Saturday, 26 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ તને ખબર છે, તારા વિશે એ કેવું બોલે છે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તને ખબર છે, તારા વિશે એ કેવું બોલે છે?
કૃષ્ણકાંત ઉનડકટ

 

 

 

.કોઈના વિશે અભિપ્રાય આપવામાં ઉતાવળ ન કરવી. મહોરા પાછળનો ચહેરો બહુ જુદો હોય છે. અરીસામાં દેખાતો ચહેરો દર વખતે સાચો હોતો નથી. સંબંધ લાંબો સમય રાખવો હોય તો પહેલાં થોડોક સમય લો : વાંચો, 'ચિંતનની પળે'.


સર બસર ઇશ્ક હૂં તૂને મુજે સમજા હી નહીં,
જો દિખાતા હૈ જમાના વો મેરા ચહેરા હી નહીં,
હાલ સુનકર હી મેરા ભીગ ગઈ હૈ આંખે,
આપને જખ્મે-જિગર તો અભી દેખા હી નહીં.
-મંજર ભોપાલી


'એના વિશે તારું શું માનવું છે?' કોઈ આપણને કોઈના વિશે પૂછે ત્યારે આપણો પ્રતિભાવ કેવો હોય છે? કયા આધારે આપણે કોઈના વિશે અભિપ્રાય આપતા હોઈએ છીએ? આપણને એનો કોઈ અનુભવ થયો હોય તો આપણે એની વાત કરીએ છીએ. મને એનો અનુભવ સારો નથી. સારો અનુભવ થયો હોય તો કહેશું કે, મને તો એનો સારો અનુભવ છે. ક્યારેક તો કોઈ અનુભવ ન હોવા છતાં આપણે એવું કહી દેતા હોઈએ છીએ કે, એ માણસ બહુ ભરોસાપાત્ર નથી! મોટેભાગે આપણે કોઈના મોંઢે સાંભળેલી વાતોના આધારે અભિપ્રાય આપી દેતા હોઈએ છીએ. મેં એના વિશે આવું સાંભળ્યું છે! સાચું છે કે ખોટું, એ ભગવાન જાણે! માણસ ઘણી વખત ઘણું બધું ભગવાનના નામે પણ ચડાવી દેતો હોય છે! અમુક વખતે એવું પણ થતું હોય છે કે આપણે કોઈને મળીએ ત્યારે આપણું મન જ આપણને કહી દે કે આ માણસની બહુ નજીક જવા જેવું નથી! આવું કેમ થાય છે? કોઈ 'સિકસ્થ સેન્સ' કામ કરતી હોય છે? અમુક વ્યક્તિને મળીએ ત્યારે એવું કેમ લાગે છે કે, આ માણસ મજાનો છે! તેની સાથે સંબંધો કેળવવાની ઇચ્છા થાય છે!


કોઈના વિશેની આપણી ધારણાઓ કેટલી સાચી હોય છે? કોઈ પણ માણસ પહેલી મુલાકાતમાં ક્યાં પૂરેપૂરો ઓળખાતો હોય છે? પહેલા સારો લાગે, પણ જેમ જેમ એને ઓળખતા જઈએ એટલે સમજાય કે આ તો બહુ વિચિત્ર માણસ છે. એની સાથે બહુ વિચારીને આગળ વધવું પડશે. ઘણી વખત એવું પણ બને કે પહેલી વખત મળીએ ત્યારે મજા ન આવે. એ માણસ ન ગમે. ધીમે ધીમે ખ્યાલ આવે કે, એ માણસ તો સારો છે. આપણી ધારણાઓ દરેક વખતે સાચી જ હોય એવું જરૂરી નથી. એટલે જ કહેવાય છે કે કોઈના વિશે અભિપ્રાય આપવામાં ઉતાવળ ન કરવી. મહોરા પાછળનો ચહેરો બહુ જુદો હોય છે. આપણે કોઈના દેખાવ પરથી પણ તેના વિશે સારું અથવા ખરાબ ધારી લેતા હોઈએ છીએ. અરીસામાં દેખાતો હોય છે એ ચહેરો જુદો હોય છે. પડછાયો ચહેરાનો નકશો નથી બતાવી શકતો. અરીસો માણસને અંદરથી નથી ઓળખી શકતો. માણસને ઓળખવામાં તો અરીસાઓ પણ થાપ ખાઈ જાય!


દરેક માણસની એક 'મથરાવટી' હોય છે. માણસની ખરી ઓળખ એની પ્રકૃતિ છે. માણસને માપવો હોય તો એના શબ્દો અને એની સંવેદનાઓ સમજવી પડે. સંવેદનાઓ પણ ક્યાં તરત ઓળખાતી હોય છે? આપણે તો સંવેદનાને પણ વાઘા પહેરાવવા લાગ્યા છીએ. માણસ જન્મજાત જ થોડોક નાટકિયો હોય છે. એ ક્યાં નાટક કરે છે અને ક્યાં સાચા સ્વરૂપે મોજુદ છે એ કહેવું અઘરું હોય છે. જ્યાં સુધી માણસનો અનુભવ ન થાય ત્યાં સુધી એની નજીક પણ ન જવું અને તેનાથી દૂર પણ ન ભાગવું. એકાદા અનુભવમાં પણ કોઈના વિશે કંઈ ધારી ન લેવું. સંબંધ લાંબો સમય રાખવો હોય તો પહેલાં થોડોક સમય લો. એક ભાઈએ એક યુવાનને એવું કહ્યું કે, તારા મિત્રએ એક ખોટું કામ કર્યું છે. આ વાત સાંભળીને એ યુવાને કહ્યું કે, ખોટી વાત છે, એ આવું કરે જ નહીં! પેલા ભાઈએ પૂછ્યું કે, તું આટલી ખાત્રીથી કેવી રીતે કહી શકે? યુવાને કહ્યું, કારણ કે મને તેના આવા દસ અનુભવ છે. એ રૂપિયા ખાતર કંઈ ન કરે! એના માટે બીજી બધી વસ્તુ કરતાં વિશ્વાસ મહત્ત્વનો છે. આપણે કેમ છાતી ઠોકીને આવો અભિપ્રાય આપી શકીએ છીએ, કારણ કે આપણને ખબર હોય છે કે આ માણસ શું કરે અને શું ન કરે! આપણો અભિપ્રાય જ્યાં મેટર કરતો હોય, આપણો અભિપ્રાય જ્યાં માનવામાં આવતો હોય ત્યાં અભિપ્રાય આપવામાં બહુ તકેદારી રાખવી. આપણે કોઈના વિશે અભિપ્રાય આપીએ ત્યારે આપણા વિશે પણ અભિપ્રાય બંધાતો હોય છે. આપણે એવું કહેતા હોઈએ છીએ કે, એ કહેશે એ સાચું જ કહેશે. એનો અભિપ્રાય ખોટો ન હોય. ઘણા વિશે આપણે એવું પણ કહેતા હોઈએ છીએ કે, એની વાતોમાં ન આવતો હોં, એ તો ગમે એના વિશે ગમે તેવું બોલે છે!


બહુ ઓછા લોકો એવા હોય છે જે આપણી સામે જે બોલતા હોય એવું જ આપણી પાછળ પણ બોલે. ડબલ સ્ટાન્ડર્ડ એ આજના સમયની સૌથી મોટી લાક્ષણિકતા છે. સામે સારું બોલવું અને પાછળથી ખરાબ બોલવું એ કોઈ નવી વાત રહી નથી. એક યુવાનને તેના મિત્રએ કહ્યું કે, તું એ વ્યક્તિને તારો હિતેચ્છુ સમજે છે, પણ તને ખબર છે કે તારા વિશે એ કેવું બોલતો હતો? પેલા મિત્રએ હસીને કહ્યું કે, એ કેવું કે શું બોલતો હતો એ તો મને ખબર નથી, પણ એક વાતની ખાત્રી છે કે એ મારું સારું તો નહીં જ બોલતો હોય! આ વાત સાંભળીને મિત્રએ બીજો સવાલ કર્યો, તું કેમ એવું કહે છે? તેના મિત્રએ જવાબ આપ્યો, તેનું કારણ એ છે કે એ મારા મોઢે કોઈનું સારું બોલ્યો નથી! એ બધાનું વાટતો જ હોય છે. તેની વાત સાંભળીને મને જ સવાલ થાય છે કે, શું બધા જ ખરાબ છે? એવું તો હોઈ ન શકે! તમારા વિરોધી કે તમારા હરીફની સાચી અને સારી વાત તમે કરી શકો છો ખરાં? એવું કરવા માટે માણસ પોતાની જાત સાથે પ્રામાણિક હોવો જોઈએ. દરેક માણસમાં કંઈક ખરાબ, ખોટું કે અયોગ્ય હોય છે અને તેની સાથે થોડુંક સારું, વાજબી અને સરાહનીય પણ હોય છે. તમે એનામાંથી શું શોધો છો, શેની વાત કરો છો, કયા ગુણ કે અવગુણને હાઇલાઇટ કરો છો તેના પરથી તમારું પણ માપ નીકળતું હોય છે.


એક ફેમિલીની આ વાત છે. તેના ઘરે ગેસ્ટ આવ્યા. બધાએ સાથે મળીને ખૂબ વાતો કરી. સાથે જમ્યા. ફેમિલીવાળા મહેમાનના મોઢે એના વખાણ કરતાં હતાં. એ લોકો ગયા એટલે પતિ-પત્ની તેમનું નબળું બોલવા લાગ્યાં. એને પોતાનું બહુ અભિમાન છે. સીન મારવાનો એકેય મોકો ચૂકતા નથી. આ પતિ-પત્નીની દીકરી બધી વાતો સાંભળતી હતી. ઘણી બધી વાતો સાંભળ્યા પછી એ દીકરીએ મમ્મી-પપ્પાને કહ્યું કે, એ લોકો હતા ત્યારે તો તમે બે મોઢે તેના વખાણ કરતાં હતાં, એ ગયાં પછી આવું કરવાનું? તમને કેમ એનામાં કંઈ સારું ન દેખાયું? એ લોકો સરસ રીતે રહ્યા. તેમની વાતો અને વર્તન પણ સારું હતું. એ તો ઠીક છે, પણ તમે માત્ર એટલું વિચારો કે એ બંને ગયા પછી તમારા બંને વિશે ઘસાતું બોલતાં હોય તો તમને કેવું લાગે?


આપણને કોઈ સાથે અણબનાવ બને એટલે આપણે તેના વિશે ખરાબ બોલવામાં કંઈ બાકી રાખતા નથી. આપણને સારું લગાડવા આપણા મિત્રો પણ તેનું ખરાબ બોલીને આપણને સારું લગાડવાનો પ્રયાસ કરતાં રહે છે. એક છોકરા અને છોકરીનું બ્રેકઅપ થયું. બંનેને એેકબીજા સાથે ફાવતું ન હતું. બોલવાનું બંધ થયું. એક વખત છોકરીની ફ્રેન્ડે એવું કહ્યું કે, તારો ફ્રેન્ડ હતો ને, તેણે એક બીજી છોકરીને ચીટ કરી. એ તેને મૂરખ બનાવતો હતો. આ વાત સાંભળીને એ છોકરીએ કહ્યું કે, ખોટી વાત છે. ભલે હવે અમારા બંને વચ્ચે સંબંધ નથી, પણ એના વિશે હું છાતી ઠોકીને કહી શકું કે એ એવું ન કરે! એ એવો માણસ નથી. મારી સાથે સંબંધ હતો ત્યારે પણ એણે કંઈ ખોટું કર્યું નથી!


આપણે કોઈના વિશે અભિપ્રાય આપીએ ત્યારે મોટાભાગે તો સાંભળેલી વાતો પરથી જ કહી દેતાં હોઈએ છીએ. આપણે તો જેની સાથે કંઈ લેવાદેવા ન હોય એના વિશે પણ અભિપ્રાય આપી દેતા હોઈએ છીએ! કોઈ કલાકાર, નેતા, વક્તા કે લેખક વિશે પણ આપણે અભિપ્રાય આપી દેતા હોઈએ છીએ. કોઈ કોઈની સાથે અયોગ્ય રીતે પેશ આવ્યા હોય તો તેના કોઈ કારણો હોય છે. દરેક માણસ દરેક સાથે ક્યારેય એકસરખો હોતો નથી. માણસ વિશે એવું પણ કહેવાય છે કે માણસ બદલાતો રહે છે. સારો માણસ પણ ખરાબ થઈ શકે અને ખરાબ માણસમાં પણ કોઈ સારું પરિવર્તન આવી શકે. સમયની સાથે આપણો અભિપ્રાય બદલતો હોય છે ખરો? અભિપ્રાય આપવામાં ઉતાવળ ન કરો, કોઈના વિશે કોઈ ગાંઠ પણ બાંધી ન લો, અમુક ગાંઠો છૂટી જતી હોય છે. આપણે કોઈને મળીએ ત્યારે એક 'પ્રિડિસાઇડેડ ઇમેજ' આપણા મનમાં હોય તો પછી આપણે એને એ ઇમેજના આધારે જ એની સાથે વર્તન કરતાં રહીશું. પ્રકૃતિ અને પ્રાણ સાથે જ જાય એવું ભલે કહેવાતું હોય, પણ એ દરેક કિસ્સામાં સાચું ન પણ સાબિત થાય! માણસ સતત બદલતો રહેતો હોય છે, એ કાં તો મેચ્યોર થાય છે અથવા મૂરખ જ રહે છે. માણસને ઓળખવામાં આપણે જો 'મેચ્યોર' ન હોઈએ તો આપણા પર પણ થાપ ખાઈ જવાનું જોખમ રહે છે!

 


છેલ્લો સીન :
જે આપણા મોઢે દરેકનું ખરાબ બોલતો હોય એ આપણા વિશે કોઈના મોઢે સારું બોલતો હશે એવું માનવું આપણી અણસમજની નિશાની છે.

-કેયુ


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou%2BEfw9jyL04Och3LhN61y-iMSkGJb26zRNcpjO81yP%3Dg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment