Friday, 3 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પુત્ર પરીક્ષામાં નાપાસ, છતાંય પિતાએ પાર્ટી આપી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પુત્ર પરીક્ષામાં નાપાસ, છતાંય પિતાએ પાર્ટી આપી!
ફોકસ-પ્રથમેશ મહેતા

નિષ્ફળતા અને નિરાશાની રાશિ એક જ છે. જોકે, માણસને ક્યારેક નિષ્ફળતા મળે તો ભલે મળે પણ એમાંથી નિરાશા ઉત્પન્ન ન થવી જોઇએ. હાલમાં પૂરા ભારતમાં વિવિધ પરીક્ષાઓના પરિણામો આવી રહ્યા છે. આ પરિણામથી આપણે જાણીએ છીએ કે બધાં જ પરીક્ષાર્થીઓ કંઇ પહેલા જ પ્રયત્ને પાસ થતાં નથી. જોકે, જે સફળ થયાં હોય અને સારા માર્ક્સથી પાસ થયાં હોય તેને શાબાશી આપીએ છીએ. પેંડા કે પાર્ટી પણ માગીએ છીએ, પણ ભલા કોઇ નાપાસ થયું હોય તેની પાસે પાર્ટી માગીએ ખરા? ભલે તમે પાર્ટી ન માગો, પણ હાલમાં મધ્ય પ્રદેશની બોર્ડની પરીક્ષામાં જે પરિણામ આવ્યા તેના પછી જે કિસ્સો બન્યો એ વાંચીને તમે પણ સુખદ આશ્ર્ચર્ય અનુભવશો.

 

વાત જાણે એમ છે કે મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં રહેતા સિવિલ કોન્ટ્રાક્ટર સુરેન્દ્ર કુમાર વ્યાસના દીકરાએ ૧૦મા ધોરણની બોર્ડની પરીક્ષા આપી હતી તેમાં એ નાપાસ થવા છતાં સગાં-સ્નેહીઓને પાર્ટી માટે નિમંત્રિત કર્યાં. કોઇને અગાઉથી કહેવામાં આવ્યું ન હતું કે પાર્ટી શેના માટે છે. બધાને પાર્ટી ટાણે જ ખબર પડી કે દીકરો નાપાસ થવાં છતાં કુમારભાઇએ પાર્ટી આપી હતી. આવું તો ક્યારેય બન્યું ન હતું કે કોઇ વ્યક્તિ પોતાની નિષ્ફળતાની ઉજાણી કરે.

 

જોકે, કુમારના વિચારોમાં દૃઢતા હતી અને આ પાર્ટી દ્વારા તે તેના દીકરાને અને તમામ નિષ્ફળ વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા માગતો હતો કે બોર્ડની પરીક્ષા એ કાંઇ જીવનની છેલ્લી કસોટી નથી. તેનો પુત્ર આવતા વર્ષે ફરીથી પરીક્ષા આપશે અને વધુ સારો દેખાવ કરશે.

 

ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં છેલ્લાં થોડાં વર્ષમાં સેક્ધડરી પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ઓછામાં ઓછા સાત વિદ્યાર્થીઓએ નિષ્ફળતાથી હતાશ થઇને આત્મહત્યા કરી લીધી હતી. પરીક્ષા આપવાનું કામ વિદ્યાર્થીઓનું છે પછી પરિણામ જે આવે એ સ્વીકારવાની હિંમત ઘણા વિદ્યાર્થીઓમાં નથી હોતી. તેઓ પરિણામ બાબતે વધુ પડતા સંવેદનશીલ હોય છે. પરીક્ષામાં નાપાસ થયા એટલે જાણે જિંદગીમાં નાપાસ થયા હોય એવું દુ:ખ અને ક્ષોભ અનુભવે છે. બિલ ગેટ્સથી માંડીને ધીરુભાઇ અંબાણી સુધીના સફળ માણસોના શાળા જીવનના ઉત્તરપત્રો જુઓ તો તમને ઘણા ચોકડા જોવા મળે છતાંય આજે પૃથ્વીની સફળતમ વ્યક્તિઓમાં તેમનું નામ સુવર્ણ અક્ષરે લખાય છે એ હકીકત છે. પ્રયત્ન કરો પણ નિષ્ફળતા મળે તો હિંમત ન હારો એ ભાવના જીવનમાં આવવી જોઇએ. કરોળિયો અનેક વાર ઉપર ચઢવાના પ્રયત્નો કરે અને ભોંય પછડાય છે, પણ પ્રયત્નો ત્યાં સુધી ચાલુ રાખે છે જ્યાં સુધી મંજિલે પહોંચે નહીં.

 

મધ્ય પ્રદેશના આ સિવિલ કામના ઠેકેદારે જાણે નિષ્ફળ વિદ્યાર્થીઓને હતાશામાંથી બહાર કાઢવાનો ઠેકો લીધો હોય એમ એમના સકારાત્મક અભિગમથી પ્રેરાઇને વિદ્યાર્થીઓ આત્મહત્યાનો માર્ગ છોડીને આત્મમંથનના માર્ગે આગળ વધીને પોતાના જીવનની કેડી શણગારી શકે છે.

 

હાલમાં એક પછી એક વિવિધ પ્રકારની પરીક્ષાઓના પરિણામ આવવા શરૂ થઇ ગયા છે. ન કરે નારાયણને તમારી આસપાસ રહેતો કોઇ વિદ્યાર્થી નાપાસ થયો હોય તો તેને અને તેના માતાપિતાને આ લેખ વંચાવવાની તસદી જરૂર લેજો. પરિણામ ભલે નકારાત્મક આવે, અભિગમ સકારાત્મક હોવો જોઇએ એ આજની પેઢીએ હંમેશાં યાદ રાખવું જોઇએ.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otq8bTA75Eii8HYMDbAs7uWxUx9MLZ-f-%2B8-qJ%3DNgkd8A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment