સામાન્ય રીતે પણ ઓબેસિટી ઘણા હેલ્થ-પ્રૉબ્લેમ્સ ઊભા કરી શકે છે. એમાં જો તમને બ્રેસ્ટ-કૅન્સર થયું હોય અને એના સંપૂર્ણ ઇલાજ પછી જો તમે જાડા થઈ જાઓ તો આ કૅન્સર ફરી આવવાનું રિસ્ક ખૂબ વધી જાય છે. આ કૅન્સર ફરી ન આવે એ માટે સ્ત્રીએ વજનનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. વલ્ર્ડ બ્રેસ્ટ કૅન્સર અવેરનેસ મન્થ ચાલી રહ્યો છે ત્યારે જાણીએ ઓબેસિટી અને બ્રેસ્ટ-કૅન્સર વચ્ચેનો સંબંધ.
હાલમાં વલ્ર્ડ બ્રેસ્ટ-કૅન્સર અવેરનેસ મન્થ ચાલી રહ્યો છે. છેલ્લાં ૧૦ વર્ષમાં સતત જેમાં વધારો થઈ રહ્યો છે એવું બ્રેસ્ટ-કૅન્સર એટલે કે સ્તન-કૅન્સર આજની તારીખે ભારતીય સ્ત્રીઓમાં જોવા મળતું સૌથી સામાન્ય કૅન્સર બની ગયું છે. એક આંકડા મુજબ ભવિષ્ય ભાખવામાં આવ્યું હતું કે જે પ્રમાણે આંકડાઓમાં વધારો થઈ રહ્યો છે એ રીતે ૨૦૧૫માં જ ફક્ત ૧,૫૫,૮૦૦ જેટલી સ્ત્રીઓ બ્રેસ્ટ-કૅન્સરનો ભોગ બનશે. આ રોગ મોટા ભાગે ૫૦ વર્ષથી ઉપરની સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે, પરંતુ હકીકત તો એ છે કે આ રોગ કોઈ પણ ઉંમરે થઈ શકે છે. આજે ૨૮-૩૦ વર્ષની યુવાન સ્ત્રીઓ આ રોગ સામે લડી રહી છે. મોટા ભાગે કૅન્સર શાને કારણે થાય છે એનાં કારણો અજ્ઞાત જ જોવા મળે છે, પરંતુ અમુક કારણો છે જેનો તાગ મેળવી શકાયો છે. એવું જ બ્રેસ્ટ-કૅન્સરમાં પણ છે.
ઓબેસિટીનું રિસ્ક બ્રેસ્ટ-કૅન્સર થવા પાછળ ઘણાં જુદાં-જુદાં કારણો જવાબદાર હોઈ શકે છે. એમાંથી મોટા ભાગનાં કારણો જાણીતાં નથી, પરંતુ જે કારણો જાણીતાં છે એમાંથી એક મહત્વનું કારણ છે ઓબેસિટી. જે સ્ત્રીઓ ઓબીસ છે તેમને બ્રેસ્ટ-કૅન્સર થવાની શક્યતા વધુ રહે છે. એ વિશે વાત કરતાં વૉકહાર્ટ હૉસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલના ઓન્કોલૉજિસ્ટ ડૉ. મેઘલ સંઘવી કહે છે, 'જે સ્ત્રીઓ ઓબીસ હોય તેમના પર બ્રેસ્ટ-કૅન્સરનું રિસ્ક વધુ રહે છે અને એ મેડિકલ સાયન્સ દ્વારા ઘણાં રિસર્ચમાં પુરવાર થયું છે. એની પાછળનું કારણ એ છે કે ઓબેસિટીને કારણે શરીરમાં અમુક ફેરફાર આવે છે. આ ફેરફાર હૉર્મોનલ ફેરફાર હોય છે. સ્ત્રીઓના શરીરમાં સ્ત્રી હૉર્મોન ઇસ્ટ્રોજન હોય છે જેનું નિશ્ચિત પ્રમાણ સ્ત્રીની હેલ્થ જાળવી રાખવા માટે ખૂબ જરૂરી છે, પરંતુ જો એનું પ્રમાણ વધી જાય તો તકલીફ ઊભી થઈ શકે છે. ઓબેસિટીને કારણે આ પ્રમાણ વધી જાય છે અને એટલે જ સ્ત્રી પર બ્રેસ્ટ-કૅન્સરનું રિસ્ક વધી જાય છે.'
વજન વધવાથી વધશે રિસ્ક દરેક ઓબીસ સ્ત્રીને બ્રેસ્ટ-કૅન્સર થશે જ એવું નથી, પરંતુ ઓબેસિટીને લીધે એ સ્ત્રી પર આ રોગ થવાનું રિસ્ક વધી જાય છે. જ્યારે એક વાર સ્ત્રીને બ્રેસ્ટ-કૅન્સર થયું અને એનો ઇલાજ થઈને એ સંપૂર્ણ રીતે ઠીક થઈ ગઈ એ પછી આ કૅન્સર ફરીથી ન થાય એ માટે અમુક બાબતો પર ધ્યાન આપવું પડે છે. એમાં મહત્વની બાબતોમાં એ ખાસ આવે છે કે એ સ્ત્રીનું વજન વધવું ન જોઈએ. એનો બૉડી માસ ઇન્ડેક્સ પચીસથી વધવો ન જોઈએ. આ બાબતે સમજાવતાં ડૉ. મેઘલ સંઘવી કહે છે, 'એક વખત સ્ત્રીને બ્રેસ્ટ-કૅન્સર થયું અને એનો ઇલાજ પણ થઈ ગયો. એ સંપૂર્ણપણે ઠીક હોય પછી પણ આ કૅન્સર ફરી આવવાનું રિસ્ક તેના પર રહે જ છે. માટે સાવધાની રાખવી પડે છે કે સ્ત્રીને કૅન્સર ફરીથી ન આવે. એનું વજન જો વધે તો કૅન્સર ફરી આવવાનું રિસ્ક ઘણું વધી જાય છે, કારણ કે એના શરીરમાં ઇસ્ટ્રોજનની માત્રા વધી જાય છે. માટે જ્યારે પણ સ્ત્રી બ્રેસ્ટ-કૅન્સરમાંથી બહાર આવે છે ત્યારે અમે એને એ ચેતવણી આપીએ જ છીએ કે તે એનું પૂરું ધ્યાન રાખે. બિલકુલ વજન વધવા ન દે.'
ફરી આવતું કૅન્સર કૅન્સરના ઇલાજ પછી વજન વધવાનાં જુદાં કોઈ કારણ હોતાં નથી. બેઠાડુ જીવન, અયોગ્ય ખાન-પાન, એક્સરસાઇઝનો અભાવ, ઊંઘ સંબંધિત તકલીફો વગેરે કારણો છે જેને લીધે સ્ત્રીનું વજન વધી જાય છે. જો તમે જીવનમાં ક્યારેય વજન ઘટાડવા વિશે કોઈ પગલાં ન લીધાં હોય તો પણ એક વખત બ્રેસ્ટ-કૅન્સર થયા પછી વજન વિશે ગંભીર બની વિચારવું જોઈએ અને મહેનત કરી, વજન ઘટાડી ફરી પાછું કૅન્સર ન થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. બીજી વખત જો કૅન્સર આવે તો એ કેવું હોઈ શકે એ બાબતે વાત કરતાં ડૉ. મેઘલ સંઘવી કહે છે, 'જે સ્ત્રીને એક બ્રેસ્ટમાં કૅન્સર થયું હોય તો એના બીજા બ્રેસ્ટમાં કૅન્સર પાછું થઈ શકે છે. એ સિવાય તેના પેટ, લિવર કે હાડકાંમાં ગમે ત્યાં આ કૅન્સર પાછું થઈ શકે છે. માટે જ રેગ્યુલર ચેકઅપ, ડૉક્ટર સાથે ફૉલોઅપ ખૂબ જરૂરી છે. એક વખત કૅન્સરથી મુક્ત થયા પછી પણ સતત સાવધાની ખૂબ મહત્વની છે.'
કૅન્સર પાછું થવાની શક્યતા સ્ત્રીને એક વાર બ્રેસ્ટ-કૅન્સર થયું હોય એ પછી ફરીથી એ કૅન્સર પાછું થવાની શક્યતા ખબર પડી શકે? એ વાતનો હકારમાં જવાબ આપતાં ડૉ. મેઘલ સંઘવી કહે છે, 'એનો આધાર પહેલી વાર થયેલું કૅન્સરનું કયા સ્ટેજમાં નિદાન થયું હતું અને એ કૅન્સરના ટ્યુમરની ક્વૉલિટી કેવી હતી એના પર આધાર રાખે છે. એટલે કે જો બ્રેસ્ટ-કૅન્સરનું નિદાન પહેલા સ્ટેજમાં જ થયું હોય તો એના સંપૂર્ણ ઇલાજ પછી આ કૅન્સર ફરી આવવાની શક્યતા ફક્ત ૧૦ ટકા રહે છે. એટલે કે ૯૦ ટકા દરદી સંપૂર્ણ રીતે કૅન્સરમુક્ત ગણી શકાય. જો આ કૅન્સર સેકન્ડ સ્ટેજમાં પકડાયું હોય તો ઇલાજ પછી પણ ૩૦ ટકા શક્યતા છે કે એ ફરી થઈ શકે અને જો એ થર્ડ સ્ટેજમાં પકડાયું હોય, એનો ઇલાજ કરીએ અને એ સફળ રહે તો પણ આ કૅન્સર ફરી થવાની શક્યતા ૫૦ ટકા જેટલી રહે છે. એ સિવાય કોઈના ટ્યુમરની ક્વૉલિટી એવી હોય તો નિદાન ભલે વહેલું થયું હોય તો પણ આ રોગ ફરી આવવાનું રિસ્ક વધી જ જાય છે.'
શું કરવું? ૧. તમને એક વખત બ્રેસ્ટ-કૅન્સર થાય અને એનો ઇલાજ સંપૂર્ણપણે પતી જાય પછી એમ ન સમજતાં કે હવે બધું પતી ગયું. ડૉક્ટરના કહેવા પ્રમાણે દવાઓ ખાવી, રેગ્યુલર ટેસ્ટ કરાવતાં રહેવું અને ડૉક્ટર કહે એ રીતે રેગ્યુલર ફૉલોઅપ કરતાં રહો. એક પણ પ્રકારની ભૂલ વ્યક્તિને મુશ્કેલીમાં મૂકી શકે છે એ બાબતે ધ્યાન રાખવું.
૨. જો તમારું વજન પહેલેથી વધારે જ હોય તો એક વખત બ્રેસ્ટ-કૅન્સરના ઇલાજ પછી નિષ્ણાતની મદદથી વજન ઉતારવાની કોશિશ કરો.
૩. મેનોપૉઝ પછી ઘણી સ્ત્રીઓનું વજન વધી જતું હોય છે. એવા સમયમાં થોડાં વધુ સતર્ક રહેવું અને થોડું પણ વજન ઉપર-નીચે થાય તો તરત સજાગ રીતે એને ઉતારવું. ૪. વજન ઉતારવા માટે ભૂખ્યા રહીને અને ગમે તે રીત દ્વારા કરેલા પ્રયત્નો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. પોષણયુક્ત ખોરાક ખાવો ખૂબ જરૂરી હોય છે. સાથોસાથ વજનનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otdh9dm1efk%3DBzMEbCeKp2sWJH_Uc3n4eNTgEaN64ZL3w%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment