Tuesday, 1 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જૈસે તુમ ગયે, ઐસે તો નહીં જાતા કોઈ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જૈસે તુમ ગયે, ઐસે તો નહીં જાતા કોઈ!
કાજલ ઓઝા વૈધ

 

 


'હું કંઈ દૂધે ધોયેલો નથી. જ્યાં ઊભો છું ત્યાં નાના-મોટા ઓબ્લિગેશન લેવા પણ પડે અને કરવા પણ પડે, પરંતુ એક વાત નક્કી કરી છે કે કોઈની અાંતરડી નહીં કકળાવું, ગરીબની હાય નહીં લઉં.' આવું કહેનારો એક માણસ જેની સેન્સ ઓફ હ્યુમર અદ્્ભુત હતી, જેની ફિટનેસ વિશે એને પોતાને ગૌરવ હતું, જેની પાસે એક મધુર દાંપત્ય અને પૂર્ણ પરિવાર હતો. જેના પિતા એક આદરણીય શિક્ષક અને વાઇસ ચાન્સેલર રહી ચૂકેલા જ્ઞાનવૃદ્ધ વ્યક્તિ છે. જેની પત્ની એની મિત્ર, એની સાચા અર્થમાં જીવનસંગિની હતી એવા માણસે 51 વર્ષની ઉંમરે દુનિયા શું કામ છોડી દેવી પડે? આ સવાલ મને છેલ્લા કેટલાય દિવસથી પજવી રહ્યો છે.


આપણને મિત્રોનું મહત્ત્વ સમજવાની ફુરસત નથી હોતી અને અચાનક એ એક્ઝિટ કરી જાય ત્યારે સમજાયે કે એના જવાથી કેટલી મોટી જગ્યા ખાલી પડી છે!


આંખ મીંચું ને તરત એનો ચહેરો દેખાય છે. દમણના દરિયાકિનારે અમે સાથે મળીને કરેલી દોસ્તીની વાતો યાદ આવે છે. વાપીથી સુરતના કેટલાય પ્રવાસ દરમિયાન મેં એને પિક કર્યો હોય ને સુરત સુધી એની રસપ્રદ વાતો સાંભળતી રહી હોઉં એવા દિવસો યાદ આવે છે. સુરતમાં કોઈ કાર્યક્રમની ડેટ માટે મને ફોન કરે ત્યારે કહે, 'પૈસાનું તું સમજી લેજે. હું એમાં પડીશ નહીં, પણ ઓછા ના કરતી એને પોષાય એવું છે. મારું નામ લે તો પણ...'


એના દેખાવ અને પોઝિશનને કારણે એનામાં રસ લેતી સ્ત્રીઓ વિશે સાવ પ્રામાણિકતાથી વાત કરે, હસે અને કહે, 'જાગુને બધી ખબર. હું એનાથી કાંઈ છુપાવું નહીં. ઊલટાની એ પણ આવી સ્ત્રીઓ વિશે મજાક કરે ને મારી ઠેકડી ઉડાડે.' એના જીવનમાં એવું કશું જ નહોતું જે એને જિંદગી છોડી દેવા માટે ઉશ્કેરે.


નામ એનું પાર્થ પરીખ. ઉંમર વર્ષ 51. ઊંચાઈ 6 ફૂટ 1 ઇંચ. બાંધો સુદૃઢ. આંખો તેજસ્વી અને ચહેરા પર સ્મિત. એક વાર એને મળો પછી દોસ્તી ન થાય તો જ નવાઈ! એ હવે નથી. આ લખું છું ત્યારે પણ મારા માન્યામાં નથી આવતું કે, હવે હું સુરત જઈશ ત્યારે પાર્થને નહીં મળી શકું. આ ક્ષણે પહેલી વાર એવું સમજાયું છે કે દોસ્ત ખોવો એ કેટલી ભયાનક બાબત હોય છે. મેં મૃત્યુને બહુ નજીકથી જોયું છે. મારો દીકરો સત્યજિત, મારા ગુરુ પ્રિયતમ અને મેન્ટોર સફી ઇનામદાર, મારા પિતા દિગંત ઓઝા, મારી મા, મારા પિતાથીય વહાલા સસરા. એક પછી એક લોકોને સ્મશાન વળાવીને પાછા ફરતી વખતે મારે સ્વયંને સંભાળવા માટે ઝાઝો યત્ન નથી કર્યો.


17 માર્ચ, 2018ના દિવસે પાર્થના વ્હોટ્સએપ પર એની પત્ની જાગૃતિનો મેસેજ આવ્યો, 'બહેન, પાર્થ ઇઝ સિંકિંગ. ડૉક્ટર સેસ ધેટ ઇટ ઇઝ જસ્ટ મેટર ઓફ ટાઇમ નાઉ.' હું મુંબઈ જવા વિમાનમાં બેસતી હતી ત્યારે આ સંદેશો વાંચ્યો. સાચું કહું તો લગભગ ત્યારથી જ મેં મનોમન એક પ્રાર્થના કરવા માંડી. હું વારે વારે પાર્થ સાથે મારા મનને ક્નેક્ટ કરવાનો પ્રયાસ કરતી રહી અને કહેતી રહી, 'યુ આર અ ફાઇટર પાર્થ, તારે ઊઠવું જોઈએ, તારે ઊઠવું પડશે, તારે ઘણાં કામ બાકી છે. તું આમ જઈ ન શકે.' જેટલો સમય મારું મન ખાલી પડ્યું એ બધા સમય દરમિયાન મેં પાર્થનો વિચાર કરીને, એનો ચહેરો આંખ સામે લાવીને એને આ સંદેશો મોકલવાનો પ્રયત્ન કર્યો. આપણે કેટલા મૂર્ખ હોઈએ છીએ કે પછી વધુ પડતી
આશા રાખનારા!


18મીએ બપોરે જ્યારે મને સમાચાર મળ્યા કે પાર્થ નથી ત્યારે કોઈકે જોરદાર તમાચો માર્યો હોય ને કાનમાં તમરા બોલી જાય, આંખ સામે અંધારાં આવી જાય એવી સ્થિતિ થઈ ગઈ. થોડીક ક્ષણો માટે તો કશું સમજાયું જ નહીં કે હું શું કરી રહી છું અને કેમ કરી રહી છું. શૂન્યમનસ્ક જેવી બેસી રહી. થોડી વાર પછી જાગૃતિને ફોન કરું કે એના પિતાને ફોન કરું કે છોકરાઓ સાથે વાત કરું. આવા બધા વિચારો આવતા ને જતા રહ્યા. જ્યારે કોઈ પોતાનું ચાલી જાય ત્યારે શબ્દો કેટલા ઠાલા, કેટલા પોલા ને કેટલાક નકામા પુરવાર થાય છે એની સમજણ મને એ પળે પડી.


આપણે બધાએ કોઈક ને કોઈ મિત્રને ખોયા છે. જેણે નથી ખોયા એ નસીબદાર છે, પરંતુ વિચારીએ તો સમજાય કે જેની સાથે ખડખડાટ હસ્યા હોઈએ એને એની ગેરહાજરીમાં યાદ કરીએ ત્યારે કેવું રડવું આવે! પાર્થ કોઈ જિગરજાન મિત્ર નહોતો. અમારી પાસે એવા કોઈ ઇમોશનલ બોન્ડના અનુભવો નથી, પરંતુ એ એક જિંદાદિલ માણસ હતો, બહાદુર અને ખુશમિજાજ. પ્રામાણિક અને પ્રેમાળ! દોસ્તીનું મૂલ્ય સમજનારો એક એવો માણસ જેને હું 'શું' છું એની સાથે સંબંધ નહોતો, હું કોણ અને કેવી છું એની સાથે દોસ્તી કરી હતી એણે.


આપણને બધાને આવા મિત્રો મળતા હોય છે. આપણી જિંદગીની ભાગદોડમાં આપણી મહત્ત્વાકાંક્ષાઓની દોટમાં ગળાકાપ સ્પર્ધાની આ ભયાવહ પ્રવૃતિમાં આપણે આવા મિત્રોને ક્યારેક કોરે મૂકી દઈએ છીએ. 'મળીશું ક્યારેક' કહીને તારીખ પાડી દેતા હોઈએ છીએ, મજાના સમયને માણ‌વામાં. કોણ ક્યારે જશે એની તો કોઈનેય ખબર નથી. એનો અર્થ એ નથી કે આ જગત છોડી દેવાના વિચારને ભય બનાવીને સતત ફફડ્યા કરવું. 'મૃત્યુ' એક અફર સત્ય છે, પરંતુ એથીય મોટું અને અવિચળ સત્ય 'જીવન' છે.


આપણે છીએ ત્યાં સુધી આ જગતનું અસ્તિત્વ છે એ વાત આપણને સમજાય છે, પરંતુ એ સમજણને આપણે આપણા રોજિંદા જીવનમાં વાપરી શકતા નથી. મારી, તમારી અને આપણી જિંદગીઓમાં એવા કેટલાય સ્નેહી, વડીલ, પ્રેમાળ, વહાલસોયા મિત્રો હશે કે જેના વિચારમાત્રથી ચહેરા પર સ્મિત આવી જાય. એવા કેટલાય સંબંધો હશે જેનું આપણા માટે જરાય ઓછું મહત્ત્વ નથી. તેમ છતાં આપણે આપણી રોજિંદી જિંદગીની દોડભાગમાં આવા સંબંધોને અજાણતાં જ વિસારે પાડી દઈએ છીએ. એમની સાથે નિયમિત વાત નથી થતી, ખબર નથી


આપણે છીએ ત્યાં સુધી આ જગતનું અસ્તિત્વ છે એ વાત આપણને સમજાય છે, પરંતુ એ સમજણને આપણે આપણા રોજિંદા જીવનમાં વાપરી શકતા નથી.


પૂછી શકાતી, એમનાં સુખ-દુ:ખ વિશે જાણવાનો આપણને સમય જ નથી રહેતો. આપણે જ્યારે મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરી રહ્યા હોઈએ, સફળતાની દોટમાં આજુબાજુ કે પાછળ જોયા વગર દોડી રહ્યા હોઈએ, કેશ રૂપિયાની થપ્પીઓને એકબીજા પર ગોઠવીને એની ઊંચાઈ માપી રહ્યા હોઈએ, તાળીઓના ગડગડાટ વચ્ચે આવા મિત્રોના ટેલિફોનની રિંગ આપણને સંભળાતી ન હોય ત્યારે આપણને લાગે છે કે, હજી તો બહુ સમય છે.


આવા સમયમાં આપણને આવા મિત્રોનું મહત્ત્વ સમજવાની ફુરસત નથી હોતી અને એક દિવસ અચાનક એ એક્ઝિટ કરી જાય ત્યારે સમજાય છે કે એના જવાથી કેટલી મોટી જગ્યા ખાલી પડી છે!


આપણે બધા જ આપણા વિશ્વને વધુ નાનું કરવાના એક ન સમજાય તેવા, મૂર્ખ કહી શકાય તેવા પ્રયાસમાં સમય વેડફી રહ્યાં છીએ. આપણને લાગે છે કે આપણે ઇન્વેસ્ટ કરી રહ્યાં છીએ, પરંતુ ખરેખર આ વેસ્ટ છે એવી સમજણ આપણને ત્યારે પડે છે જ્યારે આ બધું એક પળમાં નકામું થઈ જાય છે. એકલા રડી રહેલા માણસને મદદ કરવા સો લોકો ભેગા થઈ જશે, પણ એકલો હસી રહેલો માણસ થોડા સમય માટે વિચિત્ર અને પછી પાગલપનનો દર્દી લાગવા લાગે છે. હસવા માટે સાથે કોઈક જોઈશે એ વાત આપણે સફળતાની ચકાચોંધ રોશનીમાં અંજાઈ ગયેલી આંખો સાથે ભૂલી ગયા છીએ.


કોઈના જવાથી આમ જુઓ તો કશુંય જતું નથી. આપણી રોજિંદી જિંદગી ચાલુ રહે છે. ખાવા પીવાનું, સિનેમા જોવાનું, ખરીદી કરવાનું, પૈસા કમાવવાનું કે એના સિવાયના મિત્રો સાથે હસવાનું, મજા કરવાનું પણ ઘટતું નથી, આ સત્ય છે. એક બીજું સત્ય એ છે કે આવી કોઈક વ્યક્તિની જીવનમાંથી બાદબાકી થઈ જાય ત્યારે એ ચહેરો એની સાથે ગાળેલી પળો અને કરેલી વાતો ભીતર ફ્રીઝ થઈ જાય છે. એકલતામાં કે એકાંતમાં આ ફ્રીઝ થઈ ગયેલી મોમેન્ટ્સ પીગળે છે. ક્યારેક આંસુ તો ક્યારેક પીડા બનીને આ ક્ષણો આપણને આપણા નશ્વર હોવાની પ્રતીતિ કરાવે છે. સહુ જવાના છે એ નક્કી છે.


જવાની કોઈ ઉંમર નથી હોતી એ પણ આપણે જાણીએ જ છીએ, પરંતુ ખડખડાટ હસી શકતો એક ફિટ, દેખાવડો, બહાદુર માણસ પોતાની સેન્સ ઓફ હ્યુમર, સપનાં અને બાકી રહેલો સમય પાછળ મૂકીને જતો રહે ત્યારે એને કહેવાનું મન થાય,


'રહને કો સદા દહર મેં આતા નહીં કોઈ,
તુમ જૈસે ગયે ઐસે ભી જાતા નહીં કોઈ,
ઇક બાર તો ખુદ મૌત ભી ઘબરા ગઈ હોગી,
યૂં મૌત કો સીને સે લગાતા નહીં કોઈ.'
- કૈફી આઝમી


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Oth-rUaMV-KTrYrXMBfXrq%3DTDi59j5okzTVR6Yarfm_EQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment