નજરથી ઓઝલ થતો જતો યાદોનો અસ્થિકુંભ! સ્પર્ધકની કૃતિ-જયકુમાર જોષી (મીરારોડ - પૂર્વ) મુબઇની પરાની કોલેજમાં અમન મહેતા અધ્યાપક છે. આ કાર્ય માટે જ તેઓ જન્મ્યા છે, તેવું તેઓ માને છે. તેમનું બાળપણ પ્રાકૃતિક સૌંદર્યથી છલકતા ગુજરાતના એક નાનકડા ગામમાં વીત્યું છે. ઘટાટોપ વૃક્ષો અને લહેરાતા હરિયાળા ખેતરોનું સાંનિધ્ય તેમણે માણ્યું છે. પતંગિયા ના રંગોથી તેઓ અભિભૂત થતા, અષાઢની અનરાધાર વર્ષાની હેલી અને ધરતીની સોડમ તેમના હદયને પુલકિત કરી દેતી. યુવા અમન બાળપણની યાદોને કેન્વાસ પર ઉતારતા. તેમનામાં એક પ્રકૃતિપ્રેમી બાળક મોજૂદ હતો. ધન, મોટી પદવીઓ કે પદની પ્રાપ્તિની લહાયમાં આજનાં સંગદિલ માનવીઓ કરતાં અમન ઋજુ હદયના એક અલગારી વ્યક્તિ છે. અજાણ્યા ચહેરાઓથી ઉભરાતા આ શહેરમાં તેમનું હદય કોઇનો ઉષ્માભર્યો સાથ ચાહતું હતું. પૂનામાં અનુસ્નાતકની પદવી મેળવી કવિતા દેશમુખ અમનની કોલેજમાં જોડાઇ હતી. કવિતાનું વ્યકિતત્વ આકર્ષક છે. પૂનમના ચંદ્ર જેવું ગોળ મોં, સુંદર નાક નકશો, લાંબા કાળા કેશ અને પારદર્શક આંખો તેને અદ્ભુત સુંદરતા આપતા હતા. કવિતા જાણે બંગાળી ચિત્રોમાં આલેખાયેલી નારીકૃતિ જ હતી. કવિતા હંમેશા સાડી જ પરિધાન કરતી. સાડીના આછા રંગોની પસંદગી તેની કલા પ્રત્યેની અભિરુચિ વ્યક્ત કરતી. સ્ટાફરૂમમાં અમને જ્યારે કવિતાને પ્રથમ વખત જોઇ ત્યારે તેણે એક અગમ્ય ખેંચાણ અનુભવ્યું ના હતું. હમેશા અમન સ્ટાફરૂમમાં કવિતાના સૌંદર્યને મનભરીને માણતા હતા. કવિતા સાથે નિકટતા માટે તેમનું મન હંમેશા ઇચ્છતું હતું. સફેદ સાડી, સફેદ સેંડલ અને ખભે કાળી હેન્ડબેગ ધારણ કરેલી કવિતાએ સ્ટાફરૂમમાં પ્રવેશ કર્યો, અને સ્ટાફરૂમના સોફા પર જઇને બેઠી. સોફા પર બેઠેલી કવિતા જાણે શિલ્પકાર માઇકલ એંજેલોએ કંડારેલી આરસની પ્રતિમા સમાન લાગતી હતી. અમનનું ધ્યાન તેના તરફ ગયું અને મનભરી તેના સૌંદર્યને માણવા લાગ્યા. સ્ટાફરૂમમાં પ્રવેશતા પીયૂન રઘુએ અમન અને કવિતાને પ્રિન્સિપાલ મેડમે બોલાવ્યા છે, એવો સંદેશો આપ્યો. કવિતા સાથેની નિકટતા કેળવવાની ઇચ્છાને જાણે કુદરતે કબૂલ કરી હોય તેમ અમનને લાગ્યું. પ્રિન્સિપાલની ઓફિસમાં અમન અને કવિતા પાસપાસેની ખુરશીમાં ગોઠવાયા. પ્રિન્સિપાલ મેડમ બોલ્યા "આગામી જાન્યુઆરીમાં કોલેજમાં રજૂ થનારા લાઇબ્રેરી પ્રોજેકટને તૈયાર કરવાની જવાબદારી તમને બન્નેને સોંપુ છું. "કવિતા તમે સાહિત્ય અને કલામાં અભિરુચિ ધરાવો છો, વડોદરામાં ફાઇન આર્ટ્સનો ડિપ્લોમાનો કોર્ષ કર્યો છે, એટલે અમનનાં મદદનીશ તરીકે તમે યોગ્ય વ્યક્તિ છો? પ્રિન્સિપાલ આગળ બોલ્યા. મિટિંગ પૂરી થયા પછી અમને કવિતાને સ્ટાફરૂમમાં મળવાનું આમંત્રણ આપ્યું. સ્ટાફરૂમમાં મળવા આવેલી કવિતાને અમને કહ્યું "કવિતા આપને વાંધો ના હોય તો, સ્ટાફ માટેની કોલેજ કેન્ટીનમાં બેસીએ ત્યા શાંતિથી વાત થઇ શકશે બન્ને સ્ટાફ કેન્ટીનમાં ગયા, અને ચાનો ઓર્ડર આપ્યો. અમને કવિતાને લાઇબ્રેરી પ્રોજેકટ અંગેની તમામ માહિતીથી વાકેફ કરી. અમને આ દરમ્યાન કવિતાનો પરિચય કેળવવાનો પણ પ્રયત્ન કર્યો. તેને જાણવા મળ્યું કે કવિતા મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ પિતા અને ગુજરાતી વૈષ્ણવ માતાનું એકમાત્ર સંતાન છે. તેમના વડોદરાના લાંબા વસવાટ દરમ્યાન ગુજરાતી બોલવાની ફાવટ પણ કવિતાને આવી ગઇ હતી. ચા પીધા બાદ કવિતાએ અમનની રજા લીધી. કેન્ટીનના આ સહવાસ થી અમન થોડો વધારે કવિતાની નજીક આવ્યો. અને હદયમા આનંદની અનૂભુતિ કરી. કવિતા સાથે વધુ નિકટતા કેળવાય અને તેની સાથે વધુ સમય ગાળી શકાય તે માટે પ્રોજેકટનું કામ સત્વરે હાથ ધર્યું. લાઇબ્રેરીમાં અધ્યાપકો માટેના અલાયદા રખાયેલ વિભાગમાં કવિતા અને અમન લાઇબ્રેરી પ્રોજેકટના કાર્યને આગળ ધપાવવા જોડાઇ ગયા. કવિતા અને અમન અહીં કલાકો સાથે વિતાવતા હતા. બન્ને વચ્ચે નિકટતા પણ વધવા લાગી, ગઇ કાલ સુધી જે પરસ્પર અજાણ્યા હતા એ બન્ને નિકટના મિત્રો બની ગયા. ચિત્રો દોરતા અમનને જોઇ કવિતાના અંતરમાં ઊર્મિનો ઉમળકો આવતો હતો. કવિતા પોતાની લાગણીઓની અભિવ્યક્તિ અમન સમક્ષ કરી શકતી ન હતી. કદાચ નારી સહજ લજ્જા તેને આમ કરતા રોકતી હતી. હવે તો અમન અને કવિતા લાઇબ્રેરીમાં સાથે જ નાસ્તો કરતા. કાર્ય મા મગ્ન થઇ ગયેલ અમનને કવિતાએ કહ્યું "બસ અમન આવો આપણે નાસ્તો કરી લઇએ. કવિતાએ ટેબલ પર લંચ બોક્સ મૂકતા અમનને નિમંત્રણ આપ્યું. નાસ્તો કરતા કરતા અમને નાસ્તાના વખાણ કરતા કહ્યું 'કવિતા તું નાસ્તો પણ કેટલો સ્વાદિષ્ટ બનાવે છે કવિતાએ પ્રત્યુત્તર આપતા કહ્યું મારા મમ્મી ગુજરાતી વૈષ્ણવ પરિવારમાંથી આવે છે. એટલે રસોઇકળા અમને વારસાગત હોય છે. નાસ્તો કર્યા પછી કામમાં ગૂંથાયેલ અમનનું મન ભારે અસમંજસ સ્થિતિ અનુભવવા લાગ્યું. તેઓ વિચારવા લાગ્યા કે મારા હદયમાં કવિતા પ્રત્યે જે પ્રેમ છે, તેવો જ કવિતાના હદયમાં હશે કે પછી તે નિર્દોષતાથી મને માન આપવા જ આ બધું કરે છે. અમનનું મન કામમાં લાગતું ન હતું. બાજુમાં કાર્યમગ્ન કવિતા પાસે ગયા અને તેમણે કવિતાનો હાથનો સ્પર્શ કર્યોને પોતાના હાથમાં લીધો. બન્ને વચ્ચે ક્ષણભર તો મૌન છવાઇ ગયું, તેનો ચહેરો શરમથી લાલઘૂમ થઇ ગયો. જાણે પોતાનો હાથ છોડાવવા તે અસમર્થ હતી. અમનના હાથમાંથી પોતાનો હાથ છોડાવી ઝડપભેર લાઇબ્રેરી છોડી ચાલી ગઇ. શું કવિતાને મારું આ વર્તન ગમ્યું નહીં હોય ? શું કાયમ માટે પ્રોજેકટના કાર્યથી દૂર થઇ જશે ? એવી અનેક આશંકાઓથી મન ઘેરાઇ ગયું. અમને કવિતાને કોલેજ છોડી સ્ટેશન પર જતી જોઇ. પ્લેટફોર્મની બેંચ પર બેઠેલી કવિતાની બાજુમાં અમન બેઠા અને પોતાના વર્તન બદલ માફી માંગી. ખાત્રી આપી કે પોતે આવું વર્તન ભવિષ્યમાં નહીં કરે. કવિતાએ કશો જ ઉત્તર આપ્યા વગર પ્લેટફોર્મમાં પ્રવેશેલી ટ્રેનના પ્રથમવર્ગના ડબામાં ઝડપભેર પ્રવેશી બેઠક લીધી. અમન પણ કંપાર્ટમેન્ટમાં જઇ તેની બાજુમાં બેઠા, અમનથી મોઢું ફેરવી કવિતાએ બારી બહાર જોવાનો ડોળ કર્યો. "કવિતા શું તેંમને હજી પણ માફ નથી કર્યો અમન બોલ્યો. કવિતાએ અમન સામે જોઇને કહ્યું "હું તમને ક્યારેય માફ નહી કરું. કવિતા તારા પ્રત્યેના અગમ્ય ખેંચાણને કારણે જ આ થયું છે. અમન સ્પષ્ટતા કરતા બોલ્યા. કવિતા એ કહ્યું "અમન તેં મારા હાથને તારાં હાથમા લીધો એનું મને જરાપણ દુ:ખ નથી, શું તારા મોમાં મગ ભર્યા હતા ? કે કવિતા આઇ લવ યુ કહેવા માટે તારો પુરુષ અહમ્ આડે આવતો હતો કવિતાના આવા પ્રતિસાદથી અમન ડઘાઇ ગયો. સંબંધોમાં વ્યાપેલ ધુમ્મસ ઓસરી ગયું. કોલેજમાં તમે કહીને સંબોધતી કવિતાએ અમનને 'તું' નું સંબોધન કરી સુખદ આંચકો આપ્યો. અમને કવિતાના બન્ને હાથ ચૂમી લીધા. "અમન પ્રેમમાં સ્પર્શ કરતા પણ મહત્ત્વની બાબત લાગણીઓની શબ્દો દ્વારા થતી અભિવ્યક્તિ છે. કવિતાના આવા વિચારોથી પ્રભાવિત અમને કવિતાનો હદયપૂર્વક આભાર માન્યો. પાંચ મહિના ચાલેલા કાર્યના અંતે પ્રોજેકટનું કાર્ય આજે સંપન્ન થઇ ગયું. અમને કવિતાને કહ્યું "આ પ્રોજેક્ટે મને તારા જેવી મહામૂલી ભેટ આપી છે. લાઇબ્રેરીમાં તારી સાથે માણેલી મધુર યાદો જીવનભર યાદ રહેશે. બન્નેએ કોલેજ છોડી કિગ્ંસસર્કલ સ્ટેશનેથી હંમેશની 3-15 ની અંધેરી લોકલમાં પ્રસ્થાન કર્યું બપોરનો સમય હોવાથી કંપાર્ટમેન્ટ તદ્દન ખાલી હતો. કોણ જાણે કેમ કવિતા આજે ઉદાસીનતા અનુભવતી હતી. કવિતાનો હાથ પોતાના હાથમાં લઇ અમને પૂછ્યુ "કવિતા કેમ આટલી બધી ઉદાસ છે? કવિતાએ જવાબ આપવાના બદલે ધ્રુસ્કે ને ધ્રુસ્કે રોવાનું શરૂ કર્યું. અમને તેને પોતાની પાસે ખેંચી સ્નેહપૂર્ણ માથા પર હાથ ફેરવી સાંત્વના આપી. "અમન મને અમંગળ વિચારો ઘેરી લે છે. કવિતાએ કહ્યું. સમયની રફતાર આપણને અલગ કરી દેશે તો મારું શેષ જીવન તારા વગર કેવી રીતે વિતાવી શકીશ? અમન પૈસા, પદ કે પદવી હોય પણ પ્રેમનું ઝરણું જ સુકાઇ જાય તો જીવન મરૂભૂમિ થઇ જાય છે. કવિતા આગળ બોલી. અમને કવિતા ના આંસુ લૂછી ચહેરા પર અને ગળા પર પ્રેમપૂર્વક હાથનો સ્પર્શ કર્યો. કવિતા એ કહ્યું "અમન તારો આ પ્રેમપૂર્વક નો સ્પર્શ જ મારા જીવનની મોંઘેરી અમાનત છે. વાતાવરણને થોડી હળવું બનાવવા માટે અમને કહ્યું કવિતા નાતાલનું વેકેશન પડવાને હવે બે જ દિવસની વાર છે. તારો જન્મદિવસ નાતાલના વેકેશનમાં આવે છે માટે જન્મદિવસની એડવાન્સ ભેટ પેટે, આ તારા હદયના પ્રતીકસમુ ગુલાબ અને લેડીઝ હાથરૂમાલનું પેકેટ તને અર્પણ કરું છું. "મારા આંખના આંસુઓને લૂછવા માટે તું આ રૂમાલની ભેટ આપે છે કવિતાએ કહ્યું. "ના કવિતા ભગવાન ક્યારેય તારા આંખમાં આંસુ ન લાવે, જ્યારે રૂમાલનો સ્પર્શ તારા ચહેરાને થશે, તને અચૂક મારી યાદ આવશે અમન બોલ્યો. આજે કામકાજનો આખરી દિવસ હતો. અમન અને કવિતાએ અંધેરી લોકલમાં પ્રસ્થાન કર્યું. પોતાની કાળી હેન્ડબેગમાંથી કાંડા ઘડીયાળ કાઢી અમનના હાથે બાંધતા કહ્યું "અમન મારા બર્થ ડે નિમિત્તેની આ રિટર્ન ગિફ્ટ તને આપું છું. અમન દરરોજ 10 વાગ્યાની લોકલમાં તારી આતુરતાપૂર્વક રાહ જોઉં છુંં. અને તું દરરોજ દોડીને લોકલ ટ્રેન પકડે છે એ મને નથી ગમતું. વેકેશન ખૂલતા સમયસર આવી મારી આતુરતાનો અંત તું લાવે તેની યાદ આ ઘડિયાળ તને અપાવશે. કવિતાએ પ્રેમપૂર્વક કહ્યું. "અમન કાલે મારા પપ્પા સાથે થયેલી વાત તને સંભળાવવા માગું તેતું સાંભળ કવિતાએ અમનને કહ્યું. 'બેટા કવિતા હવે તું ઉમરલાયક થઇ ગઇ છે. મારી ઉમર જ્યારે તારા જેટલી હતી ત્યારે તારી મમ્મી સાથે પ્રેમલગ્નથી જોડાયો હતો. અમારી વચ્ચે અસીમ પ્રેમ છે. અમારા પ્રેમના પુષ્પરૂપે પાંચ વર્ષે તારો જન્મ થયો, બેટા કવિતા જ્યાં કેવળ સેકસ છે ત્યાં પ્રેમ નથી હોતો અને જ્યાં માત્ર પ્રેમ હોય છે ત્યાં સેક્સ આપોઆપ ખરી જાય છે. તું પણ તારા સપનાનો એવો રાજકુમાર શોધજે જે તારી લાગણીઓને સમજે, તમારા વિચારો અને અભિરુચિઓ સમાન હોય. કવિતાએ તેના પપ્પાની વાત પૂર્ણ કરતા કહ્યું "અમન તારા સ્પર્શમાં વાસનાની જવાળા નથી, પણ ચંદનની શીતળતા છે. એટલે જ મારું હદય તારા પ્રત્યે પ્રેમના બંધનથી બંધાઇ ગયું છે. અમન તુ જ મારા સપનાનો રાજકુમાર છે. અંધેરી સ્ટેશન નજીક આવ્યું, અને બન્ને પરસ્પર વળગીને રોઇ પડ્યા. વેકેશનના વિરહ બાદ પરસ્પર મળવાના કૉલ આપી છૂટા પડયાં. વેકેશનના વિરહનો આજે અંત આવ્યો, કવિતાએ આપેલી ઘડિયાળ પહેરી સમયસર અમન હાર્બરના પ્લેટફોર્મ પર હાજર થઇ, કવિતાની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યો. અમનની આંખો આતુરતાપૂર્વક કવિતાને નિહાળવા આતુર હતી. અંધેરી હાર્બરે પ્લેટફોર્મમાં પ્રવેશ કર્યો અને પ્રથમ વર્ગનો કંપાર્ટમેન્ટ ખાલી પણ થઇ ગયો. કવિતા ક્યાંય ન જણાઇ. અમન કમ્પાર્ટમેન્ટમા બારી પાસે બેસી આતુરતાપૂર્વક કવિતાની રાહ જોવા લાગ્યો. પ્લેટફોર્મની ઘડિયાળે 10 વાગ્યાનું એલાન કર્યું અને લોકલ ટ્રેને સી.એસ.ટી તરફ પ્રસ્થાન કર્યું. ઘડિયાળની ભેટ વખતે સમયસર આવવાનું કહેણ અમને તો બરાબર પાળ્યું હતું પણ કવિતા પાળી શકી નહતી !! કિંગ્સસર્કલ સ્ટેશને પણ અમને કવિતાની રાહ જોઇ, કવિતા ત્યાં પણ ન મળી એટલે નિરાશ વદને અમને કોલેજ તરફ પ્રયાણ કર્યું. કોલેજના પ્રાંગણમાં પ્રવેશતા જ અમને કેટલાક પોલીસકર્મીઓને જોયા. તેઓ કોલેજના પ્રિન્સિપાલને મળવા માંગતા હતા. અમન તેઓને પ્રિન્સિપાલની ઓફિસ તરફ દોરી ગયો. મેડમની સામે બેસતા ઇન્સ્પેક્ટરે પોતાની ઓળખ આપતા કહ્યું "મેડમ અમે પાર્લા સ્ટેશનનના રેલવે પોલીસના માણસો છીએ, આજે સવારે 9.50ની અંધેરી લોકલ ગતિમાં હતી અને તેમાં દોડીને ચઢવા જતા એક મહિલા પ્લેટફોર્મ પર ફસડાઇ પડી હતી. તેની પાસેથી મળેલી હેન્ડબેગના આધારે અમે અહીં આવ્યા છીએ ઇન્સ્પેક્ટરે એમ કહી એક કાળી હેન્ડબેગ મેડમના ટેબલ પર મૂકી, હેન્ડબેગને જોતા જ અમનને તમ્મર આવી ગયા. મેડમના હાથમાં રેલવેનો પ્રથમવર્ગનો પાસ આપતા બોલ્યા કે કદાચ યુવતી આ કોલેજની હોય તેમ અમને લાગે છે. મેડમે રેલવેપાસ પોતાના હાથમાં લેતા ડઘાઇ ગયા, તેમણે કહ્યું "ઇન્સ્પેક્ટર આ તો મિસ કવિતા છે, તેમને શું થયું છે તેઓ સુરક્ષિત તો છે ને "આઇ એમ સોરી, પ્લેટફોર્મ પર ફસડાઇ પડેલ મિસ કવિતા ગંભીર રૂપથી ઘવાયેલા હતા. તેમણે નાણાવટી હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા છે તેઓ મૃત્યુ પામ્યા છે. કવિતાના અવસાનના સમાચાર સાંભળી અમન ભાંગી પડ્યો, તેના પગ નીચેથી જમીન ખસી ગઇ. ઇન્સ્પેક્ટર બોલ્યા "મેડમ કવિતાની હેન્ડબેગમાં બીજું તો ખાસ કાંઇ નહોતું, એક લેડીઝ હાથરૂમાલનું પેકેટ અને કરમાઇ ગયેલ ગુલાબનું ફૂલ સાચવીને રાખેલા મળ્યા છે એમ કહી હેન્ડબેગમાંથી લેડીઝ રૂમાલનું પેકેટ અને ગુલાબના ફૂલને ટેબલ પર મૂકયા. અમને કરમાયેલ ફૂલને હાથમાં લીધું અને લેડીઝ રૂમાલના પેકેટને સ્પર્શ કર્યો. અમનને કવિતાની ઉપસ્થિતિની અનુભૂતિ થઇ તે જાણે કહી રહી હતી. 'મારા પ્રિય અમન , આજે હું જ મોડી પડી છું. તે આપેલી બર્થ ડે ગિફ્ટ પરત કરી રહી છું. આ જન્મે તો આપણે એક ન થઇ શક્યા, આવતા જન્મે મારા જીવન-સીથી તરીકે અચૂક મળજે, તું જ મારા સપનાનો રાજકુમાર છે. હું પરમ ચૈતન્યમાં લીન થવા અનંતયાત્રાએ નીકળી ચૂકી છું. ગુડબાય ' અમનના ગળે ડૂમો બાઝી ગયો. 'ક્યાં છે વીંટી અને ક્યાં છે રૂમાલ, જીવવા ને ઝુરવાનો ક્યાં છે સવાલ.' થોડા સમય માટે વીજળીની જેમ ઝબકી અમનના જીવનમાં પ્રેમનો પ્રકાશ પાથરી, કવિતા અનંતના અંધકારમાં ઓઝલ થઇ ગઇ. કવિતા અને અમનનો પ્રેમ પુષ્પ. સ્વરૂપે પાંગરી શક્યો નહીં. જાન્યુઆરીના મધ્યભાગમાં લાઇબ્રેરી પ્રોજેક્ટને પ્રદર્શનરૂપે રજૂ કરવામા આવ્યો. તમામ પોસ્ટરની નીચે લખેલા કવિતાના મરોડદાર અક્ષરો નવલખા હારની જેમ શોભતા હતા. પ્રદર્શનના અંત ભાગનું પોસ્ટર કવિતાના અવસાન બાદ અમને તૈયાર કરેલું હતું. જેમાં એક યુવતી સફેદ સાડીમાં સજ્જ બન્ને ખભે કાળી હેન્ડબેગ લટકાવી આકાશ તરફ ડગ માંડી રહી હોય તેમ દર્શાવવામાં આવ્યું હતું. નીચે કવિતાને શ્રધ્ધાંજલિ અપાઇ હતી. અમન અને કવિતાને સોંપાયેલ કાર્ય 'લાઇબ્રેરી પ્રોજેકટના પ્રદર્શનની સાથે સંપન્ન થઇ ગયું હતું. કવિતા જતા જતા અમનના જીવનમાં શૂન્યાવકાશ પેદા કરતી ગઇ હતી. અમનને કોલેજમાં દરેક સ્થળે તેની યાદ આવતી હતી. તેના જીવનમાંથી ચાલી ગયા બાદ છેલ્લા પંદર દિવસ યાતનાપુર્ણ રીતે વિતાવ્યા હતા. લાઇબ્રેરી પ્રોજેક્ટ પર છેલ્લી નજર નાખી અમન લાઇબ્રેરીમાં જવાં પ્રોજેકટ તૈયાર થયો હતો તે જગ્યાએ ગયા, અને નિયમિત જે ખુરશી પર બેસતા હતા તેની પર બેઠા. બાજુમાં કવિતાની ખુરશી આજે ખાલી હતી. પરાણે રોકી રાખેલ આંસુઓનો બંધ તૂટી ગયો. અમને પોતાના બગલથેલામાંથી કોરો કાગળ કાઢી તેની પર ત્યાગપત્ર લખી પ્રિન્સિપાલ મેડમને તેમની ઓફિસમાં સુપરત કર્યું. કોલેજને આખરી વિદાય આપતા, અમન મધુર યાદોને સમેટીને લઇ જઇ રહ્યા હતા. અહીં તેઓ શું ગુમાવીને જઇ રહ્યા હતા, તે વાતનું સાક્ષી તેમનું એકમાત્ર હદય જ હતું. કોલેજના પ્રાંગણમાં ઊભેલા કતારબંધ અશોકના વૃક્ષોએ અમનને અશ્રુપૂર્ણ વિદાય આપી. અમને કિંગ્સસર્કલ સ્ટેશનેથી 3-15ની હંમેશની અંધેરી હાર્બરમાં આખરી સફર આદરી. અંધેરી સ્ટેશન પર ઊતરી પ્લેટફોર્મની બેંચ પર બેઠા અને કલ્પનાજગતમાં ખોવાઇ ગયા. તેઓ જાણે શ્ર્વેતવસ્ત્રો ધારણ કરી પોતાના સ્વપ્નો અને મધુરયાદોનો અસ્થિકુંભ હાથમાં લઇ ગંગા કિનારે ઊભા છે. સૂર્યાસ્ત થવાની તૈયારી છે. આકાશ કેસરી રંગે રંગાઇ ગયું છે. ગંગાના પાણી પણ કેસરિયા ભાસે છે. અમન નીચા નમીને, ફૂલોથી શણગારેલ અસ્થિકુંભને ગંગાના પવિત્ર પ્રવાહમાં નીચા નમીને વહાવી રહ્યા છે. તેમના હદયાકાશમાં જગદીશ જોશીના કાવ્યની કાવ્ય કણિકાઓનો ગુંજારવ થાય છે 'ખટમીઠા સપનાઓ ભૂરાભૂરા, કુંવારા સોળ વરસ તુરા તુરા, અમે ધુમ્મસના દરિયામાં એવા ડૂબ્યા, કે હોડી ખડક થઇ અમને નડયા. ખોબો ભરીને અમે એટલું હસ્યા, કે કૂવો ભરીને અમે રોઇ પડયા. અમનને વળાવવા આવેલી લોકલ ટ્રેને, પરત ફરવા હોર્ન વગાડ્યું અને અમન નું કલ્પનાજગત વિખરાઇ ગયું. ઓઝલ થતા અસ્થિકુંભની જેમ અંધેરી-સીએસટી હાર્બર અંધેરી ફ્લાયઓવર બ્રિજના અંધકારમાં ઓઝલ થઇ ગઇ. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvPfDyOvfcrYtFcyoF5RkE86M_MORXOrFQX8P0HzvXXOQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment