આ નારી કિલિંગ માટે એક વર્ષ પહેલાં પોતાના જ પિતાને ફાંસીની સજા કરાવનાર કૌશલ્યાએ શક્તિ સાથે ફરી એકવાર પ્રભુતામાં પગલાં પાડ્યા અને પહેલાં લગ્નની જેમ તેના આ બીજા લગ્ન પણ આંતરજાતીય છે. લગ્ન બાદ કૌશલ્યા અને શક્તિને ફરી એક વખત ધમકીઓ મળવા લાગી છે, પણ આ વખતે ફરક એટલો જ છે કે તેને આ ધમકીઓ પોતાના પરિવાર તરફથી નહીં પણ કૌશલ્યાના સમાજના લોકો તરફથી મળી રહી છે અને આ ધમકીઓની સાથે સાથે જ કૌશલ્યા અને તેના પતિ શક્તિ પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે.
૨૧ વર્ષીય કૌશલ્યા કહે છે કે 'લગ્ન બાદ લોકો અમને શુભેચ્છાના સંદેશાઓ મોકલી રહ્યા છે પણ આ અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા શુભેચ્છાના સંદેશની સાથે સાથે જ મને અને શક્તિને ધમકીભર્યા સંદેશાઓ પણ મળી રહ્યા છે, જેને કારણે અમારા પરિવારજનો અને મિત્રો ખૂબ જ ચિંતિત છે. સોશિયલ મીડિયા પર તો જે પણ કંઈ લખાઈ રહ્યું છે કે પોસ્ટ કરાઈ રહ્યું છે એ તરફ તો અમે લોકો આંખ આડા કાન કરી લઈએ છીએ પણ ફોન પર અને મેસેજમાં જે પ્રકારની ધમકીઓ આપવામાં આવી રહી છે એ ચિંતાનો વિષય છે.'
પ્રથમ પતિ શંકરને ગુમાવ્યા બાદ તાણનો સામનો કરી રહેલી કૌશલ્યાએ પરાઈ (એક પ્રકારનું ડ્રમ) વગાડવાનું શીખવાનું શરૂ કર્યું. આ પરાઈ દલિત જાતિ પરિયાહ સાથે સંકળાયેલું છે. જ્યારે કૌશલ્યા આ પરાઈ વગાડવાનું શીખી રહી હતી એ જ વખતે તેની ઓળખાણ શક્તિ સાથે થઈ. બંને જણ અનેક કાર્યક્રમોમાં સાથે મળ્યા હતા અને તેમની આ મુલાકાતો આખરે નવમી ડિસેમ્બર, ૨૦૧૮ના લગ્નબંધનમાં પરિણમી. જો તમે વિચારી રહ્યા હોવ કે અંત ભલા તો સબ ભલા, પણ એક મિનિટ અહીં જ સ્ટોરીનો હેપ્પી એન્ડિંગ નથી આવી ગયો, બલકે કહાનીમાં ટ્વીસ્ટ આવ્યો છે.
કૌશલ્યાએ જ્યારથી દલિત યુવક શક્તિ સાથે લગ્ન કર્યા છે ત્યારથી તેની જ જ્ઞાતિના લોકો ધમકાવી રહ્યા છે અને જ્ઞાતિનું નામ ખરાબ કરવા માટે મનફાવે એ રીતે ગાળો ભાંડી રહ્યા છે. આવા સમયે કૌશલ્યા પાસે પોલીસ પ્રોટેક્શન લેવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ બાકી નહોતો. 'જ્યારથી મેં બીજી વખત લગ્ન કર્યા છે ત્યારથી મારી સાથે મારી સુરક્ષા માટે સાથે રહેતી મહિલા કૉન્સ્ટેબલની સુરક્ષા પણ પાછી ખેંચી લેવામાં આવી છે. મારા પર અને શક્તિ પર ચારેય બાજુથી દબાણ લાવવામાં આવી રહ્યું છે.' એવું કહે છે કૌશલ્યા.
જોેકે સ્થાનિક પોલીસ દ્વારા કૌશલ્યાને આપવામાં આવેલી સુરક્ષા પાછી ખેંચવામાં આવી હોવાની વાતને રદિયો આપવામાં આવ્યો હતો અને સામે પક્ષે કૌશલ્યાનું એવું કહેવું છે કે તેને હાલમાં પોલીસ દ્વારા આપવામાં આવેલી સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે.
કૌશલ્યના એ દિવસને યાદ કરતાં કહે છે કે 'આજે પણ મને એ દિવસ યાદ છે. બપોરના સમયે બે મોટરસાઈકલસવારે મારા પર અને શંકર પર જીવલેણ હુમલો કર્યો. શંકરનું તો ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું અને હું દિવસો સુધી જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી રહી. ૩૬ ટાંકા આવ્યા બાદ પણ આખરે જાણે મને સમાજમાં પરિવર્તન લાવવા માટે જ ભગવાને જીવનદાન આપવાનું નક્કી કર્યું હોય એમ હું બચી ગઈ.'
પોતાના જ પરિવાર સામે લડનારી મહિલા તરીકે તામિલનાડુમાં આજે પણ કૌશલ્યાને સાહસના પ્રતીક તરીકે જોવામાં આવે છે. કૌશલ્યાની હિંમત અને બહાદુરી તો એ જ વખતે દુનિયાએ જોઈ લીધી હતી જ્યારે તેણે હુમલા બાદ હોસ્પિટલમાં આપેલા સ્ટેટમેન્ટમાં પોતાના પર થયેલા હુમલા માટે માતા-પિતાને જ જવાબદાર ઠેરવ્યા હતા. ઓલમોસ્ટ મૃત્યુના મુખમાં પહોંચીને પાછી ફરેલી કૌશલ્યાએ પતિને ન્યાય અપાવવા માટે પોતાના જ પરિવાર સામે લડી લેવાનું નક્કી કર્યું અને પિતાને જેલના સળિયા પાછળ ધકેલીને લાંબી કાયદાકીય લડાઈ શરૂ કરી.
પોતાના પહેલાં લગ્ન વિશે વધુ વાત કરતાં કૌશલ્યા કહે છે કે 'મૂળ હું થેવર જાતિની છું અને શંકર દલિત જાતિનો હતો. મારા અને શંકરના લગ્ન મારી જાતિના લોકોને અપમાનજનક લાગ્યા અને આને જ કારણે મારા પિતાએ મારા પર અને શંકર પર હુમલો કરાવવાનો નિર્ણય લીધો હતો. પરિવાર સામે છેડેલી લડાઈને કારણે મારે ઘણી વખત કોર્ટમાં જવું પડ્યું હતું જેથી કોર્ટમાં તેમને જામીન મળતા અટકાવી શકું. કુલ ૫૮ વખત કોર્ટે મારા પિતાની જામીનની અરજી રદ કરી હતી. કોર્ટે તો મારા પિતાજીને ફાંસીની સજા ફટકારી પણ મારી માતા અને અન્ય બેને આ કેસમાં નિર્દોષ છોડી મૂક્યા છે.'
આજે કૌશલ્યા જાતિવાદને કારણે આચરવામાં આવનારી હિંસા સામે અભિયાન ચલાવી રહી છે અને અનેક કાર્યક્રમોમાં જઈને આ મુદ્દે લૅક્ચર આપીને લોકોમાં જાગરૂક્તા લાવવાનો પ્રયાસ કરી રહી છે. કૌશલ્યાના સંપર્કમાં આવનારા અનેક લોકો કૌશલ્યા એક પરિવર્તનની શરૂઆત હોવાનું માને છે. કૌશલ્યાનો પતિ શક્તિ (૨૭) જણાવે છે કે 'કૌશલ્યાએ જે મિશન હાથ ધર્યું છે તેમાં હું ક્યારેય અવરોધરૂપ નહીં બનું. આવું પગલું ભરવા માટે હિંમત હોવી જોઈએ અને મને આનંદ છે કે મારી પત્નીમાં એ હિંમત છે અને તે સચ્ચાઈ માટે કોઈની પણ સામે લડવા સક્ષમ છે. હું આ મિશનમાં એક માર્ગદર્શક તરીકે હંમેશા જ કૌશલ્યાને મદદ કરવાનો ચોક્કસ જ પ્રયાસ કરીશ.'
જોકે ઑનર કિલિંગ એ ભારત માટે કોઈ નવી ઘટના નથી. હાલની તાજી જ ઘટનાની વાત કરીએ તો ડિસેમ્બર, ૨૦૧૮માં જ મહારાષ્ટ્રના બીડ વિસ્તારમાં પોતાની બહેનપણી સાથે બંનેના પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરનારા સુમિત નામના યુવકની યુવતીના જ ભાઈ દ્વારા હત્યા કરવામાં આવી હતી અને યુવતીને ઈજા પહોંચી હતી. મહારાષ્ટ્રમાં આ કેસ ખૂબ ચર્ચામાં રહ્યો છે અને કેટલાક લોકો તો આ કેસને 'સૈરાટ' હત્યાકાંડ તરીકે પણ ઓળખાવી રહ્યા છે.
છેલ્લાં ત્રણ વર્ષની વાત કરીએ તો નેશનલ રેકોર્ડ્સ ઓફ ક્રાઈમ બ્યુરોના જણાવ્યા અનુસાાર ઑનર કિલિંગના ૩૦૦થી વધુ કેસ જોવા મળ્યા હતા. ૨૦૧૪માં આવા ૨૮ કેસ નોંધાયા હતા જ્યારે ૨૦૧૫માં આ પ્રમાણ વધીને ૨૫૧ જેટલું થઈ ગયું હતું અને ૨૦૧૬માં ૭૭ જેટલા કેસ ઑનર કિલિંગના જોવા મળ્યા હતા. સૌથી વધુ ઓનર કિલિંગના કેસ ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યા હતા. ૨૦૧૫માં એકલા ઉત્તર પ્રદેશમાં જ ઓનર કિલિંગની ૧૩૧ જેટલી ઘટનાઓ જોવા મળી હતી.
ચંદ્ર પર જવાની વાતો કરનારા આપણે ક્યારેય આ ઑનર કિલિંગ, જાતિવાદના ચુંગાલમાંથી બહાર આવીશું ખરા? ક્યાં સુધી મનોજ-બબલી, શંકર-કૌશલ્યા, સુમિત-ભાગ્યશ્રી જેવા પ્રેમીઓએ બીજી જાતિના યુવક-યુવતીઓ સાથે પ્રેમ કરવાની સજા પોતાના લોહીથી ચૂકવવી પડશે? આ છે આઝાદ ભારતની છબિ, જ્યાં તમને પોતાની મરજીથી પોતાનો નેતા પસંદ કરવાનો અધિકાર તો છે, પણ પોતાની મરજીથી પોતાનો જીવનસાથી પસંદગી કરવાની સ્વતંત્રતા નથી?
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OueFs1-4j5dkeLMa16e81zBF-v%3D3%3DunxpcZb3jmLyJGcQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment