| સૌપ્રથમ વાચકોને નવા વરસની શુભેચ્છા સાથે દરેક ક્ષેત્રે સમાન અધિકાર મળે તેવી શુભેચ્છા. આમ તો હું મંદિરમાં પ્રવેશ બાબતે આગ્રહ રાખવાની વિરોધી છું, કારણ કે મંદિર કરતાં પાર્લામેન્ટમાં આપણે પચાસ ટકા પ્રતિનિધિત્વ કરી શકીએ તે વધારે મહત્ત્વનું છે. તે છતાં ૧ જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે કેરળમાં યોજાનાર વિમેન વોલને મારું સમર્થન છે. સબરીમાલામાં સ્ત્રીઓને સમાન અધિકાર હેઠળ પ્રવેશ આપવો જોઈએ એવો સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં છ મહિનાથી ત્યાં માસિક આવતું હોય એવી સ્ત્રીઓને એટલે કે ૧૧ થી ૫૧ વરસની સ્ત્રીઓને પ્રવેશ નથી જ અપાતો. પિતૃસત્તાક માનસિકતા ધરાવતી રાજકીય પાર્ટીઓ પણ સુપ્રીમ કોર્ટના આદેશને માનવા તૈયાર નથી. તેનો વિરોધ કરવા સ્ત્રીઓ દ્વારા શાંતપણે ૬૨૦ કિલોમીટર લાંબી માનવ સાંકળ રચીને પોતાના સમાન અધિકારના હક્કના વિરોધ સામે દીવાલ બનીને ઊભા રહ્યા હતા. આજ મહત્ત્વનું છે કે સ્ત્રીઓ સંગઠિત થઈને પોતાના અધિકારને મેળવે કારણ કે પુરુષને પોતાની સત્તામાં ભાગ પડે તે ન જ ગમે તે સ્વાભાવિક છે. પિતૃસત્તાક સમાજની દીવાલ સ્ત્રીઓને દીવાલની પેલે પાર જવાનો અધિકાર નથી આપતી. દીવાલને પેલે પાર ફક્ત પુરુષોને જવાનો અધિકાર છે ત્યાં સત્તાનું રાજકારણ છે. મને ખબર નથી કે એ સ્ત્રીઓમાં દલિત સ્ત્રીઓનો સમાવેશ થયો હશે કે નહીં. ઉચ્ચ જ્ઞાતિની સ્ત્રીઓ સમાન અધિકારને સમર્થન નહીં આપે એવું વાંચવા મળ્યું હતું એ તેમની માનસિક ગુલામી દર્શાવે છે.
બીજાં મંદિરોમાં પ્રવેશ માટે સબરીમાલા કે શનિદેવ જેવા કોઈ નિયમ નથી પણ સ્ત્રીઓ પોતે જ માસિક સમયે મંદિરમાં જવાનું ટાળે છે. તેમના ડીએનએમાં ગુનાહિત ભાવ ભરી દેવામાં આવ્યો છે. માસિક સ્ત્રીઓને અપવિત્ર બનાવી દે છે એવી માન્યતાને સજ્જડ રીતે સ્ત્રીઓના મગજમાં ફીટ કરી દેવામાં આવી છે. એમબીએ, એન્જિનયર કે ડોકરટ સ્ત્રીઓ પણ પોતાને આ દિવસોમાં અસ્પૃશ્ય માનતી હોય છે. ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે અમેરિકાના કેલિફોર્નિયામાં પણ સ્ત્રીઓ સંગઠિત થવાની હતી પણ છેલ્લી ઘડીએ કેન્સલ કરવામાં આવ્યું. ત્યાં પણ સ્ત્રીઓ સમાન અધિકાર માટે જ સંગઠિત વિરોધ જાહેર કરવા માગતી હતી, પણ તેમને સમજાયું કે દરેક વર્ગની સ્ત્રીઓ સંગઠિત નથી થઈ શકવાની. બ્લેક અને મજૂરવર્ગની સ્ત્રીઓની ગેરહાજરી હોય તો સ્ત્રીનું સંગઠન અધૂરું રહી જાય છે. ફક્ત વ્હાઈટ એટલે કે ગોરા વર્ગની સ્ત્રીઓ જ સંગઠિત થઈ શકવાની હોય તો સ્ત્રીનું પ્રતિનિધિત્વ અધૂરું રહે છે. તેઓ દરેક સ્તરની, વર્ગની સ્ત્રીઓને સાથે લઈને ચાલવાની હિમાયત કરે છે એટલે માર્ચ કેન્સલ કરી.
છેલ્લા સો વરસથી અનેક વાર સ્ત્રીઓ સમાન અધિકાર માટે સંગઠિત થઈ છે. તેમાંથી કેટલીક ચળવળ વિશે જ અહીં વાત કરીશ.સમાજના દરેક સ્તરે આ જાતીય અસમાનતા જોવા મળતી જ હોય છે. જે સ્ત્રીઓને સંઘર્ષ વગર જીવન જીવવાનો અધિકાર મળે છે તેમને સમાજમાં પ્રવર્તી રહેલી અસમાનતા અને ભેદભાવ દેખાતા નથી કે જોવામાં રસ નથી. એ સ્ત્રીઓને સુખસગવડ આપીને માનસિક રીતે અંધ બનાવી દેવામાં આવે છે. ન તો એ સ્ત્રીઓ પોતાની જાતે શું પહેરવું કે શું ખાવું કે ક્યાં ફરવા જવું તે સિવાયના કોઈ મહત્ત્વના નિર્ણયો લઈ શકે છે કે ન તો તેમને એ બાબતે પૂછવામાં આવતું. સામે તમે કહી શકો કે અમે તો અમારી મરજી મુજબ જ જીવીએ છીએ તો કહી ધ્યાન દોરું કે મોટાભાગના ઘરમાં સ્ત્રીઓ પિતા, પતિ કે સમાજને ગમે તેવા જ કપડાં પહેરવાનું પસંદ કરે છે. કેટલીય સ્ત્રીઓને કહેતાં તમે સાંભળી હશે કે અનુભવ્યું હશે કે ગરમીમાં પણ હાફ પેન્ટ કે પોતાને ગમતાં કપડાં નહીં પહેરી શકે. સુંદર દેખાવું અને અમુક જ કપડાં પહેરવાનો નિયમ પિતૃસત્તાક માનસિકતા ઘડતી હોય છે. પુરુષો ગમે ત્યારે બહાર જઈ શકતા હોય છે પણ સ્ત્રીઓને બહાર જવા માટે દસ વાર વિચારવું પડે કે રાત્રે મિત્રોને મળવા જવાનું તો વિચારી જ ન શકે. શહેરમાં રહેતી કેટલીક આધુનિક સ્ત્રીઓ હવે પોતાની રીતે જીવન જરૂર જીવે છે તે અપવાદરૂપ છે. વળી તેમની ટકાવારી પણ ઓછી.
સ્ત્રીઓ પાસે સમય છે, પરંતુ તેનો તેઓ રચનાત્મક ઉપયોગ કરવાને બદલે તેને સુખસગવડમાં વાપરે છે. તેઓ ધારે તો પોતાના શિક્ષણનો ઉપયોગ પોતાના અને ગરીબોના બાળકોને ભણાવવામાં કે ગરીબ સ્ત્રીઓના ઉત્કર્ષના કામમાં વાપરી શકે છે, પરંતુ તેમના પોતાના બાળકોને પણ તેઓ ભણાવતી નથી. ટયૂશનમાં મોકલી આપે છે. જો આધુનિક નારી પોતાના જીવનમાં કોઈ ઠોસ ફેરફાર નહીં લાવે તો તે સમાજના ચહેરાને બદલી શકશે નહીં કે સ્ત્રી-પુરુષ સમાનતા લાવી શકશે નહીં. કેટલા પુરુષો ઉચ્ચ વર્ગના પણ તમને કશું જ કામ કર્યા વિના બસ સુખસગવડમાં જ જીવન વ્યતીત કરતાં દેખાશે? દરેક સુખસગવડ હોવા છતાં પોતાના જીવનને જુદી રીતે જીવવાનો પ્રયત્ન સુધા મૂર્તિએ (જેઓ નથી જાણતા તેમના માટે ઈન્ફોસીસ કંપની શરૂ કરનાર નારાયણ મૂર્તિના પત્ની) કર્યો છે. તેઓ ખૂબ સાદાઈથી રહે છે અને સાથે અનેક સામાજિક કામો કરે છે. અક્ષય કુમારની પત્ની ટ્વિન્કલ ખન્નાએ પોતાનું આગવું વ્યક્તિત્વ વિકસાવ્યું છે. આવા કેટલાક ઉદાહરણો આપણી સમક્ષ છે જ. તે છતાં મોટાભાગની સ્ત્રીઓ પોતાનું વ્યક્તિત્વ વિકસાવવાને બદલે પિતા કે પતિ પર નિર્ભર રહે છે.
----------------------------
મિલિયન મોમ માર્ચ
મે ૨૦૦૦, મધર્સ ડેના વૉશિંગ્ટન ખાતે લાખો સ્ત્રીઓ હથિયાર માટે કડક કાયદાઓની માગણી કરતી ભેગી થઈ હતી. આ માર્ચ માઉથ પબ્લિસિટી દ્વારા જ થઈ હતી અને છતાં લાખો લોકો ભેગા થઈ શક્યા. અમેરિકામાં ગન કિલિંગમાં હજારો બાળકો મૃત્યુ પામે છે તેના વિશે કડક કાયદાઓ બનાવવાની માગ આ માતાઓ કરી રહી હતી.
-------------------------
સ્લટ વોક
૩ એપ્રિલ, ૨૦૧૧ના દિવસે કેનેડામાં પહેલી વાર માર્ચ થઈ હતી પછી વિશ્ર્વભરમાં તેના પડઘા પડ્યા હતા. જાતીય સતામણીનો ભોગ બનેલી યુવતીને એક કોન્સ્ટેબલે કહ્યું કે તું સ્લટ જેવા એટલે કે સેક્સી આમંત્રણ આપતા કપડાં પહેરે તો એવું જ થાય. સ્ત્રીઓ પર થતાં બળાત્કાર અને જાતીય સતામણી બાદ સ્ત્રીને જ આરોપી બનાવવાની માનસિકતાનો વિરોધ કરવા માટે આ ચળવળનું આયોજન થયું હતું. કપડાં સેક્સનું આમંત્રણ છે એવો આરોપ આપણે ત્યાં પણ થાય છે. તો પછી બાળકીઓ અને દલિત સ્ત્રીઓ પર બળાત્કાર શું કામ થાય છે એવા સવાલનો જવાબ પિતૃસત્તાક માનસિકતા ધરાવનાર પાસે નહીં હોય. આ સિવાય ધ માર્ચ ફોર વિમેન લાઈવ્સ, ટેક બેક ધ નાઈટ, સાઉદી અરેબિયામાં ડ્રાઈવિંગના અધિકાર માટે, ઈક્વલ રાઈટ્સ અમેન્ડમેન્ટસ વગેરે અનેક વખતે સ્ત્રીઓ રસ્તા પર આવીને સંગઠિત રીતે વિરોધ કરતી આવી છે. આપણે ત્યાં પણ પાણી માટે મૃણાલ ગોરેએ અનેકવાર સ્ત્રીઓના મોરચાનું નેતૃત્વ કર્યું છે. તો દિલ્હીના ગેંગરેપ બાદ દરેક શહેરમાં સ્ત્રીઓ રસ્તા પર ઉતરી આવી હતી. તે છતાં સ્ત્રીઓનો કેટલોક વર્ગ છે કે તેમને કશો જ ફરક નથી પડતો.
-------------------------
સફરેજ મૂવમેન્ટ
આ ચળવળની શરૂઆત ૧૮૪૮થી થઈ હતી. ન્યુયોર્કમાં સ્ત્રીઓના અધિકાર માટે સૌપ્રથમ મીટિંગ થઈ હતી. સુઝન એન્થની અને એલિઝાબેથ કેડી સ્ટેનટને એ મીટિંગનું નેતૃત્વ કર્યું હતું. વોટિંગનો અધિકાર પ્રથમ મુદ્દો હતો તે સમયે. ઓગણીસમી સદી સુધી તે માટે અનેક વિરોધ અને માર્ચ થયા.
--------------------------
બ્રા બર્નિંગ ચળવળ
૧૯૬૯માં મિસ અમેરિકા સ્પર્ધાના વિરોધમાં આ ચળવળ ફેમિનિસ્ટ ગ્રુપે કરી હતી. જોકે તેમણે બ્રા બાળી નહોતી પણ જાહેરમાં કાઢીને કચરાટોપલીમાં નાખી હતી. તેમનો વિરોધ હતો સૌંદર્ય સ્પર્ધા માટે બનાવાયેલા નિયમો જેમાં ફક્ત ગોરી સ્ત્રીઓ જ ભાગ લઈ શકે અને ચોક્કસ પ્રમાણનું શરીર ધરાવતી સ્ત્રીઓ જ ભાગ લઈ શકે. સમાન અધિકાર તો ઠીક પણ સૌંદર્યના પરિમાણ દ્વારા સમાજના મોટાભાગની સ્ત્રીઓને શોષિત જ રાખવાની પરંપરા સામે પણ તેમનો વિરોધ હતો. જોકે આજે પણ બ્યુટી કોન્ટેસ્ટમાં ચોક્કસ વય તેમ જ અંગઉપાંગોના માપને ધ્યાનમાં લેવામાં આવે છે.
---------------------------
લેડિઝ હોમ જનરલ સીટ ઈન
માર્ચ ૧૮ ૧૯૭૦માં સો એક જેટલી સ્ત્રીઓ કે જેઓ પત્રકાર, ફોટોગ્રાફર કે વિદ્યાર્થીઓ હતી તેમણે સ્ત્રીઓના મેગેઝિનમાં સ્ત્રીઓને જે રીતે રજૂ કરવામાં આવતી હતી તેનો વિરોધ હતો. તેમજ સ્ત્રીના મેગેઝિનમાં પિતૃસત્તાક માનસિકતા દ્વારા જ લેખ લખાતા કે જાહેરાતો આવતી. વળી આ મેગેઝિનો પુરુષો જ ચલાવતા, લખતા કે એડિટ કરતા. જોકે આજે પણ પરિસ્થિતિ ખાસ બદલાઈ હોય તેવું જણાતું નથી. સ્ત્રીઓના મેગેઝિનમાં ફેશન, વાનગી અને ખરીદીની વાતો જ મુખ્યત્વે હોય છે. આજે પણ ગ્લોસી મેગેઝિનો ઉથલાવીને જોશો તો ખ્યાલ આવશે કે સ્ત્રીઓ હવે પિતૃસત્તાક માનસિકતા વહન કરે છે.
|
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os%3DmYZH7a9yFy%3D%2B4ga4-J62Sexmmh376h3hq4%2BDZkx4rg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment