લગ્ન ઈચ્છુક યુવા જગત... મુઝસે શાદી કરોગી? શર્તે સામિલ હૈ !
નવદંપતિમાં નવો આવકારદાયક ટ્રેન્ડ ઘરમાં વડીલોની હૂંફ તો જોઈએ જ
૪૦ ટકા દેખાવ અને ૬૦ ટકા લાયકાતના માપદંડ પર ભાર મુકાય છે
થોડા અરસા અગાઉ ટોચની એક લગ્ન વિષયક વેબસાઈટે અપરિણીત યુવા જગતના લગ્ન અને ભાવિ દાંપત્યજીવન અંગેના વિચારો જાણવા સર્વે હાથ ધર્યો હતો. સર્વાંગી પરિણામ આવે તે આશયથી નાના ગામો, શહેરો અને મેટ્રો શહેરના જુદા જુદા શૈક્ષણિક, આર્થિક અને સામાજીક બેક-ગ્રાઉન્ડના ૧૮થી ૨૫ વર્ષના વયજૂથના છોકરા-છોકરીઓને તેમના જીવનસાથી અને ભાવિ કૌટુંબિક વિચારો અંગે પ્રશ્નો પૂછાયા હતા.
થોડા વર્ષ પહેલાં આપણને એવો ડર હતો કે આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને પરંપરા પશ્ચિમના પ્રભાવ હેઠળ ખતમ થઈ જશે પણ હવે ભારતના યુવા જગતને પણ આધુનિક ગેઝેટ્સ, ભૌતિક સુખ-સગવડોથી સભર મેટ્રો જીવનશૈલી અને ભારતીય રીત-રિવાજોને જાળવતું 'ફ્યુઝન' પસંદ કરી લીધું હોય તેમ લાગ છે. સર્વેના તારણો કંઈક આવા જોવા મળ્યા :
વડીલની હાજરી-સંયુક્ત કુટુંબ દસ વર્ષ પહેલાં એવો ચિંતાજનક ટ્રેન્ડ શરૂ થયેલો કે છોકરી અને તેના માતા-પિતા એવું ઇચ્છતા કે છોકરા જોડે એકલા રહેવાનું થાય તો ઉત્તમ. શ્વસુરપક્ષની હાજરી જ પસંદ ના હોય ત્યારે સંયુક્ત કુટુંબને તો ક્યાંથી આવકાર હોય? દસ વર્ષ પહેલાં ૬૦ ટકા છોકરી અને તેના માતા-પિતા આવું પ્રાધાન્ય આપતા હતા.
પણ નવા સર્વેમાં નવી પેઢીના પાંસઠ ટકા છોકરાઓનું એવું પસંદ કરે છે કે તેમના મમ્મી-પપ્પા સાથે રહે. છોકરીઓમાં અગાઉ આ આંક ૩૨ ટકા હતો, જે હાલ ૫૨ ટકા થઈ ગયો છે. લગ્ન ઇચ્છુક કે દાંપત્યજીવનમાં પગ માંડી ચૂકેલા હવે માને છે કે ઘરમાં વડીલોના છત્ર વગર બાળકનો ઉછેર અધૂરો છે. જે ઘરમાં વડીલો નથી તે ઘરનાં સંતાનોને એક પ્રકારના દોષની કે જાકારાની લાગણી અનુભવ્યા જેવું લાગે છે.
જેઓ વડીલોને તરછોડી ચૂક્યા છે તેઓને સંતાનો મોટા થતા પોતે ખુલ્લા પડી જવાનો ડર લાગે છે. તેમની પોતાની પણ અસલામતી અનુભવાય છે. આ ઉપરાંત પતિ-પત્ની બંને નોકરી કે વ્યવસાય કરતાં હોય ત્યારે સંતાનનો શ્રેષ્ઠ ઉછેર અને ઘડતર ઘરના વડીલો જ કરી શકે છે. માત્ર ગરજ કે જરૂરિયાતના ભાગ રૂપે જ નહીં, ઘર અને સંતાનોના આદર્શની અનુભૂતિ સિદ્ધ કરવા વડીલોનું મહત્ત્વ સહુને સમજાતું જાય છે.
આપણા શરીરના જનીનમાં સુખની જે વ્યાખ્યા વણાયેલી છે તે આપણને પોકારે છે. તેથી ફરી ફરીને આપણે કુટુંબપ્રિય થવા માંડીએ છીએ. સંયુક્ત કુટુંબ હોય તો દીકરી સંતાનો સચવાઈ જાય, કુટુંબ આર્થિક રીતે પ્રગતિ કરી શકે તેવી પણ નવી પેઢીમાં સમજ કેળવાઈ છે. ફિલ્મો અને ટીવીમાં બતાવાતા સંયુક્ત કુટુંબોની અસર પણ ખરી.
વડીલો વગરના સંતાનોનો ઉછેર અને સંસ્કારના કે પરિણામોની વાતો જાણીને પણ નવી પેઢી પ્રભાવિત થઈ છે. જો કે વડીલોએ તેમના સંતાનોના જીવનમાં તેઓની મુક્તતામાં અડચણરૂપ બન્યા સિવાય કઈ રીતે સહજીવન આચરવું તે દ્રષ્ટિ અપનાવવી જરૂરી છે.
તેવી જ રીતે સંતાનોની તેમના આર્થિક વિકાસ અને આઝાદી માટે વડીલો જાણે નોકર-આયા હોય તેમ લાગણીઓનું શોષણ કરવાની વૃત્તિ પણ આવકાર્ય નથી. એકંદરે સર્વે બેક ટુ ફૅમિલી તરફ ઝોક બતાવે છે. જે યુવા દંપતી નોકરી અર્થે બીજા શહેરોમાં જાય છે ત્યાં પોતાના વડીલો પણ સાથે રહેવા જતા હોય તે પ્રમાણ આ કારણે જ વધ્યું છે.
પત્ની પણ નોકરી કરે ૭૦ ટકા યુવાનો ઇચ્છે છે કે તેમની પત્ની નોકરી કે વ્યવસાય કરે. મોંઘવારીમાં એક વ્યક્તિની આવકથી ઘર ચલાવવું પડકારરૂપ અને તનાવપૂર્ણ બનતું જાય છે. આ ઉપરાંત બંનેની કમાણી થકી જ પોતાનું ઘર, વાહન, બાળકોના ગુણવત્તાસભર શિક્ષણ, પ્રવાસ વગેરે શક્ય બની શકે તેમ છે.
છોકરી પણ મહદ્અંશે હવે સારી ડિગ્રી ધરાવતો અભ્યાસ કરે છે. તેણે કોઈ કલા-કસબ કે વ્યવસાયની કુનેહ મેળવી હોય છે. લગ્ન પછી તેને જારી રાખવા માગે છે. ઘરના વડીલો પણ અગાઉના સર્વેના ૨૨ ટકાની તુલનામાં ૪૨ ટકા આવા વિચારને આવકારતા થયા છે.
શૈક્ષણિક લાયકાત મહત્તમ છોકરાઓ તેમની જીવનસંગિની તેમના જેટલી કે ઉતરતી શૈક્ષણિક લાયકાત ધરાવે છે. છોકરી તેના કરતાં વધુ ક્વૉલિફાય હોય તો બહુમતી છોકરાઓ પસંદ નથી કરતાં. છોકરીઓ ક્વૉલિફાઇડ છોકરો પસંદ કરે છે પણ અગાઉના સર્વેથી વિપરીત પતિ તેના અને સંતાનો માટે ક્વૉલિટી સમય આપે તેના પર ભાર મૂકે છે. દસ વર્ષ પહેલાં માત્ર પતિની કમાણી અને સ્ટેટસ પર જ ભાર મૂકાતો હતો.
એક જ વ્યવસાયમાં સાથે આ પણ એક નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે. અગાઉ પત્નીની શૈક્ષણિક લાયકાત કરતાં ગૃહિણી તરીકેની ભૂમિકા પર જ ભાર મૂકાતો હતો. પત્ની પણ તેની સાથે નોકરી કે વ્યવસાય કરવાની જગ્યાએ જુદું જ કાર્ય અપનાવે તેમ પસંદ કરાતું હતું. હવે પતિ અને પત્ની બંને સાથે નોકરી-ધંધા કે વ્યવસાય અપનાવે તે વલણ વધ્યું છે.
છોકરી મર્યાદામાં રહે ભલે આપણે કહેતા કે આજનો સમાજ મુક્ત અભિવ્યક્તિ અને સહવાસનો બની ગયો છે. પણ તે બધું લગ્ન પહેલાં. ૬૦ ટકા છોકરા-છોકરી માને છે કે લગ્ન પછી તેઓ તેમની ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ જોડે નિયમિત સંપર્ક રાખે તે પસંદ નથી કરાતું. ઘણી વખત તો તે લગ્ન વિચ્છેદ કે તનાવ માટે નિમિત્ત બને છે.
અલબત્ત, પતિ-પત્ની તેના મિત્ર દંપતી જોડે જ ફરવા જવાનું પસંદ કરે છે. ઘરમાં બેસવા-મળવાનું મિત્રવર્તુળમાં ઘટી ગયું છે. બહાર કે રેસ્ટોરામાં જ મીટિંગ પોઈન્ટ રાખવામાં આવે છે. મિત્રવર્તુળ વર્ષમાં સરેરાશ એક વખત એકબીજાને ઘેર ભોજન માટે જાય છે. ત્રણથી ચાર વખત વર્ષમાં 'આઉટિંગ' ગોઠવે છે. કુટુંબ કે કુટુંબ બહારના કપલ મિત્રો એવા હોય છે કે જેઓ સરેરાશ અઠવાડિયે કે પંદર દિવસે પરસ્પર મળે છે.
એક જ સંતાન ઉછેર અને અભ્યાસનો વધતો જતો ખર્ચ તેમજ પોતાની જ નોકરી-કારકિર્દીમાંથી ઊંચા નહીં આવી શકવાને કારણે લગ્ન ઇચ્છુક ૫૫ ટકા યુવા પેઢી એવું માને છે કે એક જ સંતાન હોવું જોઈએ. જેઓ આર્થિક રીતે સધ્ધર છે અને વડીલોનું સેટ-અપ ધરાવે છે તેઓ વધુમાં વધુ બે સંતાનો પસંદ કરે છે. પુત્ર હોય કે પુત્રી સમાન ખુશી અનુભવે છે.
પત્નીની આવક વધુ નહીં હજુ પુરુષપ્રધાન માનસિકતા તો છે જ. ૬૮ ટકા યુવાનો એવું ઇચ્છે છે કે તેમની પત્ની ભલે શૈક્ષણિક લાયકાતમાં સમોવડી હોય પણ તેની આવક તેના કરતાં વધુ ના હોવી જોઈએ. પતિ તેમાં તેની જવાબદાર પુરુષ તરીકેની નિષ્ફળતા જોતો હોય તેવું બને. તેનું વર્ચસ્વ ગુમાવવાનો ભય હોઈ શકે.
સલાતમીનું કવચ ખાનગી કંપનીઓમાં મંદીના સંદર્ભમાં નોકરી નિશ્ચિત નથી હોતી. ધંધા-વ્યવસાયનું પણ ઠેકાણું નહીં. ઘણાખરા કિસ્સાઓમાં આશાજનક પ્રગતિ માટે સાહસ પણ કરવું પડે છે. આવા સંજોગોમાં પત્ની નોકરી કરતી હોય તો ઘરના નિશ્ચિત ખર્ચની જોગવાઈ અંગે પતિની નિશ્ચિંતતા કેળવી શકે છે. બહુમતી છોકરા ભાવિ પત્ની નોકરી કરે તેવું ઈચ્છે છે. તેની પાછળ આ કારણ પણ જાણવા મળ્યું છે.
૪૦% દેખાવ ૬૦% સંસ્કાર છોકરા અને છોકરી બંનેએ સર્વે દરમ્યાન પસંદગીના માપદંડમાં ૪૦ ટકા દેખાવ અને ૬૦ ટકા લાયકાતને મહત્ત્વ આપ્યું. આ ૬૦ ટકા લાયકાતમાં સંસ્કારી કુટુંબ, એકબીજાની લાગણી-આત્મગૌરવની પરવા કરી શકે તેવા બેકગ્રાઉન્ડ પર ભાર મૂકાય છે.
આંતરજ્ઞાાતિય લગ્ન... નો પ્રોબ્લેમ ૫૫ ટકા છોકરીઓ માને છે કે જો ૪૦ ટકા દેખાવ અને ૬૦ ટકા લાયકાત હોય તો પરસ્પર 'ડેટિંગ' અને કૌટુંબિક મુલાકાતો ગોઠવ્યા બાદ આંતરજ્ઞાાતીય લગ્નમાં વાંધો નથી. જો કે ગોઠવાયેલા લગ્નોમાં વડીલોનું પ્રાધાન્ય જ્ઞાાતિમાં જ હોય છે પણ સારું પાત્ર હોય તો તેઓ તેમના સંતાનોના નિર્ણયને જરા પણ કચવાટ વગર આવકારે છે.
સોરી... વી આર નોટ મેડ ફોર ઇચ અધર ૧૦ વર્ષ પહેલા છૂટાછેડા આપી દઈએ તેવું યુવા પેઢીના ૨૦ ટકા જ કહેતા હતા. પણ હવે આ આંક ૪૨ ટકા થઈ ગયો છે. જો લગ્ન કર્યા પછી અમને એમ લાગે કે સમાધાન અને સુમેળ તક આપવા છતાં પણ શક્ય નથી તો અમે રાજીખુશીથી છૂટા પડી જઈશું. જો કે પૈસેટકે સદ્ધર અને પગભર શહેરી યુવા પેઢી આવું મહત્તમ માને છે. ૨૮ ટકા માને છે કે અમે જીવન જોડે સમાધાન કરીએ તો પણ છૂટાછેડા લેવાનું ટાળીએ. છોકરીઓમાં આર્થિક સ્વતંત્રતા વધતી ગઈ હોઈ છૂટા રહેવાનું અને છૂટાછેડાનું પ્રમાણ આગામી દાયકામાં વધશે.
સંતાનોને ભારતીય સંસ્કૃતિનો સ્પર્શ એક દાયકા પહેલાં માતા-પિતા પશ્ચિમના દેશોના વ્યવહાર, ખાણી-પીણી, ફેશન અને કલા-સંસ્કૃતિ તેમના સંતાનોમાં હોય તેનું ગૌરવ લેતા હતા. હવે સંતાનોને ભારતીય પરંપરા, યજ્ઞાોપવિત, હવન, મંદિર, તહેવારોની ઉજવણી અને કુટુંબપ્રથામાં સામેલ કરીએ છીએ તેમ કહીને ગૌરવ અનુભવાય છે. અગાઉ અમારા છોકરા સેન્ડવિચ- પાસ્તા ખાય છે તેમ બડાશો મરાતી. હવે છોકરા પરંપરાગત ભોજન- પસંદ કરે છે તેનું ગૌરવ લેવાય છે. તેવું જ ધાર્મિકતા, વિધિ, સંસ્કૃતિના સંદર્ભમાં થઈ ગયું છે.
ગોરે રંગ પે ગુમાન ૨૦૦૪માં સર્વે થયેલો ત્યારે ૪૧ ટકા છોકરાઓએ જણાવ્યું હતું કે, તેઓને ગોરી છોકરી જીવનસાથી તરીકે પસંદ છે.
અત્યારના સર્વેમાં આ આંક ૪૯ ટકા થઈ ગયો છે. આ કારણે જ છોકરીઓમાં ગોરા થવાના ક્રીમ, લોશન અને બ્યુટી પાર્લરનું બજાર જામતું જાય છે. જ્યારે છોકરીઓએ સર્વેમાં કબૂલ્યું હતું કે ગોરા છોકરા પસંદ છે પણ તે પ્રત્યેક સમાજમાં ઉપલબ્ધ નથી તે વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ.
અમે અમારું સન્માન જાળવી શકે તેવો અને પ્રેમ કરી શકે તેવો છોકરો પસંદ કરીએ છીએ. તે તેના દેખાવ અને ડ્રેસિંગ ફિટનેસ પ્રત્યે સભાન હોય તો ગમે. તેની શૈક્ષણિક લાયકાત અને કમાણી પર વધુ વજન મૂકાતું હોય છે. ૧૫ ટકા છોકરીઓ બેધડક એવું કહે છે કે છોકરો બહુ રૂપાળો ન હોય તો ચાલે, પૈસાદાર જોઈએ. ૨૦ ટકા છોકરાઓ પણ પૈસાદાર છોકરીનો જ માપદંડ રાખનારા છે.
સરકારી બાબુ નેકસ્ટ પ્રેફરન્સ એક જમાનો હતો કે છોકરો સરકારી નોકરી કરતો હોય એટલે અન્ય તમામ બાબતોનું સમાધાન થઈ જતું હતું. પણ હવે છોકરી સરકારી કરતા ખાનગી કંપનીમાં નોકરી કરનાર છોકરાને પસંદ કરે છે. તેમના મતે ખાનગી કંપનીમાં નોકરી બદલતા પ્રગતિ થઈ શકે છે. એક સ્ટેટસ મળી શકે છે.
તેના કરતા પણ વિશેષ સરકારી નોકરી કરનારાનું જનજીવન, માનસ, ખરીદી માટેની ખેવના અને જીવનને માણવાની વૃત્તિ અમુક હદથી આગળ સંકુચિત હોય છે. ખાગની કંપનીનો મિડલક્લાસ છોકરો સરકારી નોકરીના મિડલક્લાસ કરતા વધુ પસંદ કરાય છે. તેથી મિડલક્લાસ હોવું વઘુ સારું એમ અત્યારની ૬૯ ટકા છોકરીઓ માને છે. પેન્શન, અન્ય સલામતી, રજાઓ સરકારી નોકરીમાં હોવા છતાં છોકરીઓને તે સ્પર્શતું નથી.
સંતાનો જ કેન્દ્રસ્થાને ૬૫ ટકા છોકરીઓ કબૂલે છે કે પતિ માટેની પસંદગી અને તેઓના ખ્યાલો સંતાનના જન્મ સુધી જ રહે છે. સંતાનના જન્મ પછી તેમના ઉછેર, અભ્યાસ, તેને ખુશ રાખવાના પ્રયત્નમાં અમે કેન્દ્રીત થઈ જતા હોઈએ છીએ. બીજું બધું ગૌણ બની જતું હોય છે.
યાદ રહે, તમારે ઉપરોક્ત ૧૫ મુદ્દાઓથી પ્રભાવિત થઈને તેમાં જે છોકરા છોકરી બહુમતીથી માને છે તેને અનુસરવું જ તે જરૂરી નથી. તમને તમારી માન્યતા, માપદંડ અને પસંદગીમાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. આખરે તો દુનિયામાં શુભનિષ્ઠા મહત્ત્વની છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvZ-pqTA4-DVd4LeW3pccaB4yna9mKKdDoJhKuVF3WUfQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment