Monday, 30 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સન્ડે મોર્નિંગ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઝંઝાવાતી ક્ષણોમાં તોતિંગ વાવાઝોડાંઓનો સામનો કરતાં કરતાં!
સન્ડે મોર્નિંગ-સૌરભ શાહ

ચાલતાં ચાલતાં થાકી જવાય, શ્ર્વાસ ફૂલી જાય અને પગમાં આંટી વળે ત્યારે આત્મવિશ્ર્વાસની કમી મહેસૂસ થતી હોય છે. આવા સમયે કોઈના સહારાની જરૂર પડતી હોય છે. કોઈ વ્યક્તિના સહારાની કે પછી કોઈ વિચારના સહારાની. બેઉ પ્રકારના સહારાનું પોતપોતાની રીતે આગવું મહત્ત્વ છે. તમારી તબિયતને જે રાસ આવે એવો સહારો શોધી લેવાનો. તમારી તબિયતને વિચારનો સહારો જો માફક આવતો હોય તો અડધી સદી પહેલાં રચાયેલું હિંદી સિનેમાનું એક ગીત મોજૂદ છે. ઘણી વાર તમે સાંભળ્યું હશે પણ કદાચ આ અંતરા સુધી તમે નહીં પહોંચ્યા હો અને જો પહોંચ્યા હશો તો શક્ય છે કે એમાંના આ ત્રણ શબ્દો તમારા હૃદયના ઊંડાણ સુધી ખૂંપી નહીં ગયા હોય. કયા ત્રણ શબ્દો?
કહું છું.

પણ એ પહેલાં એ ગીતનું જરા બૅકગ્રાઉન્ડ બાંધી લઈએ. એક સમો બાંધીએ. દેવ આનંદની 'ગાઈડ' ફિલ્મ શરૂ થાય છે અને ટાઈટલ્સ પડે છે ત્યારે લગભગ છ મિનિટ સુધી આ ગીત ગવાય છે. જેલના વિશાળ દરવાજામાંથી દેવઆનંદ બહાર નીકળે છે અને ક્યાં જવું એની મૂંઝવણને વાચા આપતું ગીત શરૂ થાય છે: વહાં કૌન હૈ તેરા, મુસાફિર, જાએગા કહાં. દમ લે લે ઘડીભર યે છૈંયા, પાએગા કહાં. એસ. ડી. બર્મનનું સંગીત અને એમનો જ કંઠ, શૈલેન્દ્રના શબ્દો.

પછીના બે અંતરા સરસ છે, પણ આજના આપણા વિષય માટે અપ્રસ્તુત છે. ચોથા અંતરાનું પણ એવું જ છે. કામ આપણને આ ત્રીજા અંતરાનું છે:

તૂને તો સબકો રાહ બતાઈ,

તૂ અપની મંઝિલ ક્યોં ભૂલા.

સુલઝા કે રાજા ઔરોં કી ઉલઝન

કયોં કચ્ચે ધાગોં મેં ઝૂલા

કયોં નાચે સપેરા

મુસાફિર, જાયેગા કહાં...

ઘણી વખત આપણે પોતે જ ભૂલી જતા હોઈએ છીએ કે આપણું ટિમ્બર કયું છે, કઈ માટીમાંથી આપણે બન્યા છીએ. એક લાંબી જિંદગી જિવાઈ ગઈ છે અને બીજી એટલી જ લાંબી જિંદગી જીવવા માટેની આતુરતા છે. તમે માત્ર તમારી જ ડિફિકલ્ટીઝ સોલ્વ નથી કરી. તમારી ખુલ્લી કિતાબ વાંચીને બીજા કંઈ કેટલાય લોકોએ પોતાની સમસ્યાઓ સુલઝાવી છે, પણ કોઈ કોઈ વખત જીવનમાં એવો સમય આવી જતો હોય છે, જ્યારે આપણે પોતે બીજાઓને આપેલી શિખામણોનું, સલાહોનું, સૂચનોનું પાલન આપણી જિંદગીમાં, આપણા પોતાના માટે કરવાનું હોય. પણ આવું કરવાનું આપણે ચૂકી જઈએ છીએ. ત્યારે કોઈ યાદ કરાવે છે કે સોલ્યુશન તો ઑલ્રેડી તમારી પાસે જ છે. બીજે ક્યાંય શોધવા જવાની જરૂર જ ક્યાં છે.

 

પણ એ કાચી પળોમાં ઘડીભર આપણે આપણો ભૂતકાળ ભૂલી જતા હોઈએ છીએ, ભૂતકાળની સિદ્ધિઓ અને અતીતની એ પ્રચંડ સફળતાઓનાં શિખરોને ભૂલી જઈએ છીએ અને ન કરવાનું કરી બેસીએ છીએ:

શું?

અહીં પેલા ત્રણ શબ્દો આવે છે:

ક્યું નાચે સપેરા?

 

સપેરાનું કામ તો સાપને ડોલાવવાનું હોય. - એની પાસે એ કળા છે, હથોટી છે - હાથવગું સાધન પણ છે, મોરલી. એના સૂર છેડીને એણે સાપને નચાવવાનો છે, એણે પોતે નથી નાચવાનું.

 

કવિ શૈલેન્દ્રે આ ત્રણ શબ્દોમાં ખૂબ મોટી ફિલસૂફી મૂકી દીધી છે, એક આખું શાસ્ત્ર લખી નાખ્યું છે. આપણું જે કામ છે તે છોડીને, આપણે જ્યારે આત્મવિશ્ર્વાસ ગુમાવીને, આપણામાંની શ્રદ્ધા ગુમાવીને ભટકી જઈએ છીએ ત્યારે કુદરતને અન્યાય કરી બેસીએ છીએ. કુદરતે તમને સાપ નથી બનાવ્યા. તમને સપેરાની જિમ્મેદારી સોંપી છે.

 

એ માટેની આવડત તમને આપી છે. એવી સત્તા, એટલો અનુભવ તમારી પાસે છે. એ બધું જ રખડાવીને તમે ડેસ્પરેટ બનીને બીજાની શરણાગતિ સ્વીકારી લો છો ત્યારે તમને જ નહીં, કુદરતને પણ અન્યાય કરો છો, તમારી જિંદગી વેડફી દો છો.

 

ઝંઝાવાતની ક્ષણોમાં, તોતિંગ વાવાઝોડાંઓનો સામનો કરતાં કરતાં જોે તમે તમારું ટિમ્બર ભૂલીને બહાવરા બની જતા હો ત્યારે સ્હેજ સ્વસ્થ થઈને, જાતને સંભાળીને તમારે અરીસામાં જોઈને પૂછી લેવાનું: ક્યોં નાચે સપેરા?




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov_ap0D4OxYDQTUZrQeyy-m3MniuVEdiE7OGK0HMUYFFA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment