આપણે ત્યાં સંતો-મહાત્માઓના આપણા ઘરમાં પગલાં કરાવવામાં આવે છે, જેથી પરિવારમાં ઐશ્વર્ય આવે. કહે છે કે, એમના પગલાં પડતા જ ઘર પવિત્ર થઇ જાય. ખૈર, સ્વ.પૂજ્ય ડોંગરેજી મહારાજ પછી હવે તો એક ય સંત આપણા ઘરમાં પગલાં કરાવવા જેવા રહ્યા નથી, પણ ઘરમાં પગલાં કરાવવા આજકાલ મારા દોસ્ત યોગેશ ચાર્જરની ભારે ડીમાન્ડ છે. એને સંતોથી ઊંધુ છું. એક વાર જેના ઘરમાં એ પગલાં પાડી આવે, ત્યાંથી ઘરની સાજીસમી પાર્ટી પણ ઉઠી જાય. કોઇનો જીવ જતો ન હોય ને એને 'પતાવવા' માટે ડૉક્ટરોએ પણ હાથ ધોઇ નાંખ્યા હોય, ત્યારે લોકો ચાર્જરને યાદ કરે છે. ચાર્જર આવ્યો નથી ને ડોહો ઉપડયો નથી! ''સર-જી... મારા દાદીના છેલ્લા શ્વાસો છેલ્લા છ વર્ષથી ચાલે છે.. સાલો છુટકારો થતો નથી...! કૃપા કરી, આપ બસ... એક આંટો મારી જાઓ... અમારૂં આખું પટેલ-ખાનદાન સદીઓ સુધી આપનું ઋણી રહેશે. અમે ઠેઠ નડિયાદથી આયા છીએ.'' 'પપ્પ....પણ, હું એમને ક્યાંથી બચાવી શકવાનો છું...હું કાંઇ...' ''બચાવવાના નથી સર-જી... બચાવવાના નથી...કાઢી જવાના છે! મોટી મોટી હેડકીઓ તો રોજ ખાય છે, પણ છેલ્લું ડચકું ભરવાનું નામ નથી લેતા. અમે તો એમના ગળામાં ઠેઠ અંદર સુધી સ્ટીલની ચમચી ખોસી રાખીએ છીએ, તો નાનું હેડકું ય આવતું નથી.. અમને શ્રધ્ધા છે કે, આપ એક આંટો મારી જશો તો દાદી પલભરમાં ગાયબ થઇ જશે... એક વાર મંગલ પગલાં પાડી જાઓ, પ્રભો!'' આ સંવાદ યોગેશ 'ચાર્જર' અને એના ગ્રાહક વચ્ચે ચાલ્યો. ચાર્જરનો લોકોને કાઢી જવા ઉપર ગજ્જબનો હાથ બેસી ગયો છે. આમાં અતિશયોક્તિ કોઇ નથી. ચાર્જર ડોસીની ખબર કાઢવા ગયો ને ભાઇભાઇ... ડોસીએ છેલ્લું ડચકું ખાધું ને ઝાડ પડયું ને જગ્યા થઇ...! અફ કૉર્સ, ખબર કાઢીને એ ''પાછો ન આવે'', એ જોવા પેલાનું આખું કુટુંબ એને ઝાંપા સુધી મૂકવા ય ગયું. હાળું, ચંપલ-બંપલ ભૂલી જાય ને લેવા પાછો આવે, એમાં ઘરના બીજા બે-ત્રણે ઉધરસો ચઢે... એવું રિસ્ક કોણ લે? 'ચાર્જર' એની અટક નથી, પણ એના આવા પગલાંને કારણે ભલભલા મડદાઓ ચાર્જ થવા માંડે છે. વર્ષોથી ખેંચે રાખતી બિમાર પાર્ટીઓની આના એક પગલે બૅટરી ફૂલ થઇ જાય છે. મોબાઇલ રાખનારાઓને ખબર હશે કે, બૅટરી ઑવરચાર્જ થઇ જાય તો ફૂલી જાય...! યોગલાના બસ, એક જ આંટે પેલાને, ખાટા ઘચરકા આવવા માંડે. શહેરભરની અડધી હૉસ્પિટલોએ તો ચાર્જરના પ્રવેશમાત્ર ઉત્તર પ્રતિબંધ મૂકી દીધો છે. સાલો એ બાજુથી માત્ર નીકળે, એમાં ય વૉર્ડે-વૉર્ડે છેલ્લા ડચકાંઓ શરૂ થઇ જાય છે. પ્રતાપ એના પગલાંનો! જાણકારો કહે છે, વિધિના લેખ બદલાઇ શકે છે, ચાર્જરના પગલાં બદલી શકાતા નથી. અગાઉ તો એ સહૃદયી બનીને સદભાવથી બિમારોની ખબર કાઢવા જતો, પણ એનો સહેજ પણ ગૌરવ વગરનો ઇતિહાસ કહે છે, બિમારના ઘેર એના પગલાં જ કાફી છે. પાલડી અને ખાડીયા બાજુ તો શરદી- ઉદરસવાળા સાજાંનરવા દર્દીઓ પણ પલભરમાં ઉપડી ગયા છે. આજે ચાર્જરે આ શોખને... સૉરી, આ સિધ્ધિને વ્યવસાયમાં ફેરવી નાંખી છે. હવે એ કોકને ઉડાડવાનો ચાર્જ લે છે. ડોહા જીવતા ય ન હોય ને ઉપડતા ય ન હોય, ત્યારે હજાર બે હજારનો મામૂલી ''સર્વિસ-ચાર્જ'' લઇ ચાર્જર બિમારને ડાઘુઓ ભેગો કરાવી આપે છે. ઘણા નથી ય જતા, પણ ગ્રાહકને સંતોષ એ વાતનો કે, ભલે ડોહા તાબડતોબ ન ઉપડયા હોય, ચાર્જરભાઇ આવી ગયા છે. એમાં માલ તો શ્યૉર ઉપડવાનો, આજે નહિ તો કાલે! સાલો પાછો કહેતો એવું ફરે કે, ''જન્મ-મરણ તો ઉપરવાળાના હાથમાં છે. હું તો કેવળ નિમિત્તમાત્ર છું.'' તારી ભલી થાય ચમના. ચતુર જમાઇઓ પોતાની સાસુઓને ખેંચી કાઢવા તારે ત્યાં લાઇનો લગાવે છે, તે છતાં તું આટલો બધો નમ્ર બનશ...? પણ લોકો જેને મનહૂસ કહે છે, એ યોગલો કહે છે, એ સાચું છે. એને એના આવા પગલાંની જાણ છે, પણ કોઇનું મૃત્યુ એનાથી સહેવાતું નથી. દુઃખી તો એ ય થઇ જાય છે.. જો નક્કી કર્યા મુજબની ફી આપ્યા વગર પાર્ટી જતી રહે તો! ને એમાં તો એ બગડે ય ખરો. ફુવાને ખેંચી કાઢવાનો ચાર્જ ચૂકવવામાં એક ફૅમિલી નાડાં ખેંચતું હતું. ચાર્જરે ૮-૧૦ ફોન કર્યા છતાં પૈસા આવતા નહોતા. અગીયારમાં ફોનમાં ચાર્જરે એટલું જ કીધું, ''બોલો, ઘેર આવું?'' કાચી સેકંડમાં ગાડીઓ ભગાવીને પાર્ટી ઘેર આવીને પૈસા આપી ગઇ. ચાર્જરની એક આ સાઇડ તમે જોઇ. બીજી આનાથી ઊલટી છે. બિમારીના જગતમાં એનું નામ બીજી રીતે ય લેવાય છે. ઉપર જણાવેલા કૅસોનો નિકાલ તો એ એટલા માટે કરે છે કે, ડોહા-ડોહીને પ્રેમ આખું ફૅમિલી કરતું હોય પણ ઉંમરના એક તબક્કે આવી બિમારીમાં જાન છુટતો ન હોય ને બચી જાય તો ય રિબાઇ રિબાઇને જીવવાના હોય, તો એ વખતે ખોટો ટાઇમ બગાડયા વિના એ છુટી જાય તો ઘરના બીજા કામ થાય ને એક રૂમ જેટલી જગ્યા થાય. પણ બાકીના કૅસો ચાર્જર હાથમાં લેતો નથી. મતલબ, એ જાણે છે એના પગલાં મનહૂસ છે એટલે ઘરમાં બધાને વહાલી વ્યક્તિ આવી બિમાર હોય તો ચાર્જર એ સોસાયટી પાસેથી પણ પસાર થતો નથી. ખુદ એની સોસાયટીમાં એના પડોસીની યુવાન વાઇફ ગંભીર રીતે બિમાર પડી. બચવાની કોઇ આશા નહોતી. લોકોને તો આના ઉપર જ શક જાય ને? પણ પડોસી હાથ જોડીને એક જ વાર ચાર્જરનું ધ્યાન દોરવા આવ્યો ને ચાર્જર સમજી ગયો. રાતોરાત એણે સોસાયટી છોડી દીધી ને બીજી જ સવારે પેલાની વાઇફ લાલ બુંદ જેવી પાછી તંદુરસ્ત થઇ ગઇ! એમ તો, રાજકારણમાં ચાર્જરના 'ભાવ' બોલાય, ''સાહેબ...પૈસા ગમે તેટલા લઇ લો... પણ એક આંટો કોંગ્રેસમાં મારી આવો!'' ધંધાદારીઓને તો આવા પુનિત પગલાનો માણસ કેટલો કામ આવે? નહિ... ચાર્જર માત્ર 'રચનાત્મક હત્યાઓ'માં માને છે. એના પગલાં મનહૂસ હશે...એ પોતે નહિ! આપણા સમાજમાં આવા કેટલા બધા ચાર્જરોના સંપર્કમાં આવવાનું થતું હોય છે! બધું સમુંસુતરૂં પાર ઉતરતું હોય ને કોઇ એક ઍન્ટ્રી એવી મનહૂસ થાય કે ખેદાન મેદાન થઇ જાય. કોઇએ આપણું કાંઇ બગાડયું ન હોય ને માણસ પણ સારો હોય, છતાં એની હાજરીમાત્રથી આપણું ખેદાન મેદાન થઇ જાય. આવું એ હોય ત્યારે જ બને, એની પાછળ વિજ્ઞાન કે લૉજીક-ફૉજીક કાંઇ ન હોય... પણ સાલું એવું એની હાજરીમાં જ બનતું રહે, ત્યારે વહેમાઇ જવાય. ઇવન, તમે ય નિરીક્ષણ કર્યું હોય તો, અનેક લોકોને બેઠા બેઠા બન્ને પગ હલાય-હલાય કરે રાખવાની આદત પડી ગઇ હોય છે. એ હખણા બેસી જ ન શકે. દરજી સંચો ચલાવતો હોય એમ આ પાર્ટીઓ બેઠી નથી કે, પગની ઘુમરીઓ શરૂ થઇ નથી. અમારા એક દોસ્તને અમે 'બ્રધર' કહીએ છીએ. એના મનમાં ઘુસી ગયું છે કે, એની સામે બેઠેલી વ્યક્તિ આમ પગની ફિરકીઓ મારતી હોય તો કામ બગડવાનું જ. સાલું, આપણે ત્યાં તો બેઠા પછી આવા પગ હલાવવાની આદત દસમાંથી છ જણને હોય છે. પરિણામે બ્રધર જ્યાં બેઠા હોય ત્યાંથી ઊભા થઇ જાય, જો સામે આવી કોઇ પબ્લિક આવી ગઇ તો! કહે છે કે, ઘણીવાર ભૂમિ તમને નડતી કે ફળતી હોય. મકાન બદલો કે તરત પ્રગતિ થાય કે મોટી અધોગતિ થાય. રોજ મારા સાળાને સવારે ઘરની બહાર નીકળતી વખતે લિફ્ટમાં પહેલો પગ જમણો જ મૂકાવવો જોઇએ, નહિ તો અપશુકન ગણાય. યાદ ન રહ્યું ને ભૂલમાં ડાબો પગ મૂકાઇ જાય તો ઘરમાં પાછો આવે ને ફરી જમણો પગ મૂકીને જ લિફ્ટમાં બેસે... આઇ મીન, ઊભો રહે! એક વહેલી સવારે મારા ફ્લૅટની અગાસીમાં હું ઊભો હતો, ત્યાં નજર પડી તો નીચેના બંગલાવાળા એમની ટૅરેસમાં ઊભા ઊભા મને પ્રણામ કરતા હતા. હું સમજ્યો કે, હું બ્રાહ્મણ છું એટલે મારા આશીર્વાદ જોઇતા હશે. એ વખતે સ્ટોકમાં થોડા આશીર્વાદ પડયાં'તા, તે મેં'કૂ... આલો ને, ભ'ઇ...! આલ્યા, ભગવાન શંકરની જેમ આશીર્વાદ-બ્રાન્ડની હથેળી એની તરફ રાખીને! એમાં તો એ બગડયો. બૂમ પાડીને મને કહે, ''ભ'ઇ, આઘા ખસો ને...હું સુર્યનમસ્કાર કરૂં છું...!'' તારી ભલી થાય ચમના... મને લાગ્યો હોત તો તારૂં નખ્ખોદ થોડું વળવાનું હતું?... પણ, હવે પહેલા જેવા પગે લાગનારાઓ થાય છે ય ક્યાં? માણસને પોતાના કર્મો ઉપર ભરોસો ન હોય, તે આવા અંધવિશ્વાસોમાં માને અને છેવટે હેરાન થાય છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuhjrYbg8PL%2B70-ZU5v0awTEgeUQH0RCEUHxm2G2ODD9Q%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment