Tuesday, 8 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સાક્ષાત ભગવાનનો ઇન્ટરવ્યુ કેવો હોઇ શકે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સાક્ષાત ભગવાનનો ઇન્ટરવ્યુ કેવો હોઇ શકે? - સેલિબ્રિટી ઇન્ટરવ્યુઅર!
સિક્રેટ ડાયરી-નિખિલ મહેતા

amdavadis4ever@yahoogroups.com

પત્રકાર તરીકે વર્ષોના વર્ષો વીતી ગયા, છતાં એવું ક્યારેય લાગ્યું નહોતું કે મેં આ ક્ષેત્રમાં કોઇ સફળતા મેળવી છે, પરંતુ ગયા અઠવાડિયે મોટી સફળતા મેળવવાનું મારું સપનું સાકાર થયું. મને મારા ભગવાનનો ઇન્ટરવ્યુ લેવાની તક મળી અને પછી એ ઇન્ટરવ્યુ ટેલિકાસ્ટ થયો. ઐતિહાસિક ઇન્ટરવ્યુને પગલે આજે વિશ્ર્વભરમાં ફક્ત મારી અને મારા ભગવાનની ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો તો આ ઇન્ટરવ્યુના દાખલા આપીને કહી રહ્યા છે કે ઇન્ટરવ્યુ હો તો ઐસા. દેશભરની જર્નાલિઝમ કોલેજોના સિલેબસમાં આ ઇન્ટરવ્યુનો એક વિશેષ પાઠ ઉમેરવામાં આવ્યો છે.

જોકે આ ઇન્ટરવ્યુ મેળવવાની તક મને અકસ્માતે નથી મળી. એ માટે મેં ઘણી સ્ટ્રગલ કરી છે. ઇન્ટરવ્યુ લેનારની પસંદગી કરવા માટે ઇશ્ર્વરના મીડિયા વિભાગે છેલ્લા બે મહિનાથી તપાસ હાથ ધરી હતી અને કેટલાય ઉમેદવારોનો ઇતિહાસ તપાસ્યા પછી મારી પસંદગી કરવામાં આવી હતી. જોકે મારો રેકોર્ડ પણ જોરદાર છે. છેલ્લા સાડાચાર વર્ષથી હું સોશ્યલ મીડિયામાં મારા ઇશ્ર્વરની ભક્તિ કરી રહ્યો છું. જ્યારે જ્યારે સરકારે કોઇ સારું કામ કર્યું ત્યારે મેં એને લગતી પોસ્ટ્સ મૂકીને સરકાર તથા મારા ઇશ્વરના વખાણ કરવામાં કંઇ બાકી નથી રાખ્યું. એ વાત અલગ છે કે સરકારે વખાણવાલાયક કામ ઓછા કર્યાં છે અને મોટે ભાગે તો મારે સરકારની કાલ્પનિક સફળતાઓ વિશે જ લખવું પડ્યું હતું. જોકે સરકારની ફેવરમાં લખવા કરતાં સરકાર વિરોધીઓ પર તૂટી પડવામાં મને વધુ મજા આવતી હતી. જ્યારે પણ સરકારના કોઇ બ્લન્ડર કે ખોટા પગલાંની ટીકા થતી ત્યારે હું એ ટીકાકારોની ખબર લઇ નાંખતો. સ્વાભાવિક છે કે મારા આ પરાક્રમોની સાહેબના મીડિયા વિભાગે નોંધ રાખી હશે. અરે હું તો સોશ્યલ મીડિયામાં મારા સાહેબ માટે રડ્યો પણ છું. સાહેબ માટે ફના થઇ જવાની તૈયારી બતાવી છે અને કોઇને ફના કરી દેવાની ધમકીઓ પણ આપી છે. એકંદરે મારી કામગીરી સંતોષકારક હતી એટલે ઇશ્ર્વરનો ઇન્ટવ્યુ લેનાર શ્રેષ્ઠ ભક્ત તરીકે મને પસંદ કરવામાં આવ્યો.

ઇન્ટરવ્યુ લેવાનો કોન્ટ્રેક્ટ તો મળી ગયો, પરંતુ એ કામ સરળ નહોતું. સાહેબની શારીરિક સલામતી માટે જેવી જડબેસલાક સિક્યુરિટી હોય છે એના કરતાંય વધુ કડક સિક્યુરિટી સાહેબની ઇમેજની રક્ષા માટે હોય છે. સાહેબની ઇમેજને એક કાળી ટીલ્લી ન લાગવી જોઇએ એવું નક્કી કરવામાં આવ્યું છે અને એ માટેનું બજેટ અનલિમિટેડ છે. ઇન્ટરવ્યુ પહેલા સાહેબના મીડિયા વિભાગના આઠ અધિકારીઓએ મારો ઇન્ટરવ્યુ લીધો અને મને ઇન્ટરવ્યુ માટે તૈયાર કરવામાં આવ્યો.

પહેલા અધિકારીએ મને સૌથી પહેલા તો ઇન્ટરવ્યુના ડુઝ એન્ડ ડોન્ટ્સ સમજાવ્યા એટલે કે શું કરવાનું અને શું નહીં જ કરવાનું એની સૂચના આપી. અત્યારે મને બધું તો યાદ નથી, પરંતુ એટલી ખબર છે કે એ અધિકારીએ મારી સામે ડોળા કાઢીને કહ્યું હતું કે ઇન્ટરવ્યુ દરમિયાન તમારે જરાય હસવાનું નથી. સાહેબ ગમે એવો હાસ્યાસ્પદ જવાબ આપે તોય બિલકુલ હસવાનું નહીં. આ ઉપરાંત સાહેબના જવાબથી ખૂબ જ સંતોષ થયો હોય એ દર્શાવતા ચાર પાંચ અલગ અલગ ભાવ ચહેરા પર લાવવાની કોશિશ કરવાનું પણ મને જણાવાયું હતું.

બીજા એક અધિકારીએ ઇશારાબાજીનું એક નાનું મેન્યુઅલ આપતાં કહ્યું કે ઇન્ટરવ્યુ દરમિયાન સાહેબ બે આંગળી હવામાં ફંગોળે ત્યારે તમારે સમજી લેવાનું કે જે વિષય પર ચર્ચા થઇ રહી છે એ બંધ કરો અને નવો પ્રશ્ર્ન પૂછો. સાહેબ જ્યારે એક આંગળી ઉપર કરે ત્યારે સમજી લેવાનું કે સાહેબને એ વિશે બોલવામાં મજા આવી રહી છે એટલે તમારે ચૂપ બેસવાનું અને સાહેબને વધુ બોલવા માટે પ્રોત્સાહિત કરવાના. સાહેબ માથું ડાબી તરફ ઝુકાવે ત્યારે સમજી જવાનું કે તેઓ જવાબ ભૂલી ગયા છે એટલે તમારે પોતે જ એ જવાબ આપી દેવાનો. આ સિવાય પણ સાહેબના બીજા અનેક ઇશારા અને એના અર્થોની મને સમજણ આપવામાં આવી.

ત્રીજા અધિકારીએ મને બે કાગળો આપ્યા, જેમાંનાં એકમાં પ્રશ્ર્નોની યાદી હતી અને બીજામાં જવાબોની યાદી હતી. મને કહેવામાં આવ્યું કે પ્રશ્ર્નો અને જવાબો તમારે બરોબર ગોખી લેવાના છે અને એના ક્રમ બરોબર યાદ રાખવાના છે. સ્ક્રીપ્ટ સિવાયનું કંઇ પણ ઇન્ટરવ્યુમાં ન આવવું જોઇએ એનું ખાસ ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી. સાવ છેલ્લે ચીફ મીડિયા મેનેજરે કહ્યું કે તમારું મુખ્ય કામ ઇન્ટરવ્યુ લેવાનું નથી, અભિનય કરવાનું છે. મને આઘાત લાગ્યો. મીડિયા મેનેજરે કહ્યું કે આખા ઇન્ટરવ્યુ દરમિયાન તમારે સાહેબના જવાબોથી પ્રભાવિત થતાં હોય એવા હાવભાવ અને સંતોષના હાવભાવ વ્યક્ત કરવાના છે. મને જરા દોઢ ડહાપણ સૂઝ્યું એટલે મેં પૂછી લીધું કે સાહેબનો કોઇ જવાબ સાંભળીને તાળીઓ પાડી શકાય? મારી વાત સાંભળીને મીડિયા મેનેજરો એકબીજા સામે જોવા લાગ્યા અને એક બોલ્યો, કે આના પર જોખમ ન લઇ શકાય. મેં તરત જ કહ્યું કે હું તો મજાક કરતો હતો. બીજા મીડિયા મેનેજરે કહ્યું કે હવે મોડું થઇ ગયું છે. છેલ્લી ઘડીએ કંઇ બદલી ન શકાય. પછી એણે મારી તરફ હાથ જોડતાં કહ્યું કે મહેરબાની કરીને કોઇ ઓવરએક્ટિંગ કે મેલોડ્રામા ન કરતાં ભાઇ, સાહેબની ઇજ્જત અને અમારી નોકરીનો સવાલ છે. મેં એમને આશ્ર્વાસન આપતાં કહ્યું કે તમે ચિંતા ન કરો. હું મારા સાહેબની ઇમેજ બગડે એવું કંઇ જ નહીં કરું.

નિર્ધારિત દિવસે સવારે વહેલો નાહીધોઇને તૈયાર થઇ ગયો. એસએસસીની પરીક્ષા વખતે જેમ દહીં ચાખીને ઘરની બહાર નીકળ્યો હતો એવાં જ શુકન કર્યા. વહેસાસર ઘટનાસ્થળે પહોંચી ગયો. કલાકો સુધી રાહ જોયા પછી સાહેબ તૈયાર થઇ ગયા ત્યારે પરીક્ષાના પ્રારંભની બેલ વાગી. મને બોલાવવામાં આવ્યો. હું ઇન્ટરવ્યુ ખંડમાં ગયો. સાહેબે મને ઉમળકાભેર આવકાર આપ્યો. હું તો બેભાન થતાં થતાં રહી ગયો. પછી મને યાદ આવ્યું કે હું અત્યારે એક પત્રકારની ભૂમિકામાં છું એટલે સાહેબ એ પત્રકારને રિસ્પેક્ટ આપી રહ્યા છે. પછી તો સાહેબનો ઇન્ટરવ્યુ અને મારી પરીક્ષા શરૂ થઇ. મારા મનની મૂંઝવણ દૂર કરવા માટે હું ભક્તિભાવમાં ડૂબી ગયો. સાચ્ચા ભગવાનને પણ યાદ કરી લીધા. પછી તો શું બન્યું એની મને ખબર જ પડી અને આખો ઇન્ટરવ્યુ પૂરો થઇ ગયો.

બે દિવસ પછી ઇન્ટરવ્યુ ટેલિકાસ્ટ થયો અને મીડિયા મેનેજરનો ફોન આવ્યો. પહેલા તો એમણે અભિનંદન આપ્યા અને પછી કહ્યું કે તમારા જેવા બીજા આઠ દશ શોધી કાઢો. મેં આશ્ર્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું કે 'શેના માટે?' તો કહે કે સાહેબ હવે તમારા જેવા સેવાભાવી પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ કરવા માંગે છે.

 

 

(નિખિલ મહેતાએ કરેલી કલ્પના)



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtpMwQj3U1v1dqHKPsOfwWTy-kB3Sj20VcZEpCbcJCRrg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment