Monday, 27 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હાસ્યનો પર્યાય (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હાસ્યનો પર્યાય!
જ્યોતીન્દ્ર દવે

 

1955-56નું વર્ષ, એ વખતે હું એચ. એલ. કૉલેજ ઑફ કોમર્સને અડીને એલ. ડી. આર્ટ્સ કૉલેજ – અમારી એલ. ડી. માસી. એક દિવસ એલ. ડી.ના મેદાનમાં હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેનું પ્રવચન હતું. મેદાન હકડેઠઠ ભરાયેલું. હું ત્યાં પહોંચીને એક ખૂણામાં બેસી ગયો. જ્યોતીન્દ્રભાઈના વાક્યે બધા ખડખડાટ હસતા હતા. મેં એક હાસ્યલેખ લખેલો જે મારી નોટબુકમાં પડ્યો હતો. મનને મર્કટ કંઈ એમનેમ કહ્યું છે : કોણ જાણે કેમ, એ ક્ષણે મારા મનમાં એવો વિચાર ઝબકી ગયો કે જ્યોતીન્દ્ર દવેને સાંભળનારા અત્યારે પેટ પકડીને હસી રહ્યા છે, પણ મારી નોટમાં પડ્યો છે એ હાસ્યલેખ વાંચીને જ્યોતીન્દ્રભાઈ હસે ખરા? આ હાસ્યાસ્પદ વિચારે મારા મનનો કબજો લઈ લીધો. નિખાલસતાથી જણાવું તો કૉલેજના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી એવો હું હસવાનું ભૂલીને એ જ ચિંતામાં પડી ગયેલો કે તે હસે ખરા? હું ત્યાં હતો, મારો (કહેવાતો) હાસ્યલેખ હાથ પર હતો, જ્યોતીન્દ્ર દવે પણ ત્યાં મોજૂદ હતા, પણ મારી હિંમત સંપૂર્ણપણે ગેરહાજર હતી, તેમની પાસે જવું કેવી રીતે? મારી લઘુતાગ્રંથિ આડી આવી. પછી તો તે પ્રવચન કરીને ત્યાંથી ચાલ્યા ગયા. (તેમના) સદભાગ્યે મારો લેખ તેમના કરકમળ સુધી પહોંચી શક્યો નહીં, તેમને હસાવવાની મારી મંછા મનમાં ને મનમાં જ રહી ગઈ. હવે?

 

પણ પછી તો હું લખવાને રવાડે વ્યવસ્થિતપણે ચડી ગયો. પોણો ડઝન જેટલાં પુસ્તકોય પ્રગટ થઈ ગયાં હતાં. ત્યાં એક દિવસ જ્યોતીન્દ્ર દવેનું મારા પર પોસ્ટકાર્ડ આવ્યું કે તમારા અમદાવાદની મણિબેન આયુર્વેદિક હૉસ્પિટલમાં સારવાર લેવા આવ્યો છું. તમને મળવાની ઇચ્છા છે. મને મોટી લોટરી લાગ્યા જેટલો આનંદ થયો; કેમ કે હાસ્ય એ મારો પહેલો પ્રેમ છે ને જ્યોતીન્દ્ર એટલે સાક્ષાત હાસ્યમૂર્તિ. બધાં કામ તડકે મૂકીને મિત્રો સાથે તેમની પાસે પહોંચી ગયો. મને મળીને તેમને સારું લાગ્યું હશે એ કરતાં તેમને મળીને વધારે સારું આ લખનારને લાગ્યું. કાયમ હોય છે એ કરતાંય વધુ નબળી તબિયત હોવા છતાં તેમણે મારા પુસ્તક 'વિનોદની નજરે'નું 'કુમાર'માં અવલોકન લખ્યું. માફકસરનાં વખાણ કર્યાં. પુસ્તક વાંચતાં તેમને હાસ્ય અને વિનોદ બન્નેને મળ્યાનો આનંદ તેમણે એ અવલોકનમાં જાહેર કર્યો – આનાથી મોટી ધન્યતા મારા માટે બીજી કઈ હોઈ શકે! જ્યોતીન્દ્રભાઈએ સાચા અર્થમાં મારો વાસના મોક્ષ કર્યો. જ્યોતીન્દ્ર દવે વિશે લખતાં શાહીમાં કાયમ આદર ઊભરાય છે. એક હાસ્યકાર તરીકે જ નહીં, એક માણસ લેખે પણ એવરેસ્ટ જેટલી હાઈટ. તેમનો સ્નેહ પામ્યાનો મને અપાર આનંદ છે.

 

ખૂબ જ નિર્મળ વ્યક્તિત્વ. સાલસ. કોઈને છેતરવાની વૃત્તિ નહીં. કોઈને છેતર્યા નથી, હા, છેતરાયા છે ખરા. તેમના નામે પૈસા બનાવનારને પૈસા બનાવવા દીધા છે, વચ્ચે આડા આવ્યા નથી. તે કશાથી બે ખબર નહોતા. ખોટી બેઆની કેમ ચલાવવી એની તેમને ખબર હતી, એ પ્રયુક્તિ તે સારી પેઠે જાણતા હતા. પોતાની 'ખોટી બે આની' નામના લેખમાં એ તરકીબ તેમણે દર્શાવી છે. પણ ખોટા સિક્કા ચલાવવાનો જીવનમાં ક્યારેય પ્રયાસ નહોતો કર્યો, કેમકે ખોટા સિક્કાની સામે ખોટા સિક્કા મળતા હોય છે એ વાત ફિલસૂફ હોવાને કારણે સમજતા હતા. તેમના અવસાનના બે અઠવાડિયાં અગાઉ તેમનું પુસ્તક 'અમે બધાં' છાપવા માટે અહીંના પ્રકાશકે તેમને એક પત્ર લખ્યો હતો. અમદાવાદ આવતા એક લેખક મિત્રને તેમણે કહ્યું : 'તમે અમદાવાદ જાવ છો તો પ્રકાશકને મળજો. કહેજો કે 'અમે બધાં' મેં અને ધનસુખલાલ મહેતાએ સાથે લખેલું એટલે એની રોયલ્ટીમાં તેમનો પણ એટલો જ હિસ્સો છે. મને માત્ર મારા ભાગના પૈસા મોકલે ને ધનસુખલાલના પૈસા તેમની દીકરીઓને મોકલી આપે. . .' મૂળે તે આનંદલોકના આત્મા હોઈ કોઈની સાથે ક્લેશકર વર્તન કર્યું નથી. પોતાનો અણગમોય તેમણે હળવાશથી રજૂ કર્યો છે.

રામનારાયણ વિ. પાથકના અવસાન પ્રસંગે મુંબઈમાં એક શોકસભા ભરાયેલી, જેમાં જ્યોતીન્દ્ર વક્તા હતા. તે શોકાંજલિ આપવા ઊભા થયા. જ્યોતીન્દ્ર માત્ર હાસ્યકાર જ નહીં, એક દાર્શનિક પણ ખરા, એટલે તેમની ગંભીર-અગંભીર કોઈ પણ વાત રસપ્રદ હોય. શ્રોતાઓ એક કાન થઈ તેમને સાંભળતા હતા. સ્ટેજ પર બેઠેલ બે-ત્રણ સાહિત્યકારો અંદરોઅંદર સતત વાતો કર્યા કરતા હતા. આથી જ્યોતીન્દ્રને બોલવામાં ખલેલ પહોંચતી હતી. વાતો કરનારાઓનું ધ્યાન ખેંચવા તેમણે બે વખત પાછળ જોયું, પણ કંઈ ફેર ન પડ્યો એટલે પોતાના વક્તવ્યને ટૂંકાવતાં તે બોલ્યા : 'મારી પાછળ પણ ઘણા વક્તાઓ છે એટલે હું બેસી જાઉં છું. . .'

 

પોતાના વિશે તે ભાગ્યે જ કશું બોલતા. પોતે શું છે એની ખબર તેમણે પોતાના સુધી જ સીમિત રાખી હતી. એક દિવસ તેમના ઘેર હું બેઠો હતો. અંગ્રેજી મીડિયમમાં ભણતો તેમનો દોહિત્ર ઉત્પલ તેમની સાથે વાતો કરતો હતો. આગલા દિવસે જ્યોતીન્દ્રભાઈએ એક જાહેરસભામાં પ્રવચન કરેલું એનો પ્રતિભાવ આપતો નાનો દોહિત્ર તેમને પૂછતો હતો : 'તમે બોલતા હતા ત્યારે બધા હસાહસ કેમ કરતા'તા? તમે કશુંક 'ફની' બોલતા'તા?' આ પ્રશ્નના જવાબમાં જ્યોતીન્દ્ર બાળક સામે જોઈ મરક મરક હસતા હતા. . . પોતાની અંગત વાતો તેમણે ખાસ જાહેર કરી નથી. તેમના વિશેની સ્થૂળ વિગતો બહુ ઓછી ઉપલબ્ધ છે, તે જણાવવાનો ઉત્સાહ તેમણે ક્યારેય નથી બતાવ્યો. જ્યોતીન્દ્રભાઈ વિશેની અતિઅલ્પ માહિતી આપણી પાસે છે. જો કે તેમના અવસાનના ચારેક દિવસ અગાઉ તારક મહેતા તેમની પાસે ગયા હતા ને પોતાની 'ઑબિચ્યુઅરી' લખવા જણાવ્યું હતું, જેનાં થોડાંક પાનાં તેમણે આ રીતે લખ્યાં હતાં.

 

'એ ગૃહસ્થે ચોરી કરી નથી, ધાડ પાડી નથી, લૂંટ ચલાવી નથી. (એ માટે જોઈતી હિંમત અને ચતુરાઈ એનામાં હોય તો ને?) એણે કોઈના પૈસા ખાધા નથી. (આમ તો ઓછું જ ખાય છે) પૈસા ખવડાવ્યા છે ખરા, અને એમ કરીને ભૂખ્યાજનોનો જઠરાગ્નિ શાંત કર્યો છે. લાભ ન થાય તો એ જૂઠ્ઠું બોલતો નથી.' 'પણ એની સિદ્ધિઓ નકારાત્મક જ નથી, હકારાત્મક જ છે. એને ગળિયારા પારિતોષિકો ઉપરાંત બબ્બે સુવર્ણચંદ્રકો મળ્યા છે, જે હજી એણે વેચવા કાઢ્યા નથી. સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ચુંટાઈ આવ્યા હતા. વક્તૃત્વકળા ઉપર એ સારો કાબૂ ધરાવે છે. નિષ્ઠાપૂર્વક નોકરી કરી અત્યારે નિવૃત્ત જીવન ગાળે છે અને સૌથી વિશેષ તો જન્મથી જ નબળી તબિયત છતાં લગભગ આઠ આઠ દાયકા સુધી ટકી રહ્યો છે. કાળ ભારે ઝડપી દડાફેંક છે પણ હજી લગી 'નોટ આઉટ' રહેલા એમને ધરખમ બેટધર કોણ નહીં કહે!' જોકે આગળ પણ ઘણું બધું લખવા તે ઇચ્છતા હતા, પણ તેમના પરિવારના સભ્યોને એ ઉચિત નહીં જણાતાં આ વાત ત્યાં જ અટકી પડેલી. બાકી એમણે 'ઑબિચ્યુઅરી'માં ચોક્કસ લખ્યું હોત કે 'એ જન્મેલોય હૉસ્પિટલમાં ને અવસાન પણ હૉસ્પિટલમાં જ પામ્યો, અલબત્ત બન્ને હૉસ્પિટલો જુદી જુદી હતી – ને બંને હૉસ્પિટલોની વચ્ચે એણે જીવી નાંખ્યું. . .'

 

ગુજરાત માટે તે જેમ ખોટના હાસ્ય લેખક હતા, તેમ મા-બાપ માટે તે ખોટના પુત્ર હતા. તેમના જન્મ પહેલાં સાતથી આઠ ભાઈબહેન અવસાન પામેલાં. પુત્રના લક્ષણ પારણામાંથી પરખાય એ રીતે તેમની વિનોદવૃત્તિ બચપણથી જ ઝબકી હતી. તે થર્ડ સ્ટાંડર્ડમાં હતા ત્યારે વિજ્ઞાનના શિક્ષકે એક દિવસ વર્ગમાં કહ્યું : 'ગરમીથી પદાર્થ ફૂલે ને ઠંડીથી સંકોચાય છે.' ત્યારબાદ તેમણે દરેક વિદ્યાર્થીને એક એક ઉદાહરણ આપવા જણાવ્યું. જ્યોતીન્દ્રનો વારો આવ્યો એટલે શિક્ષકે તેમને ટોળમાં કહ્યું : 'મોટાભાઈ, તમે દાખલો આપો. . .' શિયાળાની રજાઓ તરત જ પૂરી થઈ ગઈ હતી તેના સંદર્ભમાં જ્યોતીન્દ્ર બોલ્યા : ઠંડીને લીધે શિયાળાની રજા સંકોચાઈને ટૂંકી થઈ જાય છે ને ગરમીને લીધે ઉનાળાની રજા વિકસીને લાંબી થઈ જાય છે.' તેમનો જવાબ સાંભળીને શિક્ષક સિવાયના બધા હસી પદ્યાને 'હાથ ધર સુવ્વર, મારી મજાક કરે છે?' એમ કહીને શિક્ષકે તેમને સોટીએ સોટીએ મારીને હાથ સુજાડી દીધો. ભણવામાં અત્યંત મેધાવી પણ વય અને કદને લીધે પરીક્ષામાં બેસવા દેવાની ના પાડી એટલે જ્યોતીન્દ્રે ભેંકડો તાણી મોટેથી રડવા માંડ્યું. એ વખતે શાળામાં આવેલ ડેપ્યુટી એજ્યુકેશન ઇંસ્પેક્ટરનું ધ્યાન ખેંચાતા તેમણે પૂછ્યું : 'આ છોકરો કેમ રડે છે?' ને કારણ જાણ્યું કે પરીક્ષામાં બેસવા દેવાની ના કહેવાથી રડે છે એટલે ખુદ સાહેબે પરીક્ષા લીધી. પૂછેલા પ્રશ્નોના ફટાફટ જવાબો મળતાં તેમને સીધા બે ધોરણો કુદાવી ઉપરના ધોરણમાં બેસાડવામાં આવેલા.

 

તેમને શાસ્ત્રીય સંગીતની પણ સારી એવી જાણકારી હતી. ક્લાસિકલ મ્યુઝિકનું તેમનું જ્ઞાન એટલું સૂક્ષ્મ હતું કે પંડિત ઓમકારનાથ ઠાકુર જેવા વિશ્વપ્રસિદ્ધ ગાયક પણ તેમની સાથે સંગીતની ચર્ચા કરવા તત્પર રહેતા. તે દિલરુબા અને સિતાર વગાડી જાણતા. એક વખત એક મિત્રે તેમને જણાવ્યું કે સિતારમાં જે તાંત છે તે બકરીનાં આંતરડાંમાંથી બનેલી હોય છે. આ સાંભળીને જ્યોતીન્દ્રભાઈએ ઠાવકા ચહેરે કહ્યું હતું : 'મને પણ એમ જ લાગે છે. તમે સિતાર વગાડો છો ત્યારે બકરીની આંતરડી કકળતી હોય એવો અવાજ તેમાંથી નીકળે છે. . .' પોતાના વિશેની આવી બધી વજનદાર વાતો તેમણે જાહેરમાં કરી નથી. જ્યોતીન્દ્રની હાજરજવાબી લાજવાબ, બિરબલને ભૂલી જવાય એવી. માછલી પાણીમાં તરતી હોય એટલી સરળતાથી નર્મ-મર્મના તણખા તેમની વાતચીતમાંથી અનાયાસ ઝર્યા કરે.
તેમને કોઈએ પ્રશ્ન કર્યો : 'જ્યોતીન્દ્રભાઈ, બાળસાહિત્યમાં તમારું કોઈ પ્રદાન ખરું?'


'હા' જ્યોતીન્દ્રએ તત્કાળ માહિતી આપી. 'મેં બાળકો આપ્યાં છે. . .'


'નાના હતા ત્યારે તમે શું કરતા હતા?'


'મોટો થતો હતો. . .'


જ્યોતીન્દ્ર વિનમ્ર પણ ઘણા. કોઈ તેમની પ્રશંસા કરે તો પણ જાણે અન્યની વાત થતી હોય એવા ભાવ સાથે તે આખીય ઘટના સામે જોતા. તેમના વિશે 'કુમાર'માં મેં એક શબ્દચિત્ર દોર્યું હતું. અંક મોકલી તેમનો પ્રતિભાવ જાણવા મેં તેમને પત્ર લખ્યો. તેમણે પ્રત્યુત્તર ના દીધો. પછી રૂબરૂ મળ્યા ત્યારે મેં તેમને પૂછ્યું 'તમારા પરના લેખ અંગે તમે કેમ કોઈ પ્રતિભાવ ન આપ્યો?' ત્યારે ઠાવકા ચહેરે તે બોલ્યા : 'શેનો આપું? તમે મારાં વખાણ કરીને મને છાપરા પર ચડાવી દીધેલો જે!' કોઈકે કહ્યું છે કે પ્રશંસાથી એક ફૂટબોલ જ નથી ફુલાતો, કેમ કે તે હવાથી ફૂલે છે. . . હવાથી નહીં ફુલાતા જ્યોતીન્દ્ર પ્રશંસાથી પણ ક્યાં ફુલાતા'તા?

 

મૂળે તે આત્મરતિનો જીવ નહીં. પોતાના પ્રગટ થયેલા બધા લેખોના કટિંગ્સ સાચવેલા નહીં. પુસ્તકો બાબત પણ ખાસ કાળજી લીધેલી નહીં, કે ઉમંગ બતાવેલો નહીં અને એટલે જ તેમનાં પુસ્તકો હાલ પ્રાપ્ય કરતાં અપ્રાપ્ય વધારે છે. તેમના લેખોમાંથી ચૂંટીને એક સંપાદન કાર્ય કરવા માટે તેમનાં પુસ્તકો એકઠાં કરવામાં મને સારો એવો સમય લાગ્યો હતો. એમાંય તેમની 'રેતીની રોટલી' માટે તો કોઈ શ્રમજીવીને રોટલી મેળવતાં પડે એટલો પરસેવો મને પડ્યો હતો. ઘણી લાઇબ્રેરિઓ ફેંદી નાંખી. એક સિનિયર લાઇબ્રેરિયને તો સ્પષ્ટ કહી દીધું કે આ નામની કોઈ ચોપડી જ પ્રગટ થઈ નથી. મેં ભારપૂર્વકે કહ્યું કે, 'ભાઈ, એ પ્રગટ થઈ છે એટલું જ નહીં, મેં અગાઉ વાંચી છેય ખરી. . .' ત્યારે તેણે 'ના હોય!' કહીને આશ્ચર્ય વ્યક્ત કરેલું. હા, એક લાઇબ્રેરીમાં આ પુસ્તક હતું. લાઇબ્રેરિયને મને કહ્યું : 'તમે લેખકનું નામ કહો. . .' જ્યોતીન્દ્ર-' બોલું એ પહેલાં જ આંગળી ચીંધી તેણે માર્ગદર્શન દીધું : 'સામે (દ) લખ્યું છે એ ઘોડામાં 'જ'માં જુઓ. . .' એ ઘોડામાં જોયું તો જ્યોતીન્દ્રને બદલે જેમ્સ હેડલી ચેઝનાં પુસ્તકો હતાં. હાસ્યના ખાનામાં જોયું તો ચંબલના ડાકુઓ હસતા હતા. 'રંગતરંગ' ભાગ પહેલો બાળસાહિત્ય વિભાગમાં હતો. પછી એક બહેનની મદદથી પુસ્તક મળ્યું.


તેમણે પ્રશ્ન કર્યો : 'કઈ ચોપડી કહી તમે?'


'રેતીની રોટલી'. મેં ઉત્તર આપ્યો.


'હં. . . કહીને તરત જ 'રેતીની રોટલી' તેમણે પાકશાસ્ત્રના ખાનામાંથી 'રસીલાનું રસોડું'ની બાજુમાંથી શોધીને કાઢી આપી. . .

 

જ્યોતીન્દ્રનું વ્યક્તિત્વ એવું હતું કે તે શોકસભામાં બોલવા ઊભા થાય તો પણ લોકો હસવા માંડે. તારીખ 11-9-1980 રોજ તે અવસાન પામ્યા. ગુજરાતી સાહિત્ય પરિષદે તેમની શોકસભા ભરી હતી. આ શોકસભામાં અમે – વક્તાઓએ – જ્યોતીન્દ્રની વાતો કરી; મોઢા પર રૂમાલ દબાવીને પ્રેક્ષકો હસતા હતા. – હાસ્યલેખકના જીવનની આનાથી મોટી સાર્થકતા બીજી કઈ હોઈ શકે!. .


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ouvp-KEfYssOubky59rCD8ZVkHftjRdaibW2%3DfO%3D9oJ7A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment