Monday 28 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ દીકરીને હંમેશાં પિતાનો ખભો વહાલો હોય... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દીકરીને હંમેશાં પિતાનો ખભો વહાલો હોય!
દિલની વાત-દિનેશ દેસાઈ

amdavadis4ever@yahoogroups.com

અંગ્રેજી સાહિત્યકાર અર્નેસ્ટ હેમિંગ્વેએ કહ્યું છે કે 'પ્રત્યેક દીકરીની લાગણીના તાર તેના બાપના હૃદય સાથે અજોડ રીતે જોડાયેલા હોય છે. દીકરી જન્મે ત્યારથી લઈને દીકરી લગ્ન પછી તેના બાપથી વિખૂટી પડે ત્યાં સુધી જ નહીં, જીવનપર્યંત લાગણીનો લીલોછમ નાતો અકબંધ રહે છે.'

દીકરી વિશે ઘણું બધું લખાયું છે. જીવનમાં દીકરી બે વખત પિતાનો ખભો ભીનો કરે છે, એક તો બાળપણમાં તેને તેડીને ખભે માથું મૂક્યું હોય ત્યારે અને બીજી વાર જ્યારે દીકરી પરણીને સાસરે જઈ રહી હોય છે. એક અર્થમાં દરેક દીકરી માટે પોતાનો બાપ આઈડલ-આઈકોન હોય છે. કોઈ પણ છોકરી માટે સપનાનો રાજકુમાર ભલે કોઈ પણ હોય, તેના માટે કિંગ તો હંમેશા પિતા જ હોય છે. દીકરીના જીવનમાં પહેલા પુરુષ તરીકે, એક આદર્શ તરીકે હંમેશા પિતાનું સ્થાન અકબંધ હોય છે. દીકરીએ પોતાના બાપને ખૂબ નજીકથી નિહાળ્યા હોય છે.

પત્ની અને દીકરી, જો આ બેમાંથી તમારે કોઈ એકની પસંદગી કરવાની હોય તો તમે કોની પસંદગી કરો? સવાલ લાગણીનો છે. આમ તો કોઈ પણ પુરુષ રડે નહીં અથવા એ કોઈક ખૂણામાં આંખો ભીની કરીને મોંને પાણીથી ધોઈ લે. પરંતુ જ્યારે તમે રડતા હો, ત્યારે પત્ની તમારી નજીક આવીને આંખમાંથી નીકળતા આંસુ લૂછી આપે એના કરતા તમારી દીકરી તમારી પાસે આવીને તમારો આંસુભીનો ચહેરો એના દુપટ્ટાથી લૂછી આપે એ ક્ષણો અમૂલ્ય હોય છે.

મહત્ત્વની વાત એ છે કે પત્ની દરેક પતિના પડછાયાની માફક સાથે રહે છે એ કબૂલ. પરંતુ દીકરી પોતાના બાપની આંખમાં આંસુ જોઈ શકતી નથી એટલે તે આંસુ લૂછી આપવાની સાથે સાથે બાપની જોડે જ રડવા માંડે છે, રડી પડે છે. દીકરી કહેતી હોય છે: પપ્પા, તમે રડો નહીં... તમે રડો છો તેથી મને પણ રડવું આવે છે. દીકરીની જેમ પત્ની તમારી સાથે રડવા બેસી જાય એવું ન પણ બને. ન જ બને.

બીજી મહત્ત્વની વાત એ કે ઘણા બધા પતિ મહાશયના જીવનમાં પત્ની કદાચ ઘણી વાર તેના (પુરુષ) માટે આંસુનું કારણ બની રહે એવું બને. પરંતુ દીકરી ક્યારેય કોઈ બાપ માટે આંસુનું કારણ બની હોય એવું નથી હોતું. (અપવાદરૂપ કિસ્સો હોય તો એ અલગ વાત છે.) દીકરી તો હંમેશા બાપના આંસુનું મારણ બનીને બાપની નિકટ આવતી હોય છે. કદાચ એ જ કારણે ક્ધયાવિદાય ટાણે મા કરતા બાપને વધુ વેદના થાય છે. એ પણ હકીકત છે કે દરેક સ્ત્રી એટલે કે મા રડી શકે છે, પરંતુ પુરુષો આસાનીથી રડી શકતા નથી. બસ, દરેક પુરુષના જીવનમાં આ એક જ દિવસ એવો હોય છે કે જે દિવસે પુરુષ જિંદગીમાં પહેલી અને કદાચ છેલ્લી વાર જાહેરમાં રડી લે છે. એ છે ક્ધયાવિદાયનો પ્રસંગ.

દીકરીના જન્મથી લઈને તે વીસ-બાવીસ વર્ષની થાય ત્યાં સુધીમાં તો દરેક બાપને તેના પ્રેમ-વાત્સલ્યની જાણે આદત પડી જાય છે. બાપ માટે દીકરી ક્યારેક મા બનીને કાળજી લે છે, ક્યારેક દાદી બનીને વડીલની અદાથી સમજાવે પણ છે તો ક્યારેક મિત્ર બનીને હૂંફ પણ આપે છે. સુખ હોય ત્યારે દીકરી બાપના હોઠનું સ્મિત બની રહે છે. અને દુ:ખમાં બાપના આંસુ લૂછતી હથેળી બની જાય છે.

કવિ કાલિદાસની અમર કૃતિ 'અભિજ્ઞાન શાકુંતલમાં' દીકરી શકુન્તલાને વિદાય આપતી વેળાએ કણ્વ ઋષિ કહે છે: સંસાર છોડીને સંન્યાસી બનેલા અમારા જેવા વનવાસીને પણ ક્ધયાવિદાયનું જો આટલું દુ:ખ થતું હોય તો સંસારીઓને કેટલું બધું દુ:ખ થતું હશે?

દીકરી જ્યારે પરણીને સાસરે જાય છે ત્યાર પછી એને સૌથી વધારે યાદ બાપની જ આવે છે. દીકરી બાપ સાથે લાગણીના તારથી જોડાયેલી હોવા છતાં તેને મન થાય ત્યારે તે બાપને મળવા જઈ શકતી નથી. તેને ગમે ત્યારે બાપ પાસે દોડી જવાનું મન થાય પણ તે એવું કરી શકતી નથી. મોટા ભાગના કિસ્સાઓમાં દીકરીને તેના પતિ જ્યારે લઈ જાય ત્યારે જ તે બાપના ઘરે મળવા જઈ શકતી હોય છે. એકલી દીકરી પિતાના ઘરે જવાના કિસ્સા ઓછા હોવાનું કારણ એ પણ ખરું કે લગ્ન પછી દીકરી માટે તેના પતિના સુખમાં જ પોતાનું સુખ સમજવાનું હોય છે. એક તરફ પતિને એકલા મૂકીને બાપના ઘરે જવાનું દીકરી પસંદ ન પણ કરે. આવા કશ્મકશભર્યા સંજોગોમાં જ્યારે પતિ તેની પત્નીને પિતાના ઘરે થોડા સમય માટે પણ રહેવા માટે લઈ જાય ત્યારે દીકરીને પિતા અને પતિ એમ બેઉના સાંનિધ્યમાં રહેવાનું સુખ એકસાથે સાંપડે છે, જે તેના માટે જીવનની ધન્ય ક્ષણો બની રહે છે.

એક પરિણીત સ્ત્રી પતિ અને પિતા નામના બે છેડાના સામસામા કિનારા જેવા સ્વભાવ ધરાવતી બે વ્યક્તિ વચ્ચે જાણે વહેતી નદી જેવી હોય છે. એ પતિને વારંવાર કહી શકતી નથી કે 'તમે મારી સાથે મારા પિયર આવો અને પિતાને કહી શકતી નથી કે તમે મારા સાસરામાં આવીને રહો.' એથી દીકરી જ્યારે પોતાના પતિ સાથે પિયરમાં થોડા દિવસ રહેવા આવે છે ત્યારે એક છત તળે પિતા અને પતિના સાંનિધ્યમાં તેને એવી તૃપ્તિ મળે છે માનો કોઈ શ્રદ્ધાળુને એકસાથે રામ અને કૃષ્ણના દર્શન થયા હોય!

દરેક દીકરીના બાપે ભગવાનને એક જ પ્રાર્થના કરવી જોઈએ: "પ્રભુ, તું સંસારના સઘળા પુરુષોને ખૂબ સમજુ અને શાણા બનાવજે, કેમ કે એમાંથી કોઈક મારી દીકરીનો પતિ બનવાનો છે. સંસારની બધી સ્ત્રીઓને તું ખૂબ પ્રેમાળ બનાવજે, કેમ કે એમાંથી કોઈક મારી દીકરીની સાસુ કે નણંદ બનવાની છે. ભગવાન, તારે આખી દુનિયાનું પુન:નિર્માણ કરવું પડે તો કરજે પણ મારી દીકરીને કોઈ વાતે દુ:ખ પડવા દઈશ નહીં!

જો સંતાનમાં દીકરી ન હોય તો પિતા-પુત્રીના પ્રેમની ઘનિષ્ઠતા સમજી શકાતી નથી. દીકરી ન હોય ત્યારે પુત્રવધૂને દીકરી બનાવીને હેત વરસાવી શકાય. એટલું કરી શકાય કે ગમે તેવું મન-દુ:ખ થાય કે તનાવ ઊભા થાય તો પણ પુત્રવધૂને તેના પિતા વિશે કોઈ કટુવચન કહેવા જોઈએ નહીં. કારણ કે કોઈ પણ દીકરી કોઈ પણ પ્રકારના દુ:ખ અને વિપદા એક સમયે સહન કરી લેશે પરંતુ પોતાના બાપ વિશે કોઈ દીકરી કટુવચન સહન કરી શકતી નથી. એમ કહી શકાય કે દીકરી ઈશ્ર્વરની વિરુદ્ધ બોલશો તો સાંભળી લેશે પરંતુ પોતાના બાપ વિરુદ્ધ તે એક શબ્દ પણ સાંભળી શકશે નહીં. વેદવાણી તો એમ કહે છે કે દીકરી તો દેવોનેય દુર્લભ છે. જેમને દીકરીનું વરદાન થયું છે, તે સૌ દેવો કરતા નસીબદાર છે. દીકરી એટલે કુદરતે લખેલી કવિતા. જેમાં સ્ત્રીને સમસંવેદન સાથેનું માતૃત્વનું વરદાન મળે છે તો પુરુષને કવિતા સાથે જીવવાના મુલાયમ આશીર્વાદ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsVEbLCXy0TiFXVcDossrExk7HMkUO6DmX_kygQ%3Dw9Nkg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment