Monday 28 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ એક્સરસાઇઝ-સારા દેખાવા માટે નહીં-સારા સ્વાસ્થ્ય માટે કરો... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક્સરસાઇઝ ફક્ત સારા દેખાવા માટે નહીં, સારા સ્વાસ્થ્ય માટે કરો!
જિગીષા જૈન

 

 

 

 

 

 

દરરોજ એક્સરસાઇઝ કરતાં પહેલાં આ હેતુને ધ્યાનમાં લઈને એક્સરસાઇઝ કરવામાં આવે તો એના પરિણામમાં ઘણો મોટો ફરક જોવા મળશે એની ગૅરન્ટી. આ હેતુ વિકસાવવા માટે જાણી લઈએ એક્સરસાઇઝથી થતા વેઇટલૉસ સિવાયના અઢળક ફાયદાઓ

એક્સરસાઇઝના અઢળક ફાયદા છે; પરંતુ આજકાલ એક્સરસાઇઝ વજન ઘટાડવા, બૉડી-બિલ્ડિંગ કરવા અને એને કારણે સારા દેખાવા માટે જ લોકો કરતા હોય છે. વેઇટલૉસ એનો ઘણો સીમિત હેતુ ગણી શકાય. સંપૂર્ણ સ્વસ્થ જીવન એ એક્સરસાઇઝનો મુખ્ય હેતુ હોવો જોઈએ.

નવા વર્ષે ઘણા લોકોએ રેગ્યુલર એક્સરસાઇઝ કરવાનો સંકલ્પ કર્યો હશે. પરંતુ આજે એક મહત્વની વાત પર ધ્યાન દોરવું જરૂરી છે. કોઈ પણ કાર્ય વ્યક્તિ કયા હેતુસર કરે છે એ હેતુ અત્યંત મહત્વ ધરાવે છે. તમે એક્સરસાઇઝ કરો છો, પરંતુ એ કરવા પાછળનો હેતુ શું છે? ૯૦ ટકા લોકો એક્સરસાઇઝ વજન ઘટાડવા માટે કરે છે. સ્ત્રીઓ સારા દેખાવા માટે એક્સરસાઇઝ કરે છે તો પુરુષો બૉડી-બિલ્ડિંગ માટે એક્સરસાઇઝ કરે છે. ડાયાબિટીઝ, હાર્ટ-ડિસીઝ અને બ્લડ-પ્રેશર ધરાવતા લોકો પોતાનો રોગ કાબૂમાં રહે એ માટે એક્સરસાઇઝ કરે છે. ઘણા લોકો તેમના મિત્રોની દેખાદેખી એક્સરસાઇઝ કરતા હોય છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ જોવા મળે છે જે ફક્ત ફિટ રહેવા માટે એક્સરસાઇઝ કરતી હોય છે. સ્વાસ્થ્ય સારું રહે એ માટે એક્સરસાઇઝ જરૂરી છે. વેઇટલૉસ એના ઘણા ફાયદાઓમાંથી એક ફાયદો છે. હકીકત એ છે કે શરીર તો જ લાંબું અને વ્યવસ્થિત ચાલશે જો એને કસવામાં આવશે. આપણે જમીએ ત્યારે એવું વિચારીને જમીએ કે પેટ ભરવાનું છે તો એ ભોજનની શરીર પર અસર અને આ ભોજન મારા શરીરને ભરપૂર પોષણ અને એનર્જી‍ આપે છે એ ભાવ સાથે આપણે જમીએ તો એ ભોજનની શરીર પર અસર અલગ-અલગ થાય છે. ભલે ભોજન સરખું જ હોય, પરંતુ ભાવનો ફરક એની અસરને બદલી નાખે છે. એ જ રીતે જો ફક્ત વેઇટલૉસનું વિચારીને જ એક્સરસાઇઝ કરશો તો એની અસર સીમિત બની જશે. એક્સરસાઇઝના પૂરા ફાયદાઓ આજે જાણી લો અને જ્યારે પણ કરો ત્યારે મનમાં એ ભાવ સાથે કરો કે આ એક્સરસાઇઝ મારા શરીરને વધુ ફિટ બનાવી રહી છે. એનાથી શારીરિક જ નહીં, માનસિક સ્વાસ્થ્ય પણ ચમકી રહ્યું છે. આ ભાવની અસર ચોક્કસ તમને દેખાશે એની ગૅરન્ટી. પરંતુ એક્સરસાઇઝને લઈને આ વિઝન વ્યાપક બને એ માટે જાણીએ એનાથી થતા અઢળક ફાયદાઓ આ પ્રશ્નનો જવાબ આપતા ફિઝિયોથેરપિસ્ટ અંજના લોન્ગાની, ઑર્થોપેડિક સર્જ્યન ડૉ. પિનાકિન શાહ પાસેથી.

હાર્ટ માટે બેસ્ટ
એક્સરસાઇઝનો એક પ્રકાર છે, જેને કાર્ડિયો એક્સરસાઇઝ કહે છે. એમાં ચાલવું, દોડવું, જૉગિંગ જેવી એક્સરસાઇઝ આવે. આ એક્સરસાઇઝ કાર્ડિયો-વૅસ્ક્યુલર સિસ્ટમ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કાર્ડીઓ એટલે હાર્ટને લાગતું અને વૅસ્ક્યુલર એટલે લોહીનું શરીરમાં પરિભ્રમણ. આપણું હૃદય પણ એક સ્નાયુ છે. એને પણ એક્સરસાઇઝ દ્વારા સ્ટ્રૉન્ગ કરવાની જરૂર રહે છે. એક્સરસાઇઝમાં પોતાની કૅપેસિટી મુજબ હૃદયના ધબકારા ખૂબ ઉપર સુધી જાય એટલે કે નૉર્મલ કરતાં વધે એવી શારીરિક કસરત હૃદયને મદદરૂપ થઈ શકે છે. ઘણા લોકો એક્સરસાઇઝ કરતા હોય છે, પરંતુ એ સાધારણ એક્સરસાઇઝ હોય છે જેને કારણે ધબકારા ખાસ વધતા નથી. આ પ્રકારની કસરત હૃદયને ખાસ ઉપયોગી થતી નથી. હૃદયને હેલ્ધી બનાવવા તમે ચાલો કે દોડો ત્યારે દિવસમાં એક વખત ધબકારા એની હાઇટ પર પહોંચવા જરૂરી છે, જે હાર્ટને સમગ્ર જીવન દરમ્યાન હેલ્ધી રાખવા માટે અત્યંત ઉપયોગી છે.

પૉશ્ચર સારું થાય
ઘણા લોકો એકદમ ટટ્ટાર ચાલતા હોય છે અને ઘણા લોકો થોડા નમેલા, ખૂંધ નીકળી હોય એવા લાગતા હોય છે. ઘણા લોકો બેઠા હોય તો તેમની બેઠકમાં પણ ગ્રેસ વર્તાતી હોય છે. આ બધી કમાલ પૉશ્ચરનો છે. ઘણી વાર તમે કોઈ એકસરખી હાઇટની બે વ્યક્તિઓને જોશો તો હાઇટ સરખી હોવા છતાં એક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતાં વધુ હાઇટની લાગતી હશે, જેનું કારણ છે વ્યક્તિનું પૉશ્ચર જો સારું હોય તો તેની હાઇટ વધુ લાગે છે. પરંતુ એક્સરસાઇઝ સાથે એનો શું સંબંધ અને સારા દેખાવા ઉપરાંત એના શું ફાયદા હોઈ શકે છે? આ પ્રશ્નના જવાબમાં એટલું જ કહી શકાય કે એક્સરસાઇઝ કરવાથી સ્નાયુઓ મજબૂત થાય છે, જેને લીધે એ શરીરનો ભાર સહેવાની ક્ષમતા ધરાવતા થાય છે. કોઈ વ્યક્તિ ટટ્ટાર એટલે બેસી નથી શકતી કે તેના સ્નાયુઓ મજબૂત હોતા નથી. જ્યારે એક્સરસાઇઝ કરવાથી એની સ્ટ્રેન્ગ્થ વધે છે, જેને લીધે પૉશ્ચર સુધરે છે. એને લીધે માણસનું વ્યક્તિત્વ શોભે છે એટલું જ નહીં, તેને જાતજાતના સ્નાયુઓના દુખાવાથી પણ છુટકારો મળે છે.

માનસિક હેલ્થ સારી થાય
એક્સરસાઇઝ કરવાનો ઘણા લોકોને કંટાળો આવતો હોય છે, પરંતુ કર્યા પછી બધાને જ ખૂબ સારું લાગતું હોય છે. શારીરિક થાક અલગ વસ્તુ છે, પરંતુ માનસિક રીતે ઘણું હલકું અને ફ્રેશ લાગતું હોય છે એટલું જ નહીં, સંતોષ, આત્મવિશ્વાસ અને ખુશીની લાગણી પણ એક્સરસાઇઝ કરવાથી આવતી હોય છે. એક્સરસાઇઝ કરવાથી એન્ડૉર્ફિન નામના હૉર્મોનનો સ્રાવ થાય છે, જે સ્ટ્રેસ ઘટાડે છે અને ફીલ ગુડ ફૅક્ટર માટે પણ આ હૉર્મોન જવાબદાર છે. આજકાલ સ્ટ્રેસ બીજા કેટલાય રોગો માટે જવાબદાર ખૂબ જ મહત્વનું પરિબળ છે. એક્સરસાઇઝ દ્વારા એને દૂર કરી ઘણા પ્રૉબ્લેમ્સને આવતાં અટકાવી શકાય છે. ઘણાં રિસર્ચ છે જે સાબિત કરી ચૂક્યાં છે કે જે લોકો રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે તેમના પર માનસિક રોગોનું રિસ્ક ઘણું ઓછું હોય છે.

હાડકાં મજબૂત બને
એક્સરસાઇઝ કરવાથી વ્યક્તિના સ્નાયુઓની સાથે હાડકાં પણ મજબૂત બને છે. હાડકાંની મજબૂતી વ્યક્તિ માટે અત્યંત જરૂરી છે. જે વ્યક્તિ જુવાનીથી એક્સરસાઇઝમાં નિયમિત હોય છે તેને ક્યારેય વૃદ્ધાવસ્થામાં હાડકાંના પ્રૉબ્લેમ થતા નથી અથવા આવે તો ખૂબ મોડા આવે છે. હાડકાંને આપણે જેટલા કામમાં લઈએ એટલાં એ વધુ મજબૂત બને જેને જૂના લોકો કસાયેલાં હાડકાં કહેતા. એના પર વજન વધારે આવે, ખાસ કરીને એક્સરસાઇઝ જેવી કે વેઇટ-લિફ્ટિંગ કે દોરડા કૂદવા વગેરેથી હાડકાં પર વધારાનું વજન પડે છે, જેને લીધે એ સ્ટ્રૉન્ગ બનતાં જાય છે. એક્સરસાઇઝથી હાડકાં કઈ રીતે મજબૂત બને? એક્સરસાઇઝથી શરીરમાં બ્લડ-સક્યુર્લેશન સારું બને છે, જેને કારણે હાડકાંમાં કૅલ્શિયમનું ઍબ્ઝૉપ્ર્શન ઘણું સારું થઈ જાય છે. શરીરમાં કૅલ્શિયમ તો હોય, પરંતુ જો હાડકાંમાં એ વ્યવસ્થિત શોષાય નહીં તો કામનું નહીં. આ પ્રોસેસને એક્સરસાઇઝ કરવાથી બળ મળે છે અને હાડકાં મજબૂત થાય છે.

બીજા ઉપયોગ
એક્સરસાઇઝથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે. જ્યારે શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું હોય ત્યારે શરીરના દરેક અંગને પૂરતી માત્રામાં ઑક્સિજન મળે છે, જેને કારણે દરેક અંગની કાર્યક્ષમતા વધે છે અને દરેક અંગનું કાર્ય વધુ સારું થાય છે.

જે વ્યક્તિનું લોહીનું પરિભ્રમણ સારું હોય તેના શરીરમાં બ્લડ-પ્રેશર, કૉલેસ્ટરોલ જેવા પ્રૉબ્લેમ થતા નથી. એને લીધે હાઇપરટેન્શન, હાર્ટ પ્રૉબ્લેમ્સથી બચી શકાય છે.

જે લોકો વહેલામાં વહેલા નાનપણથી અને મોડામાં મોડા ૩૦ વર્ષની ઉંમરથી અઠવાડિયાના અઢી કલાક એક્સરસાઇઝ કરે છે તેમને જિનેટિકલી પણ ડાયાબિટીઝ થવાની શક્યતા વધુ હોય તો પણ એ નહીંવત્ થઈ જાય છે.

એક્સરસાઇઝ કરવાથી શરીર ફ્લેક્સિબલ બને છે, જેને કારણે શરીરમાં થતા જાતજાતના દુખાવાથી બચી શકાય છે અને વારંવાર થતી સ્નાયુઓ કે હાડકાંની ઇન્જરીથી પણ બચી શકાય છે.

રેગ્યુલર એક્સરસાઇઝ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને બળ આપે છે, જેને કારણે વ્યક્તિ રોગો સામે લડવાની તાકાત મેળવે છે.

એક્સરસાઇઝ દ્વારા વ્યક્તિના શરીરમાં વળતા પરસેવા દ્વારા તેના શરીરનાં વણજોઈતાં ઝેરી તkવો, જેને ટૉક્સિન પણ કહે છે એ દૂર થાય છે. એને કારણે વ્યક્તિનું શરીર વધુ સ્વસ્થ બને છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ouh6srn4OwJ2Y31cq9Y9sL--5iN6nZJj7cUkS%2BGEY5_bQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment