આપણી સાથે રહેલી વ્યક્તિ ગમે તેવી કપરી સ્થિતિમાં આપણો હાથ નહીં છોડે તેવો વિશ્વાસ આવી જાય પછી આપણે ગમે તેવી છલાંગ લગાવવા તૈયાર થઈ જઈએ છીએ. તેમાં સાથ આપનાર વ્યક્તિની જવાબદારી બેવડાઈ જાય છે. તેણે પોતાનું સંતુલન જાળવીને બીજાની જિંદગીને પણ ટકાવવાની છે. આ જવાબદારી કદાચ સ્ત્રીઓ સારી રીતે નિભાવી જાણે છે. (પેટા)
जीना यहाँ मरना यहाँ इसके सिवा जाना कहाँ जी चाहे जब हमको आवाज़ दो हम हैं वहीं हम थे जहाँ जीना यहाँ मरना यहाँ...
સર્કસ શબ્દ વાંચતા, સાંભળતા કે પછી જોતાં તરત જ ચેતાતંત્ર એક્ટિવ થઈ જાય અને વિવિધ કરતબો કરતી વ્યક્તિઓ આંખની સામે તરવરવા લાગે. તાજેતરમાં મારી દીકરીઓ સાથે સર્કસ જોવા જવાનું થયું. શો શરૂ થયો અને આંખોની સામે એક પાત્ર ઉપસી આવ્યું. એ પાત્ર હતું જોકરનું. જોકરનું નામ આવતા જ ત્રીસીએ પહોંચેલી અને ખાસ કરીને જીવનની અડધી સદી વટાવી ગયેલી પેઢીને રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકર યાદ ન આવે તો જ નવાઈ કહેવાય. આ ફિલ્મનું ઉપરોક્ત ગીત કદાચ આજે પણ આપણી જીભ ઉપર રમતું હશે પણ તે ફિલ્મના ગીત કરતા જીવનનું સંગીત વધારે છે.
જન્મથી મૃત્યુ વચ્ચેના માણસના કરતબો એટલે જિંદગીનું સર્કસ. દુનિયામાં તમારી એન્ટ્રી થાય અને ફરી પાછા તમે દુનિયામાંથી એક્ઝિટ લો ત્યાં સુધી વિશ્વ ફલક ઉપર ભજવાતા પાત્રો થકી જ આપણે અમરત્વ પ્રાપ્ત કરીએ છીએ. સર્કસ જોઈએ તો પહેલાં જ એન્ટ્રી પડે છે જોકર્સની. ટોળામાં આવતા આ કલાકારો દર્શકોને હસાવવાનું કામ કરે છે. પોતે રડે છે પણ તેને જોઈને બીજા હસે છે. આપણી જિંદગી પણ એવી જ છે. આપણે જન્મતાની સાથે જ રડીએ છીએ જ્યારે આપણને રડતા જોઈને બીજાને હસવું આવે છે, આનંદ આવે છે. જીવનનો ખાલિપો ભરાઈ ગયાની લાગણી થાય છે. ત્યાર પછી સર્કસમાં કરતબ આવે છે દોરડા ઉપર સંતુલન રાખવાનું અને એક છેડેથી બીજા છેડે ઝુલીને જવાનું. જિંદગીનું આ કરતબ લગભગ આપણે દરેક તબક્કે ભજવવું પડે છે. આ કરતબનો સૌથી મોટો બોધપાઠ છે સામેની વ્યક્તિ ઉપર વિશ્વાસ રાખવાનો. ઝુલો પકડીને સામેની વ્યક્તિ તરફ છલાંગ મારવી અને તે આપણને ઝીલી લેશે તે વિશ્વાસ જ આ કરતબને ટકાવી રાખે છે. જિંદગીમાં પણ આવું જ છે, આપણી સાથે રહેલી વ્યક્તિ ગમે તેવી કપરી સ્થિતિમાં આપણો હાથ નહીં છોડે તેવો વિશ્વાસ આવી જાય પછી આપણે ગમે તેવી છલાંગ લગાવવા તૈયાર થઈ જઈએ છીએ. તેમાં સાથ આપનાર વ્યક્તિની જવાબદારી બેવડાઈ જાય છે. તેણે પોતાનું સંતુલન જાળવીને બીજાની જિંદગીને પણ ટકાવવાની છે. આ જવાબદારી કદાચ સ્ત્રીઓ સારી રીતે નિભાવી જાણે છે.
સર્કસમાં પછી આવે છે એક્રોબેટિક ખેલ કરતી છોકરીઓ. શરીરને વિવિધ રીતે વાળીને તેનું સંતુલન રાખીને આપણને મનોરંજન પૂરું પાડે છે. આ બાબત શીખવે છે કે તમારે જિંદગીનું સંતુલન સાધવું હોય તો ક્યાયં વળવું પડે છે, ક્યાંક નમવું પડે છે અને ક્યાંક ટટ્ટાર બનીને પણ ઊભા રહેવું પડે છે. માત્ર સીધી લીટીમાં રહેવાથી જિંદગીનું સંતુલન સાધી શકાતું જ નથી. ત્યારપછી નાઈજિરિયન કલાકારો મલખમ અને પોલ બેલેન્સિંગના ખેલ બતાવે છે. એકબીજાનો હાથ ઝાલીને બંનેની જિંદગીને સાચવવી તે ખેલનો સંદેશ છે. જો એકનો પણ હાથ છૂટ્યો તો બધું જ પૂરું થઈ જવાનું છે. જિંદગીમાં નીચેથી ઉપર જાવો કે પછી ઉપરથી નીચે આવો પણ એકબીજાનો હાથ નહીં છોડીએ તો ક્યારેય કોઈ તકલીફ નહીં પડે. તમામ સ્થિતિમાં સાથે રહીને ટકી જવાની ભાવના આ ખેલ શીખવી જાય છે. ત્યારબાદ સ્ટેજ ઉપર એન્ટ્રી થાય છે જગલરની. ક્યાંક બોટલનું બેલેન્સ કરે છે તો ક્યારેક હાથમાં પાંચ-પાંચ બોલ ઉછાળીને પકડી લે છે, ક્યારેક હેટ ઉછાળીને પહેરી લે છે તો ક્યારેક ચપ્પા વડે ખેલ કરે છે. વ્યક્તિને આગળ વધવા માટે આ કરતબ આવડવો ખૂબ જ જરૂરી છે. ભણતર સાથે ગણતરની વાત છે. ભણતર વ્યક્તિને નોકરી અપાવે છે જ્યારે ગણતર તેની આ કારકિર્દીને આગળ વધારે છે. જ્યાં સુધી જિંદગીનું જગલિંગ નહીં આવડે ત્યાં સુધી કોઈ તમારી કિંમત નહીં કરે. સામેની વ્યક્તિની આંખનો પલકારો વાગે તે પહેલાં કામ કરવાની આવડત જ સફળતા અપાવશે. ત્યાબાદ આવે છે ખુરશીનો ખેલ. બે કલાકારો ખુરશીનું બેલેન્સ જાળવે છે. એક નીચે ઊભો રહીને ખુરશી આપે છે જ્યારે બીજો એક ઉપર એક ગોઠવીને બેલેન્સ જાળવે છે. આ ખેલ ખૂબ જ મહત્વનો છે. અહીંયા વ્યક્તિને મળતી સત્તા અને બીજી તરફ ગૃહસ્થીમાં પ્રવેશ કરતી વ્યક્તિને મળતી બીજી વ્યક્તિનો ઉપદેશ છે. માણસ કારકિર્દીમાં જગલિંગ કરી શકે તો બીજાના હાથમાંથી ખુરશી ખેંચીને સફળતાની સીડી ચડી શકે અને ઉચ્ચ શીખર ઉપર બેસી શકે. બીજી તરફ વ્યક્તિ જ્યારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશે છે ત્યારે લગ્ન મંડપમાં બે ખુરશીઓ ગોઠવાય છે. ચોરીમાં રહેલી બંને ખુરશીઓ વચ્ચે સમાન અંતર હશે અને બંને એકબીજાનો હાથ પકડીને ચાલશે તો જ લગ્નજીવનના ફેરા પૂરા થશે અને જીવનનું સંતુલન જળવાઈ રહેશે.
ત્યારબાદ કેટલીક યુવતીઓ આગના સળીયાની નીચેથી પસાર થવું, તલવાર ઉપર બેલેન્સ જાળવવું અને બેલે ડાન્સ જેવા ખેલ કરે છે. પેટ કરાવે વેઠ કહેવત દરેકને લાગુ પડે છે. અબજોપતિથી માંડીને આમ આદમી સુધી દરેકને પેટ માટે જ કમાવું પડે છે. આપણું બેલી જ આપણને જિંદગીના બેલે ડાન્સ શીખવે છે અને કરાવે. ક્યારેક આગ જેવી પરિસ્થિતિમાંથી પસાર કરાવે છે તો ક્યારેક ખાંડાની ધાર ઉપર ચાલવા પણ મજબૂર કરે છે. આ સ્થિતિમાંથી પસાર થાઓ ત્યારે જ જિંદગીની સાચી ભુખ ઠરતી હોય છે, સફળતા મળતી હોય છે અને સુખ મળતું હોય છે. ત્યારબાદ સ્કેટિંગ પહેરીને ગોળ ફરતા ટેબલ ઉપર બેલેન્સ જાળવતી યુવતીઓ કરતબ બતાવે છે. તે પણ આપણને શીખવે છે કે જીવન સતત ફરતું રહે છે અને ફરતું રહેશે તેમાં આપણું સંતુલન આપણે જાતે જ જાળવવાનું છે. આપણે માત્ર એકબીજાનો હાથ પકડી શકીએ. કોઈ એક વ્યક્તિ આધાર બને તો બીજાના જિંદગી આપોઆપ જળવાઈ જાય છે. અંતે ખેલ આવે છે ઘોડા, કૂતરા, પોપટ અને હાથીઓનો. આ જાનવરો તેમના રિંગમાસ્ટરના કહ્યા પ્રમાણે વિવિધ ખેલ કરતા હોય છે. આ ખેલ જીવન માટે ખૂબ જ મહત્વનો છે. તે સૌથી પહેલો પાઠ શીખવે છે કે, તમારી જિંદગી બીજાના હાથમાં હશે તો તમારા ઉપર જોખમ વધારે હશે. બીજાનો આદેશ માનીને ચાલવામાં જોખમ વધારે છે. ખરેખર કોઈને આધિન રહેવું હોય તો ઈશ્વરને આધિન રહેવું. આ એવો રિંગમાસ્ટર છે જે ક્યારેય આપણને જોખમમાં નહીં નાખે, અને કદાચ જોખમ હશે તો તેમાંથી ઉગારવાની ક્ષમતા પણ તેની પાસે છે. મિત્રો વાત એટલી જ છે કે, સર્કસનો ત્રણ કલાકનો શો હોય છે. તેમાં વિવિધ લોકો વિવિધ કરતબ કરતા હોય છે. તેની સામે આપણી જિંદગી આવી જ છે. શેક્સપિયર કહે છે તેમ આ દુનિયા સ્ટેજ છે અને આપણને એન્ટ્રી મળે ત્યારે આવવાનું અને એક્ઝિટ થાય ત્યારે ચુપચાપ નીકળી જવાનું. વચ્ચે જે પણ પાત્રો મળે તે આરામથી ભજવી લેવાના. બાકી તો આપણા પછી પણ જિંદગીનું આ સર્કસ ચાલતું જ રહેવાનું છે. આપણા પછી પણ યુગો સુધી દુનિયામાં પાત્રો આવતા રહેશે અને જતા રહેશે. તેના કારણે જ કદાચ,રાજ કપૂર આગળ ગાય છે કે,
कल खेल में हम हों न हों गर्दिश में तारे रहेंगे सदा भूलोगे तुम, भूलेंगे वो पर हम तुम्हारे रहेंगे सदा होंगे यहीं अपने निशाँ इसके सिवा जाना कहाँ जीना यहाँ मरना यहाँ...
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuuQpxRKMdE4TPhkR4k%3D1iAFGS_hz9o4SOpi-%3DpwQpWQg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment