ભારતીયો જેની કલ્પના કરી રહ્યા હતા એ સ્તર પર નહીં, પણ ધીમી અને મક્કમ ગતિએ આગળ વધેલા મોદી સરકારના આ અભિયાનને હવે સફળતા મળે એવા ચિહ્નો હવે દેખાઇ રહ્યા છે. આ સરકાર જ્યારે પોતાના કાર્યકાળના અંતિમ વર્ષના અંતિમ મહિનાઓ તરફ આગળ વધી રહી છે ત્યારે સ્વિટ્ઝર્લેન્ડ તરફથી કેટલાક નક્કર આશ્ર્વાસનો મળ્યાં છે . સ્વિટ્ઝર્લેન્ડે જણાવ્યું છે કે એ બેકાયદેસર જમા કરાવેલા ભારતીયોના નાણાં વિશેની માહિતી ભારત સરકારને આપશે. ઉલ્લેખનીય છે કે આ સંબંધે સ્વિટ્ઝર્લેન્ડે ભારત સહિત ઘણા દેશો સાથે માહિતીના આદાનપ્રદાન અંગે કરાર તો કરી રાખ્યા છે. પરંતુ પાછલા કેટલાંક વર્ષોમાં આ કામ ગોકળગાયની ગતિએ જ આગળ વધતું હતું. જોકે, હવે સ્વિટ્ઝર્લેન્ડે એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે એ સાલ ૨૦૧૯થી તેની બૅન્કોમાં જમા ધનરાશિ વિશે નિયમિત રીતે ભારત સરકારને આપતું રહેશે. જોકે, હજુ એ નક્કી નથી થયું કે એ નવા ખાતાધારકો વિશે જ માહિતી આપશે કે આ વાયદાઓમાં જૂના જોગીઓને પણ સામેલ કરવામાં આવશે. જોકે સ્વિટ્ઝર્લેન્ડે એક વાતનો એકરાર કર્યો છે કે ૨૦૧૫ પછી સ્વિસ બૅન્કોમાં ધન જમા કરવાવાળા ભારતીયોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૪માં સ્વિસ બૅન્કોમાં નાણાં જમા કરાવનારાઓની યાદીમાં ભારત ૬૧માં ક્રમાંકે હતું તે નીચે ઊતરીને આ વખતે ૭૫માં ક્રમાંકે પહેંચી ગયું છે. આ સૂચિમાં સૌથી છેલ્લા ક્રમાંકે અફઘાનિસ્તાન તો સહુથી પહેલા અને બીજા સ્થાને અનુક્રમે બ્રિટન અને અમેરિકા છે. આ સૂચિથી એટલું તો સાફ થાય છે કે જે દેશ અમીર છે કે જેમાં અમીરોની સંખ્યા વધુ છે એ દેશના લોકોના સ્વિસ બૅન્કોમાં જમા નાણાં પણ વધુ છે. જોકે, એક વાત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે સ્વિસ બૅન્કોમાં જમા નાણા બધાં જ કંઇ કાળા કે ગેરકાયદેસર નથી, મતલબ કે ઘણા જેન્યુઇન ખાતાં પણ છે. જોકે, ભારત સરકારના આવકવેરા વિભાગે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેને માત્ર સ્વિટ્ઝર્લેન્ડ જ નહીં અન્ય ૭૦ દેશોમાં પણ કાળા નાણા હોવાની માહિતી મળી છે. આનો અર્થ એવો થયો કે ભારતીયોએ સ્વિટ્ઝર્લેન્ડ સિવાયના બીજા ૬૯ દેશમાં પણ પોતાના કાળાં નાણાં સંઘરી રાખ્યા છે. આવકવેરા વિભાગે આવા ૪૦૦ લોકોને નોટિસ મોકલી છે અને કેટલાક બીજા ઉપાયોથી પણ વિદેશમાં છુપાયેલું કાળું નાણું પાછું લાવવાની કસરત આદરી છે. જોકે, આ ઉપાયો અંગે તેમણે કોઇ ખુલાસા નથી કર્યા કારણ કે તેમને ડર છે કે આમ કરવાથી કાળુ નાણું પાછુ લાવવાના આ અભિયાનને નુકસાન થઇ શકે છે. હાલના વર્ષોમાં અલગ અલગ રીતે ભારત સરકારે ભારતીયો વિશે જે માહિતીઓ એકઠી કરી છે તેનાથી પણ એ વાત જાણવામાં ઘણી સહાયતા મળી રહી છે કે લોકો કેવી કેવી રીતે પોતાનાં નાણાં છુપાવી રહ્યા છે. સરકારને પાછલા ત્રણ વર્ષોમાં અધધધ ૩૦ હજારથી પણ વધુ જાણકારીઓ મળી ચૂકી છે જે વિદેશી લેણ દેણ સાથે જોડાયેલી છે. એવી આશંકા પણ છે કે આમાંની ઘણી લેવડદેવડનો સંબંધ કાળાં નાણાં સાથે હોઇ શકે.
સરકારે કેટલાક દેશો સાથે જાહેરમાં તો કેટલાક દેશો સાથે ખાનગીમાં નાણાકીય લેવડદેવડ અંગેની જાણકારીઓનું આદાનપ્રદાન કરવાનો કરાર કર્યો છે. હવે આ મહેનત રંગ લાવી રહી છે. સરકારે તેને મળેલા ડેટા (માહિતી) અનુસાર ઘણા લોકોના આવકવેરાના રિટર્ન્સ તેની સાથે મેળવી જોતાં જણાયું છે કે ઘણા લોકોએ સરાસર ખોટાં રિટર્ન્સ ભર્યાં છે. આવા લોકોને પણ હવે બક્ષવામાં નહીં આવે. આમાં એનઆરઆઇ લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. માત્ર એ લોકો જ નહીં, અબજોની સંપત્તિના માલિક હાઇ નેટવર્થ ઇન્ડિવિઝ્યુઅલ (એચએન આઇ) પણ આમાં સામેલ છે. તેમણે ભરેલાં રિટર્ન્સ અને તેમણે કરેલી લેવડદેવડોની જાણકારીએ એ વાતની પોલ ખોલી દીધી છે કે આ લોકો ક્યાંક તો કશુંક છુપાવી રહ્યા છે.
જોકે, હંમેશાં આવી બાબતોને પોતાની રીતે સેટલ કરી નાખવાની ગલતફહેમી પાળી બેઠેલા લોકો એવા હાવભાવ દેખાડી રહ્યા છે કે જાણે કશું જ બન્યું નથી. પરંતુ આવકવેરા વિભાગના ગુપ્ત સ્રોતોની વાત માનીએ તો સરકારે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની યોજના બનાવી લીધી છે. હવે તેને અંતિમ સ્વરૂપ આપવાનું કામ થઇ રહ્યું છે. બની શકે કે આવી યોજના પર કાર્યવાહી ચૂંટણી સમયે જ થાય, જેનાથી સરકાર આક્રમક અને ઇમાનદાર છે એવું લોકોને પ્રતીત થાય. બૅન્કિંગ ગુપ્તતાને મહત્ત્વ આપનાર સ્વિટ્ઝર્લેન્ડ કદાચ એટલા માટે પણ ભારતીયોના કાળા નાણાંનો મોટો અડ્ડો છે,કારણ કે સ્વિટ્ઝર્લેન્ડ હજુ સુધી ગેરકાયદેસર કે કાળા નાણાંનો ખુલાસો નથી કરી રહ્યું.
જોકે, હવે સમય બદલાઇ રહ્યો છે, રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને સરકારે અત્યાર સુધી તેણે ઘોષિત કરેલી નીતિઓ વિરુદ્ધ નિર્ણય લેવા પડ્યાં હતાં, પણ હવે આવનારા સમયમાં માત્ર સ્વિટ્ઝર્લેન્ડ જ નહીં, બીજા તમામ દેશો પણ ભારતીયોના કાળાં નાણાં અંગેની માહિતીઓ આપશે. જાન્યુઆરીના અંત સુધીમાં આ માહિતી મળશે એવું નિશ્ર્ચિત છે.
અત્યાર સુધીમાં જે જાણકારી પ્રાપ્ત છે એ મુજબ સ્વિટ્ઝર્લેન્ડમાં ૩૦થી ૩૫ હજાર કરોડ રૂપિયાના ભારતીયોના કાળાં નાણાંની માહિતી મળી ચૂકી છે, એટલે આવનારા દિવસો કાળા નાણાં ધરાવનારાઓ માટે સારા તો નહીં જ હોય.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtzWF2oKt57mmhrdCWfSqygdoZXiLKw9LgZiaE7tCqL%2BA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment