Tuesday, 1 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ નવા વર્ષના સંકલ્પ લો, પણ પાળી બતાવજો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નવા વર્ષના સંકલ્પ લો, પણ પાળી બતાવજો!
પ્રાસંગિક-મુકેશ પંડ્યા

amdavadis4ever@yahoogroups.com

આજે નવા વર્ષની સોનેરી સવાર. જોકે, આ અંગ્રેજી કૅલેન્ડર પ્રમાણેનું નવું વર્ષ છે, પણ સર્વવ્યાપી એટલે કે વિશ્ર્વમાં સર્વત્ર છવાઇ ગયું હોવાથી, આપણે પણ એટલા જ ઉત્સાહથી ઉજવીએ છીએ. આપણે નિખાલસતાથી એ કબૂલ કરવું પડે કે વ્યવહારમાં તિથિને બદલે મોટે ભાગે આપણે તારીખ પ્રમાણે જ બધાં કાર્યો કરીએ છીએ. એટલું જ નહીં ઇંગ્લેન્ડ કે અમેરિકાના લોકો આજના દિવસની શરૂઆત કોઇને કોઇ સારા રિઝોલ્યુશન્સથી કરતાં હોય છે તેનો ચેપ આપણા ઘણા યુવાનોને પણ લાગ્યો છે અને એમાં કશું ખોટું પણ નથી. નવા વર્ષે નવા ઉમંગ અને ઉત્સાહથી નવા વિચારો કે શુભ સંકલ્પ પ્રમાણે જીવનની નવી શરૂઆત થાય એનાથી રૂડું બીજું શું હોઇ શકે ભલા?

જોકે, ખાટલે મોટી ખોડ એ છે કે મોટાભાગના લોકો સંકલ્પ લે છે, પણ તે પાળી નથી શકતા. તમને જાણીને નવાઇ લાગશે પણ અમેરિકામાં થયેલા સર્વે દ્વારા એ જાણવા મળ્યું છે કે જેટલા લોકો નવા વર્ષ નિમિત્તે સંકલ્પ લે છે એમાંના ૨૫ ટકા લોકો તો પહેલે મહિને જ એ તોડી નાખે છે અથવા તો તૂટી જાય છે અને વર્ષ પૂરું થાય ત્યાર સુધીમાં તો માત્ર ૮ ટકા લોકો જ એવા બચ્યા હોય છે જે સંકલ્પ પાળી બતાવે. મતલબ કે મોટા ભાગના લોકો (૯૨ ટકા) એવા હોય છે જે તેમણેે નવા વર્ષ નિમિત્તે જે વિચારેલું હોય છે તે પાળવામાં નિષ્ફળ જાય છે. આમ થવાનું કારણ એ છે કે વિચારોના પ્રવાહમાં વહી જઇ અતિ ઉત્સાહથી લોકો સંકલ્પ તો લે છે, પણ એ સંક્લ્પોથી તેમનું શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય ન જળવાતું હોય એવું પણ બની શકે. આવા સંજોગોમાં પણ જો સંકલ્પ ચાલુ રખાય તો ક્યારેક નુકસાન થઇ બેસે છે જ્યારે સંકલ્પનો મૂળ આશય તો એવો હોય છે કે સ્વયં સુધારણા થાય.પોતાનું કંઇક સારુ થાય. જો આ ઉદ્દેશ ન જળવાય તો બહેતર છે એ સંકલ્પ છોડી દેવો (અને લોકો એમ જ કરે છે). ઘણી વાર લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય એવું બનતું હોય છે. આવા સંજોગોમાં કેવા સંકલ્પ લેવા જોઇએ અને કેવા નહીં એની ચર્ચા પણ પશ્ર્ચિમના દેશોમાં થતી હોય છે જે આપણા માટે પણ એટલી જ ઉપયોગી છે. કેવા સંકલ્પો ન લેવા જોઇએ અને લ્યો તો કેવી રીતે પાળવા એ આપણે વિસ્તારથી જોઇએ, કારણ કે લીધેલા સંકલ્પ પૂરા ન થાય તો મનમાં એક જાતની ગુનાહિત લાગણીનો અનુભવ થાય છે.

૧) કેટલાક લોકો હવેથી સવારે હું વહેલો ઊઠી જઇશ એવો સંકલ્પ કરે છે જેથી કસરત કે મોર્નિંગ વોક થઇ શકે કે પછી ઓફિસમાં સમયસર પહોંચી શકાય. પણ સાહેબ ઊંઘ તો પૂરી થવી જ જોઇએ. તમારે વહેલા ઊઠવું હોય તો પહેલાં એ નક્કી કરવું પડે કે રાત્રે વહેલા સૂઇ શકશો? જો રાત્રે વહેલા સૂવાનું શક્ય ન હોય અને સવારે વહેલા ઉઠવાનું રાખશો તો ઊંઘ પરિપૂર્ણ ન થતાં તબિયત પર તેની અવળી અસર થશે. બકરું કાઢતા ઊંટ પેસે એવી સ્થિતિ થશે. આવા સંજોગોમાં તમે લીધેલો સંકલ્પ તૂટી જાય તો નવાઇ નહીં.

૨) જેમ પહેલા માળેથી બીજે માળે જવું હોય તો એક એક પગથિયું ચડીને જવું જોઇએ. લાંબા કૂદકા મારવાથી જલદી થાકી જવાય છે. કોઇ અશક્ય મોટો સંકલ્પ લઇ પાછળથી તોડી નાખવો, એના કરતાં શક્ય હોય એટલા નાના પણ પરિપૂર્ણ થાય એવા સંકલ્પ લઇ ધીરે ધારે આગળ વધો. આખા વર્ષનું લક્ષ્યાંક જ રાખવું જરૂરી નથી. જાન્યુઆરીમાં આટલું લક્ષ્યાંક પૂરું કરીશ, પછી ફાવટ આવશે તો ફેબ્રુઆરીમાં આટલું લક્ષ્યાંક પાર પાડીશ. આમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો. મોટી મોટી કંપનીઓ પણ પોતાની કામગીરીના ત્રિમાસિક સરવૈયા કાઢે છે અને સુધારા વધારા કરે છે, તમે પણ ઘીરે ધીરે પણ મક્કમ પગલે આગળ વધો.

૩) દેખા દેખીમાં સંકલ્પ ન લો. તમારી પત્ની અગિયારશ કરે છે તો હવેથી હું પણ અગિયારસ કરીશ એવો નિર્ણય લેતા પહેલાં વિચારો. પત્નીની આદત, કાર્યભાર અને સહનશક્તિ અલગ હોઇ શકે છે. એને નાનપણથી જ ઉપવાસની આદત હોઇ શકે, તેની ભૂખ સહન કરવાની શક્તિ તમારા કરતાં અલગ હોઇ શકે. તમે શરૂઆત એકટાણાંથી કરી શકો, પછી ટેવાઇ જાવ ત્યારે આગળ ઉપવાસ પણ કરી શકશો.

આ જ રીતે કોઇ વ્યસનની ખરાબ આદત એકાએક છોડવાનો સંકલ્પ ન લેતાં ધીરે ધીરે ઓછી કરવાનો નિર્ણય કરો. રોજની પચીસ સિગારેટ ફૂંકી મારવાની આદત હોય પછી એકાએક છોડી દો તો શરીર તેને જલદી સ્વીકારી નથી શકતું એવું આજનું તબીબી વિજ્ઞાન પણ કહે છે. જાન્યુઆરીમાં સિગારેટ પીવાનું પ્રમાણ ઓછું કરીશ, ફેબ્રુઆરીમાં એનાથી ઓછું એમ ધીરે ધીરે આગળ વધો.

૪) તમારા સંકલ્પમાં અન્ય કોઇને ન સાંકળો.ઘણા લોકો એવો સંકલ્પ લેતા હોય કે ફલાણું કામ થશે તો પત્નીને લઇને જાત્રાએ જઇશ કે સંતાનોને લઇને દેવદર્શને જઇશ વિગેરે વિગેરે, પરંતુ ઘણી વાર બધાનું સાથે નીકળવું શક્ય નથી થતું. તમે કાશી-મથુરા જવાનું નક્કી કર્યું હોય એ જ સમયે છોકરાઓ કહે કે હું તો મિત્રો સાથે સાઉથમાં જવાનો પ્લાન કરી બેઠો છું. એ તૈયાર હોય ત્યારે તમને કંઇક કામ આવી પડે. અને લીધેલા સંકલ્પ પૂરા ન થાય ત્યાં સુધી મન પર એક ભાર રહે છે. આ ભાર હેઠળ અન્ય કામ પણ બગડતા જાય છે.

સંક્લ્પ હોય કે કઠિન બાધા હોય તમારા દમ પર તમે જ લો. અન્યને સાંકળવાથી સંકલ્પને સમયમર્યાદામાં પૂરો કરતાં નાકે દમ આવી જાય છે.

૫) કોઇ ઘટનાના પ્રત્યાઘાત રૂપે સંકલ્પ ન લો. ઘણી વાર માણસને સ્મશાન વૈરાગ્ય આવી જતું હોય છે. કોઇ સગા-સ્નેહીની ચિતા ભડભડ બળતી હોય ત્યારે એવા વિચાર આવે કે આ શરીર તો ક્ષણભંગૂર છે. હું તો હવે બહાર નીકળીને ફલાણું છોડી દઇશ અને ઢીંકણાનો ત્યાગ કરી દઇશ, પણ આને સ્મશાનમાં આવેલું વૈરાગ્ય કહેવાય. જેવા ઘરે પાછા ફરીને આપણા કુટુંબમાં- આપણી માયા જાળમાં પાછા ફરીએ છીએ ત્યારે સ્મશાનમાં કરેલા તમામ નિર્ણયોનું બાષ્પીભવન થઇ જતું હોય છે.

ઘણી વાર કોઇ ભાઇને હોસ્પિટલમાં દાખલ કર્યા હોય તો તેમની બીમારી જોઇને આપણને પણ એમ થાય કે હું પણ હવે તબિયતનું ધ્યાન રાખું ફલાણા ભાઇને મીઠું કે સાકર ઓછા કરવાની સલાહ મળી છે તો હું પણ ઓછા કરી નાખું. અરે ભાઇ તેમની બીમારી, તેમની ખાણી-પીણી, રહેણી-કરણી અને શરીરની પ્રકૃતિ તમારા કરતાં અલગ પણ હોઇ શકે. તેમની બીમારીથી દુખી થઇને તાત્કાલિક કોઇ નિર્ણય ન લેતાં. તમારે હેલ્થ ચેક અપ કરાવીને પછી કોઇ સંકલ્પ કરવા જોઇએ. એક સત્યઘટના છે. એક ભાઇને રોજ મનમાં એમ થાય કે કે હવે ઉંમર થઇ છે, મારે પણ સાકર ઓછી કરવી જોઇએ. આ જ અરસામાં તેમની કંપનીમાં મેડિકલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાઇએ પણ હોંશે હોંશે તેમાં ભાગ લીધો. લોહીમાં કેટલી સાકર છે એ ચેક કરવામાં આવી તો ડૉક્ટરે એમને કહ્યું કે તમારા શરીરમાં સાકર ઓછી છે તમે ગળપણ ખાવાનું વધારો. બોલો, હવે કોઇ અધિકૃત તપાસ વિના એમણે ગળપણ ઓછું કર્યું હોત તો. આ જ રીતે મીઠાનું પ્રમાણ પણ પોતાની મરજી મુજબ ફાવે તેમ ઘટાડવું નહીં. આવા તબિયતને લગતાં કોઇ પણ સંકલ્પો લેતા પહેલાં શરીરની તપાસ કરાવીને પછી જ આગળ વધવું જોઇએ.

૬) ફેશન પ્રમાણે સંકલ્પ ન લો.

દેશ હોય કે વિદેશ, આજ-કાલના મોટા ભાગના યુવાનોનો સંકલ્પ શરીરને સ્લીમ (પાતળું) બનાવવાનો હોય છે. એક સમય હતો જ્યારે છોકરા કે છોકરી બેઉના શરીર જાડા કે મધ્યમ હતાં તો એ લોકો ખાતા-પીતા ઘરના કહેવાતા, પણ આજે પાતળા બનવાનો વાયરો વાયો છે. પાતળા બનવું આજના વિજ્ઞાન મુજબ સારું ભલે કહેવાતું હોય પણ એમ કરવા માટેના પણ કોઇ નિયમ હોય છે. અતિશય જાડી વ્યક્તિ સંકલ્પ લે કે હું આટલા સમયમાં આટલું બધું વજન ઉતારીશ અને ખરેખર ઉતારે પણ ખરો, જોકે આને લીધે નવી બીમારીઓ પણ શરીરમાં દાખલ થાય છે. ક્યારેક તો એની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી જાય છે. ફેશનમાં કે કોઇને દેખાડી દેવા ફટાફટ વજન નથી ઉતારવાનું, પણ શરીર સાચવીને જેટલું ઉતારી શકાય એટલું કોઇ નિષ્ણાતની સલાહ લઇને ઉતારવું જોઇએ.

૭) કઠોર સંકલ્પ લેતાં પહેલા સો વાર વિચારો. ઘણા સંસારમાં રચ્યા પચ્યા લોકો સાધુસંતો જેવી આકરી બાધા કે સંકલ્પ લે છે, પરંતુ સંસાર પણ એક તપ જ છે, તેમાંય ઘણી શારીરિક,માનસિક, આર્થિક કે સામાજિક તકલીફો આવતી હોય છે. કઠોરમાં કઠોર સંકલ્પ લેતા તો લેવાઇ જાય છે, પણ સંસારમાં રહીને પાળી બતાવવો ઘણી વાર મુશ્કેલ થઇ પડે છે.

ટૂંકમાં સંકલ્પ લઇને પછી પાળી ન શકો, એના કરતાં પાળી શકાય એવાં સંકલ્પ લેવા વધુ યોગ્ય છે. આખરે સંકલ્પ તો સ્વયં શિસ્ત (સેલ્ફ ડીસીપ્લીન) અને સ્વયં સુધારણા (સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ) માટે છે અને તેને લઇને શરીર કે મન પર જ માઠી અસર થતી હોય તો બહેતર છે સંકલ્પ લેતાં પહેલાં તેના તમામ પાસા વિશે શાંતિપૂર્વક વિચારવું.

વીશ યૂ હેપ્પી ન્યૂ યર.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsR4pHGUkoec9qo%2BG67SFLZ_U6oa-CSP0Cr-WybU7gwtw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment