Friday, 31 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ચિંતનની પળે: કૃષ્ણકાંત ઉનડકટ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તું ઉછીની લીધેલી સંવેદનાઓ

પર જીવવાનું છોડી દે તો સારું

 

ચિંતનની પળે: કૃષ્ણકાંત ઉનડકટ

 

દર્દને ગાયા વિના રોયા કરો, પ્રેમમાં જે થાય છે જોયા કરો,

બીક લાગે કંટકોની જો સતત, ફૂલને સૂંઘો નહીં જોયા કરો,

કેમ આવ્યા આ જગે રડતા તમે, જિંદગી આખી હવે રોયા કરો,

લ્યો હવે 'કૈલાસ' ખુદને કાંધ પર, રાહ સૌની ક્યાં સુધી જોયા કરો?

- કૈલાસ પંડિત

 

આપણે આપણી રીતે કેટલું જીવતા હોઈએ છીએ? કોઈની ઇચ્છા, કોઈના ગમા, કોઈના અણગમા, કોઈની માન્યતા, કોઈની વાત અને કોઈનું વર્તન આપણા પર કેટલું હાવી રહે છે? દરેક માણસે એ વિચારવું જોઈએ કે હું કેટલો કે કેટલી 'ઓરિજિનલ' છું! આપણે કેટલા 'ઓર્ગેનિક' છીએ? ક્યારેક આપણાથી કંઈક એવું વર્તન થઈ જાય છે જ્યારે આપણને એમ થાય છે કે આવું મારાથી કેમ થયું? હું આવો નથી કે પછી હું આવી નથી. આપણા પર સતત કોઈનો પ્રભાવ રહેતો હોય છે. આજુબાજુનું વાતાવરણ આપણને અસર કરે છે, આપણી નજીકના લોકોનું વર્તન આપણા વિચારોને દોરે છે. જો ધ્યાન ન રાખીએ તો એ આપણી અંદર ઘૂસી જાય છે. આવું થાય તો આપણે જેવા હોઈએ એવા નથી રહેતા, પણ જે હાવી થઈ જાય એના જેવા થઈ જઈએ છીએ. કોઈની વાત સાંભળવી એ એક વાત છે અને કોઈની વાત સાંભળી એનું આંધળું અનુકરણ કરવું એ તદ્દન જુદી વાત છે.

 

આપણી આસપાસ સતત કંઈક ને કંઈક ચાલતું રહે છે. બધું ખરાબ, અયોગ્ય કે ગેરવાજબી હોય એવું જરૂરી નથી. બનવા જોગ છે કે એ સારું, વાજબી અને ઉમદા પણ હોય. આપણે એટલો ખયાલ રાખવાનો હોય છે કે એ વાતને બરાબર માપીએ, તોળીએ અને સમજીએ. આપણી પ્રકૃતિ અને આપણી જિંદગીને એ માફક આવે છે? આપણું દિલ એ વાતને માનવા તૈયાર છે? જો જવાબ હા હોય તો જ એને આપણી અંદર આવવા દેવું જોઈએ. જો બહારથી જુદા જુદા કલર ઢોળાતા જ રહે તો આપણે આપણો મૂળ રંગ ખોઈ બેસીએ છીએ. છેલ્લે એ રંગ એવો કાળો થઈ જાય છે કે એના પછી આપણો ઓરિજિનલ કલર ક્યારેય ચડતો જ નથી.

 

કોઈને પ્રેમ કરવામાં, કોઈને નફરત કરવામાં, કોઈ સાથે સારા સંબંધો રાખવામાં અને જિંદગી જીવવામાં પણ જો કેરફુલ ન રહીએ તો આપણી ઓરિજિનાલિટી ગુમાવવાનો ખતરો રહે છે. એક છોકરી હતી. તેની સાથે ભણતો છોકરો તેને પ્રેમ કરતો હતો. એ છોકરો તેનું ખૂબ ધ્યાન રાખતો હતો. રોજ મેસેજ કરે. નિયમિત રીતે ફ્લાવર્સ, ચોકલેટ્સ અને ગિફ્ટ આપે. છોકરી એની દરકાર ન કરે. છોકરીની એક ફ્રેન્ડે એક દિવસ તેને કહ્યું કે એ તને કેટલો પ્રેમ કરે છે અને તું છે કે એને કોઈ ભાવ જ નથી આપતી. ફ્રેન્ડની વાત સાંભળીને છોકરીએ કહ્યું, હા હું એને ભાવ નથી આપતી, કારણ કે મને એની પ્રેમ કરવાની રીત પસંદ નથી. મને નથી ગમતું કે તે આટલું બધું કરે. પ્રેમ માટે આટલા બધા પ્રયાસો કરે. એ એના પ્રેમમાં કેમ નેચરલ નથી? પ્રેમ આંખથી થવો જોઈએ, ફુલ કે ગિફ્ટથી નહીં. પ્રેમની મારી વ્યાખ્યા, મારી સમજ અને મારી માન્યતા જુદી છે. પ્રેમ મારામાં ઊગવો જોઈએ, પ્રેમ મારામાં ખીલવો જોઈએ, એને જોઈને એકાદ ધબકારો વધવો જોઈએ અને છેલ્લે એ મને મારી વ્યક્તિ લાગવો જોઈએ. મને એવું નથી થતું. બહુ આર્ટિફિશિયલ લાગે છે મને એ બધું. એનું બોલબોલ મને નથી ગમતું, મારો પ્રેમ મૌન છે. મને શાંતિમાં મધુર કલરવ સંભળાય છે. એ પ્રયત્નો કરે એટલે મારે પ્રેમ કરવા મંડવાનો? ના, એ વાજબી નથી. એ તો મારો જ મારી જાતને અન્યાય છે. કૃત્રિમતા મને પસંદ નથી. એ સારો હશે, પણ હું નથી ઇચ્છતી કે હું એના જેવી થઈ જાઉં, મને મારા જેવી રહેવું છે. આપણે ઘણી વખત કોઈનું વર્તન જોઈને એના જેવા થઈ જઈએ છીએ. એ જે કંઈ કરે છે એ વિશે મને એટલી ખબર છે કે એ કાયમ નથી રહેવાનું, જે કાયમ ન રહે એ મને મંજૂર નથી, મને તો પરમેનન્ટ જોઈએ, એક સરખું અને જેવું હોય એવું, તદ્દન ઓરિજિનલ, એકદમ ઓર્ગેનિંગ. ચાંદી ઉપર સોનાના ઢોળ ચડાવેલા દાગીના કરતાં ઓરિજિનલ ચાંદીનાં ઘરેણાંને હું પસંદ કરું છું. લોખંડ ઉપર લાકડાનું કવર ચડાવી દેવાથી લોખંડ લાકડું થઈ જતું નથી.

 

એક છોકરા-છોકરીની વાત છે. છોકરો એકદમ અલ્લડ, બિન્ધાસ્ત, એની રીતે જીવવાવાળો. વાળ પણ ઓળાવવાનું મન થાય તો જ ઓળાવે, વાત પણ મજા આવે તો જ કરે. એક છોકરી એના પ્રેમમાં પડી. બંને વચ્ચે સારું બનવા લાગ્યું. એક દિવસ છોકરાએ પૂછ્યું, તને મારામાં શું ગમ્યું? હું તો સાવ બેફિકરો છું. મને તો હતું કે મારી રીતભાત અને હાલહવાલ જોઈને કોઈ છોકરી મને પ્રેમ જ ન કરે. એવું પણ વિચારતો કે કોઈ પ્રેમ ન કરે તો કંઈ નહીં, બંદા જેવા છે એવા જ રહેવાના. મને નાટક ન ગમે. હું કોઈને એટ્રેક કરવા ટેટુ ન ત્રોફાવી શકું, કોઈનું ધ્યાન જાય એટલા માટે હું હેર સ્ટાઇલ ન બદલું. આ વાત સાંભળીને છોકરીએ કહ્યું કે તું મને એટલે જ ગમે છે, કારણ કે તું ઓરિજિનલ છે, જેવો છે એવો જ છે, કોઈ પ્રયાસો કરતો નથી. મને આવો માણસ જ ગમે. મને ખબર છે કે ભવિષ્યમાં સાથે રહીશું તો પણ તું અમુક રીતે જ જીવવાનો, મને મંજૂર છે. બધું સ્વીકાર્ય એટલે છે કે તું મને પ્રેમ પણ ઓરિજિનલ અને રિયલ જ કરવાનો.

 

પ્રેમ કરવાની રીતમાં પણ ક્યારેક આપણે બીજા લોકો કે પ્રેમ વિશેના બીજાના ખયાલોને આંધળી રીતે અનુસરતા રહીએ છીએ. કોઈ સેલિબ્રિટીએ કંઈક કર્યું તો આપણે પણ એવું કરવા મંડી પડીએ છીએ. આપણાં કપડાં પણ કયો ટ્રેન્ડ ચાલે છે તેના પરથી નક્કી કરીએ છીએ. કેટલા લોકો એવું વિચારે છે કે મને ગમે છે, મને ફાવે છે કે પછી મને સારું લાગે છે. ઘણા તો વળી એવું પણ વિચારે છે કે જમાના મુજબ રહેવું પડે, નહીંતર બધા આપણને આઉટડેટેડ માનવા લાગે. ફોન તો અમુક જ વાપરવાનો. આપણા સ્ટેટસ મુજબનું હોવું જોઈએ બધું. ઘણી વખત બીજા સ્ટેટસ મેઇન્ટેઇન કરવામાં આપણે આપણું રિયલ સ્ટેટસ ગુમાવી દેતા હોઈએ છીએ. ફાવતું ન હોય એને પણ ફવડાવીએ છીએ. દેખાડો કરીએ ત્યારે આપણે આપણા જેવા પણ નથી દેખાતા હોતા. સિરિયલોમાં પહેરે એવાં કપડાં જ હવે લગ્નમાં પહેરાવા લાગ્યાં છે. આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ પણ કોઈના આધારે દોરવાતી થઈ ગઈ છે. નવું છે એટલે કરવું પડે બધું! તમને ગમતું હોય તો કરો, પણ કરવું પડે એટલે કંઈ ન કરો.

 

માત્ર પ્રેમમાં જ નહીં, નફરત કરવાની વાતમાં પણ બીજા કોઈ હાવી ન થઈ જાય એની કાળજી રાખવી પડતી હોય છે. એક કપલની આ વાત છે. બંનેના અરેન્જ મેરેજ હતા. પત્નીને પતિના ઓરિજિનલ સ્વભાવની ખબર ન હતી. ધીમે ધીમે એનું પોત પ્રકાશવા લાગ્યું. એ પહેલાં ગાળો આપતો, પછી મારવા પણ લાગ્યો. છોકરીથી આ વાત સહન ન થઈ. તેણે પોતાનાં માતા-પિતાને વાત કરી. પિતા તો આ વાતથી ધૂંધવાઈ ગયા. હવે જોજે એની હાલત, એને ખબર પાડી દેવી છે. મિત્રો અને સ્વજનોએ પણ એવું જ કહ્યું કે એને બરાબર પાઠ ભણાવજે, એણે તારી જિંદગી બગાડી છે, આવા લોકોને તો એના કર્યાની સજા મળવી જ જોઈએ. એક દિવસ છોકરીએ ઘરના લોકોને ભેગા કરીને કહ્યું કે, મારી વાત ધ્યાનથી સાંભળજો. તમે બધા લડી લેવાનું અને બતાવી દેવાનું કહો છો, પણ મારે એવું કંઈ નથી કરવું. મ્યુચ્યુઅલી ડિવોર્સ અપાવી દો. મારે એ વાત ઉપર પૂર્ણવિરામ મૂકવું છે. મારે નફરતમાં પણ એને યાદ નથી રાખવો. મને મારે જે કરવું છે એ કરવા દો. પ્લીસ, મને કોઈ સલાહ ન આપો.

 

આપણે લોકો ઘણી વખત 'સોશિયલ પ્રેશર'ને પણ ચલાવી લેતા હોઈએ છીએ. મા-બાપ, વડીલ, સ્વજન કે મિત્રો કહે એ માની લઈએ છીએ. બીજા સામે બોલી શકતા નથી. બધા કહે એટલે કરવું તો પડે ને? આવું કરીને પણ આપણે જેવા હોઈએ એવા રહેતા નથી. કંઈ પણ થાય ત્યારે એ વિચારવું જોઈએ કે મને આ ગમે છે? મારે નિર્ણય કરવાનો હોય તો હું આવો નિર્ણય કરું? જો દિલ જરાયે ના પાડે તો એ ન કરવું. સુખી થવાનો એક રસ્તો એ છે કે આપણે આપણા જેવા રહીએ. આપણે દોરવાતા રહીએ છીએ. વરસાદ આવે છે, વરસાદમાં નહાવાનું ગમે. જોકે, બનવાજોગ છે કે તમને ન પણ ગમે. બધા કરે છે એટલે કરવું પણ વાજબી નથી. લોંગ ડ્રાઇવ તમને વાહિયાત અને પેટ્રોલનો ધુમાડો લાગતો હોય તો ન જવું. તમને ચાલવું ગમે છે તો ચાલો, જે ગમે એ કરો, ન ગમે એ ન કરો. દુનિયાની બેસ્ટ કોફી પણ આપણને કડવી લાગે એવું બને.

 

આપણે બધી વાતોમાં બહુ સલાહો અને ઓપિનિયન માગવા લાગીએ છીએ. અમુક લોકો તો એ હદ સુધી જાય છે કે કોઈક કહે એમ જ કરતા હોય છે. એની પોતાની કોઈ પસંદગી જ નથી રહેતી. તમે કોઈના માટે જીવો છો કે પોતાના માટે? કોઈને ગમે એટલે કંઈ પહેરો છો કે તમને મજા આવે એટલા માટે? હા, પોતાની વ્યક્તિને ગમે એવું કરો એનો વાંધો ન હોય, પણ એ સ્વૈચ્છિક અને ગમતીલું હોવું જોઈએ. કોઈ એકાદ વાતમાં માનો તો પણ વાંધો નથી, બધી જ વાતમાં માનવું એ થોડુંક વિચિત્ર બની જાય છે. એક છોકરો એક ટીશર્ટ લાવ્યો. ટીશર્ટ પહેરીને તેની ગર્લફ્રેન્ડને મળવા ગયો. ગર્લફ્રેન્ડે કહ્યું કે, યાર સાવ ભંગાર લાગે છે તને. જરાયે નથી શોભતું. એ પછી એણે ક્યારેય એ ટીશર્ટ ન પહેર્યું. એક દિવસ તેની ગર્લફ્રેન્ડે પૂછ્યું, તેં કેમ પેલું ટીશર્ટ પછી પહેર્યું જ નહીં? છોકરાએ કહ્યું, તને નહોતું ગમ્યું એટલે. પછી તેણે એક સાચી વાત કરી. તેણે કહ્યું કે મારા જેટલા ફ્રેન્ડ્સ છે એ બધાએ મને એવું કહ્યું હતું કે યાર તને મસ્ત લાગે છે. સાવ સાચું કહું તો મને પણ ગમતું હતું, પણ તને ન ગમતું હોય તો નથી પહેરવું એ મારે! તારા માટે તો તૈયાર થાઉં છું. તને ન ગમે એવું કંઈ કરવું નથી. પોતાની વ્યક્તિ માટે કંઈ કરવું એ જુદી વાત છે, કારણ કે બાકી બધાથી આપણને આપણી વ્યક્તિ વધુ ગમતી હોય છે. બસ, કંઈ જબરજસ્તી, કંઈ પ્રેશર કે મનમાં ભાર લાગે એવું ન હોવું જોઈએ.

 

આપણને ચારે તરફથી સુવાક્યો, મોટિવેશન અને સલાહો મળતી રહે છે. આમ કરવું જોઈએ અથવા તો આમ ન કરવું જોઈએ, આ વાજબી છે અને આ ગેરવાજબી છે. ઘણું બધું આપણે વાંચતા પણ હોઈએ છીએ. બધી જ વાત માની લેવાની કંઈ જરૂર નથી. દરેક માણસે પોતાના નિયમો પોતે જ બનાવવા જોઈએ. પોતાની ધારણા પોતે જ બાંધવી જોઈએ. તમારા આદર્શો, સિદ્ધાંતો અને તમારી સંવેદનાઓ તમે જ નક્કી કરો. બધું જુઓ, સાંભળો, વાંચો અને વિચારો પણ ખરા, છેલ્લે તમારી જાતને એવો સવાલ પૂછો કે આ મને ફાવે એમ છે? હું એને અનુસરી શકું એમ છું? મને આ શોભે છે? મારે આ કરવું જોઈએ? સંવેદનાઓ પણ ઉછીની ન લો. જિંદગી તમારી છે, તમારે તમારી રીતે એને જીવવાની છે, કોઈની રીતે નહીં. કોઈની રીતે જીવવા જશો તો તમે તમારી રીતે ક્યારેય નહીં જીવો. બધા કહેતા હશે એમ કરતા રહેશો તો તમારું દિલ શું કહે છે એ સંભળાશે જ નહીં. તમારું દિલ, તમારી જાત કહે એમ કરો તો જ જિંદગી જીવવાની મજા આવશે.

 

છેલ્લો સીન:

તમને ન ગમે એવું ન કરો તો જ તમે તમને ગમતું હોય એવું કરી શકશો.

-કેયુ.

('દિવ્ય ભાસ્કર', 'કળશ' પૂર્તિ, તા. 29 ઓગસ્ટ 2018, બુધવાર, 'ચિંતનની પળે' કોલમ)

 

kkantu@gmail.com

 


--

 


 

Blog: www.krishnkantunadkat.blogspot.com


__._,_.___

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtJwri4fwj82PbpG%2B%3DCkKGBvWm1NGvDtd-LBFzV2tq-dw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સાફ અને મેલું (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સાફ અને મેલું: આત્માની તિરાડોમાંથી અંધારું હજુ ગયું નથી...
શિશિર રામાવત

 

 

પરીક્ષિતલાલ મજમુદારને ગુજરાત ભૂલી ગયું છે. ગાંધીજી અને તેમની આસપાસના તારામંડળનો સામૂહિક પ્રકાશ એટલો પ્રચંડ છે કે બીજાં કેટલાંય નામો માતબર હોવા છતાંય ખાસ ઝળકી શક્યાં નહીં. પરીક્ષિતલાલ મજમુદાર આ શ્રેણીમાં સ્થાન પામતા મહાનુભાવ છે.

 

પરીક્ષિતલાલ મજમુદાર. આ નામ સાંભળીને ચિત્તમાં ત્વરિત કોઈ ચિત્ર ન ઉપસે તો બહુ આશ્ચર્ય પામવા જેવું નથી. અમદાવાદમાં એક પરીક્ષિતલાલનગર છે. શહેરના એક પુલને પરીક્ષિતલાલ મજમુદાર બ્રિજ એવું નામ આપી દેવામાં આવ્યું છે. બસ. એ સિવાય ગુજરાત આ નિષ્ઠાવાન ગાંધીવાદીને વિસરી ગયું છે. ગાંધીજી એક વિરાટ વિભૂતિ હતા અને તેમના તારામંડળની બીજી હરોળમાં સ્થાન પામતા નહેરુ - સરદાર આદિ પણ દિગ્ગજ વ્યક્તિત્વો હતાં. આ સૌનો સામૂહિક પ્રકાશ એટલો પ્રચંડ છે કે બીજાં કેટલાંય નામો માતબર હોવા છતાંય ખાસ ઝળકી શક્યાં નહીં. પરીક્ષિતલાલ મજમુદાર આ શ્રેણીમાં સ્થાન પામતા મહાનુભાવ છે. ગુજરાતમાં અશ્પૃશ્યતા નિવારણ માટે, લોકોનાં મળમૂત્ર સાફ કરીને માથે મેલું ઉપાડતા લોકોના ઉત્થાન માટે એમણે અદ્ભુત કાર્ય કર્યું છે. આજે એમને મોકળાશપૂર્વક યાદ કરીએ.

 

૧૧૭ વર્ષ પહેલાં એટલે કે ૧૯૦૧માં તેમનો જન્મ પાલિતાણાના એક નાગર પરિવારમાં થયો હતો. હરિજનો પ્રત્યે એમને બાળપણથી જ સહાનુભૂતિ હતી. બાપડા અભણ હરિજનોને લખતાંવાંચતાં આવડે નહીં એટલે એ ખુદ પોસ્ટઓફિસ જઈને પોસ્ટકાર્ડ લઈ આવે, એમને કાગળ લખી આપે. ઊંચી ટકાવારી સાથે મેટ્રિકની પરીક્ષા પાસ કરી એટલે કારકૂન પિતાજીએ એમને આગળ ભણવા મુંબઈ મોકલ્યા. પરીક્ષિતલાલની ઇચ્છા ડોક્ટર બનવાની હતી. મુંબઈમાં ગોકુળદાસ તેજપાલ છાત્રાલયનું એ વર્ષોમાં મોટું નામ. માત્ર તેજસ્વી વિદ્યાર્થીઓને જ અહીં પ્રવેશ મળે. વિદ્યાર્થીઓના રહેવા-જમવા ઉપરાંત ભણવાની ફી અને પુસ્તકોનો ખર્ચ પણ છાત્રાલય ઉઠાવે. પરીક્ષિતલાલને અહીં આસાનીથી પ્રવેશ મળી ગયો. ગિરગાંવ ચોપાટી સામે ઊભેલી વિલ્સન કોલેજમાં એ ભણતા.


જોકે પરીક્ષિતલાલની કુંડળીમાં મુંબઈનું ભણતર ઝાઝું લખાયું નહોતું. ૧૯૨૦ના દાયકાના પ્રારંભમાં ગાંધીજીની અસહકારની લડત શરૂ થઈ. દેશભરમાં અસહકારનો માહોલ બનવા લાગ્યો. અંગ્રેજી શિક્ષણ, અંગ્રેજી માલસામાન, અંગ્રેજ સરકારે આપેલા ખિતાબો વગેરેનો બહિષ્કાર થવા લાગ્યો. દેશની સાંપ્રત પરિસ્થિતિથી સતત વાકેફ રહેતા પરીક્ષિતલાલ જલિયાંવાલા બાગના હત્યાકાંડથી હચમચી ઊઠયા હતા. ગાંધીજીની અપીલ તેમને સ્પર્શી ગઈ. કોલેજનો અભ્યાસ છોડીને તેઓ ચૂપચાપ અમદાવાદ આવી ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા માંડયા. મુંબઈના છાત્રાલયમાં તો લોજિંગ-ર્બોડિંગ ફ્રી હતું, પણ અમદાવાદમાં શું કરવું? પિતાને જાણ કર્યા વગર મુંબઈનો અભ્યાસ અધૂરો મૂકી દીધો હતો એટલે એમની પાસેથી પૈસાય કેવી રીતે માગવા? કંગાલિયતનો સામનો કરવા પરીક્ષિતલાલે દિવસમાં એક જ વાર ભોજન લેવાનું રાખ્યું. વિદ્યાપીઠના આચાર્ય આસુદમલ ગિડવાણીએ મદદ કરવાના આશયથી એમને રાત્રિશાળાના શિક્ષક બનાવી દીધા. સાથે સાથે 'નવજીવન' સામયિકનું પ્રૂફ રીડિંગ કરવાનું કામ પણ સોંપ્યું. બદલામાં જે થોડુંઘણું વેતન મળતું એનાથી પરીક્ષિતલાલનું ગાડું ગબડી જતું.

 

રાત્રિશાળાઓ વાડજ અને કોચરબના હરિજનવાસમાં શરૂ કરવામાં આવી હતી. આ રીતે હરિજનોના દમિત જીવનને બિલકુલ નિકટથી જોવાના યોગ ઊભા થયા. મૂંગા ઢોર જેવું જીવન જીવી રહેલા હરિજનોની બૂરી હાલત જોઈને પરીક્ષિતલાલને ખૂબ પીડા થતી. તેઓ રાત્રે હરિજનવાસમાં ભણાવે, દિવસે પોતે ભણે અને વચ્ચે વચ્ચે 'નવજીવન'નાં પ્રૂફ તપાસતા જાય. આ રીતે સખત મહેનત કરીને અર્થશાસ્ત્ર સાથે ગ્રેજ્યુએટ તો થઈ ગયા. નોકરી કરવાનો કોઈ સવાલ નહોતો. દરમિયાન નાગપુર ઝંડા સત્યાગ્રહમાં જોડાઈને ધરપકડ વહોરીને જેલમાં ગયા. એક વર્ષના કપરા જેલવાસ પછી પરીક્ષિતલાલ ગાંધીજીને મળ્યા. પોતાનું આખું જીવન સમાજસેવામાં વ્યતીત કરવા માગે છે એવી મંશા વ્યક્ત કરી. ગાંધીજીએ પૂછ્યું: "બોલો, કયું કામ કરશો?" પરીક્ષિતલાલ કહેઃ "તમે જે કહો એ." ગાંધીજીએ કહ્યું: "સારું ત્યારે. તમે હરિજનોની સેવાનું કામ કરો પણ કામ શરૂ કરતાં પહેલાં તમારે તાલીમ લેવી પડશે. ગોધરામાં મામાસાહેબ ફડકે આ કામ કરે છે. એમને જઈને મળો."


મામાસાહેબ ફડકેથી પરીક્ષિતલાલ ખૂબ પ્રેરાયા. એક સમયે ડોક્ટર બનવા માગતો અને એ કક્ષાની કાબેલિયત ધરાવતો આ માણસ હરિજનવાસમાં જઈને સાફસફાઈ કરવા માંડયો. તેઓ હરિજનોનાં બાળકોને નવડાવતાં, રમાડતાં, ભણાવતાં. ૧૯૨૬થી ૧૯૩૦ દરમિયાન તેઓ નવસારી રહ્યા. અહીં હરિજન આશ્રમ બાંધ્યો. એક નાગર બ્રાહ્મણનો દીકરો આ રીતે હરિજનવાસમાં ખાય-પીએ-રહે એ ઉજળિયાત લોકોથી જોવાયું નહીં. તેમણે પરીક્ષિતલાલ સાથે આભડછેટ રાખવા માંડી. એક ધોમધખતી બપોરે સાર્વજનિક પરબ પર પાણી પીવા ગયા તો કોઈ સવર્ણ યુવાને તેમને ખૂબ માર માર્યો. પરીક્ષિતલાલે એની સામે એક હરફ સુધ્ધાં ન ઉચ્ચાર્યો.

 

પરીક્ષિતલાલ સામે ક્યારેક ખુદ હરિજનો પણ મુશ્કેલી ખડી કરી દેતા હતા. એક વાર પરીક્ષિતલાલે ગાંધીજીને કાગળ લખીને પુછાવવું પડયું કે બાપુ, આશ્રમમાં રહેતા અમુક હરિજનબંધુઓ ગેરવર્તાવ કરતા હોય તો મારે શું કરવું? બાપુએ ૨૦ સપ્ટેમ્બર,૧૯૩૪ના રોજ સામો પત્ર લખીને જણાવ્યું કે આ મામલામાં સૌને એક લાકડીએ હાંકી શકાય એવું નથી. તમે જાતે જ તમારા અનુભવના આધારે બિલકુલ ખચકાટ કે ભય વગર નક્કી કરો કે તમે કયાં પગલાં લેવાં માગો છો. ગાંધીજીએ સ્પષ્ટપણે લખ્યું કે આશ્રમનો માહોલ ખરાબ કરનારને બિલકુલ બક્ષવા નહીં. જો હરિજનબંધુઓની નૈતિકતા કથળશે તો હરિજનસેવાનો આપણો આખો ઉદ્દેશ જ માર્યો જશે.

 

મીઠાના સત્યાગ્રહ વખતે સરકારે પરીક્ષિતલાલની ધરપકડ કરી નવ માસની જેલની સજા કરી. એ દિવસોમાં ખાસ કરીને કચ્છમાં ખૂબ આભડછેટ હતી. જેલવાસ બાદ પરીક્ષિતલાલ લોકસેવક ઠક્કરબાપાનો પડછાયો બનીને ખૂબ ફર્યા. રાપર, અંજાર, લીલાપુર વગેરે સ્થળે હરિજનો માટે છાત્રાલયો શરૂ કરાવ્યાં. હરિજનોના ઉદ્ધારની વિવિધ પ્રવૃત્તિઓ નિરંતર ચાલતી રહી. પરીક્ષિતલાલ આજીવન અપરિણીત રહ્યા. આશ્રમમાં સૌ એમને મોટાભાઈ કહીને બોલાવતા. હરિજનસેવાનું વ્રત લીધું હોવાથી આ સિવાયનાં બીજાં કોઈ કામ તરફ એમણે નજર દોડાવી નહીં. હરિજન સેવક સંઘની વાર્ષિક બેઠકમાં દિલ્હી જવાનું થાય ત્યારે અમદાવાદથી ટ્રેન પકડે, દિલ્હી ઊતરીને સીધા હરિજન કોલોનીમાં જાય ને જેવું કામ પૂરું થાય એટલે ત્રીજા વર્ગના ડબામાં અમદાવાદ પાછા.

 

આઝાદી પછી પરીક્ષિતલાલને પદ્મશ્રીનો ખિતાબ આપવામાં આવ્યો હતો. નાનીમોટી સમિતિઓમાં તેમની નિમણૂક થયા કરતી. ૧૯૬૫માં એમનું નિધન થયું. જીવનમાં એક પણ દિવસ રજા ન લેનાર આ માણસે મરવા માટે પણ રવિવારનો દિવસ પસંદ કર્યો.

 

પરીક્ષિતલાલ મજમુદારનો ગુજરાતે તો ઠીક, કદાચ હરિજનોએ પણ પૂરતો ઋણસ્વીકાર કર્યો નથી. અશ્પૃશ્યતાની બદી અને માથે મેલું ઉપાડવાની પ્રથા ભારતમાંથી આજેય સંપૂર્ણપણે નાબૂદ થઈ નથી તે એક કદરૂપું સત્ય છે. ભારતના અંતરિયાળ વિસ્તારોમાં હરિજનોની દુર્દશાની કથાઓ આજેય ધ્રુજાવી મૂકે છે. આપણા સમાજના આત્માની કેટલીક તિરાડોમાં આજેય અંધારું ફેલાયેલું છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtLC%3DMAgwcehBs4NSmCjTST1n9f1%2BTF8NEokFij8VotJw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સ્પેકટ્રોમીટર (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સ્પેકટ્રોમીટર!
જય વસાવડા
 

રક્ષાબંધનનું 'સિસ્ટર્સ ડે' તરીકે ગ્લોબલ માર્કેટિંગ કેમ નથી થઇ શકતું?


                   
રાખડી વિશ્વભરમાં બેજોડ એવો ભાઈ બહેનના લવનો દેખીતો જ આકર્ષક કોન્સેપ્ટ છે. પણ કલ્ચરની બાબતમાં આપણે રીસિવરમાંથી ટ્રાન્સમીટર બનવામાં હજુ લાંબી મજલ કાપવાની છે.

 

તમે રાગનું 'રાગા' અને યોગનું 'યોગા'  સાંભળ્યું હશે. ફોરેન (આપણું ફોરેન એટલે મોટે ભાગે ગલ્ફને બાદ કરતા વધુ કમાણી અને વધુ સુવિધા આપતા અંગ્રેજી સમજતા દેશો, કેનેડાથી કેન્યા, અમેરિકાથી ઓસ્ટ્રેલિયા વાયા બ્રિટન વગેરે વગેરે )માં રામનું 'રામા'  થાય અને કૃષ્ણની તો જાતિ જ ફરી જાય એવું 'ક્રિશ્ના'  ય થાય. એના ચાળે આપણી સ્કૂલો ય આમ જ પઢાવે ને ઇન્ડિયાને આગળ બઢાવે.

 

પરદેશીઓ પહોળા ઉચ્ચાર સાથે બોલે ને સ્પેલિંગમાં છેલ્લે એ આવે એટલે એવું થાય તેવા તર્કો બી લડાવીએ. અમેરિકાવાસી લેખક સ્વ. હરનિશ જાની કહેતા કે વર્ષો પહેલા મહેશ યોગી અને પંડિત રવિશંકરથી આ શરૂ થયું. પછી ઇસ્કોનના સ્વામી પ્રભુપાદ ( જેનો ય અમેરિકન ઉચ્ચાર ખોટો ને પહોળો જ થાય છે)થી આવા નામો વધુ ફેલાયા. આપણે ય સ્પેલિંગ 'આરએએએમ'  લખી રામ લખવાને બદલે 'આરએએમએ'  લખી રામનું 'રામા'  જ ચાલુ રખાવ્યું!


પણ તમે કદી કુરાનનું 'કુરાના'  સાંભળ્યું છે? 'સેમસંગનું 'સામસુંગ' વાંચ્યું છે? મોહમ્મદનું મોહમ્મદા થયું? પણ 'અવતાર' નું 'એવેટાર'  કન્ફર્મ છપાઈ ગયું! આપણી લાગણીઓ પાછી ીઓના સેક્સી વો અને માંસમચ્છીથી જ દુભાતી હોઈ આ આપણને કોઈ ઇસ્યુ જ નથી લાગતો. બાકી જે પશ્ચિમી પોરિયાઓ ગ્રીક અને રોમન, જાપાનીઝ અને ફ્રેન્ચ શબ્દો ધ્યાનથી સમજે અને બોલે, એ કેમ યોગ કે રાગ ન બોલી શકે? એટલે કે આપણે ત્યાં પણ હાદક પંડયાનું 'પાંડયા'  થઇ જાય એની આપણા જ અંગ્રેજી બોલતા થયા સ્વદેશી લોકોને ય બહુ પડી નથી હોતી. આવી બાબતે આપણે ખોંખારો ખાઈને કશું કદી કહેતા જ નથી, એટલે બિચારા પરદેશીઓને સત્ય સંભળાતું નથી. પછી આપણે એમના નામો અટકોની મેથી મારીએ. એ સિલસિલો ચાલ્યાં કરે છે.


જેમ કે, પિત્ઝામાં પડતા પેલા મરચાંના સ્પેલિંગમાં ભલે 'જે' લખાય પણ એનો સ્પેનિશ ઉચ્ચાર 'હલાપિનો'  અને ફ્રાન્સમાં ભલભલા સ્ટાર પણ બોલે છે એ 'કાન્સ' ફિલ્મ ફેસ્ટીવલ થતો નથી, 'કાન'  ફિલ્મ ફેસ્ટીવલ થાય છે. હિન્દી ફિલ્મોના બોબ ક્રિસ્ટોએ ભજવેલા વિલનના કેરેક્ટર્સ જેમ ગાંધીને કોઈક 'ગેંડી'  ય કહી દે..  અસ્પષ્ટ હોય એમ ગાંધી ઢી ય બોલાય. પણ આપણે ત્યાં એવા વ્યાકરણવાયડાઓ હોય જે અમુક તમુક પરદેશી ઉચ્ચાર સાચા ન બોલે લખે એવા દેશીઓની ખિલ્લી ઉડાવશે. પણ આપણા નામોનો કડદોફાલુદો થઇ જાય , એ બાબતે મૌન રહેશે અને એમના બચ્ચાઓ ભારતમાં ય 'યોગા ડે' ના ફોટૂં ઇન્સ્ટા કરશે.


મૂળ વાત જો કે અહીં ભાષા નથી. મૂળ વાત છે કોન્ફીડન્સ. ખુદમુખ્તારીનો ભરોસો. ગુજરાતીઓએ અંગ્રેજીમાંથી ગુજરાતી કરવાના જેટલા અનુવાદકો પેદા કર્યા એટલા ગુજરાતીનું અંગ્રેજી કરવાવાળા કર્યા હોત તો સાહિત્યનું નોબેલ રમેશ પારેખ કે મરીઝને ટાગોર પછી મળી ગયું હોત. પણ આપણને આવા 'કલ્ચરલ એક્સપોર્ટ' ની કશી પડી જ નથી, એટલે એમાં ઈમ્પોર્ટ જ ચાલે છે ને ડોલર-યુરો-પાઉન્ડ સામે રૂપિયો ગગડતો જ રહે છે.

 

પરદેશમાં જઈ બે પાંદડે નહિ પણ બે ઉપવને થયેલા લોકો જલસા કરે છે. પણ એમાં પોતાની કોમ્યુનિટી સિવાય બહારના લોકો સાથેનું કનેક્શન ખાસ રહેતું હોતું નથી. એટલે પેલું 'એક્સચેન્જ'  થતું નથી, જે એક સમયે તો ખલાસીઓ ય એવું કરતા કે આપણા ગાણિતિક અંકો આખી દુનિયામાં ફેલાઈ ગયા. પણ સઘળું 'કૃષ્ણાર્પણ'  કરી જીવતી પ્રજાએ એનું નામ અરેબિક ફિગર્સ થઇ ગયું તો ખાસ ચિંતા દાખવી નહિ અને હોમહવન નાતજાતના નિયમો પરના ફોકસમાં અલ-મસ્ત રહ્યા!


રક્ષાબંધનના ટાઈટલમાં બળેવના દિવસે પસલીની વાતને બદલે આ શું માંડયું છે એવું થાય તો આજની વાતની આ બુનિયાદ ( ફાઉન્ડેશન , યુ નો?) છે. આપણે હોંશે હોંશે પાસ્તા ખાઈએ એમાં કોઈ પ્રોબ્લેમ છે જ નહિ, ઉલટો આનંદ છે. પણ આપણી પાણીપૂરી કેમ ગ્લોબલી પોપ્યુલર નથી કરી શકતા? જો ફલાફલને હમુસનો ટેસ્ટ દુનિયાને દાઢે વળગતો હોય તો ઈડલી-ઢોકળાં તો કાયદેસર હેલ્થ ફૂડ છે.

 

એનાથી કેમ જગત પરીચિત નથી થતું? ફ્લેવર્ડ યોગર્ટની શોપ્સ ને આઈસ્ક્રીમ સોદા હોય તો શિખંડ કેમ ફ્લાઈટમાં પીરસાતો નથી અન્ય દેશોના પ્રવાસીઓ ને ય આપણને મફીન મળે એમ? એન્ડ્રોઈડની દરેક નવી અપગ્રેડને કોઈને કોઈ મીઠાઈનું નામ મળે તો એન્ડ્રોઈડ ચમચમ ને એન્ડ્રોઈડ સુખડી આટલા બધા આઈટી વાળા ભારતીયો છતાં કેમ નહિ? જાપાનનું સુશી ખવાય પૌષ્ટિક આહાર તરીકે તો ખીચડીનો શો વાંક?


વેલ, લાળ ઝરી ગઈ હોય તો છાશનો ઘૂંટડો ભરી આગળ વાંચો અને વિચારો. ભાઈ-બહેન તો બધે જ છે. એમનો સ્નેહ પણ. આપણી જેમ ઈમોશન બતાવવામાં પરદેશી પ્રજા લાઉડ નથી. એ જેમાં સહજ છે, એ હગ એન્ડ કિસ બાબતે આપણે સંકોચાઈ જઈએ છીએ. બાકી બ્રધર-સિસ્ટરના કેરેક્ટર્સ તો ફોરેન ફિલ્મ એન્ડ સિરીયલમાં ય સરસ હોય છે. 'હાઉસ ઓફ વેક્સ'  ફિલ્મની નવી આવૃત્તિ બની એમાં હીરો-હીરોઈન તરીકે ભાઈ-બહેનના પાત્રો હતા. રોમેન્ટિક પેર નહિ. અને આ હોરર ફિલ્મ હતી ચિલ્ડ્રન એડવેન્ચર નહી. ભાઈ બહેન જુવાન હતા એમાં! હૃદયસ્પર્શી વાર્તાઓની વિશ્વવિખ્યાત સિરીઝ 'ચિકન સૂપ ફોર સિસ્ટર્સ સોલ' ના ભાગો બહાર પડયા જ છે.


પણ આપણે ત્યાં પ્રેમ અને દોસ્તી દિનના અભાવે વેલેન્ટાઇન્સ ડે અને ફ્રેન્ડશિપ ડે સ્વીકારી લીધોે, મધર્સ એન્ડ ફાધર્સ ડે નીય વિશીઝ આવી ગઈ. ગુડ ગુડ. ફલાણાનો કંઈ એક દિવસ ના હોય ને ઢીકણાની કોઈ શુભેચ્છા ના હોય , એવું માનતા હો તો રાખી કે જન્માષ્ટમી ય એ લોજીક મુજબ તો ના ઉજવાય. કાનુડો કાયમ આપણા દિલમાં હોય એનો એક બર્થ ડે જ ના હોય, ને ભાઈ બહેનનો પ્રેમ સનાતન છે એનો ય એક દિવસ ના હોય. પણ છે એટલે કે કોઈ પણ સંબંધમાં સમયાંતરે આવો એક રિમાઇન્ડર જોઈએ, જેથી કાયમ માટે વિખૂટા પડીએ એ પહેલા આપણો ભાવ વ્યક્ત કરવાનો મોકો મળે. અને એ બહાને જીવનની આપાધાપીમાં વહાલાઓ સાથે વિરામનો સમય મળે!


તો પછી શા માટે આપણે રક્ષાબંધનને ભારતની વિશ્વની ભેટ તરીકે દુનિયામાં ફેલાવી નથી દેતા? એના કારણો ને એ થકી જ જો લાંબા ગાળે આવું કરવું હોય તો એ માટેની બ્લ્યુપ્રિન્ટની ચર્ચા કરીએ.


 આપણી એક હવે થોડી થોડી સુધરતી જતી પણ જૂની નબળાઈ રહી છે. કોઈ પણ બાબતનું યુવાઓ માટે આકર્ષક ને ધામક ઉપદેશ વિનાનું પ્રેઝન્ટેશન આપણે નથી કરતા. દરેક વાતમાં મોરાલિટી ને પ્રાચીન ધામક વાર્તાઓના ઉપદેશો બોરિંગ લાગે. ફેસ્ટીવલ ગ્લોબલ કરવા માટે ફન એલિમેન્ટ જોઇએ. ઈદ કરતા ક્રિસ્મસ ભારતમાં કેમ વધુ પોપ્યુલર છે? બધા બાઈબલ વાંચે છે એટલે? ઉહૂં. નાચવાગાવાના બહાના મળે છે એમાં ધર્મના નિયમ ચાતરીને ય એટલે! આપણા તહેવારોનું મહાત્મય આપણી પાસે રાખીને એના રસપ્રદ હિસ્સાના કિસ્સા ગ્લોબલ કરવા જોઈએ. એમાં ન તો કકળાટ ચાલે હાયવોયનો ને ના તો નૈતિકતણા ઉપદેશ ચાલે.


ફરગેટ રક્ષાબંધન. બ્રાન્ડ બિલ્ડિંગની ટેવ તો કુબેરપતિ થઇ ફોર્ચ્યુન અને ફોર્બ્સના લિસ્ટમાં ચમકતા ઉદ્યોગપતિઓને ય નથી. એટલે આપણે ત્યાં અબજપતિઓ છે, પણ એપલ કે ડિઝની જેવી કોઈ આખા જગત પર એકસરખો જાદૂ કરતું કોઈ સ્વદેશી બ્રાન્ડનેમ નથી. એમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવાની કોઈની ધીરજ રહેતી નથી. રોકડિયો નફો ગણનારાને ખોટનો સોદો લાગે છે બ્રાન્ડિંગ. આપણા અબજપતિઓમાંથી કેટલા મૂડીરોકાણ કરીને પ્રસાર કરે છે ભારતનો?

 

હોલમાર્ક થી ફેસબૂક જેવી જાયન્ટ કમ્પનીઓ એમના ડેઝનું એક જમાનામાં યંગસ્ટર્સને ઘેલું લગાડતું ચકાચક ગ્લોબલ માર્કેટિંગ કર્યું એમ? વેવલાવેડા સિવાયની દુનિયાનો દરેક નાગરિક કનેક્ટ થાય એવી રક્ષાબંધન કે દિવાળી પર અંગ્રેજીમાં ફિલ્મ એક બનાવી? સામે વેસ્ટર્ન ડેઝના સેલિબ્રેશનને વાર્તામાં ગૂંથી લેતી પરની ફિલ્મો ગણી લો. હવે તો આપણી ફિલ્મોમાં ય 'બહેના ને ભાઈ કી કલાઈ પે પ્યાર બાંધા હૈ જેવા સોંગની સિચ્યુએશન્સ ડોકાતી નથી.


સીધીસાદી વાત છે. જે બાબતને બીજાઓ સુધી પહોંચાડવામાં આપણને જ ઓછો રસ હોય ને વળી આપણે જ જે વસ્તુ ભૂલતા જતા હોઈએ, એમાં પારકા ક્યાંથી એ હોંશે હોંશે અપનાવે? સેન્ડવિચમાં ચીઝ ઝાપટી જતી પબ્લિક ઘીમાં લચપચતો શીરો જોઈ અહીં લોકલી જ નાકનું ટીચકું ચડાવાય તો ગ્લોબલી એની નોંધ શું લેવાય? ટેસ્ટ કલ્ટીવેટ કરાવવા માટે પણ ધમાકેદાર પેકેજીંગ ને વિશાળ વિતરણની ચેઇન જોઈએ. થ્રિલર ફિલ્મ 'વિક્રમવેધા' સાઉથમાં હિટ જાય તો યુટયુબમાં હિન્દી ડબ થાય ને! રક્ષાબંધનને જો ગ્લોબલી સિસ્ટર્સ ડે બનાવવો હોય ટોપ એવી દમખમ
વાળી ઉજવણી કરી મોદીસાહેબની અદામાં વિશ્વનું મીડિયા એની નોંધ લે એવી ધમાલ મચાવી દેવી પડે અને ફ્રેન્કલી, ઉપલા લેવલે નેતાગીરીએ નિવેદનબાજી મૂકી લોબીઈંગ કરી ચીનની માફક ફોરેનમાં અસર ધરાવતા મીડિયાને મેનેજ પણ કરવું પડે. 'ઝેન' ની સ્ટોરીઝ અંગ્રેજીમાં હાઈલાઈટ થઇ તો જૈન કરતા એ નામ વિશ્વ વધુ બોલે છે. સિમ્પલ!


આપણે કોઈ પણ નક્કર કારણ વિના રાજકારણ કે ધર્મ કે વોટ્સએપ મસેજીઝ સઘળે એકધારી પશ્ચિમની ને ત્યાંની મુક્ત જીવનશૈલીની સતત કમ્પેર કરીને ટીકા જ કરીએ છીએ. ત્યાં કોઈ સતત આપણા પર આટલા બધા જજમેન્ટસ લેવા નવરૂં નથી. આમ પણ આપણે ઓબ્સેસ્ડ એટલા છીએ કે આમ બહેનના ગીતો ગાવાના પણ બહેન જરાક લો કટ ટોપ કે ઘૂંટણથી ઊંચું સ્કર્ટ પહેરે ત્યાં પાપી પશ્ચિમી સંસ્કૃતિના છાજિયાં લઇ એ બગડી જાય એવી દહેશત અનુભવવાની.

 

ને ખુદની મરજીથી મેરેજ કરે તો કૃષ્ણે થવા દીધેલા સુભદ્રાહરણ ભૂલીને રૂક્મિણીના ભાઈ રૂક્મિની કોપી કરી બહેનને જ મારવાની ઘટનાઓ ય છપાવવાની! કાયમ બધો દોષ વિદેશનો જોયા કાઢયા કરવો એ લઘુતાગ્રંથિ છે. કોઈની સતત ટીકા જ કરી એના દિલ ન જીતી શકો. ગાંધીને પશ્ચિમે સ્વીકાર્યા એનું આ રહસ્ય છે. સ્વીકારકવૃત્તિ ને માનવતા.


રક્ષાબંધનને સિસ્ટર્સ ડે કરી રાખડી માર્કેટ કરવાના પ્રયાસ કરો તો પહેલા 'વ્યાપારીકરણ'થી સંસ્કૃતિ બગાડી નાખ્યાનો આક્ષેપ થાય. પછી તરત ધમાલ, ભાંગફોડ અને આંદોલનો થાય. રામાયણ પરના કોમિક્સ દિપક ચોપરાના પુત્રે હોલીવૂડ ફિલ્મ સાથે પ્લાન કરેલા. માર્વેલ જેવા ગ્રાફિક્સ સાથે. તરત હોહા થઇ ગઈ. ધામકતા સર્જકતાની આડે આવી ગઈ. પછી સો વર્ષ પહેલાની લોર્ડ ઓફ ધ રિંગ્સ કે વીસ વર્ષ પહેલાની હેરી પોટર બધા સુધી પહોચે, આપણી હજારો વર્ષો પહેલાની ગાથાઓનું દુનિયાની નવી પેઢીને ગમે એવું નવનિર્માણ થાય જ નહિ. નવી રીતે એનું સ્ટોરીટેલીંગ કરવા જાવ તો કોર્ટ કેસ થાય.

 

ફેમસ ટીન સેન્સેશન પોપ સિંગર હીરોઈન સેલીના ગોમેઝ બિચારી સાડીબિંદી પહેરીને અમેરિકન એમટીવી એવોર્ડ્સમાં ડાન્સ કરવા ગઈ, એમાં ત્યાં પણ સંસ્કૃતિના રખેવાળોએ એવો હોબાળો કર્યો કે એ કહો ભૂલી ગઈ 'હિંદુ' કલ્ચરને પ્રમોટ કરવાની. મિશન ઈમ્પોસિબલ ફોલ આઉટ ફિલ્મને લદ્દાખમાં શૂટિંગની છૂટ ન આપી તો કાશ્મીર તરીકે ન્યુઝીલેન્ડનું માર્કેટિંગ થઇ ગયું દુનિયામાં! સેલિબ્રિટી હિંદુ સ્ટાઈલ અપનાવે તો પાછળ પડી જવાનું (અહીં સની લિયોની સાથે એ જ થાય છે ને!) ને પછી કકળાટ કરવાનો કે એ બધા બહુ વેસ્ટર્ન છે! પછી દુનિયા ઇસ્લામની જેમ હિન્દુત્વ સાથે ય સેફ ડિસ્ટન્સ રાખતી થઇ જાય, કળાના પેકેજીંગ બાબતે. આપણે ઉદાર હોઈએ તો એ શરમની વાત નથી કે સાઉદી અરેબિયાની કોપી કરી આપણાપણું મિટાવી દેવાનું હોય. હવે તો ત્યાં પણ રિફોર્મ્સ આવતા જાય છે!


બીજું એ કે આવા મામલે માર્કેટિંગ અને પ્રમોશન કરવા બજેટ કોઈ આપે નહિ. માત્ર વખાણની વાતો કરે. બુદ્ધિને અહીં બિચારી ગણવામાં આવે છે. ત્રીજું, એ માટે અવનવી ક્રિએટીવિટી રાખવી પડે નવી પેઢીને પ્રભાવિત કરવાની. જે ડિઝની જેવાઓએ રાખેલી. આપણે પરદેશમાં જઈને (અહીં વાતો કરવાથી શું વળે) એ તપ કરીએ છીએ? ધર્મગુરૂઓની જેમ ખાસ વિમાન કરાવી ફાઈવ સ્ટાર સગવડો સાથે આ બાબતે કામ કરે એવી ટેલન્ટસ પ્રમોટ કરીએ છીએ?


આપણા પરદેશ રહેતા નાગરિકો ને ખાસ તો ત્યાં ભણતા એમના બાળકો આ બાબતે કલ્ચરલ બ્રાન્ડ એમ્બેસેડર બની શકે. મોટા ભાગના આપણા મિત્રો કમાણી કરવા ત્યાં ગયા છે. ને ત્યાં એમની નવી પેઢીના સંતાનો સિવાય અન્યો સાથે ઘંધાને બાદ કરતા બહુ ભળ્યા જ નથી પારસીઓની જેમ સ્થાનિક પ્રજા સાથે ઓગળવાની તો વાત જ ભૂલી જવા જેવી છે. પછી આપણા ફેસ્ટીવલ્સનો પ્રભાવ પણ એ મુજબ માપમાં રહે. વળી આપણી ઓળખ બાબતે ન્યુ જનરેશનને દબાણ સિવાય ખાસ પ્રેરિત પણ કરતા નથી.

 

વડીલો વ્યથા ઠાલવે કે આપણી ભાષાથી એમના ઘરના ટીન્સ દૂર થાય છે. પણ એમને એ ભાષા કે સંસ્કૃતિ સાથે રસ પડે ને કંટાળો ન આવે એમ કૂતુહલ જન્માવી કનેક્ટ કરતા નથી. આખા ભારતમાં જ રાખડી પર કોઈ મ્યુઝિયમ છે, જે પ્રવાસીઓને આકર્ષે? ને ઇન્ડાયરેકટલી, પર્વનો પ્રચાર કરે? આપણે ઘેલા થઇ પ્રોમ નાઈટ કરીશું, પણ રાખી બાંધીને ફરવામાં શરમ આવશે., જેમ મલ્ટીપ્લેકસમાં ઓરેન્જ સોફ્ટ ડ્રિંક પીવું કૂલ ગણાય પણ નારંગી લઈને જતાં દેશી લાગતા શરમ આવે એવું!


કોરિયા કે ચીન કે જાપાન કે અમુક નાના યુરોપિયન દેશે ટુરિઝમ કે સાયન્સની કોઈ શોધ પછી વેપારી પ્રોડક્ટ્સથી લોકોનું ધ્યાન ખેંચ્યું. ટુરિઝમમાં આપણે અગેઇન દુભાતી ધામક લાગણીને લીધે પાછળ છીએ. ગુજરાતમાં તો દંભી દારૂબંધી ય નડે. પ્રોડક્ટ તો એક ગેમ ચેન્જર બનાવી નથી ૨૦૦ વર્ષમાં ને ના એક પણ ગ્લોબલ બ્રાન્ડનેમ છે. પ્રિન્ટિંગથી મોબાઈલના ફોન્ટ સુધી બધું આયાતી છે. કોઈ મહાન નામના ધરાવતી યુનિવસટી નથી કે જ્યાં પરદેશી જુવાનિયાઓ વિશ્વભરમાંથી ઠલવાય ને આપણી લાઈફસ્ટાઈલની અસર એમના દેશ કે માહોલમાં શીખીને લેતા જાય. આશ્રમો છે બસ.


શક્તિશાળી ને વિજેતા કલ્ચરનો પ્રભાવ પડે જ. આપણા રજવાડી મહેલો, મરીમસલાનો પડયો જ હતો ને હાથીનો કે સિંહનો ય. ત્યારે આપણે સોને કી ચિડીયા હતા. એટલે લોકો આપણી નકલ કરતા. હવે નથી તો ચિડાયા કરવાને બદલે પહેલા દરેક મોરચે ભાષણો સિવાય ને આંકડાબાજી સિવાય રિયલ પાવર ફીલ થાય એવું કામ કરવું જોઈએ. આપણે અમુક ટ્રેન્ડસેટર શોધ કરીએ તો એ વાપરતા વાપરતા દુનિયાને આપોઆપ બીજી બાબતો આપણી હોય એમાં રસ પડે. એવી કળાકૃતિઓ સર્જીએ તો પણ. બુદ્ધ આપણે બહુ સ્વીકાર્યા નહિ તો બહાર જઈ એ છવાઈ ગયા અને જુનવાણી વાતો કરનારા અહીં રહી ચવાઈખવાઈ ગયા, એની નવી નથી લાગતી? આજે અમુક દેશો શક્તિશાળી છે, તો એમની અમુક પ્રથામાં ય લોકોને રસ પડે છે.


લાસ્ટ,વિદેશી દિવસોમાં સહજ અને પ્રાકૃતિક વિજાતીય આકર્ષણ અથવા મહત્વના સંબન્ધો વણાયેલા છે. એટલે એ યુનિવર્સલ અપીલ કરે. જેમ કે ફ્રેન્ડશિપ એ યુગોથી દરેક પૃથ્વીવાસીને સ્પર્શતી બાબત છે. રક્ષાબંધનને સિસ્ટર્સ ડે તરીકે પોપ્યુલર કરવું હોય તો એની અત્યારની સીસ્ટમ 'મીટૂ'ના જમાનામાં જરાક પુરૂષતરફી લાગે. બહેન ભાઈની રક્ષા કરતી રાખડી બાંધતી ત્યારે લડાઈ કે વેપાર માટે ભાઈઓએ જ બહાર જવાનું રહેતું. હવે તો બહેનો ય જાય છે બહારના મોરચા સર કરવા.

 

ત્યારે માત્ર વન વે રાખડી જેન્ડર ડિસ્ક્રીમિનેશન લાગે. પસલીને બદલે રાખડી પછી ટુ-વે કરવી જોઈએ. બહેન ભાઈને બાંધે અને ભાઈ બહેનને ય! તો સમાનતા આવી કહેવાય પ્રેમમાં! અને એમાં ધરમના ભાઈ બહેન ટાઈપ લપ તો જોઈએ જ નહિ. સગા ભાઈ બહેન કે કઝીન. બસ. બાકી બહુ એવી લાગણી બે કાંઠે છલકાતી હોય તો. આપણે ધરાર સામાજિક શરમે કોઈ મળે એને ભાઈ કે બહેન એવા પૂંછડા લગાડીને બોલાવવા પડે છે. ફર્સ્ટ નેમથી નહિ! સખા-સખીનો સહજ સ્વીકાર થાય તો ભાઈ બહેનનો સંબંધ વધુ સાચો લાગે.


હવે ભાઈબહેનો પણ આધુનિક થતા જાય છે. મોડર્ન કપડામાં સેલિબ્રિટી બહેન મસ્તી કરતી ફરતી હોય એ હાઈસોસાયટીના ભાઈઓને કોઠે પડી ગયું છે. નિખાલસ ચર્ચા ય કરતા એજ્યુકેટેડ બ્રો એન્ડ સિસ હોય છે. ગાળો બોલતી ભારાડી બહેનો અને એના દુપટ્ટામાં લપાઈને સલામતી શોધતા ગભરૂ ભાઈઓ પણ હોય છે. રક્ષાબંધન વિશ્વવ્યાપી ન બને તો કંઈ નહિ. આપણા માટે અનોખો ઉત્સવ રહે એ ય ખરૂં. સ્વીસ ચીઝ ફોન્દયુ બીજે નથી મળતું, એટલે તો એક્સક્લુઝિવ છે.

 

બધે કેસર કેરી ને કેસરી સિંહ નથી, તો જ ગીરની મજા છે. પણ એટલીસ્ટ, કોણ હલાવે લીંબડી, કોણ હલાવે પીપળી...ભાઈની બેની લાડકી જેવા મેલોડિયસ સોંગને તો નવતર બીટ્સ એન્ડ રિધમમાં મૂકીને એક ટોટલ ટકાટક મ્યુઝિક વિડીયો તો બનાવીએ! અને બહેનોને એમની મરજીથી મોજ કરીને દુનિયા ભમી લેવાનું પ્રોત્સાહન આપીએ તો ય ઘણું! તો ક્યારેક ધ રાખી સ્ટોર આપણને મુમ્બઈને બદલે મેનહટન જોવા ય મળે કોઈ મોલમાં!

 

ફાસ્ટ ફોરવર્ડ
ઇલા: મારી પાસે મીઠી મીઠી શેરડી ને સિંગો
લે હવે તું લેતો જા હું આપું તને ડીંગો
કનુ : મારી પાસે ખાટી મીઠી આંબલી ને બોર
એકે નહીં આપુ તને છો ને કરે શોર
ઇલા : જાણે હું તો આંબલી ને બોર નો તુ ઠળીયો
ભોગ લાગ્યા ભાગ્યના કે ભાઇ આવો મળીયો
કનુ : બોલી બોલી વળી જાય જીભના છો કુચ્ચા
હવે કદી કરૂં નહી તારી સાથે બુચ્ચા
ઇલા : જા જા હવે લુચ્ચા...
ઇટ્ટા અને કિટ્ટાની વાત અલ્યા છોડ
ભાઇ બહેન કેરી ક્યાં જોઇ એવી જોડ!

(સુરેશ દલાલ)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuEhCYAQwzE1THtXm8vSDtnfmpwg7xWexKF1BnOtMR_pg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.