Saturday, 5 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ નાનું સરખું ગોકુળિયું, મારે વિઠ્ઠલે વૈકુંઠ કીધું રે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નાનું સરખું ગોકુળિયું, મારે વિઠ્ઠલે વૈકુંઠ કીધું રે!
તડકભડક : સૌરભ શાહ

 

 

 

 

ગાંધીજીને ક્રિકેટનો શોખ હતો? કેટલી ફિલ્મો જોઈ હતી તેમણે? ચાર્લી ચેપ્લિન સાથે પડાવેલો તેમનો ફોટો જાણીતો છે. ચાર્લી ચેપ્લિનની કેટલી ફિલ્મો જોઈ હતી ગાંધીજીએ?

 

લતા મંગેશકરનો ક્રિકેટ શોખ જાણીતો છે. પણ એમણે મરાઠી, હિન્દી કે અંગ્રેજીનું કેટલું સાહિત્ય વાંચ્યું છે? જિંદગીમાં કેટલી વાર તેઓ ટ્રેકિંગ, માઉન્ટેનિયરિંગ કે બન્જિ જમ્પિંગ કરવા ગયાં છે?

 

જિંદગી લમ્બી નહીં, બડી હોની ચાહિયે એવું 'આનંદ'માં બાબુ મોશાયને કહેવામાં આવ્યું. હવે એમાં ઉમેરો કરવાનો છે. જિંદગી લમ્બી નહીં, બડી પણ નહીં, ઊંડી હોવી જોઈએ.

 

તમને હોલિવૂડની ફિલ્મોમાં રસ હોય એનો અર્થ એ નથી કે તમારી પાસે એની રજેરજની માહિતી હોવી જોઈએ. હોલિવૂડ છોડો, તમને માત્ર મરાઠી ફિલ્મોમાં અને મરાઠી નાટકોમાં જ રસ છે. બ્રોડવે અને વેસ્ટ એન્ડ પર કયાં મ્યુઝિકલ્સ અને કેટલાં નાટકો ચાલે છે એની તમને ખબર જ નથી. કોઈ પ્રોબ્લેમ નથી.

 

પેલી જૂની વાર્તા તો તમને યાદ જ છે. એક નગરશેઠે નિવૃત્તિ લેવાનું વિચાર્યું. પોતાનો કારોબાર બેમાંથી કયા દીકરાને સોંપવો એની મૂંઝવણ હતી. શેઠે બેઉને એક-એક આનો આપીને કહ્યું કે જાઓ આમાંથી વેપાર કરો અને ચોવીસ કલાકમાં ગામને પાદર આવેલાં આપણાં બે ખાલી ગોદામ ખીચોખીચ ભરી દો. એક આનામાં તે વળી કેવી રીતે ધંધો થાય અને એ પણ ૨૪ કલાકમાં આખું ગોદામ ભરાઈ જાય એટલો? મોટા ભાઈએ યુક્તિ લડાવી. એક આનાની મજૂરી આપીને ગામનો આખો ઉકરડો ગોદામમાં ઠાલવી દીધો. નાના ભાઈએ પણ યુક્તિ લડાવી. એણે બજારમાંથી એક આનાની અગરબત્તી લઈને બીજા ગોદામમાં પ્રગટાવી. આખું ગોદામ સુગંધથી ભરાઈ ગયું.

 

જિંદગીને લમ્બી કરવાની તો કોઈ જરૂર છે જ નહીં, બડી કરવાના ચક્કરમાં આપણે એને ઉકરડાથી ભરી દઈએ છીએ. આપણા શોખનો અને આપણી પ્રવૃત્તિઓનો વ્યાપ કેટલો વિશાળ છે એવું જતાવવા (બીજાઓને તેમ જ આપણને પોતાને જતાવવા) આપણે ઊંડા જવાને બદલે છીછરા બનતા જઈએ છીએ. જ્ઞાન અને ડહાપણની સુગંધને બદલે જાણકારીઓ તથા માહિતીઓના ઉકરડાથી આપણાં ગોડાઉનો ભર્યા કરીએ છીએ.

 

જિંદગીમાં મારે આ કરવું છે, પેલું કરવું છે અને પેલું પણ જવા દેવું નથી એવી હોંશમાં તમે તબલાં વગાડતાં શીખશો, ક્રિકેટ રમતાં પણ શીખશો અને ઓઈલ પેન્ટિંગ કરતાં પણ શીખશો. ભલું હશે તો આમાં ટ્રેકિંગ, કૂકિંગ અને સાયકલિંગના શોખ પણ ઉમેરાશે. છોગામાં તમે મેરેથોનમાં દોડતા હશો અને ઓર્ગેનિક ફાર્મિંગ પણ કરતા હશો. જોનારાને લાગશે કે વાહ, તમારા જીવનમાં ઠાંસી ઠાંસીને વૈવિધ્ય ભરેલું છે. પણ આ બધું જ કરવાના ચક્કરમાં તમે છીછરા થઈ ગયા છો. એની તમને પોતાને ત્યારે જાણ થશે જયારે તમારામાં ડહાપણ આવશે કે તમે શા માટે ઉસ્તાદ ઝાકિર હુસૈન જેવાં તબલાં વગાડી શક્તા નથી, તમે શા માટે વિરાટ કોહલી જેવું ક્રિકેટ રમી શક્તા નથી.

 

મારે નથી જોઈતું તમારું તથાકથિત વિશાળ જગત. હું મારી નાનકડી દુનિયામાં મઝામાં છું, એકદમ મઝામાં છું. એમાં જ દિવસ-રાત જલસા કરું છું અને જિંદગી આખી એમાં જ રહીને જલસા કરવાની મારી તમન્ના છે

 

આવું જો તમે વિચારતા હો તો તમે અભિનંદનને પાત્ર છો. જગતની રેટ-રેસમાં તમે જોડાયા નથી, જોડાવા માગતા પણ નથી, એવી જ્યારે ઉપરવાળાને ખબર પડશે ત્યારે એ તમારા પર આશીર્વાદનો ટોપલો વરસાવશે અને તમે તમારા રસના વિષયમાં ઔર ઊંડા ઊતરીને એમાંથી વધુ ને વધુ આનંદ મેળવતા થઈ જશો.

 

દુનિયા તો અફાટ છે. તમારી નજર પણ ન પહોંચે ત્યાં સુધી વિસ્તરેલી છે. દુનિયામાં દરેક જણ પોતપોતાની રીતે આગવી પ્રતિભા ધરાવે છે, આગવી પ્રવૃત્તિઓમાં ગળાડૂબ છે. તમને આ દરેક જણ આકર્ષે છે. બાળપણમાં કોઈક દિવસ એન્જિન ડ્રાયવર તો કોઈ દિવસ બંબાવાળા તો કોઈ દિવસ પાયલટ બનવાની ચાનક ઉપડતી એવું જ મોટા થયા પછી પણ થતું રહેવાનું. આ કરું, તે કરું અને પેલું પણ કરું એવું થવાનું. બધું જ કરવાની હોંશમાં આપણે ભૂલી જઈએ છીએ કે જિંદગીને સમૃદ્ધ બનાવવાનો એ તરીકો નથી. જિંદગીમાં પેટ ભરવા માટે દોઢસો વાનગીઓના રસથાળ જેવા બુફેની જરૂર નથી. દરેકને ચાખવી પણ જરૂરી નથી. ભાવતી વાનગીઓમાંથી પણ માત્ર બે વાનગી પ્લેટમાં લઈને ધરાઈને જમી શકાય છે. એ જ રીતે જમવું જોઈએ. નહીં કે, પ્લેટમાં વિવિધ વાનગીઓનો ડુંગર બનાવીને.

 

જિંદગી ધરાઈને જીવવી હશે તો મારી દુનિયા તો ઘણી નાની છે, અને પોતાનું વિશ્વ કેટલું વિશાળ અને રૂપાળું છે એવી દ્રષ્ટિ છોડી દેવી પડશે. પેલો અંદરથી કેટલો સમૃદ્ધ છે કે ખોખલો છે એની તમને ખબર નથી. પેલો કેટલો છીછરો છે એની તમને ખબર નથી. બહારથી તમને રૂપાળા પેકિંગને કારણે એની જિંદગી ચમકદમક ભરેલી લાગે છે અને આપણે આપણી જિંદગીની કદર કરવાને બદલે, ભગવાનનો પાડ માનવાને બદલે નસીબને કોસતા રહીએ છીએ કે મારી પાસે આ નથી કે હું પેલું કરી શક્તો નથી.

 

નરસિંહ મહેતાએ ગાયું હતું કે મારું ગોકુળ ગામ ભલે નાનું સરખું હોય પણ વિઠ્ઠલની કૃપાથી એ વૈકુંઠ બની ગયું છે.

 

 

 

~ સાયલન્સ પ્લીઝ!

જિંદગીમાં બધા જ દહાડા કંઈ સારા ન હોય પણ દરેક દિવસમાં કંઈક ને કંઈક તો સારું હોવાનું.

– અજ્ઞાત


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsifDAXN43LYGG0vQcqvWBz1CJ0pGKpLsvucXXrNiMARA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment