Wednesday, 2 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જુમો ભિસ્તી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જુમો ભિસ્તી!
ધૂમકેતુ

 

 

 

આણંદપુરના એ ખૂણામાં ઝૂંપડાં જેવાં માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતાજતાનું લક્ષ ખેંચી રહેતાં. જૂની ખખડધજ આમલી ત્રણે મકાનોને ઢાંકતી. ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઊડતા. પતરાંનાં, પાટિયાંનાં અને ગુણિયાંનાં એમ અનેકરંગી થીગડાં મારેલી ખડકી ખુલ્લી રહેતી. અંદર એક ફાટેલ તૂટેલ સાદડી પર જુમો ભિસ્તી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય. જુમાએ સોનારૂપાનાં વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા તડકાછાંયા જોઇ લીધા હતા. જનમ્યો ત્યારે શ્રીમંત મા-બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. હજી એને સાંભરતું હશે કે પોતે દશ વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો. એ વખતે તેણે શોખની ખાતર એક પાડો પાળેલો. આજ અનેક રંગો જોયા પછી બંને જણા – વેણુ અને જુમો સાથે રહેતા. વેણુ નામ વિચિત્ર હતું. પણ જ્યારે પૈસાની છોળ આંગણે રેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા; તેમાંથી કોઇક સાહિત્યરસિક હિંદુ મિત્રે પાડાને આવું કુમળું – વેણુ જેવું નામ આપી દીધેલું. પછી તો એ ચાલ્યું. જુમો લક્ષાધિપતિ હતો; ભિખારી બની ગયો. વળી ચડ્યો, પાછો પડ્યો અને આજે છેવટે આ ત્રણ તૂટેલાં ઝૂંપડાંમાં એનો બધો સામાન સચવાઇ રહેતો. એકમાં વેણુ બાંધતો; વચ્ચે બારણું હતું તેમાંથે શેઠ ને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઇને બેસી રહેતા; અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું. અનેક મિત્રો આવ્યા, ગયા, મળ્યા અને ટક્યા—માત્ર જુમો અને વેણુ બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા.


આજ હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મસક ભરીને જુમો સવારના પાંચ વાગ્યામાં નીકળતો. વેણુની ઘંટડી ધીમે વાગતી હોય ને પાછળ એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય. બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠ ને નોકર બન્ને પાછા વળતા. જુમાએ એક પૈસાના ગાજર કે બહુ તો ટમેટાં કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ – જેને વેણુ પાછળથી ખાતો આવતો હોય – પાડા માટે લીધાં હોય. બસ, આ હંમેશની ખરીદી. આ જીવને આટલું કામ. એથી વધુ ક્યારેય કરવું નહિ, કોઇ વધુ કામ આપે તો લેવું નહિ, ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં. બપોરથી માંડીને છેક સાંજ સુધી જુમો હોકો ગગડાવ્યા કરતો; અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ, પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીંચીને ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય. શેઠ ને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા કરતા! છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઇ પાછા વળતા. વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા.


એક દિવસ સવારે પાંચ વાગ્યે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા. જુમાને વિચાર હતો કે પાડો થોડુંઘણું ચરે તો સારું; પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાઇનાં લક્ષણ નહિ! એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામો ઊભો રહે અને 'ના, નહિ ખાઉં' એમ સ્પષ્ટ સંભળાવી દે!


અને જુમો થાક્યો: 'ચાલ ત્યારે ઘેર જઇને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી છે!'


વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો, પોતાના પૂંછડાને બરડા પર પછાડ્યું ને જુમાની સામે જોઇ કાન ફફડાવીને 'રણક' કરતોકને તે ચાલ્યો. જીતના આનંદમાં પહેલાં તો એ થોડુંક દોડ્યો.


' જો! જો! હવે પાછો વાળું કે? દોડવાનું છે?' જુમાએ મોટેથી ઠપકાની બૂમ પાડી, પણ તે પહેલાં વેણુ તે રસ્તે ચડી ગયો હતો. રસ્તામાં આડે રેલવેની સડક હતી. જરાક ઉતાવળે ચાલતાં, પાડાનો પગ રેલના બે પાટાની વચ્ચે આવી ગયો, પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો, પણ ફોગટ. ધબ દઇને નીચે બેસી ગયો, ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. જુમો પાછળ હતો તે શ્વાસભેર દોડી આવ્યો. તેણે આવીને પાડાનો પગ લઇ આમતેમ મચડ્યો. પણ બધું વ્યર્થ!


આછું અંધારું ને આછો ઉજાશ હતો. થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. જુમાને પેટમાં ધ્રાસકો પડ્યો: 'ગાડી આવશે તો!'


તે એકદમ રસ્તા તરફ દોડ્યો. સવારમાં વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા. તેમના એકેક હાથમાં નેતરની સોટીઓ ઊછળતી હતી અને ખુશનુમા હવા લેવા માથા પરથી ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઇ લીધી હતી. ગાંડો દોડે તેમ જુમો દોડ્યો.


'એ ભાઇસા'બ! મારો વે….મારો પાડો, અબઘડી કપાઇ જશે. જુઓ પણે જુઓ –પાટામાં સપડાયો છે!'


બન્ને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું. કાંઇક કાળું કાળું તરફડતું લાગ્યું.


'શું છે?'


'મારો વેણુ—પાડો!'


'ઓહો!…. જ, જા, ફાટકવાળા પાસે દોડ….'


'તમે માબાપ, ટેકો દો તો પગ નીકળી જાય, જીવ બચે.'


'અમે? તું દોડ-દોડ—ફાટકવાળાને કહે!' એમ કહીને એ બન્ને જણા તો ચાલતા થઇ ગયા! જુમો ફાટકવાળા તરફ દોડ્યો, પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઇ માણસ ફરકતું લાગ્યું નહિ. એટલામાં છેડે ગાડીની સિસોટી સંભળાઇ. જુમાએ ચારે તરફ નિરાશ દૃષ્ટિ ફેંકી. પણ માણસનું કોઇ છૈયું સરખુંયે જણાયું નહિ. ઝપાટાબંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો. સાંકળ ખેંચી. ઘંટીના અવાજમાં તેનો સાદ સંભળાય તેમ હતું નહિ! તેણે જોરથી બારણામાં પાટું માર્યું.'એ કોણ?'


'એ ચાલો! ભૈ-બહેન! સિંગ્નલ ફેરવો, મારું જનાવર કચરાઇ જશે.'


'ઘેર કોઇ ભાઇ માણસ નથી!' – બસ. આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી.


હવે ટ્રેનનો અવાજ પણ સ્પષ્ટ સંભળાવા લાગ્યો.


'દોડો! દોડો!….મારું જનાવર કપાય છે!' જુમાએ હતુ તેટલું બળ કરીને ચીસ પાડી; પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી!


જુમાએ આકાશ તરફ જોયુ. છેલ્લો તારો આથમતો હતો. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી.


'યા પરવરદિગાર!' તેણે મોટેથી બૂમ પાડી.


એટલું બોલીને જુમો એકદમ દોડ્યો. વ્યર્થ મહેનત પછી વેણુ હાંફતો પડ્યો હતો. તેની ગોદમાં તે ભરાઇ બેઠો. વેણુએ તેને શાંત રીતે ખંજવાળ્યા કર્યું.


'દોસ્ત! ભાઇ! વેણુ! આપણે બન્ને સાથે છીએ, હો!' અને એમ કહીને જુમો છેક તેના પગ પાસે પડ્યો.


દર પળે ટ્રેનના ધબકારા વધ્યા, સિસોટી પર સિસોટી થઇ. જોસબંધ ફરતાં પૈડાં સંભળાયાં. જુમો વેણુને ભેટી પડ્યો, પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ, પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઊંચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો!


વેણુ પર થઇને આખી ટ્રેન ચાલી ગઇ, તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાઇ ગયું. તેને કળ વળીને બેઠો થયો, ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટાછવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઇ પણ નામનિશાન રહ્યું ન હતું!


હજી પણ હંમેશાં જુમો સવારનાં જ એકલો, અશાંત, એ રસ્તે ફૂલ લઇને આવતો દેખાય છે અને એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને 'વેણુ!….વેણુ!…. વેણુ!' એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsRup%3D5aKR-4u6qBrOunqQ4gKB%2BPCwON7y3zJv95iNcGQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment