Tuesday, 31 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મોતનો મલાજો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મોતનો મલાજો!
ચંદરવોઃ રાઘવજી માધડ

 

 

પવનને પાંખો ફૂટે એ પહેલાં તો આ નાની અમથી પણ નાગના બચ્ચા જેવી વાત વા-વંટોળના જેમ જેલના પ્રાંગણમાં ઘુમરીઓ મારતી ફરી વળી. સાંભળનાર સૌ મોંમાં આંગળા ઘાલી જાતા હતા. થાતું હતું કે મીરખાં જેવો મરદ મનેખ અંતે તો ઢીલો પોચો થઈને ઊભો રહ્યો. મોત સામે તો ભલભલા ભૂપતિ ભાંગી પડતા હોય છે. કંઈક એવી ચાલ કે ચોગઠાબાજી ખેલાઈ હશે, ખુદ મહારાજા માની ગયા હશે અથવા પીઘળી ગયા હશે! પણ જ્યાં સુધી સાચી વિગત સામે ન આવે ત્યાં લાગી અફાટ રણ વચ્ચે તર્ક-વિતર્કના ઘોડા જ દોડાવવાના હતા અને ક્યાંય સુધી દોડતા રહ્યા.

 

વાત એવી હતી કે, બહારવટીયા મીરખાંને આજે ફાંસી આપવાની હતી અને આ સમયે ખુદ શ્રીમંત સરકાર, મહારાજાશ્રી મીરખાંને મળવા માગતા હતા. તેનો સીધો અર્થ એ થતો હતો કે, મહારાજા મીરખાંને મળશે. કોઈ સાંભળે નહીં એવી સંગીન સંતલસ થશે ને સામે મરદ માટી ઢીલોપોંચો થશે. કાંતો રાતા પાણી એ રડવા લાગશે…ને છેવટે લાગણીના સરોવર જેવા શ્રીમંત સરકાર પીઘળી જશે ને તેની સજા માફ કરશે! કોઈને વાંધો નહોતો. સરકારને સૂઝે તે કરે. પણ આવું થશે તો રાજમાં ન્યાયની મહત્તા ઘટશે. અને ગુનાખોરીનું પ્રમાણ વધશે…સૌના મનમાં આ ચિંતા બિલાડીના ટોપ જેમ ઊગવા લાગી હતી.

 

કાળની ગતિ તેના કારભારમાં કસર છોડે એમ નહોતી. પળનીય પરવા કર્યા કે પરવાનગી લીધા વગર તે અવિરત ચાલુ હતી. આ બાજુ જેલનો કાસદ ફરી એકવાર મીરખાં સામે આવીને ઊભો રહ્યો હતો. મીરખાંએ વજુ કરવાનો સામાન, લોબાન, ધૂપદાની, ધોયેલી લૂંગી અને ઝભ્ભો માંગ્યા હતા. અને પછી કરુણ સ્વરે કહ્યું: 'શ્રીમંત સરકારને મારી સલામ કહેજો.' કાસદ તો ચિઠ્ઠીનો ચાકર હતો તેણે તેની ફરજ બજાવી હતી.

 

મીરખાંને સવારના સાડાદસે ફાંસી આપવાનો સમય મુકરર થયો હતો. આ સમય પહેલાં, ફાંસીના માંચડે ચઢનારની અંતિમ ઈચ્છાની વિધિ આટોપી લેવાની હતી અને સાથે મહારાજાને મળવાની ઈચ્છા પણ પૂર્ણ કરવાની હતી. મીરખાંની આ અંતિમ ઈચ્છાને પણ મહારાજાએ સ્વીકારી લીધી હતી.

 

સમયની આલબેલ વાગી. જેલના દરવાજે ગાડી આવીને ઊભી રહી. મહારાજા સયાજીરાવ ગાયકવાડ નિયત સમયે પધાર્યા. ધીમે ડગલા ભરતા જેલમાં પ્રવેશ્યા. ફાંસી ખોલીનાં તોતિંગ દરવાજાનું અલી ગઢીયું તાળું ખુલ્યું. ત્યાં સામે અલ્લાહની બંદગીમાંથી વિચલિત થઈ અજંપો અનુભવતા મીરખાંએ બહારની દુનિયામાં ડોકિયું કરીને વિસ્મયભાવે જોયું. પળભર માટે આંખો પણ ભરોસો ન કરી શકે એવું દ્રશ્ય હતું. ખુદ મહારાજા સાક્ષાત મળવા ઊભા હતા. નજર મળી અને મહારાજાએ હસતાં મુખે પૂછયું: 'જમાદાર મીરખાં છોતો મજામાંને!?' મીરખાંએ પૂરી અદબ સાથે, આંગળાં વચ્ચે તસબીહના મણકા ફેરવતાં જવાબ આપ્યોઃ 'આપની મહેરબાની છે…'
'અમુક પરાક્રમો સાંભળીને થયું કે મરદ માણસને મળવું જોઈએ!' મહારાજાએ કહ્યું: 'ઘાટગેએ ભારે કરી…ગાયકવાડી ફોજ, પાલનપુરની નવાબી પોલીસ અને બનાસકાંઠાની એજન્સી પાછળ હોવા છતાંય મીરખાં હાથમાં ન આવે…!'

 

'સરકાર! બેઅદબી લાગે તો માફ કરશો પણ હું અંતરથી ફકીર જ છું.' મીરખાં સચ્ચાઈના રણકા સાથે બોલ્યોઃ 'મારાં સાથીદારો જ્યારે લૂંટ કરતાં હોય ત્યારે હું ખુદાની બંદગી કરતો હોઉં…'

 

મહારાજાને થયું કે હવે બીજું શું પૂછવું એટલે પૂછયું: 'કેટલાં સંતાનો છે જમાદાર?'

 

મીરખાંએ માત્ર હાથ ઊંચો કર્યો. મહારાજાને હતું કે મીરખાં પોતાના પરિવાર માટે રહેમ નજર રાખવાનું કહેશે પણ એવું કંઈ કહ્યું નહીં. મહારાજાનો ગર્વ ઓગળી ગયો કે વિશેષ થયો તે કળવું કઠણ હતું. પણ પોતાની ભલમનસાઈ દર્શાવતા કહ્યું: 'જમાદાર, ચિંતા ન કરશો સંતાનોને રાજ સંભાળી લેશે.'

 

જેલના પ્રાંગણમાંથી મહારાજા ઝડપથી નીકળી ગયાં. જોનારાને જાણનારા સિવાયનાને હતું કે મીરખાં એ ફાંસીની સજામાંથી માફી માગી હશે. મરતો માણસ માગીને બીજું માગે પણ શું! જો આવું થાય તો પ્રજાનો રાજનાં ન્યાય પરથી વિશ્વાસ ઉઠી જાય. તલભારેય ભરોસો ન રહે. એક ખૂંખાર બહારવટીયાને થયેલી ફાંસીની સજા ઓછી કે માફ થઈ જાય તો પછી તો ન બનવાનું બને!? આ ચિંતા સૌને સતાવતી હતી.

 

વડોદરાની સેન્ટ્રલ જેલની કાળ કોટડીમાં કચ્છ, કાઠીયાવાડ કે નાઘેર પંથકના કરડા એવાં વાઘેર, મિયાણા અને જત તહોમદારો હતા અને માતાનું નામ પડતા જ ભલભલાના ગાત્રો ઢીલા પડી જતાં હતાં, પણ મોતની સજા સાંભળી મીરખાંનું રુંવાડુંય ફરક્યું નહોતું. ખુદ મહારાજા મળવા આવ્યા હતા, જાણે જીવતો જાગતો દેવ પ્રગટયો હતો…પણ મીરખાંએ મહારાજા પાસે કોઈ જ લાગણી કે માગણી દર્શાવી નહોતી.

 

'જમાદાર, અવ્વલ મંઝિલનો સમય થઈ ગયો છે. અમારે તમારી છેલ્લી ઈચ્છા પૂરી કરવાની છે, જે ઈચ્છા હોય તે કહો…' એક અધિકારીએ મીરખાંને ફાંસીના સમય પહેલાં પૂછયું.

 

'છેલ્લી ઈચ્છા!' મીરખાંએ કારુણ્યસભર કહ્યું: 'મારા દેહમાંથી રૂહ ચાલ્યો જાય, પછી મારા દેહને પાટણમાં ઉસ્તાદની કબર પાસે દફનાવશો.

 

સૌ અધિકારીઓને નવાઈ લાગી. મીરખાંએ છેલ્લી ઈચ્છામાં પણ આમ કહ્યું…!

 

મીરખાંને ફાંસીના માંચડાનાં બદલે લોખંડની ખુરશીમાં બેસાડવા આવ્યો. તેણે આંખો બંધ. એક હાથમાં તસબીહનાં મણકા ફરવા લાગ્યા. હોઠ પર મરકાટ હતો, મોં પર પરમતત્ત્વને પામવાનો પમરાટ હતો. જાણે ખુદા પાસે રૂબરૂ જઈ મહોબતના કરાર કરવાના હોય!

 

થોડીવારે વીજળીની ચાંપ દબાઈ…અને મીરખાનાં શરીરમાંથી પ્રાણ નીકળી ગયો!

 

'વાહ…' એક અધિકારીના મુખમાંથી ભાવભીના શબ્દો સરી પડયા હતાઃ 'રાજના ન્યાયને, અન્યાય ન થાય એમ મોતનો મલાજો જાળવી જાણ્યો…જમાદાર!'



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsOw6rL%3DEgfFHj_EiM4ohFVWi86waTDaUwJWpaqM8sVtg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment