Sunday, 29 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ રક્ષણ કે ભક્ષણ? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રક્ષણ કે ભક્ષણ?
રાજીવ પંડિત

છોટે સે બ્રેક કે બાદ, મહારાષ્ટ્રમાં ફરી મરાઠાઓનું અનામત આંદોલન શરૂ થયું છે. લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે ત્યારે જ મરાઠા મેદાનમાં આવ્યા છે ને અનામતની માગ બુલંદ કરી છે. દેશનાં બીજાં રાજ્યોમાં પણ સળવળાટ શરૂ થયો જ છે. ગુજરાતમાં પાટીદારો માટે અનામતની માગ કરતા હાર્દિક પટેલે આવતા મહિનાથી અનામતના સમર્થનમાં આમરણાંત ઉપવાસ શરૂ કરવાનું એલાન કરી દીધું છે.

 

રાજસ્થાનમાં ગુર્જરો પણ સક્રિય થયા છે. રાજસ્થાનમાં ગુર્જરો તો છેક ૨૦૦૮થી અનામતની માગણી કરી રહ્યા છે ને તેમની માગણીમાં અત્યાર લગી બે સરકારો તો શહીદ પણ થઈ ગઈ. હજુ સુધી તેમને અનામત મળી નથી તેથી તેમણે ફરી ઝંડો ઉઠાવ્યો છે. આંધ્ર પ્રદેશમાં કાપુ સમુદાય અનામત માગી રહ્યો છે તો હરિયાણા ને રાજસ્થાનમાં જાટ સમાજે પણ અનામતનો ઝંડો ઉઠાવ્યો છે.

 

આ ઘટનાક્રમના કારણે એવું લાગી રહ્યું છે કે, લોકસભાની ચૂંટણી આવશે ત્યાં લગીમાં તો દેશનાં સંખ્યાબંધ મોટાં રાજ્યોમાં અનામતની માગણી સાથેનાં આંદોલનો ધૂમ મચાવી રહ્યાં હશે ને લોકસભાની ચૂંટણીમાં આ જ મુદ્દો કેન્દ્રસ્થાને હશે. તેનું કારણ એ કે આપણે ત્યાં અનામતનો મુદ્દો સામાજિક ઉત્થાન અને સમાજના કચડાયેલા વર્ગોનું ભલું કરવાનું માધ્યમ ના રહેતાં મતબૅંક ઉસેટવાનો મુદ્દો બની ગયો છે, અનામત હવે સત્તા સુધી પહોંચવાની સીડી છે ને હવે દરેક રાજકીય પક્ષ લોકોને બેવકૂફ બનાવીને સત્તા હાંસલ કરવા તેનો ઉપયોગ કરે છે.

 

આપણે ત્યાં બંધારણીય જોગવાઈ પ્રમાણે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનું પ્રમાણ ૫૦ ટકાથી વધારે ના થવું જોઈએ. અત્યારે આપણે ત્યાં દરેક રાજ્યમાં ને કેન્દ્રમાં પણ અનામતનું જે પ્રમાણ છે તે પચાસ ટકાની આસપાસ છે. ઘણાં રાજ્યોમાં આ પ્રમાણ પચાસ ટકાથી પણ વધારે છે પણ એ રાજ્યોને અપવાદ ગણીએ તો પણ એકંદરે પચાસ ટકાની આસપાસ તો અનામત છે જ.

 

અત્યારે આદિવાસીઓ એટલે કે અનુસૂચિત જનજાતિ (એસ.ટી.) માટે ૭.૫૦ ટકા અનામતની જોગવાઈ છે જ્યારે અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે ૨૭ ટકા અનામત છે. ગુજરાતમાં દલિતો કરતાં આદિવાસીઓ એટલે કે અનુસૂચિત જનજાતિ (એસ.ટી.)ની વસતી લગભગ બમણી છે તેથી આ પ્રમાણ ઊલટું છે. મતલબ કે દલિતો માટે ૭.૫૦ ટકા અને આદિવાસીઓ માટે ૧૫ ટકા અનામતની જોગવાઈ છે. અન્ય પછાત વર્ગ માટે ગુજરાતમાં પણ ૨૭ ટકા અનામત છે.

 

આ સંજોગોમાં કોઈ ગમે તે કહે પણ નવી અનામતની જોગવાઈ શક્ય જ નથી ને છતાં અનામતના ઝંડા લઈને અલગ અલગ જ્ઞાતિઓ ઊભી થઈ જાય છે ને રાજકીય પક્ષો તેમની માગણીને ટેકો પણ આપી દે છે. રાજકીય પક્ષો બંધારણીય રીતે અનામત આપી શકાય તેમ નથી એ નથી જાણતા એવું નથી છતાં રાજકીય પક્ષો આવી માગણીઓને સમર્થન આપે છે ને ધરાર લુચ્ચાઈ કરે છે. સત્તામાં આવ્યા પછી પણ આ ખેલ એ બંધ કરતા નથી ને સાવ ગેરબંધારણીય હોય એવી અનામતની જાહેરાત કરી દે છે. પછી કોર્ટમાં આ અનામતની જાહેરાત ટકતી નથી. રાજકીય પક્ષો એ વખતે હાથ અધ્ધર કરી દે છે.

 

રાજકીય પક્ષોની આ લુચ્ચાઈનો શ્રેષ્ઠ નમૂનો મહારાષ્ટ્રનું મરાઠા અનામત આંદોલન છે. મરાઠા સમાજની અનામતની માગ ૧૯૮૦ના દાયકામાં પહેલી વાર ઊઠેલી. એ વખતે હજુ અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટેની અનામતની જોગવાઈ નહોતી થઈ એ જોતાં એ વખતે એ માગ બુલંદ બની હોત તો કદાચ મળી ગઈ હોત. એ વખતે મરાઠાઓનો દબદબો હતો તેથી સમાજનાં લોકોને તેની બહુ જરૂર નહોતી જણાઈ તેથી આ માગ દબાઈ ગયેલી.

 

૧૯૯૦ના દાયકામાં મહારાષ્ટ્રના રાજકારણમાં નવાં પાત્રો આવ્યાં ને ભાજપ-શિવસેનાના ઉદયના કારણે મરાઠા સમાજનો પ્રભાવ ઘટશે તેવો ડર પેદા થયો પછી અંદરખાને પાછો સળવળાટ શરૂ થયો. મરાઠા મતબૅંક પરંપરાગત રીતે કૉંગ્રેસ સાથે રહી છે તેથી કૉંગ્રેસે મરાઠાઓનો અનામતનો પલીતો ચાંપ્યો. વિલાસરાવ દેશમુખે ૨૦૦૮માં મરાઠાઓ માટે અનામતનો મમરો મૂક્યો. શરદ પવાર કૉંગ્રેસની સંગતમાં હતા ને તેમના ટેકાથી ચાલતી સરકાર હતી તેથી તેમણે આ વાતને ટેકો આપ્યો. પરિણામે કૉંગ્રેસ-એનસીપી સરકારે બેકવર્ડ કમિશન સામે આ દરખાસ્ત મૂકી. જોકે મરાઠા સધ્ધર છે ને તેમને અનામતની જરૂર નથી એવું કારણ ધરી બેકવર્ડ કમિશને એ દરખાસ્ત ફગાવી દીધેલી. કૉંગ્રેસ-એનસીપી સરકારે ૨૦૧૪માં પાછો તેનો ઝંડો ઉપાડ્યો ને તેમના ઈશારે મરાઠા સમાજનો ઓબીસીમાં સમાવેશ કરીને અનામતની માગ ઊભી થઈ. ઓબીસી નેતાઓએ તેની સામે વાંધો લીધો એટલે પછી મરાઠા સમાજ માટે અલગ અનમાતની માગ શરૂ થઈ. આ બધું ગોઠવેલું જ હતું તેથી જેવી માગ ઊઠી કે તરત જ નારાયણ રાણેના નેતૃત્વમાં સર્વે કરવા કમિટી બનાવી દેવાઈ. તેણે તાબડતોબ રિપોર્ટ આપ્યો ને તેના આધારે મહારાષ્ટ્ર સરકારે વિધાનસભાની ચૂંટણીના ચાર મહિના પહેલાં મરાઠા સમાજ માટે ૧૬ ટકા અનામતનો વટહુકમ બહાર પાડી દીધો. જોકે કોર્ટમાં આ વટહુકમ ના ટક્યો. મરાઠા સમાજ પછાત નથી ને આ જોગવાઈથી અનામતનું પ્રમાણ ૫૦ ટકાથી વધી જાય છે તેથી તેને અનામત ના મળે તેમ કહીને હાઈકોર્ટે તેને ફગાવી દીધો. તેની સામે પાછી અરજીઓ થઈ ને અંતિમ ચુકાદો આવવાનો બાકી છે. મહારાષ્ટ્રમાં ૨૦૧૪માં સત્તા પરિવર્તન થયું પછી મરાઠાઓએ આ માગ ફરી બુલંદ બનાવી. તેમને ઠંડા પાડવા માટે દેવેન્દ્ર ફડણવીસ સરકારે પણ મરાઠાઓને ૧૦ ટકા અનામત આપવાની જાહેરાત કરેલી પણ એ પણ કોર્ટમાં ટકી નથી.

 

આ તો એક જ જ્ઞાતિની વાત કરી પણ આંધ્ર પ્રદેશમાં મુસ્લિમો, રાજસ્થાનમાં ગુર્જર, હરિયાણામાં જાટ સમાજ, ગુજરાતમાં પાટીદારો વગેરે બધાંને આ રીતે અનામત આપવાની જાહેરાત કરાઈ છે. આ જાહેરાતો ગેરબંધારણીય છે તેવી ભાજપ, કૉંગ્રેસ કે એનસીપીને ખબર નહોતી એવું નથી છતાં તેમણે લુચ્ચાઈ કરીને આ ખેલ કર્યો. આ ખેલ કરવામાં કોઈ રાજકીય પક્ષ બાકી નથી તેથી કોઈ એકને દોષ આપી શકાય તેમ નથી. આ અનામતને અલગ અલગ નામો અપાયાં પણ સરવાળે વાત એટલી જ છે કે, બંધારણની સાવ અવગણના કરીને અનામત અપાઈ હતી.

 

કમનસીબી એ છે કે, જેમની સાથે છેેતરપિંડી કરાઈ એ લોકો પણ આ વાત સમજતા નથી ને છાસવારે અનામતનો ઝંડો લઈને ઊભા થઈ જાય છે. વાસ્તવમાં લોકોએ સમજવાની જરૂરછે કે, હવે સરકાર દ્વારા કોઈ પણ સમાજને જ્ઞાતિ કે ધર્મના નામે અનામત આપી શકાય એમ નથી. આ સંજોગોમાં જ્ઞાતિના નામે અનામત માગવાનો અર્થ નથી છતાં લોકો એ જ રીતે અનામત માગે છે ને મૂરખ બને છે. અલબત્ત તેની પાછળ પણ કેટલાંક લોકોના સ્વાર્થ તો હોય જ છે. અનામતનો ઝંડો ઊંચકીને એ લોકો પોતાની જ્ઞાતિના મતોના ઠેકેદાર બની જાય છે ને તેના જોરે રાજકીય પક્ષો પાસેથી કાં નાણાં ખંખેરી લે છે કાં ટિકિટ મેળવીને પોતે નેતા બની જાય છે. વાત એકની એક જ છે કે, અનામત રાજકીય મુદ્દો છે ને સત્તાની સીડી ચડવાનું માધ્યમ છે.

 

આ સ્થિતિ બદલવી હોય તો શું કરવું એ સવાલ મહત્ત્વનો છે ને અત્યારે દેશ જે દિશામાં આગળ વધી રહ્યો છે એ જોતાં એ વિચારણા જરૂરી બની ગઈ છે. બાકી તો આ દેશ જ્ઞાતિવાદનાં ચોકઠાંમાં વહેંચાઈ જશે ને લોકોની માનસિકતા પણ કૂવામાંના દેડકા જેવી થઈ જશે.

 

આ સ્થિતિનો ઉકેલ અનામત નીતિની ફેરવિચારણા કરીને તેમાં ફેરફાર કરવો એ છે. અત્યારે જ્ઞાતિ આધારિત અનામત છે તેના બદલે આર્થિક માપદંડો આધારિત અનામત દાખલ કરવી જોઈએ. એ માપદંડો એસસી, એસટી અને ઓબીસીને પણ લાગુ થવા જોઈએ. તેના માટે અનામતનું પ્રમાણ બદલવાની જરૂર નથી પણ માપદંડો બદલવાની જરૂર છે. ૧૯૯૦ના દાયકામાં ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આ વાત હતી. એ વખતે ભાજપ જ્ઞાતિવાદી અનામત પ્રથાના બદલે આર્થિક ધોરણે અનામતની તરફદારી કરતો જ હતો પણ મંડલની આંધીમાં મુલાયમસિંહ ને લાલુ પ્રસાદ યાદવ જેવા લોકો રાતોરાત મોટા નેતા થઈ ગયા પછી ભાજપે એ વાત બાજુ પર મૂકી દીધેલી. ભાજપને ડર લાગ્યો કે આ માહોલમાં આપણે ઈબીસીની પિપૂડી વગાડવા જઈશું તો પતી જઈશું એટલે ભાજપે નહીં બોલ્યામાં નવ ગુણ સમજીને એ વાતને ભુલાવી જ દીધી.

 

આ વાતને હવે પાછી ઉખેળવી પડે ને શરૂઆત ઓબીસી અનામતમાં સમીક્ષાથી થવી જોઈએ. આપણે ત્યાં રાજકારણીઓએ મતબૅંકની લ્હાયમાં ને લ્હાયમાં જેને ને તેને ઓબીસી અનામતનો લાભ આપી દીધો. તેના કારણે ઓબીસી અનામતમાં અત્યારે ઘણી જ્ઞાતિઓ એવી છે કે જેમને અનામતની જરૂર જ નથી. આ જ્ઞાતિઓ સામાજિક રીતે પછાત ગણાતી નથી ને બ્રાહ્મણ, વાણિયા વગેરે સવર્ણ ગણાતી જ્ઞાતિઓની સાથે તેમના સામાજિક સંબંધો છે. યોગ્ય સર્વે ને યોગ્ય પ્રક્રિયા પછી આ જ્ઞાતિઓને અનામતનો લાભ આપવો બંધ કરવો જોઈએ. તેના કારણે અન્ય પછાત વર્ગમાં જે લોકોને ખરેખર જરૂર છે તેમને અનામતનો લાભ મળશે. ઓબીસીમાં જ સમાજના તમામ વર્ગનાં લોકો માટે ઈબીસી એટલે કે આર્થિક રીતે પછાત વર્ગની કેટેગરી ઊભી કરવી જોઈએ. તેના કારણે તમામને લાભ મળશે ને બંધારણીય જોગવાઈનો ભંગ પણ નહીં થાય.

 

આદિવાસીઓ અને દલિતો માટેની અનામતની જે જોગવાઈ છે તેમાં પણ ફેરફારની જરૂર છે. આદિવાસીઓ અને દલિતોમાં પણ અનામતનો લાભ લઈને ધીંગો થયેલો વર્ગ છે. સુપ્રીમ કોર્ટે તેમને માટે ક્રીમી લેયર શબ્દ વાપર્યો છે. સરળ ભાષામાં તેમને ખાઈબદેલા કહી શકાય. આ ખાઈબદેલા આદિવાસીઓ અને દલિતોને અનામત પ્રથાનો લાભ મળતો બંધ થવો જોઈએ. તેના બદલે સાવ છેવાડાના ગરીબ આદિવાસી અને દલિતને તેનો લાભ મળતો થાય એવા નિયમો બનાવવા પડે.

 

મોદી કેબિનેટે બેકવર્ડ ક્લાસ કમિશનનું પડીકું કરી નાંખી તેના બદલે નેશનલ સોશિયલ, ઈકોનોમિક બેકવર્ડ ક્લાસ (એનએસઈબીસી) કમિશન નામે નવું કમિશન બનાવ્યું ત્યારે આશા જાગેલી કે આ દિશામાં કશુંક નક્કર થશે. હદ સુધી કશું થયું નથી પણ એ કરવાની જરૂર છે ને તો જ અનામતનો સાચો ઉદ્દેશ સરશે.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot3PnQuU5yuBnPWrR-tsh6aX1scTVVUdc8p%2BA%3DG5J7hMA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment