બનાવતાં સૂર પુરાવ્યો. 'એકવાર આંખના દાક્તર પાસે દર્દી આવ્યો. દર્દીએ ફરિયાદ કરી કે સાહેબ મને બધી વસ્તુ બબ્બે દેખાય છે. આ સાંભળી દાક્તર બોલ્યા કે એમાં ત્રણ જણાએ સાથે આવવાની શું જરૃર હતી? દર્દી કંઈ જ બોલ્યા વગર બહાર નીકળી ગયો.' મેં એક જાણીતી રમૂજ દ્વારા વાતાવરણ હળવું કર્યું. જોકે બધા દાક્તર લાલચુ હોય છે એવું પણ નથી. ડૉ.આલ્બર્ટ સ્વાઈત્ઝર, જેમણે આફ્રિકાના ગરીબ દર્દીઓની સારવાર કરવામાં જીવન ખર્ચી નાખ્યું. એકવાર નોબેલ પ્રાઇઝ કમિટીના માણસોએ રૃબરૃ જઈને નોબેલ પ્રાઇઝ સ્વીકારવા માટે પધારવા વિનંતી કરી ત્યારે ડૉક્ટર બોલ્યા કે, 'ત્યાં આવવા-જવામાં થોડા દિવસો બગાડું એના કરતાં એ સમયમાં થોડા ગરીબ માણસોની સારવાર કરું એ વધારે સાર્થક થશે.' ભોગીલાલે સુંદર માહિતી આપી પોતાની કક્ષા સિદ્ધ કરી. એ વ્યવસાયે ભલે કંડક્ટર રહ્યો, પરંતુ જ્ઞાનની બાબતમાં કલેક્ટરની સમકક્ષ છે. 'અત્યારે જે કોમનવેલ્થ ગેમ્સ ચાલે છે એમાં ભારતની મહિલા ખેલાડીઓએ પુરુષોને શરમાવે એવું પ્રદર્શન કર્યું છે તેમાં બે મહિલા ડૉક્ટરની પદવી ધરાવે છે.' ચુનીલાલે વાત માંડી. 'આમ જુઓ તો દાક્તર પણ પેટ ચીરે છે અને ગુનેગાર પણ પેટ ચીરે છે. હવે બંનેમાં ફરક એટલો જ છે કે ગુનેગાર કોઈનો જીવ લેવા માટે પેટ ચીરે છે અને દાક્તર કોઈને જીવ આપવા માટે પેટ ચીરે છે.' મેં ફિલસૂફી ઝાડી. 'જો દાક્તર જીવ લેવા માટે પેટ ચીરતો થઈ જાય તો..?' અંબાલાલે પૂછ્યું. 'જો જીવ લેવા માટે ચીરે તો દાનવ અને જીવ આપવા માટે ચીરે તો દેવ. આ દાક્તરનો વ્યવસાય એવો છે જેમાં તમે દેવ પણ થઈ શકો અને દાનવ પણ થઈ શકો.' મેં કહ્યું. 'પદ્મશ્રી કવિ દુલાભાયા કાગનું એક સુવાક્ય છે.' ચંદુભાએ ચા ચાખીને વાત માંડી. 'ઝટ બોલો..' હું સાંભળવા અધીરો થયો. 'ભગતબાપુએ કાગવાણીના પાંચમા ભાગમાં કુલ ર૬૧પ સુવિચારોનો સંચય કર્યો છે, તેમાં એક વાક્યમાં દેવ અને દાનવની વ્યાખ્યા આપી છે. જે માણસ સમાજ પાસેથી લીધાનું ઋણ ન ભરે તે દાનવ છે અને જે માણસ સમાજ પાસેથી લીધા કરતાં વધારે આપે એ દેવ. એમણે આ વાક્ય સાથે કૌંસ કરીને લખ્યું કે લાકડાંના જીવન પર્યંતની વપરાશનું ઋણ ઝાડવા ઉછેરીને ચૂકવી શકાય.' ચંદુભાએ અમને પ્રસન્ન કરી દીધા. 'હવે મને સમજાયું કે નેતાઓ ઉપવાસ શા માટે કરે છે.' અંબાલાલ બોલ્યો. 'શા માટે?' મેં પૂછ્યું. 'વધુ પડતું જમી ગયા હોય તેનું ઋણ ઉપવાસ વડે જ ચૂકવી શકાય.' અંબાલાલે ધડાકો કર્યો. અંબાલાલને પણ આ વાક્યના ગૂઢાર્થની ગતાગમ નહોતી. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou%3D0MnbYv8cWSNqtHVuaggqbud5uJ5eGw6bpz0J%2BQkMcw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment