Sunday, 26 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બીજું કંઈ નહિ બસ થોડો આદર જોઈએ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બીજું કંઈ નહિ બસ થોડો આદર જોઈએ!
નારી વિશ્ર્વ-દિવ્યાશા દોશી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વળી એકવાર સ્ત્રીનું અપમાન કરતું વાક્ય ટ્વીટ કર્યું. વ્હાઈટ હાઉસમાં કામ કરતી એક આફ્રિકન અમેરિકન સ્ત્રીને કોઈક કારણસર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હશે તેને બહાલી આપતી ટ્વીટ કરીને અમેરિકન પ્રમુખે કૂતરી શબ્દનો પ્રયોગ કર્યો. પ્રમુખ સ્થાનેથી જાહેરમાં કરવામાં આવેલો આ પ્રયોગ યોગ્ય નથી જ. તેનો જબરદસ્ત વિરોધ પણ થઈ રહ્યો છે. કારણ કે એક તો સ્ત્રી તરીકે અને બીજું બ્લેક વિમેન તરીકે પણ આ જાતીયતા આધારિત કોમેન્ટ કરવામાં આવી છે અને તે પણ અમેરિકાના પ્રમુખ તરફથી જ્યાં તેમના પહેલાં બરાક ઓબામા પ્રમુખ પદે હતા. ૨૦૧૭ની સાલમાં જેમીલી હિલને ઈએસપીએનની રેટિંગ ઓછી થવા માટે જવાબદાર ઠેરવતી કોમેન્ટ કરી હતી. કૉંગ્રેસ પ્રતિનિધિ ફ્રેડરિકા વિલ્સનને પણ ખોટું બોલનારી કહી હતી. સાર્જન્ટ જોન્સનના મૃત્યુ બાદ તેની વિધવાને ફોન કરીને કહ્યું હતું કે તેના પતિને ખબર હતી કે તે શા માટે લશ્કરમાં જોડાયો હતો. અશ્ર્વેત સ્ત્રીઓ માટે કે અન્ય સ્ત્રીઓ માટે વિવાદાસ્પદ વિધાનો કરવા માટે ટ્રમ્પની અનેકવાર ટીકા થઈ છે. કોઈપણ પ્રમુખને શોભે નહીં તેવું આ વર્તન કહી શકાય.

 

આ કોમેન્ટની વિરોધમાં વિમેન્સ માર્ચ થઈ અને તેઓનું સ્લોગન હતું, સ્ત્રીઓ કૂતરી નથી કે ન તો અમે ખરાબ છે અમે પણ માનવ છીએ. આ પહેલાં પણ ટ્રમ્પે અશ્ર્વેત સ્ત્રીઓ વિશે કે સ્ત્રીઓ માટે અણછાજતી પ્રતિક્રિયાઓ આપી છે. અશ્ર્વેત સ્ત્રીઓએ ૭૦ના દાયકાથી પોતાના હોવાપણાના વજૂદના સ્વીકાર માટે અવાજ મોટો કર્યો છે. તેમણે ફક્ત પુરુષોની સામે અવાજ નહોતો ઊઠાવવાનો પણ શ્ર્વેત સ્ત્રીઓ પણ તેમના પ્રત્યે ભેદભાવ રાખતી હતી તે માટે પણ ઘણું કહેવાનું હતું. નારીવાદી શ્ર્વેત મહિલાઓ પણ અશ્ર્વેત નારીઓ પ્રત્યે જુદું વલણ રાખતી હતી. એવામાં એ જ અરસામાં એક અશ્વેત ગાયિકાએ પોતાના સૂરોમાં વહેતું મૂક્યું માનવતાનું ગીત જે વિમેન્સ એન્થમ તરીકે ઓળખાયું. એ ક્વીન ઓફ સોઉલ તરીકે પ્રસિદ્ધ અશ્ર્વેત ગાયિકા અરેથા ફ્રેન્કલિનનું ૭૬ વરસની વયે ૧૬ ઓગષ્ટે નિધન થયું.

 

એક તરફ અશ્ર્વેત મહિલા પરની જાતીય ભેદભાવભરી ટિપ્પણીનો વિવાદ ચાલી રહ્યો હતો અને અરેથા ફ્રેન્કલિનના નિધનના સમાચાર આવ્યા. દુનિયાભરમાં તેના ગીતોની લાખો રેકોર્ડ વેચાઈ છે. એ અરેથા ફ્રેન્કલિને રિસ્પેકટ નામનું ગીત ગાયું હતું તેને આજે તમારી સમક્ષ મૂકવું છે. એ ગીતના લેખક છે ઓટિસ રેડ્ડીન્ગ. એ ગીતનો ભાવાર્થ છે કે પ્રિયે તને જે જોઈએ છે તે બધું જ મારી પાસે છે. હું તને આપવા માગું છું એ દરેક વસ્તુ જે તને જોઈએ છે. તેની સામે બસ મને એક જ વસ્તુ જોઈએ છે કે તું જ્યારે ઘરે આવે ત્યારે મારા માટે થોડો આદર લઈ આવજે. તું જ્યારે નહીં હોય મારી સાથે ત્યારે હું કશું જ ખોટું કરવાની નથી. જોઈએ તો તું મારા બધા જ રૂપિયા લઈ લે, પણ થોડો આદર મને આપ. ક્યારેક હું બહું થાકી જાઉં છું, શક્ય છે કે ક્યારેક તું ઘરે આવીશ ત્યારે હું ન પણ હોઉં. આદર મારે માટે કેટલો મહત્ત્વનો છે તે તું જાણે તો સારું. બસ થોડો આદર મારે માટે લેતો આવ મને બસ થઈ રહેશે.

 

અરેથાએ આ ઉપરાંત અનેક ગીતો ગાયા જેમાં નારીના વ્યક્તિત્વની વાત તેણે ગાઈ છે. પણ રિસ્પેકટ ગીત અનેક સ્ત્રીઓનો અવાજ બની રહ્યું. આ ગીત આજે પણ એટલું જ સ્ત્રીઓને હૃદયસ્પર્શી લાગી શકે છે. બહારથી થાકીપાકીને ઘરે આવેલા પુરુષને પોતાની તકલીફો દેખાય છે પણ તેનું ઘર સંભાળતી, બાળકો ઉછેરતી, સ્વભાવ સાચવતી સ્ત્રીની તકલીફો સમજાતી નથી. ઘણી ય વાર જરાક નાની નાની બાબતે જાહેરમાં પણ સ્ત્રીઓને ઉતારી પાડતા પુરુષો અચકાતા નથી. તું ન બોલે તો જ સારું, તને ભાન તો પડતી નથી તો શું કામ બોલે છે? તારામાં અક્કલનો છાંટો નથી વગેરે વગેરે શબ્દો તમે કાન ખુલ્લા રાખો તો ટ્રેનમાં, સમારંભોમાં, કોઈકના ઘરમાં પુરુષ દ્વારા પોતાની પત્નીને કહેવાતા હોય તે સાંભળી શકાય છે. અમેરિકન પ્રમુખે ટ્વીટ કર્યું એટલે ખબર પડી કે તેઓ સ્ત્રીને કેટલો આદર આપે છે. પણ સામાન્ય પુરુષો દરરોજ સવારસાંજ અનેકવાર છણકા કરતા હોય છે. સ્ત્રીના સ્વમાનને વારંવાર તોડી પાડતા હોય છે. એ સ્ત્રીનો આત્મવિશ્ર્વાસ એટલો નબળો પાડી દેવામાં આવે કે તે અન્યાયની સામે પણ નમ્રતાથી પણ વિરોધ કરી શકતી નથી.

 

સ્ત્રીને ખરેખર બીજું કશું જ જોઈતું નથી હોતું સન્માન અને આદર સિવાય. એ આદર ન આપી શકનાર પુરુષો પોતાની પત્નીને ઘરેણાં અને મોંઘી સાડીઓથી સજાવશે. એ દર્શાવવા માટે કે હું કેટલો પ્રેમ કરું છું. પૈસા અને સત્તા પુરુષો પાસે હોય છે. એટલે જ તેઓ વારંવાર કોઈને કોઈ કારણસર કે કારણ વિના સ્ત્રીઓને ઉતારી પાડતા હોય છે. ગાળો પણ તો સ્ત્રીઓ ઉપર જ તો હોય છે. અરે ભાઈ તમને બીજા પુરુષ સામે વાંધો છે, ઝઘડો છે તો તેને પોતાને ગાળ આપોને શા માટે તેની મા બહેનને વચ્ચે લાવો છો? એટલા માટે કે હજીપણ સ્ત્રી પણ પુરુષની મિલકત છે તેવી માન્યતાઓ સભાન કે અભાનપણે પુરુષની માનસિકતામાં ઘર કરી ગયેલી છે.

 

મોટાભાગના પુરુષો કહેતા હોય છે કે સ્ત્રીઓની સમજી શકાય નહીં. એ ખોટું છે. સ્ત્રીને જે જોઈએ છે તે આદર-રિસ્પેક્ટ, એક વ્યક્તિ તરીકે સ્વીકાર. ખૂબ સરળ બાબત છે પણ જો તે આપવામાં આવે તો પોતાની સત્તા (જેટલી પણ હોય) તે જતી રહેવાનો ડર હોય છે. એટલે સ્ત્રીને સમજવાનો પ્રયત્ન ન કરવો તેને બસ પ્રેમ કરવો એવું કહીને છૂટી જવું ખૂબ સરળ હોય છે.

 

આપણે ત્યાં પણ સંસદમાં થોડો સમય પહેલાં રેણુકા ચૌધરીના હાસ્યને શૂપર્ણખાના હાસ્ય સાથે સરખામણી આપણા નેતાઓએ કરી હતી. આ તો જાહેરમાં કહેવાયેલા શબ્દોને જ આપણે સાંભળીએ છીએ. ખાનગીમાં તો સ્ત્રીને ઉતારી પાડતી કેટલીય હલકી કક્ષાની કોમેન્ટ થતી હોય છે તે સૌ જાણીએ છીએ. એનું કારણ પણ એક જ માત્ર સ્ત્રીઓને આદર આપવો પુરુષોને ગમતું નથી અને સ્ત્રીની માગ હોય છે કે વ્યક્તિ તરીકે તેને આદર મળવો જોઈએ. કોઈ વ્યક્તિને જીવતેજીવ મારી નાખવી હોય તો તેનું સતત અપમાન કરો. અવહેલના કરો બસ તે વ્યક્તિના આત્મવિશ્ર્વાસના ભૂક્કા થઈ જશે. પછી તે સ્ત્રી હોય કે પુરુષ. સ્ત્રીને માત્ર સ્ત્રી હોવાને કારણે જે અનેક અવહેલના અને અપમાનો સહેવા પડતા હોય છે તે મોટાભાગની સ્ત્રીઓ કબૂલ કરશે. ફક્ત સ્ત્રી હોવાને કારણે સહેવા પડતા ભેદભાવ આજે પણ ગ્લાસ સિલિંગ બનીને નડે છે. જો કે આજે અનેક સ્ત્રીઓ દરેક અવરોધોને ઓળંગીને પોતાના વ્યક્તિત્વને પુરવાર કરવા સંઘર્ષ કરે છે અને સફળ પણ થાય છે.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuSb36eNsBvHJ6e5a3_Sg2hEahm0hqwTHbk1Z1K0vyoBQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment