Tuesday, 1 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ નવા વર્ષનું સ્વાગત દ્વાર પર ૨૫ રત્નકણિકાના તોરણ લટકાવીને કરો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નવા વર્ષનું સ્વાગત દ્વાર પર ૨૫ રત્નકણિકાના તોરણ લટકાવીને કરો!
ભવેન કચ્છી

 

 

 

પ્રેરણા જ જીવનને જીવંત અને ધબકતું રાખે છે.... Life is like that


દેશ માટે રાષ્ટ્રગીત છે તેમ આપણે પણ આપણા જીવનમાં સતત પ્રેરણાનું સિંચન થતું રહે તે માટે 'રૂક જાના નહીં તું કહી હાર કે' જેવું કોઈ જીવનગીત ગણગણતા રહેવું પડશે.


વર્ષ ૨૦૧૮ના કેલેન્ડર પર હવે આજ અને આવતીકાલના એમ બે જ તારિખીયાં બાકી રહ્યા છે. દેશ-વિદેશમાં વિષમ પરિસ્થિતિ અને પડકારો તો રહેવાના જ. આપણા અંગત જીવનમાં પણ થાપટો વાગી હોય તે જીવનનો દસ્તૂર છે. દેશ માટે રાષ્ટ્રગીત છે તેમ આપણે પણ આપણા જીવનમાં સતત પ્રેરણાનું સિંચન થતું રહે તે માટે 'રૂક જાના નહીં તું કહી હાર કે' જેવું કોઈ જીવનગીત ગણગણતા રહેવું પડશે.


નવા વર્ષનું સ્વાગત દ્વાર પર ૨૫ જેટલી રત્નકણિકાઓ લગાવીને કરો. જે આપણા માટે જીવન સાથે જોડતા સેતુની ગરજ સારી શકે તેવી છે. નવી દુનિયાના નવા માણસો પણ મર્મજ્ઞાાનના પાઠ ભણાવી શકે છે.


સંસ્કાર અને શિસ્ત એ બેમાંથી કોઇ એકની પસંદગી કરવાની હોય તો સંસ્કારની કરશો


આશાવાદી અને નિરાશાવાદી બંનેનું સમાજની પ્રગતિમાં યોગદાન છે. આશાવાદી વિમાનની શોધ કરે છે. નિરાશાવાદી પેરેશૂટની.


આંખો આગળ હાથનો પંજો રાખીને કહો કે ''આજે સૂર્ય નથી ઉગ્યો'' તે જ રીતે તમે કોઇના ઉમદા પ્રદાનને નજરઅંદાજ કરો તેનાંથી તેની મહત્તા ઘટી નથી જતી.


ટેનિસની રમતનો લેજન્ડ ફેડરર ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં એક એક પોઇન્ટ મેળવવા મરણિયો જંગ ખેલતો હતો. ટેનિસ ઈતિહાસની યાદગાર મેચ તે હારી ગયો.


ઈનામ વિતરણ સમારંભમાં રનર્સ અપ રહેલા (બીજા ક્રમે) ફેડરરને પત્રકારે પૂછ્યું, ''ફેડરર, તું બહુ ઝઝૂમ્યો છતાં જીતી ના શક્યો. કેવું લાગે છે ?'' ફેડરરે ભારે સ્વસ્થતા અને સહજતા સાથે ઉત્તર આપ્યો કે ''આ પરાજય કંઇ જીવનનો અંત થોડો છે. આવતા વર્ષે ફરી જીતવા માટે આવીશ.''


ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં ભારતની હાર નિશ્ચિત મનાતી હતી. ભારત જંગી દેવા સાથે ફોલોઓન થઇને તેંડુલકર સહિતની ટોચની વિકેટો ગુમાવી ચૂક્યું હતું. ક્રિકેટ વિશ્વના ચાહક કે વિવેચકને ભારત જીતે તે તો ઠીક મેચ ડ્રો ખેંચી શકે તેવી પણ આશા નહોતી.


માત્ર ક્રિઝ પરના ભારતના બે બેટ્સમેનો દ્રવિડ અને લક્ષ્મણે એકબીજાને કોલ આપ્યો કે આપણે જીતી શકીએ તેમ છીએ. 'વ્હાય નોટ ગિવ ધ બેસ્ટ'. બંનેની જ આત્મશ્રધ્ધાએ રંગ રાખ્યો. રેસ્ટ ઈઝ હિસ્ટ્રી...


અમિતાભ બચ્ચન અનેક બીમારીથી પીડાય છે. રોજની કેટલીય ગોળી, દમના હુમલાને ખાળવા સ્પ્રે અને પેઇન કિલર લેવા પડે છે. ઘણી વખત તો સેટ પર નિર્દેશક કહે કે ''અમિતજી, આજ શૂટિંગ કેન્સલ કરતે હૈ''


પણ, અમિતાભ બચ્ચનનો કામ પ્રત્યેનો લગાવ એ હદનો છે કે સેટ પર તાવમાં ફસડાયેલ અમિતાભ જેવો 'સેટ રેડી, કેમેરા રોલિંગ' તેમ સાંભળે તે સાથે જ કોઇ ગજબની તાકાત અને સ્ફૂર્તિ તેનામાં પ્રવેશે છે. આપણું પણ આવું હોવું જોઇએ.


શિક્ષક કભી સાધારણ નહીં હોતા. શિક્ષક હોવાનું ગૌરવ આજકાલ રહ્યું છે ખરૂ ? જે ડોકટર, એન્જિનિયર કે અન્ય ક્ષેત્રોમાં ના પ્રવેશી શકે તેવી તો શિક્ષકની આપણા સમાજે ઈમેજ બનાવી દીધી છે. ડૉ. અબ્દુલ કલામ પાસેથી શિક્ષકો પ્રેરણા લેશે ? કલામ સાહેબ કહેતા કે મારા મૃત્યુ પછી મને લોકો વિજ્ઞાાની કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ તરીકે નહીં પણ, શિક્ષક તરીકે યાદ રાખશે તો ગમશે.


રહેણી કરણી પશ્ચિમની સંસ્કૃતિના રાખો અને અપેક્ષા પૂર્વની સંસ્કૃતિની સંસ્કારોની રાખો તેને લીધે જ સમાજમાં તનાવ જોઇ શકાય છે.


તમારી તુલના ભૌતિક રીતે તમારા કરતા ઉતરતા છે તેની જોડે અને આધ્યાત્મિક રીતે ચઢિયાતા છે તેની જોડે કરો - સ્વામી શિવાનંદ તમે ભારતીય નાગરિકને દેશની બહાર લઇ શકો તેનામાં રહેલી ભારતીયતાને નહીં. તેવી જ રીતે જ્યાં વસે ગુજરાતી ત્યાં ગુજરાત સદાકાળ.


વિશ્વના જે પણ દેશો શોધ, સંશોધન, કલા, સંસ્કૃતિની રીતે મોખરે છે તેઓ જ વિકસિત મનાય છે. ભારતનું અર્થતંત્ર ભલે મજબુત બનતું જાય પણ જ્યાં સુધી ભારત નોબેલ પ્રાઇઝ અને ઓલિમ્પિક ગોલ્ડ મેડલથી ઝોળી ભરતું નહીં થાય ત્યાં સુધી તે ત્રીજા વિશ્વના દેશ તરીકે જ વિશ્વની નજરે મૂલવાશે. અમેરિકા, રશિયા, બ્રિટન, ચીન, જર્મની, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા જેવા દેશો ત્યાંની પ્રજાના ખમીર, ગુણવત્તાસભર જીવન, શિક્ષણ-ટેકનોલોજી અને સ્પોર્ટસ કલ્ચરથી  શક્તિશાળી મનાય છે.


૧૨૫ કરોડથી વધુ વસ્તી ધરાવતા ભારતને અત્યાર સુધી માત્ર દસ જ નોબેલ પ્રાઇઝ મળ્યા છે જેમાંથી છ તો જે તે હસ્તી વિદેશમાં સ્થાયી થઇ તે પછી સમાવિષ્ટ છે.


આવડા મોટા દેશમાંથી હજુ સુધી ભારત ઓલિમ્પિકમાં એક જ વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતી શક્યું છે. જેવી રીતે આઈપીએલમાં ક્રિકેટમાં જે તે ટીમ ખેલાડીને ખરીદવા હરાજીની જેમ ભાવ ઊંચે લઇ જાય છે તેમ દેશના ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને શોધી કાઢી કંપની હરાજી બોલાવી તે વિદ્યાર્થીને સગવડો પૂરી ના પાડી શકે !


બિલ ગેટ્સ અને વોરેન બફેટ જેવા ધનાઢ્યોએ ''ગિવિંગ પ્લેજ'' નામનું ગુ્રપ બનાવ્યું છે. જે ધનકુબેર તેની સંપત્તિનો અડધોથી વધુ હિસ્સો આ ટ્રસ્ટને વૈશ્વિક ચેરિટી માટે આપે તે તેનો સભ્ય બની શકે. આજે વિશ્વના ૧૦૦થી વધુ ધનકુબેરો તે ટ્રસ્ટના સભ્યો છે. વિશ્વમાં જે પણ શોધ-સંશોધનો, રોગ પર કાબુ મેળવવાની રસી તેમજ પર્યાવરણની સમતુલા પર પ્રોજેક્ટ ચાલે છે તેઓને  આ ટ્રસ્ટ ફંડ ફાળવે છે.


ફેસબુકનો માલિક ઝકરબર્ગ પુત્રીનો પિતા બન્યો તે સાથે તેણે તેની સંપત્તિનો બહોળો હિસ્સો વિશ્વના બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને ઉછેર માટે કાર્યરત સંસ્થાઓને મળે તેવી વ્યવસ્થા ગોઠવી. ઝૂકરબર્ગ તેના આવા નિર્ણયો અંગે કહે છે કે ''મારા સંતાનો મોટા થાય ત્યારે તેને વિશ્વ ઉમદા અને જીવવા માટેનું સ્વર્ગીય રમણિયતા સમાન લાગવું જોઇએ. મારા સંતાનોના  ઉછેરની જેમ જ પાંગવું તે વિશ્વના તમામ બાળકોનો હક્ક છે.''


અમેરિકાના સ્વિમિંગ લેજન્ડ માઇકલ ફેલપ્સને પૂછાયું કે ''વિશ્વના ટોચના હરિફો વચ્ચે ગોલ્ડ મેડલ જીતવા માટે માઇક્રોસેકન્ડની રસાકસી હોય છે. તેઓ પણ દિવસભર રોજેરોજ પ્રેકટિસ કરે જ છે આમ છતાં તમે સરસાઇ પ્રાપ્ત કરો છો તેનું રહસ્ય શું ?'' માઇકલ ફેલ્પસે ઉત્તર આપ્યો કે ''એ વાત ખરી કે તેઓ દિવસભર પ્રેકટિસ કરે છે તે હું જાણું છું પણ એટલે જ હું મધરાતે પણ પ્રેકટિસ કરૂં છું જ્યારે તેઓ ઊંઘતા હોય છે.''


ઈશ્વરે પ્રત્યેક મનુષ્યને કંઇકની કંઇક આગવીતા સાથે જન્મ આપ્યો છે. તમે તમારી અંદર છૂપાયેલી સારપ અને ઈશ્વરના તમારા સર્જન માટેના શુભ હેતુને શોધી કાઢો. તમારી તુલના બીજા કોઇ જોડે કરવી તે તમારૂ અપમાન છે તેમ સમજજો.


રૂા. ૩૦૦ની ટિકિટ અને રૂા. ૨૦૦ પોપકોર્નના ખર્ચીને ઢંગધડા વગરની ફિલ્મ જોઇશું. પણ વર્ષના ૧૨ કે ૪૮ અંક આવે તેવા સામયિકનું રૂા. ૩૦૦ લવાજમ નહીં ભરીએ. મહિનાનું કમ સે કમ એક પુસ્તક ખરીદવાની આદત પાડવી જ રહી.


 ખિસ્સામાં પડેલા પર્સ કે વોલેટમાં જુદી જુદી બેંકોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો પાવર આપણને ગૌરવ બક્ષે છે પણ જરૂર છે તે વોલેટમાં શહેરની બે ત્રણ લાઇબ્રેરીના સભ્યપદના કાર્ડ હોય તેવા વૈભવની.


બિલ ગેટ્સ, વોરેન બફેટ, ઝકરબર્ગ, જેક માથી માંડી અમિતાભ બચ્ચન અને તેંદુલકરને પણ ઈન્ટરવ્યુ દરમ્યાન પ્રશ્ન પૂછાતો હોય છે કે તમે આજકુલ કયું પુસ્તક વાંચો છો ? આપણને કોઇ આવો પ્રશ્ન પૂછે તો ? છોભિલા પડતા કહીશું કે ''યાર, શું કામ ફીરકી ઉતારે છે. આખા દિવસમાં હું જ મળ્યો.''


તમારૂ ધન, મિલકત, નોકરી-ધંધો પરિવાર બધું જ તમારો સાથ છોડી દઇ શકે. કોઇ કુદરતી કે માનવસર્જિત આપત્તિમાં તમે અને તમારા પરિવારને કારમો ફટકો પહોંચી શકે. પણ તમારી પાસે જે કૂનેહ, શિક્ષણ અને જ્ઞાાન મસ્તિષ્કમાં પડયું હશે તેને દુનિયાની કોઇ તાકાત ઝૂંટવી નથી શકતી. શક્ય એટલો આ અતૂટ, અવિનાશી અને ચિરંજીવ ખજાનો સમૃધ્ધ બનાવવાનું લક્ષ્ય કેળવવું રહ્યું.


તમે ડીપ્રેશન, તનાવ કે કોઇપણ મનોબીમારીથી પીડાતા હો તો સંકોચ ના અનુભવો. તમામ ક્ષેત્રોની જાણીતી વ્યક્તિઓ હોય કે ભીડ ભોગવતો નાગરિક દરેકને પોતપોતાનો તનાવ અને પડકાર હોવાના જ. અભિનેત્રી દિપિકા પદુકોને જાહેરમાં કહી ચૂકી છે કે તે ડીપ્રેશનનો શિકાર બની હતી. પારિવારિક હૂંફ અને મનોચિકિત્સક પાસે જતા સંકોચ ના અનુભવો.


બોર્ડની પરીક્ષા પૂર્વ કે પછી નિષ્ફળતાના કાલ્પનિક ભય હેઠળ આત્મહત્યા સુધીના પગલા લઇ શકે તેવા વિદ્યાર્થીઓ સમાજમાં આજુબાજુ નજર ફેરવશે તો ઘણા પ્રેરણાદાયી ઉદાહરણ જોવા મળશે.


બ્રિટનના પ્રવાસ દરમ્યાન યજમાન ડાઉની અને માર્થા તેમને ઘેર મને લઇ જઇ રહ્યા હતા. લાંબા અંતરની કાર ડ્રાઇવ હતી. પરિવારના સભ્યો અંગે  પૃચ્છા  કરી તેઓએ હૃાદયિક રીતે  નજીક આવવાનો પ્રયત્ન કર્યો. સહજ રીતે તેમના પરિવાર વિશે પૂછ્યું. ડાઉની અને માર્થાના ચહેરા પર વાત્સલ્યના શેરડા પડેલા જોઇ શકાયા.


તેઓએ કહ્યું કે અમારા બે ક્યુટી જીની અને જોનીને મળીને તમને પણ વ્હાલ ઉભરાઇ જશે. તેઓ બારણા તરફ દોડી જશે. અમે તેઓને કહ્યું છે કે આજે આપણે ઘેર મજાના મહેમાન આવવાના છે. પછી તો બસ જીની અને જોનીની વાતો કરતા રસ્તો ક્યાં કપાઇ ગયો ખબર જ ના પડી. મેં મનોમન વિચાર્યું કે આ દાદા-દાદી તો ભારતના જેવા જ પ્રેમાળ છે.


અમારી કાર વિશાળ ગાર્ડન વચ્ચે આવેલા આલિશાન વિલાના ગરાજમાં પાર્ક થઇ. બે મજલા અને અંદાજે આઠેક કક્ષનો બંગલો સૂમસામ હતો. તેની શાંતિ ઉદાસીન આંદોલનો જગાવતી હતી. અચાનક એક કુતરાનું બચ્ચું અને બિલાડી જુદા જુદા રૂમમાંથી દોડીને ડાઉની, માર્થાનાં ખોળામાં લપાઇ લાડ કરાવવા માંડયા. ડાઉનીએ કહ્યું ''જીની,... જોની જો આપણા મહેમાન જેની હું તમને બંનેને વાત કરતો હતો.''


ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમ્યાન ડ્રાઇવર કમ ગાઇડ જ અમને એડીલેડ શહેરના સ્થળો બતાવતો હતો. અમને તે લંચ અને ડિનર ફાઇવ સ્ટાર હોટલની રેસ્ટોરામાં લઇ ગયો. મોંઘામાં મોંઘી વાઇન ટેબલ પર હાજર હતી.


ડ્રાઇવર કમ ગાઇડ એવા મેથ્યુસે કહ્યું કે તમને વાઇન પીરસવામાં આવી છે તે ઓસ્ટ્રેલિયાના સામાન્ય નાગરિકના નસીબમાં નથી હોતી. અમે જોયું કે તેણે વાઇનના ગ્લાસને હાથ સુધ્ધા ન હતો અડકાવ્યો. મેં કહ્યું કે ''તમને પણ આવી તક નહી મળે, વાઇન કેમ નથી પીતા.''


મેથ્યુએ કહ્યું કે ''તમને લઇને આવ્યો છું તે મીની બસ મારે ડ્રાઇવ કરવાની છે. તેથી કાયદાનો ભંગ ના કરાય. અને... નજીવો અકસ્માત પણ થાય તો  હું મારી જાતને  ક્યારેય  માફ ના કરી શકું.''


ભારતમાં આઝાદી કરતા સ્વચ્છંદીતા વધુ જોવા મળે છે. ભારતના નાગરિકો સંપ્રદાયો અને ધર્મોના વાવટા હેઠળ ભેગા થઇ જાય છે પણ ત્રિરંગા માટે હજુ ખમીર જોઇએ એવું જામતું નથી.


વિશ્વના ટોચના દેશોમાં લશ્કરી તાલીમ અને સમયપૂરતી ભરતી ફરજીયાત છે. પશ્ચિમના દેશોમાં નાગરિકો એરપોર્ટમાં સૈનિકોને મુસાફર તરીકે જૂએ તો માનભેર ઊભા થઇ તાળી પાડી અભિવાદન કરે છે. ભારતની શાળાઓમાં એનસીસી, સ્કાઉટ કે એનએસએસ ફરજિયાત કરવાની જરૂર છે. નવા વર્ષનાં પ્રારંભ બાદ જીવનના દરિયાની સફર ખેડી શકાય તે માટેના હોસલા જેવા વધુ હલેસા હવે પછી...


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuqFOhoibJqGUJfZmFQmiYzzndnrCo4e91%3DsFz4Jtqwtg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment