Friday, 3 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ અવરોધોથી ગભરાવું નહીં (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અવરોધોથી ગભરાવું નહીં, લડી લેવાનું!

 

 

જીવનમાં મુશ્કેલીઓ તો આવતી રહે. કોઇ ગભરાઇ જાય તો કોઇ મુકાબલો કરે. રાકેશ એવો એક લડવૈયો છે જે મુસીબતો સામે મોળો નથી પડી જતો.

 

આભાસો વચ્ચે જીવવા કરતાં વિરોધાભાસ વચ્ચે જીવવાની મજા કંઇક અનેરી હોય છે. ભાગ્યે જ કોઇ એવું જીવન હોય છે જે શાંત પાણીના જળની જેમ ખળખળ વહેતું રહેતું હોય. જીવનમાં અવરોધો તો આવતા રહે. કોઇ હાથ જોડીને બેસી જાય તો કોઇ કમર કસીને લડી લે. વિટંબણાઓ સામે ઝૂકી જવાને બદલે પોતાની સર્વ કાબેલિયત કામે લગાડીને જીવન જીવવાનો મારગ શોધી કાઢે. રાકેશ શર્મા આવું જ એક વ્યક્તિત્વ છે. તમારી આંખો બંધ કરો અને હાથ વિનાના જીવનની કલ્પના કરો. અશક્ય લાગે છે ને? કોઇને એમ લાગે કે એના કરતા તો આ જીવતર ન હોય તો સારું. તો વળી કોઇ નસીબને કોસ્યા કરે અને પોતાની જાતને દયનીય અવસ્થામાં મૂકી દે. ૨૩ વર્ષનો રાકેશ શર્મા આવી કોઇ લાગણી નથી અનુભવતો. રાકેશ બેંગલુરુનો વિદ્યાર્થી છે. શારીરિક રીતે અક્ષમ હોવા છતાં મક્કમ મનોબળ ધરાવે છે. પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્ત્વાકાંક્ષાઓ સેવે છે. તેને ખેલકૂદના વિષયોમાં વિશેષ રુચિ છે. સાથે સાથે અંગ્રેજી ફિલ્મો અને ટીવી સિરિયલો જોવી તેને ઘણી ગમે છે. આ બધી વિગતો વાંચીને તમારા મનમાં રાકેશ શર્મા માટે અનુકંપા થઇ હોય તો એ સ્વાભાવિક છે. રાકેશ એટલા માટે ખાસ છે કેમ કે તે દિવ્યાંગ છે. ૯ વર્ષની ઉંમરે તે એક અકસ્માતમાં તેના બંને હાથ ગુમાવી બેઠો હતો. હરખાવા જેવી વાત એ છે કે આશ્ર્ચર્યજનક રીતે આ દુર્ઘટના પણ રાકેશને આગળ વધવા કે તેનો અભ્યાસ પૂર્ણ કરતા ન રોકી શકી. અકસ્માતથી એ પરેશાન જરૂર થયો, પણ હિંમત ન હાર્યો. તેને ભણવાની અદમ્ય ઇચ્છા હતી અને એટલે એક વર્ષ બાદ જ રાકેશે શાળાએ જવાનું ચાલું કરી દીધું હતું.

 

રાકેશનો જીવનમંત્ર એકદમ સ્પષ્ટ છે. તેનું માનવું છે કે જે કંઇ પણ તમારી સાથે જીવનમાં બનતું હોય છે તે કાયમી સ્વરૂપનું નથી હોતું. જિંદગી ક્યારેય રોકાતી નથી, એ તો સરિતાની જેમ આગળ વધ્યા જ કરે છે. વિપરીત પરિસ્થિતિમાં જિંદગી જીવતા તેણે શીખી લીધું છે. હાલ તે બિન શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓના પુન:વસન માટે કામ કરતા એનજીઓમાં કામ કરે છે. દિવ્યાંગ લોકોને ઉત્સાહિત કરવા એક વેબસાઇટ બનાવવાની તેની ઇચ્છા છે. એનું કહેવું છે કે 'મારા જેવા ઘણાં લોકો છે, જેનામાં મારા જેટલા જોશ કે જુસ્સો કદાચ નહીં હોય. એવા લોકને હું આત્મવિશ્ર્વાસ આપવા માગું છું અને તેમના માટે પ્રેરણાદાયી બનવા માગું છું. હું ઘણો ભાગ્યશાળી છું કે મને મારી મમ્મી અને ભાઇબંધોનો સહારો મળ્યો. મારી મમ્મીએ જ મને લખતા શીખવ્યું.'

 

પરિવાર અને મિત્રોનો સાથ સહકાર મળવાને કારણે રાકેશનો ઉત્સાહ વધ્યો. એક નવું જોમ આવી ગયું. ખૂબ મન લગાડીને અભ્યા કર્યો અને રાકેશે દસમા ધોરણમાં ૮૦ ટકા અને બારમા ધોરણમાં ૯૧ ટકા મેળવ્યા હતા. હાથેથી દિવ્યાંગ હોવા છતાં પણ રાકેશ કોઇની મદદ વગર લખી શકે છે, કેમેરા વાપરી શકે છે. સામાન્ય માણસ કરી શકે એવા બધાં જ કામ એ કરી શકે છે.

 

બેંગલોરનો છાત્ર રાકેશ સંસ્થાની પ્રશંસા કરતા જણાવે છે કે 'હું જે રૂમમાં રહું છું તે રૂમમાં મને જરૂરી એવી તમામ સુવિધાઓ મોજૂદ છે. આપણા દેશમાં એવી ઘણી ઓછી સંસ્થાઓ છે જ્યાં દિવ્યાંગો માટેની સુવિધાઓ હોય.' બેંગલુરુમાં જાન્યુઆરી ૨૦૧૦માં દિવ્યાંગોની સેવા માટે એક ઓફિસ ખોલવામાં આવી છે. રાકેશે દિલ્હીની કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

 

'સહારનપુર જેવા નાનકડાં ગામનો ઘર જેવો માહોલ છોડીને દિલ્હી રહેવાનો નિર્ણય ઘણો પડકારજનક હતો. એક તબક્કે મને લાગ્યું કે મારી જિંદગી ખતમ થઇ જશે. હું સંપૂર્ણપણે મારા પરિવાર પર નિર્ભર હતો અને દિલ્હીમાં એકલા રહેવું મારી માટે ઘણું મુશ્કેલ હતું. મારા પરિવારવાળાઓને પણ ખાતરી નહોતી કે ઘરથી દૂર એકલો હું બધું કેવી રીતે સંભાળી શકીશ. પરંતુ ત્રણ મહિના દિલ્હીમાં એકલા રહ્યા પછી મને ફાવટ આવી ગઇ.' એમ રાકેશે જણાવ્યું હતું. જીવનમાં આવી પડેલા પડકારો માણસને ઘણું શીખવી જાય છે એ રાકેશના ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે.

 

'મારા પરિવારને પણ હવે લાગે છે કે હું હવે એકલો દરેક બાબત આરામથી સંભાળી શકું છુ.ં બેંગલુરુના લોકો મને ઘણાં પસંદ છે કેમ કે અહીંના લોકો ઘણાં મિલનસાર છે. અહીંનું વાતાવરણ પણ ઘણું સુંદર છે. લોકો કહે છે કે બીજા દેશોની સરખામણીએ ભારતમાં દિવ્યાંગો માટે વધારે સુવિધાઓ છે. હું દુનિયામાં ફરીને આ વાતની સચ્ચાઇ જાણવા માગુ છું. મારે આખી દુનિયા ફરવું છે. મારે જિંદગી જિંદાદિલીથી જીવવી છે,' રાકેશના આ શબ્દો નિરાશા અનુભવતા કે હિંમત હારી ગયેલા લોકો માટે પ્રેરણાદાયી સાબિત થઇ શકે એમ છે.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuM%3DwSQAXT%2BggDpJeDWMUi5Sju13coD3OCo-UTq5rLdYw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment