Sunday 29 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પક્ષપાત (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પક્ષપાત!
સ્પર્ધકની કૃતિ-છાયા સોમૈયા

'મોમ! આ શુભમ જોને મને ટી.વી. નથી જોવા દેતો.' શુભમના હાથમાંથી રિમોટ ઝૂંટવવાની કોશિશ કરતાં અમાયરા બોલી, ત્યાં જ નેહલનો ઘાંટો સંભળાયો.

 

"શું છે શુભમ? નાની બેનને હેરાન કરે છે? આપી દે એને રિમોટ!

 

"પણ મોમ, મેચની લાસ્ટ ઓવર છે. બહુ ઈન્ટ્રેસ્ટિંગ છે. જોઈને આપું છું ને! શુભમે જવાબ આપ્યો.

 

"આપે છે કે નહીં? નેહલ તાડૂકી ઊઠી.

 

અમાયરા વિજયી મુદ્રાથી રિમોટ લઈને ટી.વી. પર એનો ફેવરિટ પ્રોગ્રામ જોવા લાગી.

 

શુભમ માટે આ રોજનું થઈ ગયું હતું. એને વિચાર આવતો હતો કે 'અમાયરાની બધી જીદ પૂરી શા માટે કરવાની? શા માટે એની કોઈ ઈચ્છાનું મહત્ત્વ જ નથી? અમાયરા એનાથી નાની છે એટલે કે બહેન છે એટલે? કે બંને?' એણે ગુસ્સામાં અમાયરા સામે આંખો કાઢી. અમાયરાનો ફરિયાદી સ્વર પાછો નેહલના કાને પડ્યો. ઘરના, રસોઈના કામના ભારણથી કંટાળેલી નેહલે કિચનમાંથી આવીને શુભમને કચકચાવીને લાફો મારી દીધો. શુભમ ધ્રૂજી ઊઠ્યો. એની આંખોમાં આંસુ તગતગી ઊઠ્યા. ગાલ પર સોળ ઊઠી આવ્યા. પણ એ સામે જોવાની નેહલને ફુરસદ નહોતી. ક્ષિતિજના આવવાનો સમય થઈ ગયો હતો, ને રોસઈના ઠેકાણા નહોતા. એ ઝડપથી રસોડામાં ગઈ ને કામમાં પરોવાઈ ગઈ. શુભમ ચૂપચાપ બહાર જતો રહ્યો.

 

કહેવા માટે તો એ કુટુંબનો કુળદીપક હતો. પ્રથમ સંતાન પુત્ર હોય એ તો સામાજિક માન્યતા પ્રમાણે સ્ત્રી માટે અત્યંત આનંદની વાત હોય, પણ કહેવાય છે ને કે 'સહેલાઈથી મળેલી ખુશીની કિંમત કોઈ વાર ઓછી થઈ જાય છે. એ ન્યાયે નેહલને પણ શુભમનો જન્મ થયો ત્યારે ખુશી તો થઈ હતી, પણ એના માટે એણે એના ભાગ્યને વધુ ક્રેડિટ આપી હતી. 'પોતે નસીબદાર છે અને બધું સારું જ ડીઝર્વ કરે છે,' એવી મગરૂરીને લીધે એણે શુભમને 'ટેકન ફોર ગ્રાન્ટેડ' ગણ્યો. વધુ લાડ લડાવવાથી બગડી જાય એવી માન્યતા અને સંસ્કાર, રીતભાત, અનુશાસનના પાઠ ભણાવવાના ચકકરમાં શુભમની નિર્દોષ, બાળસહજ મસ્તી પર કાપ મુકાઈ જતો. નાનું ઘર, સંયુકત કુટુંબ, મહેમાનોની અવરજવરને લીધે વ્યસ્ત રહેતી નેહલ પાછી નોકરી પણ કરતી હતી, એનાથી શુભમને વધુ સમય આપવાનું, એનું પૂરતું ધ્યાન રાખવાનું શક્ય નહોતું બનતું. ઘરમાં સહુથી નાનો હોવાને લીધે બધાનો લાડકો તો હતો, પણ બધાએ એને પોતાની મરજી થોપવાનું સાધન બનાવી દીધો હતો. દાદા, દાદી, પપ્પા, મમ્મી, ફોઈ બધાં તેને પોતપોતાની રીતે ટોક્યા કરતાં.

 

આમને આમ પાંચ વર્ષ વિતી ગયા. નેહલને ફરી સારા દિવસો રહ્યા. પ્રેગ્નન્સી દરમિયાન જ તેને નોકરીમાં પ્રમોશનની તક મળી. ક્ષિતિજનો બિઝનેસ પણ ઉત્તરોત્તર જામતો જતો હતો. આમ જુઓ તો આ પ્રગતિ એ લોકોની વર્ષોની મહેનતના પરિણામે હતી, પણ એમણે એનું શ્રેય આવનાર બાળકને આપ્યું. એમાંય અમાયરાનો જન્મ થયો બુધવારના દિવસે. સગાં-વ્હાલાઓ એમની માન્યતા પ્રમાણે બોલવા લાગ્યા, 'બુધવાર બેટી, પૈસાની પેટી. અર્થાત્ બુધવારે દીકરીનો જન્મ થાય તો એ દીકરી આર્થિક ઉન્નતિના દ્વાર ખોલીને આવે છે.' એવી માન્યતા છે. બસ, પછી તો જોઈતું તુ જ શું? બધા અમાયરા પર ઓવારી ગયા. એમાંય અમાયરા નાજુક નમણી હતી અને નાનપણથી સાજીમાંદી રહેતી હતી, તેથી એનું વિશેષ ધ્યાન રખાતું. નાની નાની વાતે જીદ કરીને કે રડીને ધાર્યું કરાવવાની અમાયરાની પ્રકૃતિ થઈ ગઈ અને ઘરમાં એનું જ ધાર્યું કરવાની બધાને ટેવ પડી ગઈ. શુભમ પણ આ વ્યવસ્થાનો જ એક ભાગ બની ગયો. હવે શુભમને બધું કોઠે પડવા લાગ્યું. એ જલદીથી રડતો નહીં કે કજિયા કરતો નહિ, તેથી ઘરમાં તેની મરજીની, પસંદ નાપસંદની નોંધ બહુ લેવાઈ જ નહિ. પરિણામે અમાયરા સ્વકેન્દ્રી, ઉચ્છં્રખલ થતી ગઈ અને શુભમ શાંત, આજ્ઞાંકિત.

 

નેહલના દૂરના મામાના કિસ્સાએ આ વ્યવસ્થામાં વધુ વમળો સર્જ્યો. નેહલના મામા-મામીને એમના એકના એક દીકરાએ ઘરમાંથી કાઢી મૂક્યા. વૃદ્ધાશ્રમ સિવાય એમને કોઈ આરો ન રહ્યો. જીવતે જીવ બધું દીકરાને આપી દેવાની મૂર્ખાઈ હજી ઘણાં માતાપિતા કરે છે અને પસ્તાય છે. આમના કિસ્સામાં પણ આવું જ થયું. જે સમાજની જિંદગી આખી પરવા કરીને આપણે જીવનના અગત્યના નિર્ણયો લઈએ છીએ, તે જ સમાજ આવા વખતે કામ ન આવ્યો. લાગતા વળગતાંઓએ મામા-મામીને દીકરાને બધું આપી દેવા બદલ કોસ્યા, પણ મા-બાપને ધુત્કારનારા દીકરા સાથે સંબંધો યથાવત્ રાખ્યા. મામા-મામી વૃદ્ધાશ્રમમાં દિવસો વિતાવવા તૈયાર થયા, ત્યાં જ બહારગામ રહેતી તેમની પરિણીત દીકરીને બધી ખબર પડી. તે તરત તેના પતિને લઈને પોતાના મા-બાપ પાસે ગઈ. ભાઈને સમજાવ્યો. ભાઈ ન માન્યો તો પોતાના ઘરે લઈ ગઈ અને એમને પ્રેમથી રાખ્યા. આ કિસ્સાએ નેહલને અપસેટ કરી દીધી. આમ પણ તે વર્ષોથી સાંભળતી આવી હતી કે 'દીકરીને માબાપ પ્રત્યે વધારે લાગણી હોય છે. દીકરા પરણીને બદલાઈ જાય છે.' એમાંયે એક કહેવાતા સમજસેવિકાએ મમરો મૂક્યો, "બહુ દીકરો દીકરો નહિ કરવાનું, દીકરી જ તને રાખશે.

 

આજકાલ તો દીકરીના ગુણગાન ગાવાની જાણે ફેશન થઈ ગઈ છે, એમ કરીને બહુ ફોરવર્ડ અને બ્રોડ માઈન્ડેડ ગણાવાની હોડ લાગી છે. નેહલ પણ જાણ્યે અજાણ્યે આ ટ્રેન્ડની અસરમાં આવી ગઈ, અમાયરાને પ્રિન્સેસ પ્રિન્સેસ કહીને એની આગળ પાછળ ફરતી વખતે શુભમને પ્રિન્સ તો શું, બેટા કહીને વ્હાલથી બોલાવવાનું પણ રહી જતું. શુભમને સાચવવો નહોતો પડતો, પણ સચવાઈ જતો હતો. જોઈતા માર્ગદર્શન અને પીઠબળને અભાવે શુભમ અભ્યાસમાં એવરેજ રહ્યો અને અમાયરા અભ્યાસમાં વધુ સારો દેખાવ કરતી. જાણ્યે અજાણ્યે પક્ષપાત વધતો ગયો. શુભમે મોટાભાઈ હોવાને લીધે ભોગ આપવો પડતો, આમ ને આમ વર્ષો વિતી ગયા. શુભમ કોમર્સ ગ્રેજ્યુએટ થઈને નોકરીએ લાગી ગયો. અમાયરા એન્જિનિયરીંગની ડિગ્રી લઈ, ઊચ્ચ અભ્યાસ માટે અમેરિકા જવા માટે પ્લાન કરવા લાગી. ગજા ઉપરવટ ખર્ચ કરીને નેહલ ક્ષિતિજે અમાયરાને ભણાવી. લોન લઈને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલી.

 

મનોમન એક વાતનું રટણ નેહલથી વારંવાર થઈ જતું. 'દીકરી જ પ્રેમથી રાખશે. દીકરીનો મા-બાપ માટે લાગણીય હોય એટલી કોઈને ન હોય.' આવી માન્યતા હેઠળ એણે દીકરીના ઉચ્છં્રખલ, સ્વકેન્દ્રી વર્તનને વણદેખ્યું કર્યંુ. વાતે વાતે, ક્યારેક તો બહારનાની સામે પણ અમાયરા નેહલને ઉતારી પાડતી, પણ નેહલ તેને ટોકવાને બદલે કોઈક રીતે વાળી લેતી. અમાયરાનો એટિટ્યુડ વધતો ગયો. અમેરિકા જઈને પણ એની માગણીઓ ચાલુ રહી. નેહલ અને ક્ષિતિજનો આવકનો બચતનો ઘણો ભાગ વપરાઈ ગયો હતો. લોન ભરપાઈ પણ બાકી હતી. હવે નેહલને સમજાવા લાગ્યું. 'પાઘડીનો વળ છેડે' કહેવત અનુસાર હવે આર્થિક સંકડામણ જણાવા લાગી. અમાયરાને અભ્યાસ પછી જોબ મળી ગયો હતો, પણ દીકરીને ઘર પ્રત્યે કંઈ જવાબદારી હોય છે, એવું એ નાનપણથી શીખી જ નહોતી. ઊલ્ટાનું એને જે મળ્યું તે ઓછું લાગતું હતું.

 

શુભમ આ બધું જોતો સમજતો હતો, તેણે માબાપને સધિયારો આપ્યો. બીજો પાર્ટટાઈમ જોબ કરીને, તનતોડ મહેનત કરીને ખર્ચાને પહોંચી વળવા કોશિશ કરવા લાગ્યો. એની ઑફિસમાં જ એને શ્રેયાનો પરિચય થયો. મધ્યમ વર્ગીય સમજુ શ્રેયા સાથે તે સાદાઈથી પરણી ગયો. શ્રેયાએ પ્રેમાળ વર્તનથી નેહલનું માનસ બદલી નાખ્યું. શુભમ ઘણી વાર માબાપનું પક્ષપાતી વલણ યાદ કરી અકળાઈ જતો. શ્રેયાએ એને શાંતિથી સમજાવ્યો. 'જે થયું એમાં કોનો વાંક? "અમાયરાનો? "ના, ના એ તો બાળપણથી એનો જે રીતે ઉછેર થયો હતો એમ જ વર્તતી હતી.

 

"તો પછી મોમનો? "મા થઈને તે કેમ ગણતરીબાજ અને પ્રોટેક્ટિવ બની ગઈ હતી?

 

"ના શુભમ... આમાં મમ્મીનો પણ વાંક નથી, એ તો આસપાસનું વાતાવરણ અને સામાજિક વિચારસરણીથી પ્રભાવિત થઈને આવું કરી રહ્યાં હતંા.

 

"તો પછી સમાજનો?

 

"ના શુભમ. સમાજ તો બધી બાજુ બોલવાનો.

 

શ્રેયાએ ઉમેર્યંુ, 'સાચી સમજ આપણે કેળવવાની છે.'

 

'દીકરો હોય કે દીકરી, છે તો આપણું જ સંતાન ને.

 

'દીકરા જ સારા કે દીકરી જ લાગણીવાળી' એ માન્યતા જ ભૂલભરેલી છે. દીકરો અને દીકરી બંને ખાસ છે. ઈશ્ર્વરનું વરદાન છે. એને પ્રેમથી ઉછેરો, એનું જતન કરો, એને કેળવો, સાચું માર્ગદર્શન આપી, જવાબદારીનં ભાન કરાવો. એના મિત્ર થઈને રહો, પછી જુઓ, જીવન કેવું સુખમય બને છે. 'આવી સમજ બધાએ કેળવવી પડશે.

 

કોઈ કામસર ત્યાં આવી ચડેલી નેહલ આ સાંભળી શ્રૈયાને અહોભાવથી જોઈ જ રહી.

 

"શ્રેયા પણ કોઈની દીકરી જ છે ને! એણે વિચાર્યું, પછી શ્રેયાને બાથમાં લેતાં બોલી, 'દીકરી વ્હાલનો દરિયો એ માન્યતા સાચી છે, પછી ભલેને એ દીકરી હોય કે દીકરી જેવી વહુ હોય, શું ફરક પડે છે?

 

"અને દીકરો? શુભમ મીઠા રોષથી બોલ્યો.

 

"સુખનો સાગર. વ્હાલથી શુભમને પણ પોતાની પાસે ખેંચતા નેહલ બોલી.

 

અને ત્રણેયના નિર્મળ ખડખડાટ હાસ્યે બધાં પૂર્વગ્રહો ઓગાળી નાખ્યા.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Osz-xAUB6iPVuLEYDPMsHGgnhqJ9r2oRV%2BCmvYEFamqrw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment