Tuesday 31 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ અન્ન તેવો ઓડકાર એ વાત સાચી, પણ અન્ન કેવું? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અન્ન તેવો ઓડકાર એ વાત સાચી, પણ અન્ન કેવું?
પોઈન્ટ બ્લેન્કઃ એમ. એ. ખાન

 

 

ખૂબ જૂની ઉક્તિ છે, ખોરાક, પોષાક અને ભાષા દરેક પ્રદેશની આગવી હોય, એને કોઈ ધર્મ-જાતિ કે જ્ઞાાતિ સાથે કોઈ લેવા-દેવા નથી. અગાઉના જમાનામાં આ ઉક્તિ સાચી હતી. એ જમાનામાં લોકો બળદગાડામાં મુસાફરી કરતા હતા એટલે એક ઠેકાણેથી કોઈ પાક બીજા શહેર કે ગામ લઈ જવો હોય તો અઠવાડિયાઓની મુસાફરી કરવી પડતી હતી. ત્યારે એક પ્રદેશનું અનાજ, ફળ, શાકભાજી વગેરે બીજા પ્રદેશમાં ભાગ્યે જ પહોંચતા. એ વખતે દરેક પ્રદેશના લોકો પોતાને ત્યાં થતા શાકભાજી, અનાજ, તેલીબિયાં વગેરેથી પોતાનું ભોજન બનાવી લેતા હતા. ઉત્તર ભારતમાં ઘઉં વધારે થતા એટલે ત્યાં ઘઉંની જ વાનગીઓ વધારે બનતી અને દક્ષિણ ભારતમાં ચોખા વધારે થતા એટલે ત્યાં ચોખાની જ વાનગીઓ વધારે બનતી. આપણે ત્યાં ઘઉં ચોખા બંનેની ખેતી સારી થતી હતી, એટલે આપણા ભોજનમાં ઘઉં અને ચોખા બંને લેવામાં આવતા.

 

આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. દક્ષિણના ફળ અને અનાજ ગણતરીના દિવસોમાં કાશ્મીર સુધી પહોંચે છે અને કાશ્મીરના સફરજન ગણતરીના દિવસોમાં કન્યાકુમારી સુધી પહોંચી જાય છે. આ સ્થિતિમાં હવે ખોરાક જેતે પ્રદેશનો નથી રહ્યો. હા, પરંપરામાં માનનારા લોકો હજી પોતાના પ્રદેશના ખોરાકને જ વળગી રહેવાનું પસંદ કરે છે, પરંતુ ખોરાકના નિષ્ણાતો કહે છે કે હવે માણસ ગ્લોબલ બન્યો છે, કોઈપણ નોકરી, વ્યવસાય વગેરેમાં હરીફાઈ તીવ્ર બની છે, ત્યારે દરેક સ્ત્રી-પુરુષે સૌથી વધારે ફિટ રહેવું ફરજિયાત બની ગયું છે.

 

ન્યૂટ્રીશન(પોષણ)ના નિષ્ણાતોએ સાબિત કર્યું છે કે આપણામાં શ્રેષ્ઠ કૌશલ વિકસાવવું હોય તો શરીરને જરૂરી બધા જ પોષકતત્ત્વો આપણા ખોરાકમાં સામેલ કરવા જરૂરી છે. દરેક પોષકતત્ત્વ આપણા બુદ્ધિ અને કૌશલના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ સંજોગોમાં કોઈપણ વ્યક્તિ પોતાના જ પ્રદેશના ખોરાકને વળગી રહેવાનું વલણ અપનાવે તો એ પોતાનું જ નુકસાન કરી બેેસે એ દેખીતી વાત છે. પોષણ-નિષ્ણાતોએ વિવિધ રાજ્યોના પારંપરિક ખોરાકનો અભ્યાસ કરીને એમાં રહેલી ખૂબીઓ અને ખામીઓ ઉજાગર કરી છે. જેમ કે તામિલનાડુના ખોરાકમાં સાંબર વિવિધ શાક ધરાવતું હોવાથી ભરપૂર ખનિજ અને રેસા મળી રહે છે. રાતનો ખોરાક હળવો હોવાથી પાચન સરળતાથી થઈ જાય છે. પરંતુ એમાં ભાતનું વધારે પ્રમાણ હોવાથી લોહીમાં શુગરનું લેવલ ઊંચું રહે છે. ફ્રૂટ મોટેભાગે ગેરહાજર રહે છે.

 

રાજસ્થાનના પારંપરિક ખોરાકમાં દૂધનું પ્રમાણ સારું રહેવાથી કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન-ડી જેવું પોષણ ભરપૂર મળે છે, પરંતુ એમાં ફળ ભાગ્યે જ હોવાથી કુદરતી ખનિજ, રેસા અને વિટામિન્સ પોષણ મળતું નથી. શાકભાજી ખૂબ ઓછાં હોય છે અને પાંદડાવાળી ભાજી નહિવત હોય છે તેથી ખનિજ અને રેસાની ખોટ રહે છે.

 

પંજાબી પારંપરિક ખોરાકમાં દૂધ અને દૂધની વાનગીઓ ખૂબ વપરાય એથી પોષણ ખૂબ સારું મળે છે. બંને ટંક દાળ લેવાથી પ્રોટીન પણ ખૂબ મળે છે, પરંતુ અહીંય ફળ અને શાકભાજી નહિવત વપરાય છે. એનું નુકસાન થાય છે. અને ખૂબ તેલ, ખાંડ અને મરચાંવાળા જન્ક ફૂડ પાચન બગાડે છે. ડાયાબિટીસ તથા કોલેસ્ટ્રોલની ભેટ આપે છે.

 

ઉત્તર પ્રદેશમાં બટાકાનો વપરાશ વધારે હોવાથી પોષણ મળે છે, પરંતુ અતિ વપરાશ નુકસાન કરે છે. ચિકનથી પ્રોટીન ભરપૂર મળી રહે છે, પરંતુ ખૂબ બારીક લોટમાંથી અથવા મેંદામાંથી બનતી રોટલીઓ પાચન બગાડે છે. લીલાં શાકભાજી અહીં પણ ખૂબ ઓછાં હોય છે. ફળ ખૂબ જ ઓછાં ખવાય છે.

 

આપણા ગુજરાતના પારંપરિક ખોરાકમાં દાળનું પ્રમાણ સારું હોવાથી પ્રોટીન ભરપૂર મળી રહે છે. શાકાહારના કારણે ડાયાબિટીસ અને હાઈપરટેન્શન થવાના ચાન્સ ઓછાં થઈ જાય છે, પરંતુ આપણો સવારનો નાસ્તો અપૂરતો હોવાથી શરીરને વધારે ઘસારો પડે છે. લીલાં પાંદડાવાળા શાકભાજી વધારે ન હોવાથી ખનિજતત્ત્વોમાં પણ ઊણપ રહી જાય છે.

 

દરેક પ્રાદેશિક ખોરાકમાં કોઈક ખામી રહી જાય છે. કારણ કે એ પરંપરા અને આસપાસ મળી રહેતા ખાધ્યપદાર્થોના આધારે રૂઢ થયો છે. એમાં પોષણ વિજ્ઞાાનનું સો ટકા ધ્યાન રાખવાની દરકાર નથી.

 

પોષણવિજ્ઞાાનની આંટીઘૂંટીમાં પડવાની જરૂર નથી, આપણા કયા ખોરાકમાં કયું પોષણ છે એ સમજી લઈએ તો આપોઆપ સમજાઈ જાય કે શું ખાસ ખાવું જોઈએ. જેમકે શાકભાજી વિટામિન્સ અને ખનિજ તત્ત્વો આપે છે. એના રેસા પાચન સરળ બનાવે છે. કાંદા, કાકડી, કોબી, ટામેટાં વગેરેનું સલાડ ખનિજ અને રેસા આપે છે. દરેક ટંકના ખોરાકમાં ૨૫ ટકા સલાડ હોવું જોઈએ. ઘઉંની રોટલી કાર્બોહાઈડ્રેટ આપે છે જેને શરીર ઊર્જા મેળવવામાં વાપરે છે. એને એક જ ટંક ખાવી જોઈએ. રોજ જુદા જુદા અનાજની રોટલી ખાવાથી પોષણ અને પાચન બંનેમાં લાભ થાય છે. પાપડ પાચનના રેસાઓ આપે છે. એને મર્યાદામાં જ ખાવા. ફળોમાં શરીરનો કચરો સાફ કરનાર એન્ટી ઓક્સિડેન્ટ્સ હોય છે. એટલે સીઝન પ્રમાણે બદલતા રહી રોજનું એક ફળ જરૂર ખાવું જોઈએ.

 

લીલાં પાંદડાવાળી ભાજીમાં ભરપૂર ખનિજ તત્ત્વોએ અને લોહતત્ત્વો હોય છે. બીજા સૂક્ષ્મ પોષણતત્ત્વો હોય છે એટલે અઠવાડિયે ઓછામાં ઓછું બે વખત ભાજી ખાવી જોઈએ. લીલાં ધાણા અને ફુદીનાની ચટણી વિટામિનથી ભરપૂર હોય છે. એ રોજ થોડીક લેવી જોઈએ. ચોખા શર્કરા આપે છે જેમાંથી શરીર ઊર્જા બનાવે છે. એ પણ ભોજનના આઠમા ભાગથી વધારે ન ખાવા જોઈએ. દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે. એ રોજ બે ટંક ખાવી જોઈએ. દહીંમાં પાચનને ઉપયોગી બેક્ટેરિયા હોય છે. એ રોજ નાની વાટકી ખાવું લાભદાયક છે. આ ઉપરાંત રોજ છથી આઠ ગ્લાસ પાણી થોડી થોડી મિનિટે એક એક ઘૂંટ કરી પીવું જોઈએ. બસ, શરીર ફિટ અને થનગનતું રહેશે. રોગ આંટાફેરા કરીને જતા રહેશે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou86utefkKTxEczuesr9rwY%2B3ijnz__NOjei97YyN7ugA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment