એક છોકરીની વાત છે. એનુ નામ કુસુમ. કુસુમનો અર્થ તમે જાણતા જ હશો. પણ આ કુસુમને જુઓ તો એવું બોલ્યા વગર ન રહો કે અરે ! આ છોકરીને કુસુમ કહેવી કેમ ?
કુસુમ એટલે ફૂલ. પણ આ છોકરીમાં ફૂલ તો શું, ફૂલપાંદડી જેવુંય કશું ન મળે. રંગ શામળો, શરીરમાં જરાય માંસ નહી, ગાલ બેઠેલાં, કપડાં પહેર્યા નહીં પણ વિંટ્યા હોય એવું લાગે. અધૂરામાં પૂરું આંખો પર ચશ્મા ! બાવીસ વર્ષની ઉંમરે છોકરીના ચહેરા પર જે લાવણ્ય અને લાલી હોય એમાનું કશું ન મળે. અરે ! હાસ્ય પણ જોવા ન મળે. ઉલ્ટાની મોઢા પર બગાઈઓ ઉડે. આત્મવિશ્વાસનો છાંટો નહીં. ચાલે ત્યારે લાગે જાણે આપઘાત કરવા જતી હોય !
આવી કુસુમને એક કંપનીએ નોકરી આપી દીધી.
કોઈને એવું થાય પણ ખરું કે જે છોકરી મોઢા પરથી માખ ઉડાડી શકે તેમ નથી તે આઠ આઠ કલાક કામ કેમ કરતી હશે ?
પણ એવું વિચારનારને કે બોલનારને એવી તો ક્યાંથી ખબર હોય. કે કુસુમ એકવાર કોમ્પ્યુટર પર કામ કરવા બેસી જાય, પછી તે ખાવા પીવાનું ભૂલી જાય. ત્રણ ત્રણ કલાક તે પાણી પણ પીધા વગર એક્ધારું કામ કરી શકે. એની આ લાયકાતે જ એને નોકરી અપાવી દીધી, એટલું નહીં એના સાહેબને એનો ચહેરો ગમતો નહીં તોય કુસુમ ગમવા લાગી.
કુસુમને નોકરી મળી ગઈ, એ રાજી પણ થઈ. તેમ છતાં તેને લાગતું કે અહીંની દુનિયા જુદી છે. આવી તે દુનિયા હોતી હશે ? હોઈ શકે ? કારણ કે કુસુમની દુનિયામાં જે હતું તેમાનું અહીં કંઈ જ ન્હોતું. કુસુમની દુનિયામાં નિયમો હતા, શિસ્ત હતું, ઉપવાસો હતા, ધર્મ હતો, ધર્મના અર્થો હતા, પ્રતિબંધો હતા, અમુક સમયે સુઈ જવાનું, અમુક સમયે જાગી જવાનું, અમુક જાતનું ખાવાનું, અમુક જાતનું વિચારવાનું, આટલું આટલું તે પાપ, અને આટલું આટલું તે પૂણ્ય ! આ હતી કુસુમની દુનિયા.
કુસુમ પોતાની દુનિયાથી રાજી હતી.
પાંચ મહિના નોકરી કર્યા પછી પણ કુસુમને એ સમજાતું ન હતું કે કઈ દુનિયા સાચી ને કઈ ખોટી ?
કુસુમ જ્યાં નોકરી કરવા જતી ત્યાં તરવરાટથી ફરતી, છોકરીઓ હતી. જે આંખોના ઉલાળાથી ઘાયલ કરતી, જોબન ઉછાળતી, સામેવાળાને આંજી દેતી હતી. નાસ્તા સમયે બધા ભેગા થતા ત્યારે યુનિફોર્મ નીચે છૂપાયેલી તેમની ઈચ્છાઓ 'હાઉક' કરતી નીકળી પડતી, ત્યારે ત્યાં ઉભેલા, બેઠેલા ટહેલતા છોકરાઓને જીવવું સાર્થક લાગતું. એ સમયે કુસુમને જાત જાતના વિચાર આવતા. આંખોમાં અજબ ગજબ ભાવ આવતા. ક્યારેક તેને ગુસ્સો આવતો. તો ક્યારેક સુનમુન થઈ જવાતું. અહીં કુસુમને બહુ ઓછી સખીઓ હતી, જે હતી તેમને એવું લાગતું કે કુસુમને ફરતે કાંટાળા તાર વીંટળાયેલા છે. જે કુસુમની નજીક જાય છે તેને ઉઝરડા પડે છે.
કુસુમ રોજ સવારે નોકરી જાય અને સાંજે ઘેર પહોંચે. આ આવવા અને જવા વચ્ચે એની જાણ બહાર કોઈ અંદર પ્રવેશતું અને બહાર નીકળી જતું હોય એવું ક્યારેક એને લાગતું.
કુસુમ સાંજે ઘેર પહોંચતી અને સીધી બાથરૂમમાં પેસી જતી. છ બાય છના બાથરૂમમાં વિતેલો દિવસ કુસુમને ભરડો લેતો. એ જલ્દી જલ્દી શાવર ચાલુ કરી આખાય દિવસને ધોઈ નાખતી. એને લાગતું કે એથી એને શાંતિ મળી જાય છે. તે હળવી થઈ જતી.
કુસુમના ઘર સામે એક ચોક હતો. કુસુમને એ ચોક ખૂબ જ ગમતો. ત્યાં આવતા - જતા માણસો, વાહનો, રમવા આવતા છોકરાં, ચણવાં આવતાં પક્ષીઓથી ચોક ભર્યો ભર્યો લાગતો. પોતાના ઘરના ગેઈટ પાસે બનાવેલા પહોળા ઓટલા પર તે પગ લાંબા કરીને બેસતી. ખોળામાં થાળી રાખતી. એ થાળીમાં કપાસ રહેતું. જરીય રજ વગરનું ચોખ્ખું કપાસ. કુસુમ રોજ અગિયાર દીવા કરે. વાટ બનાવવામાં અને દીવા સજાવવામાં એનો ખાસ્સો સમય નીકળી જતો. વાટ બનાવતાં બનાવતાં તે ચોકમાં ચણતાં પંખીઓને જોયા કરતી, અને એ પંખીઓની રમતમાં ખોવાઈ જતી. એને ધીમે ધીમે પંખીઓની ઉડાઉડ ગમવા લાગી હતી. ફ..ર્..ર..ર.... કરતાં ઉડી જતાં પંખીઓને જોઈ એને એક દિવસ વિચાર આવી ગયો.
મને પણ પાંખ હોત તો કેવું સારુ ! મરજી પડે ત્યારે અને મરજી પડે ત્યાં ઉડી જાત. પછી એ વિચાર તેને ગમવા લાગ્યો. કુસુમ પાંખોના વિચારોમાં ખોવાઈ જતી. આવા વિચારો વખતે એને લાગતું કે એનો રંગ ઉઘડી રહ્યો છે, શરીરમાં માંસ ભરાઈ રહ્યું છે, ગાલમાં ખંજન પડવા માંડ્યા છે. માત્ર શરીર પર ટીંગાઈ રહેતાં કપડાં મેઘધનુષી રંગોમાં ઝબોળાઈ રહ્યાં છે. કાળીફ્રેમની વર્ષો જૂની ચશ્માની જગ્યાએ ગોલ્ડન ફ્રેમના ચશ્મા આવી ગયા છે. નાભીની આસપાસ કંઈક ગોળ ગોળ ફરી રહ્યું છે.
બરાબર એ વખતે કસમયે વૃધ્ધ થઈ ગયેલો પુરુષ ચોકમાં આવતો. એના મોં પર ચૂંથાયેલા કાગળ જેવો દિવસ ચોંટેલો હોય. એ ધીમેધીમે મોપેડ ચલાવતો આવે. મોપેડના હૂકમાં ન ધોવાયેલું ખાલી ટીફિન ભરાવેલું હોય. એના ખખડધજ મોપેડના અવાજથી પંખીઓ ઉડી જાય. તે વખતે કુસુમ પગ સંકોરી લે. એ હસવાનો પ્રયત્ન કરે, પણ બરાબર હસી શકાય નહીં. કુસુમની આંખોમાં હજી પંખીનું ટોળું ઉડાઉડ કરી રહ્યું હોય. પેલો પુરુષ મોપેડ સ્ટેન્ડ કરે, ટીફિન કાઢે. કુસુમ જરા આગળ આવીને ટીફિન લઈ લે. પેલો પુરુષ ઝુકેલી કમરે ઘરમાં આવે અને મરેલા દિવસની જેમ સોફા પર ઢળી પડે. કુસુમ એને પાણીનો ગ્લાસ આપે. પેલો પુરુષ થોડીવારે ખિસ્સામાંથી જુના થઈ ગયેલા કાગળિયા કાઢે. એ કાગળો પર ગરબડિયું લખાણ હોય. જેમા ન વર્તમાન દેખાય કે ન ભવિષ્ય. રોગીષ્ટ દેખાતી એક સ્ત્રી ઘડીક પુરુષને તો ઘડીક કુસુમને જોયા કરે. કુસુમને તે વખતે જાત જાતના વિચાર આવે. પછી વિચારોથી બચવા પૂજાની તૈયારી કરે. કુસુમની પૂજામાં કંઈ કેટલુંય હોય.
પલાઠી વાળીને બેઠેલી કુસુમ દીવા પેટાવે, આરતી કરે છે. ક્યારેક મનોમન, તો ક્યારેક જરા મોટેથી મંત્રો અને પ્રાર્થનાઓ બોલે છે, જે વર્ષોથી બોલતી રહી છે. પણ હવે પૂજા વખતે ગરબડ થાય છે.
હવે વારેઘડીએ મંત્રોમાં, પ્રાર્થનામાં ભૂલો થાય છે. એ આંખો બંધ કરે છે તો એવું લાગે છે જાણે આંખોના પોપચાં દુખે છે. એની જાણ બહાર આંખો ખુલી જાય છે. એ ફરી બંધ કરે, ફરી ખુલી જાય છે. કુસુમને સમજાતું નથી કે આવું શા કારણે થાય છે. એ ભગવાનની છબી યાદ કરવાનો પ્રયત્ન કરે ત્યારે જ એવો ભાસ થાય જાણે પોતાના ઘરના ગેટ પાસે ઘોડો હણહણે છે. તેને ખરેખર ઘોડો અને અસવાર દેખાય છે. ખૂબ આઘેથી દોડતા આવેલા ઘોડાની સુંવાળી ચામડી પરથી પરસેવાના રેલા ઉતરે છે. પરસેવે નીતરતી ઘોડાની રેશમી ચામડી ચમકે છે. ઘોડો થાક્યો નથી. એ પગ પછાડે છે. ઘોડાનો અસવાર કુદીને ઘરમાં દાખલ થાય છે. અસવારના કસાયેલા બાહુઓમાં કુંવારી કન્યાઓની આંખો ગોથા ખાય છે. કુસુમ એકદમ આંખો મીંચી દે છે.
તે પછી કુસુમથી ઝાઝીવાર બેસી શકાય નહીં. એની આંખો પલકારા મારવા માંડે. જાણે આંખો ઘેનલ થતી જાય છે. તે જલ્દી જલ્દી બધું પતાવી ફરી પાછી પહેલા રૂમમાં આવે છે. ત્યાં બેઠેલો પુરુષ છાપામાં ડૂબી ગયો હોય. રોગીસ્ટ દેખાતી સ્ત્રી કૂકરની સીટી થવાની વાટ જોતી હોય. કુસુમના પગ તેને ઉપરના ઓરડામાં લઈ જાય. હમણાં હમણાં કુસુમને ઉપરનો ઓરડો ગમવા માંડ્યો છે. એ કુસુમનો સુવાંગ ઓરડો છે. દસ બાય બારના ઓરડામાં કુસુમની આઝાદીનો ધ્વજ લહેરાય છે. જેવો તે દરવાજો ખોલે તો તેને બીજી કુસુમ દેખાય. એ કુસુમ ઓરડામાં જ પુરાઈ રહે. પણ અંદર પુરાયેલી કુસુમ સાવ જુદી છે. એ પોતાનું ધાર્યું કરવાવાળી છે. જરૂર પડે જીદ્દે ચડે છે. તે બહારથી અંદર આવેલી કુસુમને ધક્કો મારીને બહાર કાઢી મૂકે અને પછી પોતે શેટી પર ઊંધી પડીને પગ હલાવ્યા કરે.
આવું ચાલે છે. ચાલતું રહે છે. જીદ્દી કુસુમ વધારે જીદ્દી થતી જાય છે.
કુસુમ રોજ નિયત સમયે નીકળી જાય છે અને પછી હંમેશ કરતા જરા મોડી આવે છે. હવે તેને વધારે કામ રહે છે. તેની કામની ઝડપ પહેલા કરતા વધી ગઈ છે. તે ક્યારેક ઘરના કામ ટાળીને પણ નોકરીના કામ કરવા નીકળી જાય છે. ચોકમાં પંખીઓ રોજ ચણવા આવે છે. રોજ કોઈને કોઈ અવાજથી ઉડી જાય છે. ફરી પાછાં આવે છે, ફરી ઉડી જાય છે. રોજ સવાર પડે છે. રોજ સાંજ થાય છે.
પાંચ વર્ષ પછી એક સાંજ પડે છે.
ચોકમાં પંખીનું ટોળું હંમેશની જેમ ચણે છે. પેલો પુરુષ હંમેશની જેમ મોપેડ ચલાવીને આવે છે. પાંચ વર્ષમાં તે એક્દમ વૃધ્ધ થઈ ગયો છે. એ મોપેડ ઉભું રાખે છે. એને મોપેડ સ્ટેન્ડ કરવામાં બળ કરવું પડે છે. એની કમર આઘાત અને હતાશાથી ઝૂકી ગઈ છે. મોપેડના હૂકમાંથી તે ટીફિન કાઢે છે. ગેટને સમાંતર બનાવેલો ઓટલો રજોટાઈ ગયો છે. ઘરમાંથી કોઈ બહાર આવતું નથી. કોઈ પાણીનો ગ્લાસ ભરી દેતું નથી. એ સોફા પર આંખો મીંચી બેસી રહે છે. પડખે ખૂરશી એક છાપું પડ્યું છે. તે ધીમેથી છાપું ખોલીને વાંચે છે. એક હેડલાઈન જે એ છાપામાં નથી તેને શોધવા ફાંફા મારે છે. એના ચહેરા પર ઉઝરડા પડે છે.
આંગણાંમાં રાખેલાં કૂંડાંમાં કેટંલાય દિવસોથી પાણી રેડાયુ નથી. છોડવાં મુરઝાવા આવ્યાં છે. પડખે રાખેલા ચંપલના સ્ટેન્ડમાં યુવાન પગના હોય તેવા ચંપલ પડ્યાં છે. એના પર રજ ચડી ગઈ છે. બિમાર લાગતી સ્ત્રી બહાર આવી ચૂપચાપ પેલા પુરુષની બાજુમાં બેસી જાય છે. તે કશું બોલતી નથી, કદાચ બોલવા માગતી નથી. બેય જણ વચ્ચે મૌન ઘુંટાતું રહે છે. મોન અસહ્ય થઈ પડે છે ત્યારે પુરુષ પૂછે છે :
એણે તને ખરેખર કદી કોઈ વાત કરી ન હતી ?
પેલી સ્ત્રી ચૂપ રહે છે. એના મોં પર ચીડ છે. તે જવાબ આપવા માગતી નથી.
પુરુષ કહે છે: આપણી જ્ઞાતિમાં શું ન હતું હેં ?
સ્ત્રી હજુય મૌન છે. પુરુષ જાણે છે કે સ્ત્રી બોલશે નહીં. તે વાત બદલવાનો પ્રયત્ન કરે છે.
તને યાદ છે આ સમયે ઘરમાં આરતી થતી. હવે તો... અને એ તો હવે આરતિ પણ નહીં કરતી હોય. એમના ધર્મમાં તો...
કશોક અવાજ આવે છે. ચણતાં પંખી ભયના માર્યાં ઉડી જાય છે. પેલી દમિયલ સ્ત્રી બારણા બહાર જુએ છે. બારણાંમાંથી બહાર જોવામાં એક ભીંત વચ્ચે આડી આવે છે. તે ન કળાય તેવો નિસાસો નાખે છે અને પછી નજર નીચી ઢાળી દે છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsEr%3DqR%3DOfeaRRdUYB8sSMPr9%2BT7eNY3TOi7nJZDXakQg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment