Monday, 27 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ માત્ર ૧૦૦ ગ્રામ ખિલખિલાતું સાહિત્ય ક્યાંકથી મળશે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માત્ર ૧૦૦ ગ્રામ ખિલખિલાતું સાહિત્ય ક્યાંકથી મળશે?
મિજાજ મસ્તી-સંજય છેલ

ટાઇટલ્સ: વ્યંગ, ઔજાર વિના સમાજની સર્જરી કરવાની કળા છે - હરીશંકર પરસાઇ

 

જેમ દેશમાં મરાઠા આરક્ષણ કે પાટીદાર અનામત કે જાટ રિઝર્વેશનની ઠેર ઠેર ડિમાન્ડ ઊઠી છે એમ આજકાલ ચારે બાજુથી ડિમાંડ ઊઠી છે કે મારે હળવી હાસ્ય પ્રચુર કોલમ જ લખવી. કોઇ ગંભીર અકળાવતી કે ટીકા કરતી વાતો ના લખવી..મને કોલમ લખતાં લગભગ ૯ વરસ થયાં .અનેક વિષયો પર લખ્યું પણ લોકોને કોણ જાણે એમ કેમ લાગે છે કે હું માત્ર રાજકારણ પર જ વ્યંગ કરું છું! એનીવે હળવું , ખિલખિલાતું લોકોને વાંચવું માણવું ગમે છે એ સ્વાભાવિક છે.

 

'અનાડી', 'આનંદ', 'ચુપકે-ચુપકે' જેવી અનેક સુંદર ફિલ્મો બનાવનાર નિર્દેશક હૃષિકેશ મુખર્જીને એકવાર મળવાનું થયેલું ત્યારે મેં પૂછેલું, 'હૃષિદા, તમારી આટલી બધી સફળ ફિલ્મોમાંથી તમને પોતાને કઈ ફિલ્મો પસંદ છે?' મને તો હતું કે હૃષિદા, 'આનંદ' કે 'સત્યકામ' કે 'મિલિ' જેવી ઇમોશનલ ફિલ્મો વિશે કહેશે. પણ ના, હૃષિદાએ તરત જ કહ્યું, 'મારી ફેવરિટ છે : ચુપકે ચુપકે અને ગોલમાલ!' સાંભળીને મને નવાઈ લાગી એટલે તરત કારણ પૂછ્યું. ત્યારે હૃષિદાએ બહુ સરસ રીતે સમજાવ્યું, 'જો બેટા, 'આનંદ', 'મિલિ', 'સત્યકામ' જેવી ફિલ્મો સારી છે. ઉંડાણવાળી છે. પણ અંતે એ ફિલ્મો રડાવે છે. દુ:ખી કરી મુકે છે. 'આલાપ' ફિલ્મની નિષ્ફળતાએ મને એક વાત શીખવેલી જે ત્યારે નહોતી સમજાઈ, પણ આ ઉંમરે હવે એ સાચી લાગે છે કે મારે પ્રેક્ષકોને દુ:ખ નહીં, સુખ આપવું જોઈતું હતું! આપણાં શાસ્ત્રો પણ કહે છે કે 'અમૃતસ્ય પુત્રા:' આપણે અમૃતનાં અંશ છીએ. મજા, સુખ, આનંદ, હર્ષ એ જ આપણી આખરી મંઝિલ હોવી જોઈએ. કમસેકમ, કળા-સાહિત્યમાં તો કલાકારે એ જ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ!'

 

ભારતીય સિનેમાની સૌથી સેન્સિબલ અને ઇમોશનલ ફિલ્મોના દિગ્દર્શક પાસેથી આ વાત સાંભળીને હું ચોંકી ગયો. આપણે એમની વાતથી સો ટકા સહમત થઈએ કે નહીં પણ હૃષિદાની એ વાતમાં દમ તો છે કે કળા-સાહિત્યનો પહેલો ધર્મ, મનનું રંજન અર્થાત મજા કરાવવાનું જ છે. આનંદ આપવાનું છે. વેલ, દુ:ખી થવામાં, રડવામાં પણ આનંદ મળી શકે, અમુક લોકો આંસુમાં પણ એંટરટેઈનમેંટ પામી શકે. પણ સદા સોગિયાં રહેવામાં જ શું કળા છે? તમને ક્યારેય સવાલ થયો છે કે શા માટે આપણું ગુજરાતી સાહિત્ય ગંભીર કે રોતલ કે પછી શોર્યગાથાઓથી જ કેમ ભરેલું છે? ગુજરાતી સાહિત્ય(અને મહદ્અંશે ભારતીય સાહિત્ય પણ) કાળજા ચીરી નાખતી કરૂણ કથાઓ, ગરીબો પરનાં અત્યાચારની ગાથાઓ, સ્ત્રી-પુરુષનાં રડમસ રિશ્તાઓથી છલોછલ હોય છે. હસતી હસાવતી, ખુશહાલ કરતી વાર્તાઓ કેટલી? શા માટે આપણા સાહિત્યમાં રોમેંટીક કોમેડીઓ, ફૂલગુલાબી રોમાન્સ અને સ્માર્ટ રમૂજ દેખાતી નથી? આપણી નવલકથાઓ એટલે યા તો સસ્પેન્સ અને સમાજિક ડ્રામાની સેંડવીચ હોય, અથવા તો એમાં ગળગળા કરી મૂકતી ગમગીન કરમકથનીઓ હોય.

 

આપણે ત્યાં જૂની ક્લાસિક ભદ્રંભદ્ર, ધનસુખલાલ મહેતા-જ્યોતીન્દ્ર દવેની 'અમે બધાં', ધીરૂબેન પટેલની 'ગગનનાં લગન' કે મધુ રાયની 'કિમ્બલ રેવન્સવૂડ' જેવા ગણ્યાં ગાંઠ્યા અપવાદને બાદ કરીએ તો વાંચતાં વાંચતાં મલકતાં રહીએ એવી કિતાબો કેટલી? ખાટી પીપરમીંટની જેમ જેને મમળાવી શકાય એવી નવલકથાઓ ખૂબ ઓછી લખાય છે. જીવનમાં તો આપણે ગુજરાતીઓ હસમુખ - જોલી અને રમૂજપસંદ હસતાં-ગાતાં લોકો છીએ. પાર્ટીઓમાં, મુસાફરીમાં જોકાજોકી જ કરતાં હોઇએ છીએ.. વોટ્સ એપના જોકસથી આખો દિવસ મલકીએ છીએ આપણાં નાટકો અને હવે તો ફિલ્મો પણ હાસ્યાધીન હોય છે પણ તો પછી સાહિત્યની ગલીમાં પ્રવેશતાં જ આપણે જાણે કોઈની સાદડીમાં આવ્યાં હોઈએ એમ સિરિયસ શા માટે થઈ જઈએ છીએ? રિસર્ચનો વિષય છે.

 

નાનપણમાં અમારા મકાનમાં પડોશણોને મોઢે એક ઇન્ટરેસ્ટિંગ સાંભળેલી. બે સ્ત્રીઓ તૈયારટૂપ થઈને બહાર જઈ રહી હતી ત્યારે ત્રીજી પડોશણે એને રોકીને પૂછ્યું, 'ક્યાં જાવ છો, ભરબપ્પોરે તાપમાં?' ત્યારે પેલી બેમાંની એકે તરત જ હરખાઈને કહ્યું, 'બિદાઈ ફિલમ જોવા. હાલ, હાલ, તુંયે, બહુ મજા આવશે. ખૂબ રડવાનું છે એમાં. હું તો બીજીવાર જઈ રહી છું.' હવે આગળ ઉપર એ કહેવાની જરૂર નથી કે ત્રીજી બહેન પણ તરત જ 'રડવાનું જોવા' માટે તૈયાર થઈ ગઈ! તે વખતે મારાં બાળમનમાં સવાલ ઉઠેલો કે લોકો રડવામાં શું મજા આવતી હશે? પણ હવે આજે થોડું થોડું સમજાય છે કે કરૂણરસને વારંવાર માણવું એ પણ આત્મપીડનનો એક પ્રકાર છે!નાટક, સિનેમા કે સાહિત્યમાં સામે ચાલીને રડવાનું શોધીને લોકોને પોતાનાં દુ:ખોને આંસુરૂપે બહાર કાઢીને સારું લાગતું હશે. એક પ્રકારનાં માનસિક જુલાબ કે વિરેચન જેવી વાત છે. હા, કળા કે સાહિત્ય વડે મનમાં ભાવનાઓ જાગે, બીજાનાં દુ:ખો માટે સહાનુભૂતિ જાગે, એ બધું સાચું. પણ આ બધું કેટલીવાર? સાહિત્ય સામાન્ય માણસેને કઠોરતાથી કોમળતા તરફ લઈ જાય છે પણ તો શું હંમેશાં ઉદાસી ઉલેચવાની?

 

ભારતનાં અંગ્રેજી સાહિત્યમાં 'ચીક-લીટ'(ટીનએજ છોકરીઓને ગમે તેવું રોમેંટીક લિટરેચર) ખૂબ વંચાય છે. સાદી સરળ ભાષામાં હળવી રોમેન્ટિક વાર્તાઓ ચપોચપ ઊપડે છે તો એ ગુજરાતીમાં કેમ નથી? યુવાનો માટે કોલેજ કેંપસની-કોર્પોરેટ કલ્ચરની જીવાતી જિંદગી વિશે ચટપટું સાહિત્ય સરળ ઇંગ્લિશમાં લખાય છે, વંચાય છે પણ આપણાં ગુજરાતી સાહિત્યમાં એની માર્કેટ ખૂલી નથી.

 

સ્ત્રીઓ માટેની કથાઓમાં પણ આડા ઊભા સંબંધો અને લગ્નજીવનની કડવાશ કે સ્ત્રીઓનાં શોષણથી વધારે કશુંક ભાગ્યે જ દેખાય છે. મોટાભાગની લેખિકાઓનાં પુસ્તકો ખોલતાં જ રસોડાની વાસ આવવા માંડે છે. જ્યારે જોઈએ ત્યારે એક સ્ત્રી તરીકે મને લાગે છે કે 'જેવાં વાક્યથી શરૂ થતી ફરિયાદો જોવા મળે છે. હા, કબૂલ કે સમાજમાં સ્ત્રીઓ સાથે અન્યાયો, અત્યાચારો, સૂક્ષ્મ શોષણ છે પણ એની એ વાતો ક્યાં સુધી? લેખિકાઓ ગંભીર વદને એક સ્ત્રી તરીકે'વાળી સેલ્સ સ્પીચ ક્યાં સુધી વાપરશે? (કોઈ પુરુષ લેખક વારેવારે એમ લખે છે પુરૂષ તરીકે મને એમ લાગે છે કે?' તો કેવું લાગે?)

 

એની વે, બિંદાસ, અલ્લડ હસતી-રમતી છોકરાં છોકરીઓની નવલકથાઓ વાર્તાઓ આપણને ક્યારે વાંચવા મળશે? કદાચ, આપણે ત્યા આજે ટીનએજર વાચકો ઘટ્યાં હશે એટલે લેખકોએ ગંભીર સાહિત્ય પર જ ધ્યાન આપ્યું હશે. જોકે, આજે ગુજરાતી ટીનએજર વાચકો ઘટ્યાં હોય એવું દલીલ તરીકે માની પણ લઈએ પણ તો પછી ૧૯૬૦-૭૦ પહેલાંની કથા-વાર્તાઓમાં પણ આનંદરસ કેમ દેખાતો નથી? એ જમાનામાં પણ ગ્લિસરીનમાં બોળીને લખાયેલી વાર્તાઓ જ જોવા મળતી, જેને અડતાં જ આંખમાં આંસુ ટપકવા માંડે! હોલીવૂડનાં સૌથી સફળ નિર્દેશક બીલી વાઈલ્ડરે કોઇપણ ફિલ્મમેકર-લેખક કે કલાકાર માટે ૧૦ કમાંડમેંટ કે દૈવી આદેશ સૂચવેલાં અને જેમાં દસેદસ વાર માત્ર એમ જ કહેલું કે ધાઉ શેલ નોટ બોર!' અર્થાત્ લોકોને બહુ બોર ના કરવાં.

 

ઇન્ટરવલ :

યારોં હંસો, બના રખી હૈ, ક્યૂં યે સૂરત રોની?

સપન સલોને લેકે આયી હૈ, યે રાત સલોની - આનંદ બક્ષી- 'અમર અકબર એંથની'

આપણે ત્યાં ગ્રામીણ સાહિત્યમાં ગામડાની વાર્તાઓ પાછી બીજી એક ફોર્મ્યુલા છે. ગામડાંનાં વર્ણનો, દર્દનાક સંધર્ષો અને સમાજ જીવનની વાતો સાંભળીને આપણને સતત થાય કે અરેરે, જીવન આવું દોહ્યલું છે! અચાનક કારણ વિના અમારા જેવાને શહેરમાં રહેવા માટે ગિલ્ટી ફીલ થવા માંડે. ગ્રામ્યજીવનની વાતો-દર્દોની અલગ દુનિયા છે, પણ બધાં લેખકો તો પન્નાલાલ પટેલ કે મેઘાણી ના હોઈ શકેને? તો પણ આપણા લેખકો વરસોથી માટીની સુંગધને નામે વાચકો પર ધિંગી ધરાની ધૂળ ધરાર ઉડાડ્યાં જ કરે છે. (ચુનીલાલ મડિયાની 'સધરા જેસંગનો સાળો' સિરીઝ આમાં સુખદ અપવાદ છે.) માટે જ શુદ્ધ મનોરંજનરસને કારણે અશ્વિની ભટ્ટ કે હરકિસન મહેતાની જૂની નવલકથાઓ હજૂયે ખૂબ વંચાય છે. કાજલ ઓઝાની નવલકથાઓ પણ લોકોને એટલે જ ગમે છે કારણ કે એમાં દૂરદર્શનની જેમ બોર કરતું જીવનદર્શન

નથી. બાકી તો લાઈફ કેવી કરૂણ છે, લાઈફમાં કેવું કેવું થાય છે, લાઈફ છે જ આવી, લાઈફનાં અંતે ડેથ છે, લાઈફમાં લાઈફ જેવું છે જ નહીં..' વગેરે મુદ્દાઓનો જૂનો મુરબ્બો બોરિંગ સાહિત્ય રૂપે ચાખવા મળે છે.

 

મને ખબર છે, અનેક હાઈબ્રો લોકોને આ વાત છીછરી લાગશે. કોમેડીને કે મનોરંજનને હલકો પ્રકાર માનનારાઓ એમ કહેશે કે સાહિત્યનું કામ ગલગલિયાં કરવાનું નથી. ચાલો, ગલગલિયાં ભલે ના કરે પણ પંખીનાં પીંછાનો મખમલી સ્પર્શ તો એ કરાવી શકે ને? સાહિત્ય જો આંસુ જન્માવી શકે તો સ્મિત પણ દઈ શકે ને? આર.કે.નારાયણના 'માલગુડી ડેઝ'માં કે પી. જી. વુડહાઉસની વારતાઓમાં સ્મિત, ચાતુર્ય, આનંદની સાથોસાથ સારું સાહિત્ય નથી પીરસાયું? જ્યોતીન્દ્ર દવેના શીષ્ટ હાસ્યલેખોમાં પ્યોર આનંદ નથી? કિસનસિંહ ચાવડાનાં 'અમાસનાં તારાં' જેવા વ્યક્તિચિત્રોમાં વેદના સાથેસાથ આનંદની અનૂભૂતિ નથી મળતી? કદાચ આપણે રામાયણ-મહાભારતની માહગાથા સાંભળી સાંભળી ગંભીરતા 'એ જ મહાનતા' એમ માનતાં થઈ ગયાં છીએ. આમ આદમીની લાઈફનાં ખાટામીઠાં પ્રસંગો આપણને સસ્તાં લાગે છે.

 

અરે, વાચકોને તો છોડો પણ ખુદ લેખકો જ કોમેડી-પેરોડી-સેટાયરને તુચ્છત્તાથી નિહાળતાં હોય ત્યાં આપણને પ્રસન્ન સાહિત્યને બદલે ખિન્ન સાહિત્ય જ મળેને? કોઈને હસાવવું, મલકાવવું, આનંદિત કરવું એ અઘરું કામ છે. કોઈને રડાવવું, દુ:ખીનાં દાળિયા કરી દેવું સહેલું છે. આપણા લેખકો અઘરું કામ નથી કરવા માંગતાં અને સહેલું છે એને અઘરાંનું લેબલ મારે છે. કવિ નરસિંહરાવ દીવેટિયાએ પોતાનાં ટેસ્ટ માટે એકવાર કહેલું કે આ વાદ્યને કરુણ રસ જ વિશેષ ભાવે છે! લાગે છે આપણે ત્યાં તો યુગોથી કરૂણવાદ્યોની અનંત ઓરકેસ્ટ્રા ચાલી રહી છે! હાય, કાશ કોઈ ટાપુ પર જઈને, સૂતાંસૂતાં મનને ખુશખુશાલ કરતું કંઈક વાંચવા મળે તો કેવી મજા આવે. યારોં, સેડ-કે સસ્પેન્સ, સોગિયું કે સામાજિક હવે બહુ થયું. દિલખુશ કરી દે એવી કોઈ કિતાબ તમને દેખાય તો તરત જ અમને જણાવજો. કાન પકડીને, નાક રગડીને, માફી તો નહીં માંગીએ પણ સો કામ પડતાં મૂકીને એ ખિલખિલાતી કૃતિ વાંચવા તરતજ બેસી જઈશું.

 

પોતાનાં લેખન કરતાં ખુદને ગંભીરતાથી લેતા લેખકો, શુદ્ધ મનોરંજનને તુચ્છ ગણતા કથાકારો, પોતાના એકદંડિયા મહેલમાંથી નીચે ઊતરીને વાચકોનાં ખભે હાથ મૂકીને, હળવેકથી મીઠી વાત કરવાનું શરૂ કરવા માંડે તો કેવી મજા આવી જાયને? મન, ખિન્ન નહીં, પ્રસન્ન થઈ જાય!

 

વધારે નહીં પણ માત્ર ૧૦૦ ગ્રામ ખિલખિલાતું સાહિત્ય ક્યાં મળશે?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os1ZiwwD3NQGK3%3DgX%3D8gvG8F1AL96eu0rC97oLes%2B3Azg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment