તેના કરચલીવાળા હાથની આંગળીઓ કિચૂડ કિચૂડ કરતા હિંચકા પર બેસી દીવાની વાટો બનાવી રહી હતી. હમણાં જ હજી એ હાથ રોટલીઓ વણી વિસામો લેવા નવરાં પડ્યાં હતા. પાંચ વર્ષનો પૌત્ર મા સાથે શાળાએ ભણવા નીકળી પડ્યો હતો. નવરું મન સામે સુખડના હાર પાછળ ઢંકાયેલ તસવીર સાથે ભૂતકાળમાં ખોવાઈ ગયું હતું.
નિરાલીએ નિમેષ સાથે એક જ શાળામાં શિક્ષક તરીકે પ્રામાણિકતાથી નોકરી કરી આખી જિંદગી પ્રસન્નતાથી ગુજારી હતી. સારા શિક્ષકને વિદ્યાર્થીઓનો અઢળક પ્રેમ મળવો પણ સહજ હતો. રોજ સવારે દસ જણના પરિવારમાં બે જ રૂમમાં સંસાર ખુશી ખુશી વીતતો હતો.
ફૂલ જેવાં બે સંતાનો દાદા-દાદી પાસે લાડકોડથી ઊછરતાં હતા.
શિક્ષક દંપતીને શાળા કે ઘર-બેમાંથી એક પણ સ્થળે વિચારવિનિમય કરવાનો સમય ક્યાંથી મળે? પણ ઘર અને શાળા વચ્ચેનું અંતર કાપવા યાતાયાત માટેનું વાહન-બસ-જ તેમનું આજની ભાષાનું 'કાફૅ કૉફી' બનતું હતું.
હાથમાંથી સર જતી રેતીની જેમ સમય વીતતો ગયો. બંનેનો શાળામાંથી નિવૃત્તિ લેવાનો સમય આવ્યો. વિદાય સમારંભ યોજાયો. નિમેષ અને નિરાલી વિશે પ્રતિભાવ આપવા પ્યુનથી માંડી પ્રિન્સિપાલ ઉત્સુક હતા. બધાનાં હૈયાં આર્દ્ર બન્યાં હતા. શાળાની નિર્જીવ દીવાલો પણ જાણે નિ:શ્ર્વાસ નાખતી હતી. બંનેએ ભારે હૈયે બીજા ઘર સમી શાળા છોડતાં પ્રતિભાવ આપતાં કહ્યું:
'આવતી કાલથી 'હાજર' શબ્દ સાંભળવા કાન તલસશે. જમણા હાથની આંગળીઓ ચૉક અને ડસ્ટરને શોધશે. વાર્ષિકોત્સવ, વિજ્ઞાન પ્રદર્શન અને રમતોત્સવની યાદોમાં હૈયું ભીંજાશે કેમ કરી વિસરાશે આ ગમતીલા દિવસો?'
બંને હળવે પગલે ઘરમાં પ્રવેશ્યા. કુટુંબીજનોને હાશકારો થયો, પણ સતત પ્રવૃત્તિશીલ જીવને તો અજંપો જ ઘેરી વળ્યો. ભર્યા ભાદર્યા કુટુંબમાં સમાયેલા સંસારમાંથી સંતાનો માટે સમય ચોરતાં તેઓ હવે શીખી ગયાં હતા.
'ચાલ, બેટા! આજે આપણે મ્યુઝિયમ જઈએ.' 'આજે ચોપાટી ઘોડાગાડીમાં ફરવાની બહું મઝા આવી નહીં?' 'અને પેલી શેટ્ટીની ભેળનો સ્વાદ તો દાઢમાં વળગી જાય તેવો હતો. પપ્પા!'-આમ સલૂણી સંધ્યાને માણવા ક્યારેક તેઓ નીકળી પડતાં. કાળક્રમે ક્ધયાદાન દેવાનો અવસર પણ બંનેએ માણ્યો. દીકરો હજી સ્નાતક થઈ હમણાં જ કામે લાગ્યો હતો.
... પણ કુદરતને આ દાંપત્યસુખ મંજૂર નહોતું. નિમેષને એક દિવસ અચાનક મધરાતે છાતીમાં દુખાવો ઉપડ્યો. પરોઢિયે ઊલટીઓ થઈ. તાત્કાલિક નજીકની નામવંત હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં કંઈ જ સારવાર ન થઈ. માત્ર પરીક્ષણ થયું. ખિસ્સું ખંખેરી દસ હજાર રૂપિયા જમા કરાવી દીધા. ત્યાંથી સારવાર માટે તેમને બીજે લઈ જવાનું કહેતાં અન્ય હૉસ્પિટલમાં સત્વરે લઈ જવામાં આવ્યા, પણ ચોવીસ કલાક માત્ર હૉસ્પિટલનું લેણું ચૂકવવા પૂરતા જ જીવ્યા અને તેનો જીવનદીપ બુઝાઈ ગયો.
હવે એકલી નિરાલી પર આખા ઘરની જવાબદારી આવી પડી.
ભાડાની જગ્યા હોવાથી દર મહિને નિરાલી નિયમિત ભાડું ચૂકવતી. નિમેષના દેહાંત બાદ મકાનમાલિકે નિરાલીના નામ પર થયેલા એને ફ્લૅટમાં નૉમિની તરીકે નામ ઉમેરવાનું સૂચન કર્યું. તેણે તરત જ એક માત્ર પુત્ર વિમલનું નામ ઉમેરવાનું સૂચવી દીધું.
મકાનમાલિકે કહ્યું: 'તમારે દીકરી પણ છેને? તે પણ પૈતૃક સંપત્તિમાં સમાનાધિકાર ધરાવે છે. તેથી તેનું પણ નામ હોવું જોઈએ.' નિરાલીએ પુત્રીના સુખી સંસારનું કારણ આપી તેને ભાઈના ભાગમાં હિસ્સો લેવાની નથી પડી. એમ કહી દીધું. છતાં તે વખતે પુત્ર અપરિણીત હોવાથી મકાનમાલિકના આગ્રહને વશ થઈ તેણે પુત્રીનું નામ ઉમેરાવ્યું.
એકાકી નિરાલી જુવાન પુત્રના ખભાનો સહારો શોધવા ફાંફા મારતી હતી. પણ કૉર્પોરેટ ઑફિસમાં કામ કરતાં કરતાં રાજકુમાર જેવા દેખાતા કોડિલા આ વિધવા માના એક જ દીકરાને સુખી પરિણીત બહેનના એક જ ભાઈને એક સહકર્મચારિણીના પ્રેમપાશમાં મોહાંધ બનાવી દીધો. નેણમાંથી નીતરતા નેહના અફાટ પૂરમાં તણાતા દીકરાના દિલે માતાનો અધિકાર છીનવી લીધો. નજરના જામ પીધેલો આશિક મા આગળ બોલી ઊઠ્યો: 'ક્યાં સુધી પપ્પાનો શોક મનાવવાનો?'
-અને નિરાલી હૃદયનો ધબકાર ચૂકી ગઈ. તેને લગ્ન માટે છાતી પર પથ્થર રાખી સંમતિ આપવી પડી. ધીરે ધીરે એક રૂમ રસોડાના ફ્લેટમાં મા આડી આવવા લાગી. તેની ઉપેક્ષા થવા લાગી. સમય જતાં તેને મોટા ફ્લૅટમાં જવાના અભરખા જાગ્યા. જે ઘરમાં એક કાળે બાર જણનો સમાવેશ થતો હતો, તે ઘર હવે ત્રણ જણ માટે નાનું પડવા માંડ્યું. તેણે ઘરની મૂલવણી કઢાવી ત્યારે તેને બહેનનું નામ પણ તેમાં જોઈ કાંડા કપાઈ ગયાની અનુભૂતિ થઈ.
તે મા પર આગ વરસાવવા લાગ્યો. જે દીકરાના પ્રેમલગ્નની સંમતિ આપતી વખતે વિરહને હૈયામાં ધરબી દેનાર, તેના લગ્નમાં પોતાના નિવૃત્તિભથ્થામાંથી પોતાની હેસિયત કરતાં પણ ભાવિ વિચાર્યા વગર તેને રાજી રાખવા ખર્ચો કરનાર નિરાલીના પુત્રીના નૉમિની તરીકે નામ નોંધાવવાના નિર્ણયને કારણે સગા ભાઈ-બહેનના સંબંધમાં કડવાશ ઘૂંટાઈ ગઈ. છતાં તેમના અરમાનને પૂરા કરવા નિરાલીએ બનતી સહાય કરવા વચન આપ્યું, પણ પતિની એ સ્મરણ વાટિકા છોડીને જવાની નારાજગી વ્યક્ત કરી.
પુત્રવધૂ વનિતાને સાસુ સમોવડી જ લાગતી હતી. તે દરેક કામમાં સાસુ પાસે સમાંતરે અપેક્ષા રાખતી. બંને વચ્ચેની વયનું અંતર પચાવવા જેટલી પરિપકવતાનો અભાવ, જિદ્દી સ્વભાવ, માતા પિતાનું પીઠબળ, એકાક્ષી પતિનું વલણ વગેરે એ વનિતાને વિજયી બનાવી.
હવે રોજ રોજ વનિતાના તીક્ષ્ણ વાગ્બાણોથી વિંધાતી નિરાલી પતિની ગેરહાજરીને આંસુ સારી વહાવતી. ત્યાં તો સુખનો સૂરજ ઊગવાની આશા જન્માવતા પૌત્રનું આગમન થયું. ચાર જણનો પરિવાર હોવાથી પોતાના નિવૃત્તિભથ્થામાંથી જ પોતાની દવાનો ખર્ચ સહેલાઈથી નીકળતો હોવાથી નિરાલીને દીકરા પાસે લાચારીથી હાથ ફેલાવવાનો પ્રસંગ કદી નહોતો આવતો. છતાં તન-મનથી સંકોચાતી જતી નિરાલી એક દિવસ તો ધ્રૂજી જ ઊઠી.
તુંડમિજાજી પુત્રવધૂ ક્રોધાવેશમાં હાથમાં છરી લઈ કાંડા પરની નસ કાપવા તૈયાર થઈ. ભયભીત નિરાલી પડોશણને બોલાવી લાવી. 'જુઓ! આ શું કરે છે? તેને જરા સમજાવો.' નિરાલી ઘરેલું હિંસાના જૂઠ્ઠા આરોપમાંથી બચવા માગતી હતી. પુત્રના સંસારમાં માથું મારવા ન ચાહતી તે ચૂપચાપ દેવદર્શન, સત્સંગ વગેરેમાં પોતાના મનને પ્રવૃત્ત રાખતી. અસંતુષ્ટ વનિતા વિમલ જોડે રોજ કોઈના કોઈ બહાને ઝઘડો કર્યા કરતી.
નાનકડો વિપુલ આ કલુષિત વાતાવરણની છાપ પોતાના અજાગૃત બાળમાનસ પર ઉપસાવતો જતો હતો. તેણે તેની શાળામાં મિત્રો જોડે પણ એવું જ વર્તન કરવું શરૂ કર્યું. શાળામાંથી ફરિયાદ આવી. અને વનિતા રણચંડી બનીને વિપુલ પર વરસી પડી. દાદી શું બોલે? તે જો વિપુલને બચાવવા જાય, તો બાણ તેના તરફ ફેંકાય- એમ વિચારી તે મૂક સાક્ષી બની રહી.
સાંજે વિમલ ઘરમાં આવતાંવેત જ નિરાલી પર ધૂંવાંપૂંવાં થઈ તૂટી જ પડ્યો. 'નીકળી જા આ ઘરમાંથી બહાર. તું જાણે છે કે વનિતા શોર્ટ ટેમ્પર્ડ છે, તો તું શું કામ તેની જોડે જીભાજોડી કરે છે? યાદ રાખજે! હું તારી વિરુદ્ધ એફઆરઆઈ નોંધાવીશ કે તું મારી પત્ની પાસે દહેજ માટે જુલમ વરસાવે છે!'
-સાંભળીને નિરાલી તો અવાક્ જ થઈ ગઈ. તે તો કશું બોલી જ નહોતી, છતાં આમ કેમ?
એકાંત મળતાં તે ભૂતકાળની નિ:સ્વાર્થ પ્રેમની સગાઈ યાદ કરી વર્તમાનની કડવાશ વિસારવા મથતી. તેને થતું કે નિવૃત્તિની અમાસ કરતાં પ્રવૃત્તિની પૂનમના દિવસો કેવા મજાનાં હતાં! અને પતિની તસવીર સામે જોઈ આંસુ સારતી બોલી ઊઠી: 'નિમેષ! હજી મને તમારી વીસ વરસ જરૂર હતી! તમે મને આ દોજખમાં છોડીને કેમ જતા રહ્યાં?' |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OumA9STYE9Mr-WiZAfvoE5axa3RkT%2B6ojm5A%3DHzW_-kvQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment