લોગઇન સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની; ઊડશું જીવનમાં જોડાજોડ પાંખો જેવી પતંગની. આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી, કેસરને ક્યારડે કસ્તૂરી આ ભળી... રંગમાં ભીંજી ભીંજાવાના કોડ, મંજરી જેવી વસંતની, સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની. -રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ ૧૩-૧૨-૧૮૯૨ થી ૧૧-૦૭-૧૯૮૩ સુધીનો સુદીર્ઘ જીવનકાળ વિતાવનાર રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટનું નામ નાટકની દુનિયામાં કોઇનાથી અજાણ્યું નથી. ગીતો, અનેક નાટકોની સ્ક્રિપ્ટ, રેડિયોનાટક, ફિલ્મગીતોમાં તેમણે પુષ્કળ લખ્યું છે. તેમનું ઉપરોક્ત ગીત કોઇથી અજાણ્યું નથી. આજે પણ જૂની રંગભૂમિનાં ગીતોનો કાર્યક્રમ હોય અને આ ગીત ન ગવાય તેવું તો બને જ શી રીતે આ ગીત જૂની રંગભૂમિના કાર્યક્રમોમાં રાષ્ટ્રગીત જેવું બની ગયું છે. તેની રચના પાછળનો ઈતિહાસ પણ જાણવા જેવો છે. આ ગીત લખાયું ત્યારે રસકવિ બીમાર હતા. ગીત લખવાનું કહેણ આવયું. નકુભાઇ શેઠે સંદેશો મોકલાવ્યો હતો કે કંપની ખૂબ જ ખરાબ હાલતમાં છે. બે મહિનાથી કોઇને પગાર ચૂકવાયો નથી. તેથી આ ગીત લખવું જરૂરી છે. રસકવિને સ્ક્રિપ્ટ મળી, વાંચી, શરીરે ખૂબ તાવ હતો, પણ રસકવિ કોને કહ્યા આવા તાવમાં પણ તેમણે યૌવનની પાંખે પ્રણયફાગ ખેલતાં યુગલ માટેનું ગીત લખ્યું પછી તો આ ગીત એવું લોકપ્રિય થયું કે રંગભૂમિ પર ઇતિહાસ સર્જી નાખ્યો. 'હંસાકુમારી' નાટકમાં લેવાયેલું આ ગીત નાટકમાં રાત્રે એક વાગ્યે ને પાંચ મિનિટે શરૂ થતું, પણ ગીતને એટલા બધા વન્સમોર મળતાં કે છેક રાત્રે બે વાગ્યા સુધી આ જ ગીત ચાલતું. સ્ટેજ પર પૈસા અને ફૂલોનો ઢગલો થઇ જતો. આ ગીત માટે ભરતપુરની જાટ કન્યા મીનાક્ષીને ખાસ તાલીમ આપવામાં આવેલી અને તેની પાસે ગુજરાતી શબ્દો ઘુંટાવી ઘુંટાવી એક ગુજરાતણના કંઠની હલક તૈયાર કરાવાયેલી. મીનાક્ષી અને મા. ભોગીલાલની આ જોડી ગીત ગાતી, વળી માસ્ટર મોહન જૂનિયરનું સંગીત સોનામાં સુગંધ ભળે તેમ ભળતું. આ બધાનો સમન્વય જ્યારે રંગમંચ પર થતો ત્યારે શ્રોતા આફરીન પોકારી જતા. 'હંસાકુમારી' નાટક લખેલું મણિલાલ પાગલે, પણ તેનાં ગીતો રસકવિની કલમે અવતરેલાં. વર્ષો સુધી આ નાટક શ્રી આર્ય નૈતિક નાટક સમાજે ભજવેલું અને તેનાં ગીતોને લીધે ખાસ લોકપ્રિય થયેલું. આ ગીત મુખ્યત્વે યુવાન હૈયાના પ્રણયરંગનો આલેખ છે. તેનું રસદર્શન નથી કરાવવું, આ ગીત તો ગુજરાતી રંગભૂમિરસિયાઓના હૈયા પર રાજ કરે છે. ચાહકોએ તેને મન ભરીને માણ્યું છે. એ વખતે આ ગીત સાંભળીને તમામ ઉંમરના લોકો યુવાન થઇ જતા. માટે આ ગીતના રસદર્શન કરતા રસકવિના જીવનરસને માણીએ. કેમકે તેમના જીવનના પ્રસંગો પણ આ ગીત જેટલા જ રસપ્રદ છે. તેમના શતાબ્દી મહોત્સવ પ્રસંગે 'સાહ્યબો મારો ગુલાબનો છોડ' નામનું પુસ્તક પ્રકાશિત થયું તેમાં તેમનાં ગીતો સાથે જે-તે ગીત કે નાટકની રચનાની સંક્ષિપ્ત નોંધ પણ આપવામાં આવી છે. તે ખૂબ રસપ્રદ છે. તે વાંચીને આપણને તે વખતની રંગભૂમિનો આછો સરખો ખ્યાલ ચોક્કસ આવે. આપણી જૂની રંગભૂમિમાં જે નાટકો અને ગીતો લખાયાં છે તે ખરેખર અનન્ય છે, જ્યારે ફિલ્મ, ઈન્ટરનેટ, સોશ્યલ મીડિયાનો કોઇ પ્રભાવ નહોતો, ત્યારે આ નાટકો લોકોના મનોરંજનનો પ્રાણ હતો. અનેક ઉત્તમ નાટકો આ ગાળામાં સર્જાયા. રસકવિએ 'બુદ્ધદેવ' અને 'શ્રૂંગીઋષિ' બંને નાટક ખૂબ સફળ રહ્યાં. મુંબઇના પ્રતિષ્ઠિત સંસ્કારી કુટુંબમાં તેમના માનપાન વધ્યાં. ત્યારે કંપનીના માલિક મૂળજીભાઇને આ ખટક્યું. કવિ જ્યારે તેમની સાથે નવા નાટકની ચર્ચા કરવા ગયા ત્યારે મૂળજીભાઇએ કહ્યું, 'રહેવા દ્યો, તમે માલિક બની જશો. તમને જે પ્રતિષ્ઠા અને માનપાન મળ્યા છે તે મારી કંપની અને મને આભારી છે. તમારામાં સ્વતંત્ર નિર્માણની ત્રેવડ હોય તો બીજી નાટક કંપનીમાં જઇ બીજું નાટક લખી બતાવો.' બસ પતી ગયું ! રસકવિએ ચેલેન્જ ઉપાડી લીધી. 'છ માસમાં બીજું નાટક બીજી કંપનીમાં ભજવી બતાવીશ, નહીં તો રંગભૂમિની દુનિયાને હંમેશનાં પ્રણામ !' ટૂંક સમયમાં રસકવિએ 'સૂર્યકુમારી' નાટક તૈયાર કર્યું. શ્રી આર્ય નૈતિક નાટક સમાજના મૂળચંદમામાને આ નાટકનો એક અંક વંચાવ્યો. મૂળચંદમામાને સ્ક્રિપ્ટ અને ગીતો એટલાં બધાં ગમી ગયાં કે સાંભળીને ઝૂમી ઊઠયા. તેમણે રસકવિને વચન આપ્યું કે, 'તમારું નાટક ભજવ્યા વિના હું બીજો કોઇ લેખકનું નાટક હાથમાં લઉં તો હું વલ્લભ નાયકના પેટનો નહીં.' અને તેમણે વચન પાળી બતાવ્યું. નાટક પણ સફળ રહ્યું. ઉપર જે 'શ્રૂંગીઋષિ' નાટકનો ઉલ્લેખ થયો તેનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. તે નાટક રસકવિએ ન્હાનાલાલના લોકપ્રિય નાટક જયા જયંતને આધારે લખેલું જેમાં ન્હાનાલાલે તેમને ટકોર પણ કરેલી. વાતો કરવા બેસીએ તો ખૂટે તેવી નથી, પણ 'રાજા સંભાજી'માં રસકવિએ જે ગઝલ લખેલી અને મુંબઇના પ્રેક્ષકોના હૃદયમાં વર્ષો સુધી જીવેલી તે ગઝલથી લોગઆઉટ કરીએ. લોઉઆઉટ પ્રણય અમૃત પિનારાને મરણ દરકાર શા માટે ? ડૂબ્યા છે તે તર્યા સાચા, પછી ભવપાર શા માટે ? તમારું એક આંસુ ને અમારા આંસુના સિન્ધુ, બરાબર છે, પછી બાકી જમાઉધાર શા માટે ? જીવન જો પ્રેમમાં ખોયાં, મરણ જો પ્રેમનાં જોયાં, ગજવીએ સ્વર્ગ પણ પ્રેમે, પછી અવતાર શા માટે ? -રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuOEvAMdXqYPSU7-Ury8qHfXH8J42OqksxxCMZ74DJYJA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment